અયોધ્યા કેસમાં પુનર્વિચારની અરજીઓ ખારિજ : કેવી રીતે અને શું થયું?

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે અયોધ્યા મામલે થયેલી બધી પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે.

પાંચ જજોની બંધારણીય બેન્ચે બધી અરજીઓ પર સુનાવણી કરી અને તેને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટ કવર કરી રહેલા વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતી અનુસાર 9 નવેમ્બર, 2019ના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચારની માગ કરતી 18 અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે 9 અરજી પક્ષકાર તરફથી અને અન્ય 9 અરજી અન્ય અરજદારો તરફથી કરવામાં આવી હતી.

આ બધી અરજીના મેરિટ પર પણ ગુરુવારે વિચાર કરવામાં આવ્યો હતો.

કોણે અરજી કરી અને શું માગ કરી હતી?

  • સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર બંધારણીય બેન્ચે બંધબારણે કુલ 18 અરજી પર વિચાર કર્યો.
  • આ મામલે સૌથી પહેલાં પુનર્વિચાર અરજી 2 ડિસેમ્બરે મૂળ અરજદાર એમ. સિદ્દકીના કાયદાકીય વારસ મૌલાના સૈયદ અશહદ રશિદીએ દાખલ કરી હતી.
  • બાદમાં 6 ડિસેમ્બરે મૌલાના મુફ્તી હસબુલ્લા, મૌહમ્મદ ઓમર, મૌલાના મહફુઝુર્રહમાન, હાજી મહબૂબ અને મિસબાહુદ્દીને 6 અરજી દાખલ કરી હતી. આ બધી પુનર્વિચાર અરજીને ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું સમર્થન હતું.
  • 9 ડિસેમ્બરે વધુ બે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં એક અરજી અખિલ ભારત હિંદુ મહાસભાની અને બીજી અરજી 40થી વધુ લોકોએ સંયુક્ત રીતે કરી હતી.
  • સંયુક્ત અરજી દાખલ કરનારા લોકોમાં ઇતિહાસકાર ઇરફાન હબીબ, અર્થશાસ્ત્રી અને રાજનીતિક વિશ્લેષક પ્રભાત પટનાયક, માનવાધિકાર કાર્યકર હર્ષ મંદર, નંદિની સુંદર અને જૉન દયાલ સામેલ હતા.
  • હિંદુ મહાસભાએ પુનર્વિચાર અરજી કરીને મસ્જિદનિર્માણ માટે પાંચ એકર જમીન ઉત્તર પ્રદેશના સુન્ની વક્ફ બોર્ડને ફાળવાના નિર્દેશ પર સવાલ ઉઠાવ્યા હતા.
  • સાથે જ મહાસભાએ એ અંશને દૂર કરવાની વિનંતી કરી હતી, જેમાં વિવાદિત ઢાંચાને મસ્જિદ ઘોષિત કરાઈ હતી.

અયોધ્યા કેસ પર તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં પાંચ જજ સામેલ હતા. આ નિર્ણય બધા જજની સંમતિથી લેવાયો હતો.

જોકે હવે રંજન ગોગોઈ નિવૃત્ત થઈ ગયા છે. તેમનું સ્થાન જસ્ટિસ એસ.એ. બોબડેએ લીધું છે.

દાખલ થયેલી પુનર્વિચાર અરજી પર પણ પાંચ જજોની બેન્ચે નિર્ણય લીધો છે.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બોબડે સહિત તેમાં અન્ય ચાર જજ હતા, જેઓએ 9 નવેમ્બરે ચુકાદો આપ્યો હતો.

જ્યારે જસ્ટિસ સંજીવ ખન્નાને પાંચમા જજ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, હિંદુ મહાસભા, નિર્મોહી અખાડા અને ઘણા કાર્યકરોએ આ નિર્ણય પર પુનર્વિચાર અરજી કરી હતી.

તેમનું કહેવું હતું કે આ નિર્ણયમાં ઘણી ભૂલો રહી ગઈ છે.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે 9 નવેમ્બરે આપેલા ચુકાદામાં વિવાદિત જમીન રામમંદિર બનાવવા માટે, ત્રણ મહિનામાં મંદિરનિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવા અને મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ અન્ય જગ્યાએ પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો