ગુજરાત 2002નાં રમખાણ : નાણાવટી પંચનો અહેવાલ, હસવું કે રડવું?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તપાસપંચો ભારતીય લોકશાહીને અંગ્રેજોએ આપેલી યાદગાર ભેટ છે. દરેક બાબતમાં તપાસપંચ નીમવા અને તેની પાસેથી મનગમતાં તારણો મેળવવાં, એ સરકારોની મુખ્ય વૃત્તિપ્રવૃત્તિ રહી છે.

અનુકૂળ તારણ ન મળ્યાં હોય એવા અહેવાલોને દિવસનું અજવાળું જોવા મળતું નથી અને સરકારી તિજોરીમાં સડી જવાનો વારો આવે છે.

પરંતુ 2002ની કોમી હિંસા વિશેના નાણાવટી તપાસ અહેવાલની વાત જરા જુદી છે.

પચીસ-પચીસ વખત મુદતવધારા લઈને, બાર વર્ષે પંચે તેનો તપાસ અહેવાલ નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સુપ્રત કર્યો હતો.

સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત જસ્ટિસ જી. ટી. નાણાવટી અને તેમના સાથીદાર, વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અક્ષય મહેતાએ મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસસ્થાને તપાસપંચનો અહેવાલ આપ્યો, તેની તસવીરો છપાઈ હતી અને સમાચારો આવ્યા હતા.

ત્યાર પછી નવ ભાગમાં વહેંચાયેલા અને 2,500થી પણ વધુ પાનાંમાં પથરાયેલા અહેવાલ પર રાજ્ય સરકાર પલાંઠી વાળીને બેસી ગઈ.

આજે અહેવાલ સુપ્રત થયાનાં પાંચેક વર્ષ પછી અહેવાલને વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો.

તેનો ટૂંક સાર એટલો છે કે 2002ની કોમી હિંસામાં રાજ્યના તમામ મંત્રીઓ નિર્દોષ હતા. એટલું જ નહીં, જે (આઇ.પી. એસ.) પોલીસ અફસરોએ રાજ્ય સરકારની ભૂમિકા વિરુદ્ધ ટીકાત્મક વલણ જાહેર કર્યું એ ત્રણે-રાહુલ શર્મા, આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ભૂમિકા પણ (પંચના મતે) નકારાત્મક છે.

સાથોસાથ કોમી હિંસાના મુદ્દે સરકારને ભીંસમાં લેનારા-અદાલતી લડાઈઓ લડનારાં મુકુલ સિંહા અને તિસ્તા સેતલવાડનાં સ્વૈચ્છિક સંગઠનોની ભૂમિકા પણ નકારાત્મક ઠરાવવામાં આવી છે.

આમ, અહેવાલના મુખ્ય તારણનો સાદા ગુજરાતીમાં અનુવાદ આટલો જ થાય : 'સરકાર ઝિંદાબાદ, સરકારના ટીકાકારો મુર્દાબાદ.'

2002નો અછડતો ઘટનાક્રમ અથવા એ સમયના સમાચાર તપાસતાં સમજાશે કે અશોક ભટ્ટ અને ગોરધન ઝડફિયા જેવા સરકારના મંત્રીઓ સામે સીધી સામેલગીરીના અને પોલીસ કંટ્રોલ-રૂમમાં બેસીને હિંસાને અનુકૂળ આયોજન કરવાના ગંભીર આરોપો થયા હતા. એ મતલબના અહેવાલો પણ ત્યારનાં અખબારોમાં પ્રગટ થયા હતા.

એ દિવસોની યાદ તાજી કરતાં એ પણ સાંભરે છે કે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કેવી રીતે રાજ્યમાં થયેલી બેફામ કોમી હિંસાની જવાબદારી સ્વીકારવાને બદલે, હિંસા રોકવા માટેની કે હિંસાનો ભોગ બનનાર પ્રત્યેની લાગણી દર્શાવવાને બદલે, તેમની સરકારની ટીકાને ગુજરાતની ટીકા તરીકે ખપાવી દીધી અને કોમી હિંસાને-મુસ્લિમવિરોધને લગભગ ગુજરાતગૌરવનો દરજ્જો આપવામાં સફળતા મેળવી હતી.

કોમી હિંસાની ટીકા કરનારાને ત્યારે ગુજરાતવિરોધી કે ગુજરાતદ્વેષી તરીકે ચીતરવામાં આવતા હતા.

એ દિવસોમાં પોતે પીડિતોના કે ન્યાયના પક્ષે છે એવી હૈયાધારણ પૂરી પાડવામાં કે એવી લાગણી સૂચવતું વર્તન કરવામાં તત્કાલીન મુખ્ય મંત્રી અને તેમની સરકાર સદંતર નિષ્ફળ ગયાં હતાં.

આવી બાબતોના ડાઘ સમય વીતતા લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ જાય છે. એટલે તો, યાદ કરાવવું પડે કે બીજા કોઈ નેતાએ નહીં, પણ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તત્કાલીન મુખ્ય મંત્રી મોદીને જાહેરમાં 'રાજધર્મ' પાળવાની સલાહ આપવી પડી હતી.

મુખ્ય મંત્રીએ ખાસિયાણા હાસ્ય સાથે 'વો હી તો હમ કર રહે હૈં' એ મતલબનો જવાબ આપ્યો, ત્યારે વડા પ્રધાને તેમને વધુ ટોક્યા ન હતા. બાકી, તે કહી શક્યા હોત કે તમે રાજધર્મનું પાલન કરતા હોત તો મારે દિલ્હીથી શા માટે આવવું પડત ને જાહેરમાં રાજધર્મ શા માટે યાદ કરાવવો પડત?

માત્ર હિંસાના લાંબા સમયગાળા દરમિયાન જ નહીં, ત્યાર પછીનાં વર્ષોમાં પણ મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી ઘા રુઝાવવા માટે મલમ લગાવવાને બદલે, ઘા પર મીઠું ભભરાવવાની ભૂમિકામાં રહ્યા.

જાહેર સભામાં તેમનાં ભાષણો ઉશ્કેરણી કરનારાં રહેતાં. ખુલ્લેઆમ ઉશ્કેરણીજનક ભાષણોને બદલે સદ્ભાવનાના દેખાડાનો વ્યૂહ તો પછી આવ્યો.

પરંતુ આ તો સરકારો અને તપાસપંચોનો મામલો રહ્યો. સરકારોનું ચાલે તો 'કોમી હિંસા થઈ જ નહોતી' અથવા 'બિનસાંપ્રદાયિકતાની-ન્યાયની વાત કરનારા લોકોએ હિંસા આચરી હતી' એવાં તારણો તપાસપંચો પાસે કઢાવે.

નાણાવટી પંચ ન્યાયની વાત કરનારા લોકોની ભૂમિકાને 'નકારાત્મક'નું લેબલ મારવા સુધી તો પહોંચ્યું જ છે. પરંતુ તે હિંસાનો ઇન્કાર કરી શકે તેમ ન હતું.

'નો વન કિલ્ડ જેસિકા'ની જેમ 'કોમી હિંસા માટે કોઈ જવાબદાર નથી' એમ તો કહેવાય નહીં. એટલે પંચે અહેવાલમાં જવાબદારીનું ઠીકરું પોલીસતંત્રના માથે ફોડ્યું છે.

અપૂરતી સંખ્યા ને અપૂરતાં શસ્ત્રસરંજામ ઉપરાંત જરૂરી સજ્જતા અને તત્પરતાના અભાવે પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકી નહીં, એવી ટીકા અહેવાલમાં કરવામાં આવી છે.

રાજ્યમાં મોટા પાયે કોમી હિંસા થાય, રાબેતા મુજબનાં સ્થળો (અમદાવાદ-વડોદરા-સુરત-ગોધરાના કેટલાક વિસ્તાર) ઉપરાંત જ્યાં કદી કોમી હિંસા ન થઈ હોય, એવાં અનેક ગામ-શહેરોમાં હિંસાના ભડકા થાય, અનેક ઠેકાણે મહિનાઓ સુધી કર્ફ્યુ લદાયેલા રહે, તેમ છતાં આખી પરિસ્થિતિમાં તત્કાલીન મંત્રીઓ સંપૂર્ણપણે નિર્દોષ ઠરે, ત્યારે તે ફક્ત 'નિર્દોષ' નહીં, 'નિષ્ફ્ળ' પણ ન ગણાય? ('નિષ્ફ્ળ' એ તો હળવામાં હળવો શબ્દ છે.)

પણ તપાસપંચના અહેવાલો સાથે સવાલજવાબ કરી શકતા નથી અને મુખ્ય મંત્રી મોદીના રાજમાં પડેલી બિનલોકશાહી પરંપરા પ્રમાણે, વિવાદાસ્પદ અહેવાલો વિધાનસભાના સત્રમાં છેલ્લા દિવસે જ રજૂ કરવામાં આવે છે, જેથી તે રજૂ કરેલા ગણાઈ જાય ને તેની પર ઝાઝી ચર્ચા કરવી ન પડે.

2002ની કોમી હિંસા હવે દૂરનો ભૂતકાળ બની છે. તેના વિશે કશી જાણ ન હોય એવી આખી એક પેઢી મતદાર તરીકે આવી ગઈ છે.

તેમણે આખા ઘટનાક્રમનું મહત્ત્વ ઓસરી ગયા પછી જાહેર કરાતી ક્લીનચિટોના ખેલથી ભરમાવા જેવું નથી. મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હઠાવીને ભળતા મુદ્દે લોકોમાં ફાટફૂટ પડાવવામાં સરકારો પાવરધી હોય છે.

નવી પેઢી જાણવા ઇચ્છે તો તેણે કેવળ ક્લીનચિટોના જયજયકારને બદલે આખા ઘટનાક્રમમાં ઊંડા ઊતરવું પડે.

એમ કરવું જરૂરી ન લાગે તો, અત્યારના સમયમાં નવી પેઢીને શિક્ષણક્ષેત્રના ગંભીર પ્રશ્નો અને બેરોજગારીના પ્રાણપ્રશ્નથી માંડીને ખેતી અને ખેતઉત્પાદનના ક્ષેત્રે ચાલતા કુશાસન જેવા મુદ્દેથી ધ્યાન હઠાવવા જેવું નથી.

સત્તર વર્ષ પહેલાંની હિંસામાં મળેલી ક્લીનચિટના હર્ષનાદમાં વર્તમાનની સમસ્યાઓ ડુબાડી ન દેવાય, એટલી સાદી સમજ નવી પેઢી બતાવી શકે એમ છે.

એ જવાબદારી ગણો તો જવાબદારી છે ને ભૂતકાળનું પ્રાયશ્ચિત ગણો તો પ્રાયશ્ચિત.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો