પાકિસ્તાનના લઘુમતીની હાલત અંગેના ભારતના દાવામાં સત્ય કેટલું? રિયાલિટી ચેક

    • લેેખક, રિયાલિટી ચેક
    • પદ, બીબીસી ન્યૂઝ

શું પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં બિન-મુસ્લિમ સમુદાયની હાલત વિશે ભારત સરકારે કરેલા દાવા સાચા છે ખરા? દાવા પાછળના સત્યને ચકાસતી બીબીસી રિયાલિટી ચેકની ટીમે આ દાવાઓની ચકાસણી કરી છે.

ત્રણ પડોશી દેશોના બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવા માટેનો વિવાદાસ્પદ ખરડો ભારત સરકારે સંસદમાં પસાર કર્યો છે.

ભારતમાં ગેરકાયદે રીતે પ્રવેશેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ જો સાબિત કરે કે તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવ્યા છે, તો તેમને નાગરિકતા મળી શકે છે.

સરકારનો દાવો છે કે આ દેશોમાં લઘુમતીઓની સંખ્યા સતત ઘટી રહી છે અને ધર્મના કારણે તેમણે ભેદભાવ અને જુલમનો સામનો કરવો પડે છે.

નાગરિકતા આપવામાં અન્ય લઘુમતીઓની આ ખરડામાં અવગણના કરવામાં આવી છે તે મુદ્દે ભારે વિરોધ થયો છે.

સવાલ એ છે કે આ ત્રણેય પડોશી દેશોમાં બિન-મુસ્લિમોની હાલત કેવી છે?

બિન-મુસ્લિમોની વસતિ કેટલી છે?

ભારતના ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે પાકિસ્તાનમાં બિન-મુસ્લિમોની વસતિ વર્ષ 1951 પછી નાટકીય રીતે ઘટી છે.

1947માં ભાગલા પડ્યા તે પછી પાકિસ્તાનમાંથી બિન-મુસ્લિમોની અને ભારતમાંથી મુસ્લિમોની સામૂહિક હિજરત થઈ હતી.

અમિત શાહે જણાવ્યું કે વર્ષ 1951માં પાકિસ્તાનમાં લઘુમતીની વસતિ 23 ટકા હતી, જેમાં દાયકાઓ દરમિયાન સતામણીના કારણે સતત ઘટાડો થતો રહ્યો છે.

જોકે અમિત શાહે આપેલા આંકડાને પડકારવા પડે એમ છે, કેમ કે તેમણે અયોગ્ય રીતે પાકિસ્તાન તથા બાંગ્લાદેશ (તે વખતે પૂર્વ પાકિસ્તાન)નાં આંકડા ભેગા કરીને આપેલા છે.

વસતિના આંકડા દર્શાવે છે કે પાકિસ્તાન (તે વખતે પશ્ચિમ પાકિસ્તાન)માં વર્ષ 1951માં હિંદુઓની વસતિ દોઢથી બે ટકા હતી, તેમાં ખાસ ફરક પડ્યો નથી.

વસતિગણતરી પરથી ખ્યાલ આવે છે કે બાંગ્લાદેશમાં બિન-મુસ્લિમોની સંખ્યા 22થી 23 ટકા હતી, તે 2011માં ઘટીને 8% જેટલી થઈ છે.

તેનો અર્થ એ થયો કે બાંગ્લાદેશમાં બિન-મુસ્લિમોની વસતિ બહુ ઘટી ગઈ છે, જ્યારે પાકિસ્તાનમાં લઘુમતીની વસતિ ઓછી હતી તે જળવાઈ રહી છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, પારસી લઘુમતીની પણ વસતિ છે.

પાકિસ્તાનમાં અહમદિયા પણ વસે છે, જેમને 1970ના દાયકામાં 'બિન-મુસ્લિમ' જાહેર કરાયા હતા. અહમદિયાની વસતિ 40 લાખ જેટલી હોવાનો અંદાજ છે. તે રીતે અહમદિયા પાકિસ્તાનની સૌથી મોટી ધાર્મિક લઘુમતી છે.

અફઘાનિસ્તાનમાં બિન-મુસ્લિમ વર્ગમાં હિંદુ, શીખ, બહાઈ અને ખ્રિસ્તીનો સમાવેશ થાય છે, જેનું પ્રમાણ કુલ વસતિમાં 0.3% કરતાં પણ ઓછું છે. અમેરિકાના વિદેશવિભાગના અહેવાલ અનુસાર યુદ્ધ જેવી સ્થિતિને કારણે લોકો અહીંથી બહાર જઈ રહ્યા છે અને વર્ષ 2018માં અફઘાનિસ્તાનમાં માત્ર 700 શીખ અને હિંદુઓ જ બચ્યા હતા.

બિન-મુસ્લિમોનો સત્તાવાર દરજ્જો શું છે?

ભારત સરકારના નાગરિકતા સુધારા ખરડામાં જણાવાયું હતું:

"પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બંધારણમાં ચોક્કસ રાષ્ટ્રધર્મનો ઉલ્લેખ છે." "તેથી હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને આ દેશોમાં ધર્મના આધારે જુલમનો સામનો કરવો પડે છે."

એ વાત સાચી છે કે પાકિસ્તાનનો રાષ્ટ્રધર્મ ઇસ્લામ છે. અફઘાનિસ્તાન પણ ઇસ્લામી રાષ્ટ્ર છે.

બાંગ્લાદેશમાં સ્થિતિ થોડી જટિલ છે. બાંગ્લાદેશની રચના 1971માં થઈ, ત્યારે તેનું બંધારણ બિનસાંપ્રદાયિક હતું, પરંતુ વર્ષ 1988માં ત્યાં ઇસ્લામને સત્તાવાર રાષ્ટ્રધર્મનો દરજ્જો અપાયો હતો.

તેની સામે લાંબી કાનૂની લડાઈ ચાલી હતી અને વર્ષ 2016માં આખરે બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે ઇસ્લામ રાષ્ટ્રધર્મ તરીકે યથાવત્ રહેશે.

રાષ્ટ્રધર્મ ઇસ્લામ હોવા છતાં આ ત્રણેય દેશોના બંધારણમાં બિન-મુસ્લિમોને તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંનેમાં વ્યક્તિગત રીતે ઘણા હિંદુઓ મહત્ત્વના સ્થાને પહોંચી શક્યા છે. બંને દેશમાં હિંદુ મુખ્ય ન્યાયમૂર્તિ પણ બની શક્યા છે તે નોંધપાત્ર છે.

લઘુમતીઓ સાથે ભેદભાવ થાય છે?

વ્યવહારમાં બિન-મુસ્લિમ લઘુમતીઓ ભેદભાવ અને સતામણીનો સામનો કરવો પડે છે.

માનવઅધિકાર સંસ્થા 'ઍમનેસ્ટિ ઇન્ટરનેશનલ' પાકિસ્તાના ઇશ્વરનિંદાના કાયદા તરફ ધ્યાન દોરે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, "તે કાયદાની જોગવાઈઓની વ્યાખ્યા અસ્પષ્ટ રીતે કરવામાં આવી છે અને પોલીસ તથા ન્યાયતંત્ર તેને મનફાવે તે રીતે તેનો અમલ કરે છે, જેના કારણે ધાર્મિક લઘુમતીઓ સતામણીનો ભોગ બને છે."

પાકિસ્તાનમાંથી હાલનાં વર્ષોમાં ભારત આવેલા હિંદુઓએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની સામે ધાર્મિક ભેદભાવ રાખવામાં આવે છે. વિશેષ કરીને સિંધમાં હિંદુ છોકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે.

એ વાત પણ એટલી જ સાચી છે કે જેમને મુસ્લિમ ગણવામાં નથી આવતા તે અહમદિયાઓને પણ ભેદભાવનો સામનો કરવો પડે છે. આમ છતાં ભારતના નાગરિકતા ખરડામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

વર્ષ 2018 સુધીમાં ઇશ્વરનિંદાના કેસ દાખલ કરવામાં આવ્યા છે, તેમાંથી મોટા ભાગના અહમદિયા સામે છે, ખ્રિસ્તી અને હિંદુઓ સામે નથી.

બાંગ્લાદેશમાં હિંદુ વસતિ ઘટવા લાગી તેનાં ઘણાં બધાં કારણો છે.

બાંગ્લાદેશમાં વેપાર કરતા અને માલમિલકત ધરાવતા હિંદુઓને હેરાન કરવામાં આવતા હતા, જેથી તેઓ મિલકતો છોડીને નાસી જાય તો તે કબજે કરી શકાય.

બાંગ્લાદેશના ધાર્મિક ઉદ્દામવાદીઓ પણ હિંદુઓ પર હુમલા કરતા રહ્યા છે.

લઘુમતીઓને હેરાન કરવામાં આવતી હોવાની ભારતની વાતને બાંગ્લાદેશ સરકારે નકારી કાઢી છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ મોનેમે બીબીસીને જણાવ્યું:

"અમારા દેશમાં લઘુમતીઓની સતામણી થતી હોય તેવા કોઈ દાખલા નથી."

સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા અનુસાર વર્ષ 2016થી વર્ષ 2019 સુધીમાં ભારતમાં નિરાશ્રિતોની સંખ્યામાં 17% ટકાનો વધારો થયો છે.

જોકે આ વર્ષે ઑગસ્ટમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની રૅફ્યૂજી એજન્સીમાં સૌથી વધુ નોંધણી તિબેટ અને શ્રીલંકાના શરણાર્થીઓની થયેલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો