You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAB વિરોધ પ્રદર્શન : 'અશાંતિ માટે કૉંગ્રેસ જવાબદાર, નિર્ણય 1000 ટકા સાચો' - નરેન્દ્ર મોદી
ભારતની સંસદ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા પર મંજૂરીની મહોર મારી દીધા બાદ મુખ્યત્વે આસામ અને પશ્ચિમ બંગાળમાં વિવાદિત કાયદાના વિરોધમાં દેખાવો શરૂ થઈ ગયાં હતાં.
આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે અશાંતિ પાછળ કૉંગ્રેસનો હાથ છે અને એ સાબિત કરે છે કે નિર્ણય 1000 ટકા સાચો છે.
વડા પ્રધાને એમ પણ કહ્યું કે કૉંગ્રેસ અને સાથીપક્ષો નાગરિકતા કાયદાને લઈને નોર્થ-ઇસ્ટમાં આગ ભડકાવી રહ્યાં છે પરંતુ લોકોએ હિંસાને ફગાવી દીધી છે. કૉંગ્રેસની પ્રતિક્રિયાથી સાબિત થાય છે કે જે નિર્ણય સંસદે લીધો છે તે 1000 ટકા સાચો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા અપાયેલી માહિતી અનુસાર અત્યાર સુધી આસામમાં નાગરિકતા સંશોધન કાયદા સામે થઈ રહેલાં વિરોધપ્રદર્શનોમાં 3 લોકોનાં મૃત્યુ થયાં છે.
તેમજ અત્યાર સુધી 27 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પર પ્રતિક્રિયા આપતાં કહ્યુ હતું કે, "રાજ્યમાં વસતા તમામ કાયદેસરના ભારતીય નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે, તેમજ આસામના લોકોના અધિકારોના રક્ષણ માટે અમે કૃતનિશ્ચય છીએ."
આ તમામ બનાવો વચ્ચે આસામના એડિશનલ ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) જી.પી. સિંઘે જણાવ્યું હતું કે આજે ગૌહાટીમાં સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કર્ફ્યુની સ્થિતિ હળવી બનાવાશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર આસામાના દિબ્રુગઢના નાયબ કમિશનર પલ્લવ ગોપાલ ઝાએ દિબ્રુગઢમાં રવિવારે સવારના 7 વાગ્યાથી 4 વાગ્યા સુધી કર્ફ્યુની સ્થિતિ હળવી બનાવવાની જાહેરાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસામ રાજ્યના મંત્રી ચંદ્ર મોહન પટોવારીએ ગૌહાટીમાં રાજ્યમાં નાગરિકતા સંશોધન બિલ મામલે ભભૂકી રહેલા રોષ અંગે વાત કરતા કહ્યું હતું કે, "મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની આગેવાનીમાં એક ડેલિગેશન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લેવા માટે દિલ્હી રવાના થશે."
આસામ અને પૂર્વોત્તર ભારત બાદ પશ્ચિમ બંગાળમાં પણ નાગરિકતા સંશોધન બિલ સામે હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે.
શનિવારે પશ્ચિમ બંગાળના ચાર જિલ્લાઓ હાવડા, મુર્શિદાબાદ, માલ્દા અને ઉત્તર 24 પરગણામાં પ્રદર્શનકારીઓએ લગભગ 17 બસો, પાંચ ખાલી ટ્રેનો, ફાયર એન્જિન અને પોલીસની ગાડીઓ સળગાવી દેવાઈ હતી.
આસામ અને પશ્ચિમ બંગાળમાં વિરોધપ્રદર્શન હિંસક બની જવાના કારણે રવિવારે ભારતીય રેલવેના ઇસ્ટ કૉસ્ટ રેલવે વિભાગ દ્વારા હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં ટ્રેનવ્યવહાર મર્યાદિત બનાવવાનો નિર્ણય લેવાયો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઇ પ્રમાણે હાવડા-ખડગપુર રેલવે સેક્શન પર બનેલી પ્રદર્શનની ઘટનાઓને જોતાં ઇસ્ટ કૉસ્ટ રેલવે વિભાગ દ્વારા 15 ટ્રેન રદ કરી દેવાઈ છે.
નોંધનીય છે કે વિરોધ પ્રદર્શનો દરમિયાન કેટલાંક રેલવે સ્ટેશનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે, રસ્તા પર પથ્થરો મૂકીને વાહનોને રોકવાની કોશિશ કરવામાં આવી હતી. સાથે જ અનેક પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઝડપ પણ થઈ હતી.
જેના કારણે હજારો પ્રવાસીઓ ફસાઈ ગયા હતા અને કલાકો સુધી તેમને બસ સ્ટેશન, રેલવે સ્ટેશનોમાં ભરાઈ રહેવું પડ્યું હતું. સ્ટેટ અને નેશનલ હાઇવે બ્લોક કરી દેવામાં આવ્યા હતા.
સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર આ જિલ્લાઓમાં અનેક ટ્રેનો કૅન્સલ કરવાની પણ ફરજ પડી હતી.
તમે મુસ્લિમોને જ બહાર રાખ્યા- અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિરોધ
હાવડામાં વિરોધ પ્રદર્શન
ભીડે હાવડા જિલ્લાના સાંકરાઇલ સ્ટેશનના ટિકિટ કાઉન્ટરમાં આગ લગાવી દીધી અને ત્યાં તહેનાત સીઆરપીએફના જવાનો સાથે મારપીટ કરી હતી.
અનેક સ્ટેશનો અને રેલવેના ટ્રેક પર આગ લગાવી અને ધરણા કરવાના કારણે પૂર્વ અને દક્ષિણ પૂર્વ રેલવેના અનેક સેક્શનોમાં રેલ સેવાઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી.
હાવડા-ખડગપુર સેક્શનમાં ઓછામાં ઓછી 40 જેટલી ટ્રેનો રદ કરવાની નોબત આવી હતી. રેલવે સંપૂર્ણ સુરક્ષા ના મળે ત્યાં સુધી તેનું સંચાલન કરવાનો ઇનકાર કરી દીધો છે.
હિંસક ભીડે મુર્શિદાબાદ જિલ્લામાં નેશનલ હાઇવે પર બનેલા એક ટોલ પ્લાઝામાં આગ લગાવી દીધી હતી. આ જિલ્લામાં ભાજપના એક કાર્યાલયમાં પણ આગ લગાવી દીધી હતી.
બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ લોકોને કાયદો હાથમાં ન લેવા માટે અપીલ કરી હતી.
મુસાફરોને બસમાંથી બહાર કાઢીને આગ લગાવાઈ
નાગરિકતા સંશોધન બિલ સામેનાં આ હિંસક પ્રદર્શનોમાં કોણા એક્સપ્રેસ હાઇવે મુખ્ય કેન્દ્ર બન્યો હતો.
અહીં લગભગ 17 જેટલી બસોને પ્રદર્શનકારીઓએ આગને હવાલે કરી દીધી હતી. બસમાંથી મુસાફરોને નીચે ઉતારીને તેમાં આંગ ચાંપી દેવાઈ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર પ્રદર્શનકારીઓએ વાહનોમાં લાગેલી આગને બુઝાવવામાં આવી રહેલા ફાયર ફાઇટર્સને પણ રોક્યા હતા અને આગ બુઝાવવા દીધી ન હતી.
લગભગ પાંચ કલાક સુધી આ હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી અને અનેક મુસાફરોએ ફરિયાદ કરી હતી કે હિંસક પ્રદર્શનોની વચ્ચે લૂંટફાટની ઘટનાઓ પણ બની છે.
રેલવે સ્ટેશનો સળગાવાયાં
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર માલ્દામાં પણ આગ અને હિંસાની ઘટનાઓ બની હતી. અહીં આવેલા હરિશ્ચંદ્રપુર રેલવે સ્ટેશનના સિગ્નલ રૂમ અને ટિકિટ કાઉન્ટર પર ભીડે તોડફોડ કરી હતી.
અહેવાલ મુજબ મુર્શિદાબાદ જિલ્લાના બેલદંગા સ્ટેશનમાં ટોળાએ શુક્રવારે આગ લગાવી હતી. જે બાદથી આ સ્ટેશન હજી કાર્યરત થઈ શક્યું નથી.
ચેંગાલી અને ફૂલેશ્વર સ્ટેશન પર ટોળાએ પેનલ રૂમનું લોક તોડીને તોડફોડ કરી હતી તથા રેલવે સ્ટાફને બહાર જવાની ફરજ પાડી હતી. બાઉરિયા સ્ટેશન પર એક માલગાડીમાં ભીડે તોડફોડ કરી હતી.
હિંસક પ્રદર્શનો પર રાજકારણ
બંગાળમાં થઈ રહેલી ભારે હિંસા મામલે ભાજપે તૃણમૂલ કૉંગ્રેસ અને બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને જવાબદાર ઠેરવ્યાં છે.
ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહાએ જણાવ્યું છે કે તૃણમૂલ કૉંગ્રેસને કારણે જ રાજ્યમાં સ્થિતિ વણસી છે.
તેમણે કહ્યું, "મુખ્ય મંત્રીએ ઉપદ્રવીઓને ગોળી મારવાના આદેશ આપવા જોઈએ. સમગ્ર બંગાળ સળગી રહ્યું છે. જો આવી જ સ્થિતિ રહી તો અહીં રાષ્ટ્રપતિ શાસન લાદવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં."
પ્રદેશ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે દાવો કર્યો છે કે આટલા મોટા પ્રમાણમાં હિંસા કરનારા બાંગ્લાદેશી ઘૂષણખોરો જ છે.
તૃણમૂલ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને શહેરી વિકાસ મંત્રી ફિરહાદ હકીમે કહ્યું છે કે લોકોએ હિંસામાં સામેલ ન થવું જોઈએ.
તેમણે કહ્યું, "આવાં પ્રદર્શનોથી સામાન્ય લોકોને પરેશાની થઈ રહી છે. આ હિંદુ વિરુદ્ધ મુસ્લિમની લડાઈ નથી. અમે એનઆરસી અને નાગરિકતા કાયદાનો સાથે મળીને મુકાબલો કરવો પડશે."
હકીમે કહ્યું કે હિંસા કરનારા લોકો ભાજપની જ મદદ કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો