રાજ્યસભામાં CAB : નાગરિકતા બિલમાં અમિત શાહે ઉલ્લેખ કર્યો તે નહેરુ-લિયાકત કરાર શું છે?

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા

લોકસભામાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAB) 2019 પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું હતું કે 'નહેરુ-લિયાકત કરાર કોઈ કામ ન આવ્યો' અને લઘુમતીઓને સુરક્ષા આપવામાં પાકિસ્તાન (જ્યારે કરાર થયા ત્યારે બાંગ્લાદેશનું અસ્તિત્વ નહોતું.) નિષ્ફળ રહ્યું છે એટલે આ બિલ લાવવાની જરૂર ઊભી થઈ.

બિલ પર ચર્ચા દરમિયાન શાહે કહ્યું કે આઝાદી બાદ ભારત અને પાકિસ્તાનમાં શરણાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી, એટલે વર્ષ 1950માં નવી દિલ્હી ખાતે નહેરુ-લિયાકત કરાર થયા હતા.

શું છે કરાર?

8 એપ્રિલે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા આ દ્વીપક્ષીય કરારને 'દિલ્હી સમજૂતી' નામે પણ ઓળખવામાં આવે છે.

આ કરાર બંને દેશ વચ્ચેની છ દિવસની લાંબી ચર્ચા બાદ થયો હતો અને તેનું લક્ષ્ય હતું કે પોતાના સીમાઓમાં રહેલા લઘુમતીઓને સંપૂર્ણ સુરક્ષા અને તેમના અધિકાર આપવા.

આ કરાર માટે પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાન દિલ્હી આવ્યા હતા. એ સમયે જવાહરલાલ નહેરુ ભારતના વડા પ્રધાન હતા.

આ કરારની જરૂર કેમ પડી?

વર્ષ 1947માં થયેલા વિભાજન બાદ લાખો શરણાર્થીઓ એક તરફથી બીજી તરફ આવનજાવન કરી રહ્યા હતા.

પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ), પંજાબ, સિંધ અને કેટલાય વિસ્તારોમાંથી હિંદુ અને શીખ મોટી સંખ્યામાં ભારત આવી રહ્યા હતા.

પશ્ચિમ બંગાળ, બિહાર, પંજાબનો એ ભાગ જે ભારતમાં આવી ગયો હતો, ત્યાં ભારતના અન્ય ભાગમાંથી મુસલમાનો પાકિસ્તાન જઈ રહ્યા હતા.

કેટલાય ઇતિહાસકારો આને વિશ્વ ઇતિહાસનું સૌથી મોટું વિસ્થાપન માને છે.

વિભાજન બાદ ઘણા વિસ્તારોમાં મોટા પાયે રમખાણો થઈ રહ્યાં હતાં અને મોટી સંખ્યામાં હિંદુ-મુસલમાન મરી રહ્યા હતા.

આ સમયે એવા પણ કિસ્સા બન્યા હતા કે પોતાનો દેશ છોડી રહેલા શરણાર્થીઓની જમીન-સંપત્તિ પર કબજો થઈ ગયો કે પછી તેને લૂંટી લેવાઈ હતી.

બાળકીઓ-મહિલાઓનાં અપહરણ કરી લેવાયાં હતાં, લોકોને જબરજસ્તી ધર્મપરિવર્તન કરાવાતું હતું.

આવી ઘટનાઓ જે લઘુમતીઓ વિસ્થાપન માટે તૈયાર નહોતા એમની સાથે પણ ઘટી હતી.

એટલે કે પાકિસ્તાનના એ હિંદુઓ જે ભારત આવવા તૈયાર નહોતા કે પછી એ મુસ્લિમો જે ભારતમાં જ રહી ગયા હતા.

બંને દેશના લઘુમતીઓ ડરના માહોલમાં જીવી રહ્યા હતા.

1948માં પાકિસ્તાન તરફથી કાશ્મીર પર હુમલા થયા અને બાદમાં ભારતના હસ્તક્ષેપ બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો બગડી ગયા હતા. ડિસેમ્બર 1949માં બંને દેશ વચ્ચેનો વેપાર પણ બંધ થઈ ગયો.

બંને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતી દેખાઈ રહી હતી.

નહેરુ-લિયાકત કરારનું લક્ષ્ય

  • બંને દેશ પોતાના અલ્પસંખ્યકો સાથે થયેલા વ્યવહાર માટે જવાબદાર રહેશે.
  • શરણાર્થીઓને પોતાની જમીન-સંપત્તિ વેચવા કે નિકાલ માટે પરત ફરવાનો અધિકાર હશે.
  • જબરજસ્તી કરાયેલાં ધર્મપરિવર્તન માન્ય નહીં ગણાય.
  • અપહરણ કરાયેલાં મહિલાઓને પોતાનાં સગાંસંબંધીઓને સોંપી દેવાશે.
  • બંને દેશ અલ્પસંખ્યકો માટે આયોગની રચના કરશે.

ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન

લોકસભામાં અમિત શાહે કહ્યું કે પાકિસ્તાનમાં અને બાદમાં બાંગ્લાદેશ બન્યું ત્યારે અલ્પસંખ્યકોના અધિકારોની સુરક્ષા ન થઈ શકી અને એટલા માટે આ બિલની જરૂર પડી છે.

તેઓએ આ સંદર્ભે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સતત ઘટતી વસ્તીની પણ વાત કરી.

તેમનું કહેવું હતું કે ઇસ્લામી દેશો- પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં મુસલમાનો પર કોઈ રીતનું દબાણ થઈ શકતું નથી, માટે નાગરિકતા સંશોધન બિલમાં મુસલમાનોનો ઉલ્લેખ નથી.

બિલના વિરોધીઓ કહે છે કે એ સાચું છે કે આ ત્રણ દેશમાં અલ્પસંખ્યકોની સ્થિતિ સારી નથી, પરંતુ ભારત પણ આ મામલે સારી સ્થિતિ પેદા કરી શકે છે.

ટીકાકારો આઝાદી પછી સતત થઈ રહેલાં મુસ્લિમવિરોધી રમખાણો, મેરઠ, મલિયાણા, મુંબઈ-ગુજરાત અને 1984નાં શીખવિરોધી રમખાણોનો હવાલો આપે છે અને કહે છે કે તેને નજરઅંદાજ ન કરી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો