નિર્ભયા પ્રકરણ : 'ફાંસી, ફાંસી'ના નારા પીડિતોના હકમાં શા માટે નથી?

હૈદરાબાદનાં પશુચિકિત્સક યુવતી પર બળાત્કાર અને તેમની હત્યાથી શરૂ થયેલું ગત પખવાડિયું નિર્ભયા કાંડના દોષીઓને મૃત્યુદંડ આપવાની તૈયારી સાથે પૂર્ણ થઈ રહ્યું છે.

એ દરમિયાન ઉન્નાવનાં બળાત્કારપીડિતાની સળગાવીને હત્યા કરવામાં આવી છે.

મુઝફ્ફરનગરથી માંડીને નાગપુર સુધીનાં અખબારો સમગ્ર દેશમાંથી આવતા બળાત્કારના સમાચારોથી ભરેલાં રહ્યાં.

આ સાથે જ બળાત્કારના દોષીઓને મૃત્યુદંડ આપવાની માગણીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે.

સંસદસભ્ય જયા બચ્ચને મૃત્યુદંડથી પણ આગળ વધી બળાત્કારના દોષીઓને 'સ્ટ્રીટ સ્ટાઇલ જસ્ટિસ' માટે 'લોકોને હવાલે' કરવાની માગ કરીને બધાને આશ્ચર્યચકિત કરી મૂક્યા.

બીજી તરફ નિર્ભયાનાં માતાપિતાએ હૈદરાબાદ કાંડના આરોપીઓની પોલીસ ઍન્કાઉન્ટરમાં થયેલી હત્યાને યોગ્ય ઠેરવીને આ વિવાદાસ્પદ હત્યાકાંડને 'ન્યાય' ગણાવ્યો.

દિલ્હી મહિલાપંચનાં અધ્યક્ષ સ્વાતિ માલિવાલ પણ 'બળાત્કારના મામલાઓમાં છ મહિનામાં આકરામાં આકરી સજાની માગણી' સાથે ઉપવાસ પર ઊતર્યાં હતાં.

'બળાત્કારીને ફાંસી આપો' એવા સોશિયલ મીડિયા પરના નારાઓની વચ્ચે નિર્ભયા કાંડના દોષી પવનકુમાર ગુપ્તાને મંડોલી જેલમાંથી દિલ્હીની તિહાડ જેલમાં લાવવામાં આવ્યા છે.

હવે પવનકુમાર ઉપરાંત મુકેશ સિંહ, વિનય શર્મા અને અક્ષય નામના નિર્ભયા કાંડના બધા દોષી તિહાર જેલમાં છે.

જેલમાં તેમના પર સીસીટીવી કૅમેરા મારફતે નજર રાખવામાં આવી રહી છે.

એ સાથે જ તેમને આગામી દિવસોમાં ફાંસીના માચડે લટકાવવામાં આવશે એવા અનુમાને વેગ પકડ્યું છે.

બળાત્કારના દોષીઓ માટે ફાંસીની આ સતત માગે 'મૃત્યુદંડ'ના મુદ્દાને આપણી સમક્ષ ફરી એકવાર વણઉકેલ્યા કોયડાની માફક પ્રસ્તુત કર્યો છે.

નેશનલ લૉ યુનિવર્સિટી(દિલ્હી)ના રિસર્ચના તાજા આંકડા અનુસાર, ભારતની અલગ-અલગ જેલોમાં કેદ 426 લોકોને ડિસેમ્બર-2018 સુધીમાં ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. 2017માં એ સંખ્યા 371 હતી.

મૃત્યુદંડની પ્રક્રિયા

નીચલી અદાલત ફાંસીની સજા ફરમાવે પછી કોઈ ઉચ્ચ અદાલત તેના પર મહોર ન મારે ત્યાં સુધી એ સજા કન્ફર્મ થતી નથી.

એ પછી ગુનેગાર પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો, ત્યાંથી નિરાશા સાંપડે એટલે આર્ટિકલ 137 હેઠળ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન કરવાનો વિકલ્પ હોય છે.

એ પછી સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરવાનો અને છેલ્લે રાષ્ટ્રપતિને દયાને અરજી કરવાનો વિકલ્પ હોય છે.

બચાવના તમામ વિકલ્પો અજમાવ્યા પછી અને કોઈ કાયદાકીય રાહત ન મળ્યા પછી ગુનેગારને ફાંસીના માચડે લટકાવવામાં આવે છે.

બળાત્કાર અને મૃત્યુદંડ

ક્રિમિનલ લૉ ઍમેન્ડમૅન્ટ એક્ટ (2018) મારફતે મૃત્યુદંડના વિસ્તારને વધારવામાં આવ્યો છે.

એ પછી 12 વર્ષની બાળકીઓ સાથે યૌન હિંસાના મામલાઓમાં મૃત્યુદંડ આપવાનો નવો કાયદો અમલી બન્યો છે.

એ પછી 'પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ ઍક્ટ' એટલે કે પોક્સોમાં પણ ફેરફાર કરીને મૃત્યુદંડની સજાને સામેલ કરવામાં આવી છે.

બળાત્કારની સાથે હત્યાસંબંધી જઘન્ય મામલાઓમાં પણ મૃત્યુદંડની જોગવાઈ છે.

ફાંસીની સજાથી બળાત્કાર ખરેખર ઘટી શકે?

નિર્ભયા કાંડના દોષીઓને ફાંસી આપવાની શક્યતાના સમાચારોની વચ્ચે - ફાંસીની સજા બળાત્કારીઓનાં મનમાં ભય પેદા કરી શકે કે કેમ એ સવાલ ચર્ચાની એરણે ચડ્યો છે.

અલબત, આંકડાઓ દર્શાવે છે કે ફાંસીની સજાની સાથે-સાથે બળાત્કારનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યૂરો(એનસીઆરબી)ના તાજા આંકડા અનુસાર, ભારતમાં અત્યારે દર 15 મિનિટે બળાત્કારની એક ઘટના બને છે.

મૃત્યુદંડની સજાથી બળાત્કારનું પ્રમાણ ઘટતું હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય એવું કોઈ સરકારી કે બિનસરકારી સંશોધન થયું નથી.

તેનાથી વિપરીત યૌન હિંસાના વધતા આંકડા દર્શાવે છે કે દેશમાં મહિલાઓ વિરુદ્ધની હિંસાનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે.

મૃત્યુદંડની સજા સંબંધે લાંબા સમયથી કામ કરી રહેલા સુપ્રીમ કોર્ટના વકીલ યુગ ચૌધરી કહે છે, "મૃત્યુદંડની સજાથી અપરાધ ક્યારેય રોકાયા નથી."

"અપરાધોને રોકવામાં મૃત્યુદંડનો પ્રભાવ આજીવન કારાવાસથી વધુ ક્યારેય રહ્યો નથી. યૌન હિંસાના આંકડા તો આપણી સામે છે."

"હૈદરાબાદના મામલામાં ઍન્કાઉન્ટર થયાના બીજા જ દિવસે ત્રિપુરામાં બર્બર બળાત્કારની એક ઘટના બની હતી."

"આજકાલ સમગ્ર દેશમાં જે રીતે બળાત્કારની ઘટનાઓ બની રહી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ફાંસીની સજા કે પોલીસ ઍન્કાઉન્ટરમાં થયેલાં મોતથી અપરાધમાં જરાય ફરક પડ્યો નથી."

મૃત્યુદંડની સજાની માગને મહિલા સલામતીના મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવાની અને લોકઆક્રોશને શાંત કરવાની એક આસાન તરકીબ ગણાવતાં યુગ ચૌધરી કહે છે :

"વર્મા સમિતિના અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે મહિલા હિંસા સાથે જોડાયેલા મુદ્દા ક્યા છે."

"બહેતર પોલિસિંગ અને મહિલાઓ માટે એક સિસ્ટમ તૈયાર કરવાની જરૂર છે, પણ વર્મા સમિતિની ભલામણોનો અમલ કરવા માટે સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધાં નથી."

"નિર્ભયા ફંડનો ઉપયોગ સુધ્ધાં યોગ્ય રીતે કરવામાં આવ્યો નથી, પણ ગુનેગારોને ફાંસી આપવાનો રસ્તો આસાન છે"

"તેમજ તેની મારફતે સરકાર મૂળભૂત સુધારા કર્યા વિના જનતાને એવો સંદેશ આપે છે કે મહિલાસલામતી પ્રત્યે તે જાગૃત છે."

ફાંસીની સજા સાથે શું છે સમસ્યા?

મૃત્યુદંડ સાથે અનેક સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમસ્યાઓ છે. જે મહિલાઓ વિરુદ્ધની હિંસા સંબંધી ચર્ચામાં તેને લોકમતના ધ્રુવીકરણનો મુદ્દો બનાવે છે.

એક પક્ષ બળાત્કારના દોષીઓને તરત જ ફાંસી આપવાની માગ કરી રહ્યો છે ત્યારે મૃત્યુદંડના વિરોધમાં પણ કેટલાક મજબૂત તર્ક છે.

મૃત્યુદંડ સાથે જોડાયેલી સૈદ્ધાંતિક સમસ્યાની વાત કરતાં યુગ ચૌધરી કહે છે :

"રાજ્ય પાસે નાગરિકનો જીવ લેવાનો અધિકાર નથી, એ સૌથી મોટો વૈચારિક મતભેદ છે."

"ફાંસીનો અધિકાર રાજ્ય અને નાગરિકના સોશિયલ કોન્ટ્રાક્ટના પરિઘની બહારનો છે."

"ધાર્મિક તર્ક એ છે કે ઈશ્વરે આપેલું જીવન પાછું લેવાનો અધિકાર માણસની પાસે નથી."

મૃત્યુદંડની પ્રક્રિયા પણ ભૂલભરેલી

આ વૈચારિક તર્કો ઉપરાંત મૃત્યુદંડની પ્રક્રિયા અનેક ભૂલની આશંકાઓથી ભરેલી છે.

યુગ ચૌધરી કહે છે, "મૃત્યુદંડ આપવાની પ્રક્રિયા આર્બિટ્રેરી એટલે કે મનમાની ભૂલો ભરેલી છે."

"સુપ્રીમ કોર્ટ આ વાત અનેક વખત સ્વીકારી ચૂકી છે કે મૃત્યુદંડની પ્રક્રિયા કાયદાને બદલે ન્યાયમૂર્તિઓ અને તેમના વિવેકને આધીન થઈ ચૂકી છે."

"એટલે કે તમારો ગુનો શું છે અને કાયદો શું કહે છે તેના આધારે તમને ફાંસીની સજા નહીં કરવામાં આવે, પણ ન્યાયમૂર્તિ શું વિચારે છે અને અનુભવે છે તેના આધારે તમને એ સજા કરવામાં આવશે."

"એ ઉપરાંત મૃત્યુદંડની સજાના દાયકાઓ પછી અદાલતે ગુનેગારોને છોડી મૂક્યા હોય એવા અનેક કિસ્સાઓ છે."

યુગ ચૌધરી એક દાખલો આપતાં કહે છે, "મારા હાલના જ એક કેસમાં મૃત્યુદંડની સજાનાં 16 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે આરોપીઓને મુક્ત કર્યા."

"એટલું જ નહીં પણ 16 વર્ષ કેદમાં રહ્યાનું વળતર પણ તેમને આપવાનો આદેશ આપ્યો હતો."

"આ વાતનો અર્થ એ છે કે ન્યાયમૂર્તિ પણ માણસ છે અને માણસ ભૂલથી પર નથી. તેથી મૃત્યુદંડની પ્રક્રિયા પણ ભૂલથી પર નથી."

"મોત એક એવી સજા છે, જેનો અમલ કરી દેવાયા પછી ખબર પડે કે ન્યાયપ્રક્રિયામાં ભૂલ થઈ હતી અને વ્યક્તિ કસૂરવાર ન હતી તો એવી પરિસ્થિતિમાં સુધારા, સંશોધન કે ફેરફારની કોઈ શક્યતા રહેતી નથી."

મહિલાઓના નામે મૃત્યુદંડ

મહિલા અને બાળ અધિકારોના ક્ષેત્રમાં લાંબા સમયથી કાર્યરત 'હક' નામની સંસ્થા સાથે જોડાયેલાં ભારતી અલી જણાવે છે કે મૃત્યુદંડને કેન્દ્રમાં રાખીને ચાલતી આ ચર્ચાની સૌથી દુઃખદ બાજુ એ છે કે તેને 'મહિલાઓના હિતમાં હોવાનું જણાવીને ન્યાય સુનિશ્ચિત કરવાના નામે કાયદેસરની ગણાવવામાં આવી રહી છે. જાણે કે ફાંસી દેવાથી પિતૃસત્તા ખતમ થઈ જવાની હોય!'

ભારતી અલી સવાલ કરે છે કે "પોલીસ તપાસના ખરાબ સ્તર અને સંપૂર્ણ ન્યાયવ્યવસ્થામાંના પીડિતાને દોષી ઠરાવવાના વલણને બદલ્યા વિના મોટું પરિવર્તન શક્ય છે ખરો?

શહેરો અને ગામડાંમાંના આધારભૂત માળખાને સ્ત્રીઓની તરફેણમાં વાળવા જરૂરી છે, જેથી સ્ત્રીઓ રોજિંદું જીવન કોઈ સામાન્ય માણસની માફક જ જીવી શકે."

મીડિયાના દબાણ અને લોકમતને કારણે ફાંસી?

ફાંસીની નિર્ણયોમાં મીડિયાનું દબાણ તથા લોકમતની ભૂમિકા વિશે વાત કરતાં યુગ ચૌધરી ઉમેરે છે :

"આદર્શ પરિસ્થિતિમાં મીડિયાના દબાણ કે લોકમતની કોઈ અસર અદાલતી સુનાવણી, નિર્ણય કે ફાંસીની સ્થિતિમાં દયાની અરજી પર થવી જોઈએ નહીં."

"હકીકત એ છે કે ન્યાયમૂર્તિ પણ માણસ છે અને તેઓ પણ લોકમતના દબાણમાં આવી જતા હોય છે."

"ચોક્કસ મામલામાં મીડિયા કઈ રીતે લોકમત ઘડી રહ્યું છે તેની અસર પણ અંતિમ પરિણામ પર થતી હોય છે."

યુગ ચૌધરી કહે છે, "સરકારો પણ પોતાના માટે અનુકૂળ વલણ લઈ લે છે."

"એ પરિસ્થિતિમાં ન્યાયમૂર્તિઓએ ઘણીવાર લોકોના આક્રોશને શાંત કરવા માટે ફાંસીની સજા આપવી પડે છે, પરંતુ હું તેને મૃત્યુદંડ નહીં, પણ હ્યુમન સેક્રિફાઈસ અથવા નરબલિ કહીશ."

'પ્રતિશોધ'ની ન્યાયવ્યવસ્થા વિરુદ્ધ 'પુનર્વાસ'ની ન્યાયવ્યવસ્થા

ભારતીય ન્યાયવ્યવસ્થા પરંપરાગત રીતે પીડિતાના પુનર્વસનને વધારે મહત્ત્વ આપવાને બદલે ગુનેગારને આકરામાં આકરી સજા કરીને ન્યાય તોળવા તરફ ઝૂકેલી વ્યવસ્થા છે.

રતનસિંહ વિરુદ્ધ સ્ટેટ ઑફ પંજાબના એક કેસમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ કૃષ્ણા અચ્ચરે ઉપરોક્ત વાતને સ્વીકારતાં કહ્યું હતું :

"ગુનેગારને સજા કરવાના આગ્રહમાં આપણે પીડિત અને કેદીના પરિજનો- બન્નેના હિતની અવગણના કરીએ છીએ"

"જે આપણી કાયદાકીય પ્રક્રિયાની નિર્બળતા છે."

"વ્યવસ્થામાંની આ ખામીને નવો કાયદો બનાવીને જ દૂર કરી શકાય."

"જોકે, 'વિકટિમોલોજી' સંબંધે થયેલી તમામ આધુનિક રિસર્ચ બળાત્કારપીડિતાઓના સંપૂર્ણ પુનર્વસનની જરૂરિયાતનો સ્વીકાર કરે છે, પરંતુ ભારતમાં હાલ વધારે જોર ગુનેગારને આકરામાં આકરી સજા પર આપવામાં આવી રહ્યું છે. "

"પ્રતિશોધની ન્યાયવ્યવસ્થાની આ આંધીમાં પીડિતના પુનર્વાસનો મુદ્દો ક્યાંક ખોવાઈ જાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો