You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામિયા : પ્રદર્શન દરમિયાન શું પોલીસે બસ સળગાવી? - ફૅક્ટ ચેક
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શન દરમિયાન દેશની રાજધાની નવી દિલ્હીમાં હિંસક ઘટનાઓ ઘટી હતી.
જામિયા મિલિયા ઇસ્લામિયાથી અંદાજે બેથી અઢી કિલોમિટર દૂર ડીટીસી (દિલ્હી ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન)ની બસો સળગાવવામાં આવી હતી.
જોકે સોશિયલ મીડિયા પર એવા આરોપ લાગ્યા કે દિલ્હી પોલીસે જાતે જ આ બસોને આગ ચાંપી છે.
દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કેટલીક તસવીરો ટ્વીટ કરી અને લખ્યું :
"આ તસવીરો જુઓ... જુઓ બસો અને કારોમાં કોણ આગ લગાડી રહ્યું છે... આ તસવીરો ભાજપની હીન રાજનીતિનો મોટો પુરાવો છે... ભાજપના નેતાઓ આનો જવાબ આપશે..."
આ ટ્વીટને રિટ્વીટ કરતાં સિસોદિયાએ લખ્યું, "તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આગ લાગી એ પહેલાં આ વરદીવાળા લોકો બસોમાં પીળા અને સફેદ રંગના કેનથી શું નાખી રહ્યા છે?"
"આ કોના ઇશારે કરવામાં આવ્યું?"
સિસોદિયા ટ્વીટ દ્વારા કેન્દ્રમાં સત્તાપક્ષ ભાજપ પર પણ આક્ષેપો કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનિષ સિસોદિયાના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં યૂઝર્સે દિલ્હી પોલીસ પર આક્ષેપો કર્યા હતા.
જોકે આ અંગે બાદમાં દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી એમ. એસ. રંધાવાએ કહ્યું:
"તમારે એ આખો વીડિયો જોવાની જરૂર છે. બસની બહાર આગ લાગી હતી."
"પોલીસ આગ ઓલવવા માટે પાણી નાખી રહી હતી."
તેમણે કહ્યું, "અમે જ્યારે યુનિવર્સિટીમાં પ્રદર્શનકારીઓને શાંત કરાવી રહ્યા હતા ત્યારે અમારી પર પથ્થરમારો થયો હતો. જેને રોકવા માટે અમારે ટિયરગેસની મદદ લેવી પડી."
ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને વિવાદ થઈ રહ્યો છે કે આ આગ પોલીસે લગાડી કે પ્રદર્શનકારીઓએ.
ફૅક્ટ ચેક ટીમે આ વીડિયોની હકીકત જાણવા માટે તપાસ કરી. બીબીસીને નવી દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું:
"વીડિયો સાથે ખોટી માહિતી આપવામાં આવી રહી છે. પોલીસ આગ ઓલવવાનું કામ કરી રહી હતી."
ત્યાર બાદ તેમણે એક પ્રેસ કૉન્ફરન્સ કરી જેમાં તેમણે કહ્યું, "અફવા ફેલવવામાં આવી રહી છે કે પોલીસના લોકોએ બસને આગ લગાડી હતી."વીડિયોમાં DL1PD-0299 નંબરની બસ દેખાઈ રહી છે જેને આગ નથી લાગી. એક તણખો હતો જેને ઓલવવાની કોશિશ કરી રહ્યા હતા. તમને વિનંતી છે કે તમે આવી અફવાહ પર ધ્યાન ન આપો."
ત્યાર બાદ બીબીસીની ટીમે નવી દિલ્હીના ન્યૂ ફ્રૅન્ડ્સ કૉલોની પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. અહીં ભારે સંખ્યામાં પોલીસ દળ હૅલ્મેટ પહેરીને અને હાથમાં લાઠી લઈને ઉભી હતી. અમારી મુલાકાત એડિશનલ થાના ઇન્ચાર્જ મનોજ વર્મા સાથે થઈ.
બાઇક ઓલવવાની કોશિશ
તેમણે કહ્યું કે આ વીડિયો તેમના જ વિસ્તારનો છે. તેમણે કહ્યું, "જે બસ વીડિયોમાં દેખાઈ રહી છે તેમાં આગ નથી લાગી.""અમારી બાઇકને આગ લગાવવામાં આવી હતી. અમે તેને ઓલવવાનું કામ કરી રહ્યા હતાં."
ઘટનાસ્થળ પર અત્યારે તે બસ નથી મોજૂદ, તેને ડીટીસી બસ ડિપોમાં મોકલી દેવાઈ છે. પોલીસના દાવા પ્રમાણે આ વાત સાચી છે કે તેમાં આગ નથી લાગી અને તેની બાજુમાં બાઇકને આગ લાગી હતી.
શું પોલીસે આ બાબતે કોઈ એફઆઈઆર કરી છે તેના પર તેમણે કહ્યું કે હજુ સુધી નહીં, પરંતુ જ્યારે પરત આ સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું:
"એફઆઈઆર દાખલ થઈ છે, જેમાં અમુક નામ સામેલ છે, પરંતુ અમે તમને કહી નહીં શકીએ કારણ કે બાબત ગંભીર છે. "
આ વિસ્તારમાં અમે ચાર બળેલી ડીટીસી બસ જોઈ અને બાઇક અને એક પૂર્ણ રીતે તૂટેલી બસ અને કાર દેખાઈ.
બીબીસીએ આ બાબતે મનીષ સિસોદિયાનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે ફોન કૉલનો જવાબ આપ્યો નહીં.
એનડીટીવીના પત્રકાર અરવિંદ ગુનશેખરનું કહેવું છે કે તેઓ ઘટનાસ્થળ મોજૂદ હતી.
અરવિંદે બીબીસીને જણાવ્યું,"મેં આ વીડિયો ફોન પર શૂટ કર્યો હતો, કારણ કે ત્યાર સુધી મારી ઑફિસની વૅન ઘટનાસ્થળ પર નહોતી પહોંચી.""આ સાંજે 5.01 વાગ્યેની ઘટનાનો વીડિયો છે. મેં સાંજે 5.06 વાગ્યે એક બીજો વીડિયો બનાવ્યો હતો." "બંને વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે બસમાં આગ છે જ નહીં, પોલીસ અહીં મોટરસાઇકલમાં લાગેલી આગ ઓલવવાનું કામ કરી રહી છે."
અરવિંદે 20 સૅકેન્ડ તથા 50 સૅકેન્ડના બે વીડિયો બીબીસીને મોકલ્યા. અમે જોયું કે આ બસમાં આગ નથી લાગી પરંતુ તેના કાચ તૂટી ગયા છે.
શું છે સમગ્ર મામલો?
જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસથી નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આસામ, પશ્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોમાં હિંસક પ્રદર્શનો પણ થયાં છે.
આ પ્રદર્શનોમાં લોકોએ જીવ ગુમાવ્યા હોય એવું પણ બન્યું છે.
જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ અને અન્ય સ્થાનિક નાગરિકોએ કાલિંદી કુંજ રોડ પર વિરોધ પ્રદર્શન યોજ્યું.
આ દરમિયાન બસો તથા અન્ય વાહનોને આગચંપીની ઘટના બની હતી.
વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે યુનિવર્સિટીના મુખ્યદ્વારા પાસે કલાકો સુધી ઘર્ષણ ચાલ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો