You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામિયા વિવાદ : પ્રદર્શનમાં હિંસા મામલે દસની ધરપકડ, આજે સુપ્રીમમાં સુનાવણી
નાગરિકતા સંશોધન કાયદા સામે ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોની આગ રવિવારે રાજધાની દિલ્હી સુધી પહોંચી હતી. જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોએ વિરોધપ્રદર્શન કર્યું જે દરમિયાન હિંસા ફાટી નીકળી અને પોલીસ તથા વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણ પણ થયું.
આ મામલે મંગળવારે દિલ્હી પોલીસ દ્વારા દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે એવું સમાચાર એજન્સી એએનઆઈનું કહેવું છે.
જામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઘટેલી હિંસાની ઘટનાઓ મામલે સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી હતી.
પરંતુ સર્વોચ્ચ અદાલતે હિંસક ઘટનાઓની વચ્ચે દખલ દેવાનો ઇન્કાર કર્યો હતો, હવે આ અંગે આજે સુનાવણી થશે.
પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી વિદ્યાર્થીઓ જામિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા.
સોમવારે સાંજે કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા કૉંગ્રેસના નેતાઓ સાથે ઇન્ડિયા ગેટ ખાતે બે કલાકનાં ધરણાં પર બેઠાં હતાં. પ્રિયંકાએ કહ્યું, 'દેશના બંધારણ ઉપર પ્રહાર થઈ રહ્યો છે, અમે વિદ્યાર્થીઓ સાથે છીએ અને ક્રૂર સરકાર સામેની લડત ચાલુ રાખીશું.'
પ્રિયંકાએ દરેક દેશવાસીને આ કાયદાની વિરુદ્ધ લડવા માટે આહ્વાન કર્યું હતું.
સોનિયા ગાંધીનું નિવેદન
કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ નિવેદન બહાર પાડીને CAA બાદ ઊભી થયેલી સ્થિતિ પર પ્રતિક્રિયા આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાંધીએ મોદી સરકારને 'વિભાજન તથા હિંસાની માતા' ગણાવી હતી. તેમણે સરકારની ઉપર ધાર્મિક ઉન્માદ ફેલાવીને રાજકીય રોટલા શેકવાનો આરોપ મૂક્યો હતો.
ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પૂર્વોત્તરની યાત્રા ખેડવા પણ પડકાર ફેંક્યો હતો.
આ પહેલાં દેશભરમાં થઈ રહેલાં હિંસક વિરોધ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું અને લખ્યું :
"ડિબેટ, ચર્ચા તથા અલગ મત એ લોકશાહીના મહત્ત્વપૂર્ણ ઘટક છે, પરંતુ જાહેરસંપત્તિને નુકસાન તથા જનજીવનને અસર પહોંચે તે આપણાં મૂલ્યો વિરુદ્ધ છે. CAA વિરુદ્ધના દેખાવો કમનસીબ તથા પીડાદાયક છે."
તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું, "આ સમય શાંતિ, એકતા અને બંધુત્વ જાળવવાનો સમય છે."
નરેન્દ્ર મોદીએ અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરી હતી.
મીડિયા સાથે ગેરવર્તણૂક
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી હિંસા વિવાદને કવર કરવા માટે પહોંચેલા પત્રકારો સાથે કેટલાક શખ્સો દ્વારા ગેરવર્તણૂકની ઘટનાઓ નોંધાઈ હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈના કૅમેરામૅન સાથે મારઝૂડ કરવામાં આવી હતી, જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સિવાય ખાનગી ચેનલ એબીપી ન્યૂઝનાં મહિલા પત્રકાર સાથે કેટલાક દેખાવકારોએ ગેરવર્તણૂક કરી હતી.
જે સમયે આ ઘટના ઘટી, તે સમયે લાઇવ ટેલિકાસ્ટ ચાલુ હતું, જેના કારણે સમગ્ર પ્રકરણ કૅમેરામાં કેદ થઈ ગયું હતું.
પોલીસ વિરુદ્ધ જામિયા પ્રશાસન
જામિયાનાં વાઇસ ચાન્સેલર નજમા અખ્તરે પત્રકારપરિષદમાં જણાવ્યું છે કે યુનિવર્સિટી પોલીસના કૅમ્પસમાં પ્રવેશ મામલે એફઆઈઆર નોંધાવશે.
દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી એમ. એસ. રંધાવાએ સ્વીકાર્યું હતું કે પોલીસ યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશી હતી.
રંધાવાના કહેવા પ્રમાણે, "કેટલાક હુલ્લડખોરોને નસાડવાના હેતુથી દિલ્હી પોલીસ અંદર પ્રવેશી હતી."
"તેમની ઉપર પથ્થર, ટ્યૂબ તથા બલ્બ ફેંકવામાં આવ્યાં હતાં. આ અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે."
રંધાવાએ લોકોને અફવા ઉપર ધ્યાન નહીં આપવા તથા સાવધ રહેવા અપીલ કરી હતી.
પોલીસ દ્વારા ગોળીબારની વાતને નકારી કાઢવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ચાર બસ, 100 જેટલા ટુ-વ્હિલર અને 10 ફોર-વ્હિલરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
દિલ્હી પોલીસના એસીપી (આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) અને ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) રૅન્કના અધિકારીઓ સહિત 30ને ઈજા પહોંચી છે.
જ્યારે 39 પ્રદર્શનકારીને સારવાર અર્થે દાખલ કરાયા હતા.
રવિવારે બપોરે નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં જામિયા મિલિયા ઇસ્લામિયા ખાતે પ્રદર્શનો શરૂ થયાં હતાં અને વિદ્યાર્થીઓ દ્વારા કૂચ કાઢવામાં આવી હતી.
આ દરમિયાન જામિયા મિલિયા ઇસ્લામિયાથી બે કિલોમિટર દૂર ડીટીસીની બસોને આગ લગાડવામાં આવી હતી.
કથિત રીતે આ તોડફોડ પ્રદર્શનકારીઓ દ્વારા કરાઈ હતી.
જોકે જામિયાના વિદ્યાર્થીઓનું કહેવું છે કે હિંસા આચરવાનું કામ અસામાજિક તત્ત્વો દ્વારા કરાયું છે અને વિદ્યાર્થીઓનો કોઈ હાથ નથી.
બીજી તરફ જામિયા પરિસર પાસે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
કલાકો સુધીના ઘર્ષણ બાદ પોલીસે લાઇબ્રેરીમાં ફસાયેલા 100થી વધારે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.
વિદ્યાર્થીઓનું કહેવું હતું કે પોલીસ દરવાજા તોડીને યુનિવર્સિટી અને લાઇબ્રેરીમાં ઘૂસી ગઈ અને અમને માર મારવામાં આવ્યો.
પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અમારા પર પથ્થર વરસાવતા હતા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમે બળપ્રયોગ કર્યો હતો.
આ ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
જામિયાના પરિસરમાંથી પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓની અટકાયતના વિરોધમાં મોડી રાત સુધી દિલ્હી પોલીસ હેડ ક્વાર્ટર્સ બહાર પણ પ્રદર્શનો ચાલ્યાં હતાં અને પ્રદર્શનો બાદ વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
બીજી તરફ યુનિવર્સિટીના સુરક્ષાકર્મીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું.
પોલીસ સામે કાર્યવાહીની માગ
જામિયાનાં વાઇસ ચાન્સેલર નજમા અખ્તરે પત્રકારપરિષદ યોજી હતી.
તેમણે કહ્યું, "યુનિવર્સિટી કૅમ્પસમાં પોલીસના પ્રવેશ મામલે અમે FIR નોંધાવીશું. યુનિવર્સિટી કૅમ્પસમાં ઘણું નુકસાન થયું છે."
"તમે ઇમારતનું ફરી નિર્માણ કરી શકો પણ વિદ્યાર્થીઓ જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે તેનું વળતર ચૂકવી ન શકાય. અમે આ મામલે ઉચ્ચ તપાસની માગ કરીએ છીએ."
"બે વિદ્યાર્થીઓનાં મૃત્યુના દાવા ખોટા છે. અમે આ દાવાઓને ફગાવીએ છીએ. હિંસામાં 200 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાં મોટા ભાગના અમારા વિદ્યાર્થીઓ હતા."
"આ ઘટનામાં 200થી વધારે લોકોને ઈજા થઈ છે, જે પૈકી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ છે."
'વિદ્યાર્થીઓ તમે એકલા નથી'
જામિયા મિલિયા ઇસ્લામિયાનાં વાઇસ ચાન્સેલર નઝમા અખ્તરે કહ્યું :
"મારા વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતા તસવીરો જોઈને મને બહુ દુઃખ થયું."
"પોલીસનું કૅમ્પસમાં પરવાનગી વિના આવવું અને લાઇબ્રેરીમાં વાંચી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવવાને હું સ્વીકારી શકતી નથી."
"હું વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે આ મુશ્કેલ સમયમાં તમે એકલા નથી."
"હું અને આખું જામિયા તમારી સાથે છીએ અને હું આ મુદ્દાને શક્ય હશે એટલા ઉપર સુધી રજૂ કરીશ."
શું-શું ઘટ્યું?
- નવી દિલ્હીમાં મથુરા રોડ પર જામિયા નગરથી અડેલા વિસ્તારમાં ડીડીસી બસોને આગ લગાવી દેવાઈ.
- નજરે જોનારા સાક્ષીઓ મુજબ લોકો નાગરિકતા સંશોધન કાયદાની સામે વિરોધપ્રદર્શન કરતા હતા.
- પ્રદર્શન દરમિયાન ભીડ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
- અનેક બસો, ગાડીઓ અને ટુ વ્હિલર સળગાવી દેવાયાં.
- વિદ્યાર્થીઓએ પણ હિંસાની નિંદા કરી.
- યુનિવર્સિટીએ કહ્યું કે પોલીસ બળજબરીથી અંદર ઘૂસી.
- પોલીસનો દાવો છે ઉગ્ર ભીડને રોકવા પગલાં લીધાં.
- અમુક મેટ્રો સ્ટેશનો અને શાળાઓ બંધ કરાઈ.
- દિલ્હી પોલીસ હેડ ક્વાર્ટર્સ પર વિરોધપ્રદર્શન.
- દિલ્હી પોલીસનું કહેવું છે કે પરિસ્થિતિ અંકુશમાં.
- કૉંગ્રેસે રવિવારની મધરાતે પત્રકારપરિષદ યોજી ઘટનાની નિંદા કરી.
- સમચાર એજન્સી પીટીઆઈનું કહેવું છે કે પોલીસ 50 વિદ્યાર્થીઓને મુક્ત કર્યા છે.
બીબીસી સંવાદદાતા જય મકવાણા અને પાર્થ પંડ્યાનો જામિયાથી આંખે દેખ્યો અહેવાલ
જામિયા મિલિયા ઇસ્લામિયામાં છેલ્લા કેટલાય સમયથી નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં હતાં જેમાં આજે હિંસા થઈ.
બસોમાં આગ લગાવી દેવાની અને આગ ઓલવવા પહોંચેલી ફાયરફાઇટરની ગાડીઓની તોડફોડની પણ ઘટના બની.
આ વિરોધ પ્રદર્શનો દિલ્હીના ઓખલા, જામિયા અને કાલિંદી કુંજ વિસ્તારોમાં થયાં હતાં.
જામિયામાં હાજર બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ કહ્યું કે આ ઘટનાઓ પછી પોલીસે યુનિવર્સિટીની નાકાબંધી કરી છે.
ઘટનાસ્થળે હાજર બીબીસી સંવાદદાતા બુશરા શેખે કહ્યું કે એક પોલીસકર્મીએ એમનો ફોન છીનવીને તોડી નાખ્યો અને એમની સાથે ગેરવર્તન પણ કર્યું.
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની વેબસાઇટ મુજબ આવતી કાલથી તેનું શિયાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે.
જામિયાની બહારથી રાત્રે રવિવારે 10.00 વાગ્યાનો અહેવાલ
પોલીસનું શું કહેવું છે?
ડીસીપી સાઉથ-ઇસ્ટ ચિન્મય બિસવાલે કહ્યું કે અત્યાર સુધી કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું નથી. આ ખોટી અફવાહ છે.
ટોળું હિંસક હતું અને એના પથ્થરમારામાં 6 પોલીસકર્મીઓને ઈજા થઈ છે. હિંસા ફેલાવનારા લોકોની ઓળખ હજી થઈ શકી નથી.
અમારો હેતુ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફક્ત ટોળાને પાછળ હઠાવવાનો હતો.
એમણે કહ્યું કે અમને જામિયા યુનિવર્સિટીના વિધાર્થીઓ સામે કંઈ તકલીફ નહોતી પંરતુ કૅમ્પસની અંદરથી પણ અમારી પર પથ્થરમારો કરવામાં આવ્યો. અમે યુનિવર્સિટી પ્રશાસનને વિદ્યાર્થીઓની ઓળખ કરવાનું કહીશું.
બિસવાલે કહ્યું કે ઉગ્ર બનેલી ભીડે ચાર બસો અને પોલીસનાં બે વાહનોને આગ લગાવી દીધી પછી એને અંકુશમાં લાવવા માટે અમારે ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો.
દિલ્હી પોલીસનો દાવો છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ અને અન્ય સ્થાનિક નાગરિકોએ કાલિંદી કુંજ રોડ પર વિરોધ પ્રદર્શન યોજ્યું. આ દરમિયાન બસો અને અન્ય વાહનોને આગચંપીની ઘટના બની હતી.
આ દરમિયાન નવી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પ્રદર્શનકારીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.
એમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની હિંસાનો સ્વીકાર નહીં કરવામાં આવે.
રવિવારે સાંજે વિરોધપ્રદર્શનોએ હિંસક સ્વરૂપ લઈ લીધું હતું.
અહીં અનેક વાહનોને આગ લગાવી દેવામાં આવી છે.
પોલીસ સાથેની વાતચીત મુજબ આ આગ કોણે લગાડી તે હજી સ્પષ્ટ નથી.
અનઅધિકૃત અહેવાલો મુજબ વિદ્યાર્થીઓનાં વિરોધપ્રદર્શનો દરમિયાન અજાણ્યા લોકોએ આગ લગાડી હતી.
પોલીસને વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. જોકે, કુલ કેટલા લોકો ઈજાગ્રસ્ત છે તેનો ચોક્કસ આંકડો હજી જાણી શકાયો નથી.
આ દરમિયાન પોલીસ જામિયા મિલિયા ઇસ્લામિયાની અંદર પ્રવેશી છે. 100 જેટલા વિધાર્થીઓને પોલીસ લાયબ્રેરીમાંથી લઈ ગઈ છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે પોલીસ લાયબ્રેરીનો દરવાજો તોડીને અંદર પ્રવેશી અને વિદ્યાર્થીઓને લઈ ગઈ.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ ઘર્ષણ અને હિંસામાં વિદ્યાર્થીઓ સામેલ નથી. તેમનું વિરોધપ્રદર્શન બદનામ કરવા માટે અન્ય લોકો આ કરી રહ્યા છે.
મીડિયાની ખબરોમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે હિંસામાં જામિયાના વિદ્યાર્થીઓ સામેલ છે.
જોકે, આ સમાચાર પર જામિયા યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓએ દાવો કર્યો છે કે હિંસા આ જ વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનમાં દરમિયાન થઈ, નહીં કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનાં વિરોધ પ્રદર્શનમાં.
યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે હિંસાની ઘટના પછી પોલીસ જામિયા કેમ્પસમાં ઘૂસી છે અને તમામ દરવાજાઓ પર નાકાબંધી કરવામાં આવી છે.
દિલ્હી પોલીસના હેડ ક્વાર્ટર્સ ખાતે વિરોધપ્રદર્શન
જામિયાની ઘટના પછી દિલ્હી પોલીસના વડામથકે અનેક વિદ્યાર્થીઓ અને નાગરિકો વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.
પ્રદર્શનકારીઓએ 'દિલ્હી પોલીસ જામિયા ખાલી કરો'ના નારા લગાવ્યા.
અમુક મેટ્રો અને શાળાઓ બંધ
નવી દિલ્હીમાં સુરક્ષાના કારણસર વસંતવિહાર, મુનિરકા અને આરકે પુરમ મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યાં છે.
આ ઉપરાંત પટેલ ચોક, વિશ્વવિદ્યાલય, જીટીબી નગર, શિવાજી સ્ટેડિયમ સ્ટેશનને પણ બંધ કરવામાં આવ્યાં છે.
સુખદેવ વિહાર, જામિયા મિલિયા ઇસ્લામિયા, ઓખલા વિહાર, જસોલા, શાહીન બાગ મેટ્રો સ્ટેશન પણ બંધ કરવામાં આવ્યાં છે.
દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને આની જાહેરાત કરી છે.
દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે સાઉથ ઇસ્ટ દિલ્હીમાં ઓખલા, જામિયા, ન્યૂ ફ્રેંડ્સ કોલોની, મદનપુર ખાદર વિસ્તારની તમામ સરકારી અને ખાનગી શાળાઓ કાલે બંધ રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો