CAB પાછળની માનસિકતા અને મનોવ્યૂહમાં વરતાય છે વિભાજનનો વરવો વારસો

    • લેેખક, પ્રકાશ ન. શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મધરાતે આઝાદી જેવા જોસ્સાથી ગૃહમંત્રી અમિત શાહે અને સત્તાપક્ષે લોકસભામાં 'CAB' કહેવાતાં 'સિટીઝનશિપ (ઍમેન્ડમૅન્ટ) બિલ 2019' પસાર તો કરાવી લીધું પણ એકંદરે વિપક્ષ અને તટસ્થ નાગરિકોની પ્રતિક્રિયા લક્ષમાં લઈએ તો એવા પ્રતિભાવ સારુ અવશ્ય અવકાશ રહે છે કે 1947ના ઑગસ્ટમાં જેમ આઝાદીના જશનની જોડાજોડ વિભાજનની વેદના હતી તેમ, બલકે એથી અદકી, આ CAB ઘટના દેશની અંતર્ગત અને અંતરિયાળ એક નવા વિભાજનની અગનઝાળને હવા આપી શકે છે.

નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સે (NRC) જગવેલ દહેશત અને સંમિશ્ર સંકેતોની શાહી હજુ સુકાઈ નથી અને NRCને માથે જાણે ફણાં હોય એવો CAB ઘટનાક્રમ ખુદ સત્તાપક્ષના સાથીઓને પણ સદરહુ વિધેયકના સમર્થન છતાં સવાલ જગવનારો અને પડકાર પ્રેરનારો લાગ્યો છે અને એ સૂચક છે.

ભાજપના સાથી પક્ષોનો વિરોધ

યુએસ કમિશન ઓફ ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે એનડીએના પક્ષે મુસ્લિમોને રાજકીય અને બીજી સહભાગિતામાંથી બાદ રાખવાની એક સાંપ્રદાયિક ચેષ્ટા તરીકે આ વિધેયકને ઘટાવ્યું છે એ લક્ષમાં ન લઈએ તો પણ ભાગલા વખતે અમને ગણતરીમાં નહોતા લીધા એવી શીખ લાગણીનું પ્રતિનિધિત્વ કરનાર શિરોમણિ અકાલી દળે, પોતે એનડીએના અંગભૂત છતાં, એવો સવાલ કીધો છે કે જે તે દેશોમાં ત્રાસનો ભોગ બનેલી લઘુમતીઓ પૈકી મુસ્લિમોને બાકાત રાખવાનું લોજિક શું છે?

શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી પરબારા સ્વીકાર્ય અને મુસ્લિમ પરબારા અસ્વીકાર્ય, એવું કેમ?

ભાજપના એક સાથીપક્ષે, ભાજપનું વિચારવિશ્વ ઉત્તર-ભારતકેન્દ્રી છે અને હિંદી-હિંદુ-હિંદુસ્તાનની એની માનસિકતા દક્ષિણ ભારતને લક્ષમાં નથી લેતી એવો પ્રશ્ન ઉઠાવી શ્રીલંકાના તમિલોનું શું એમ પૂછવાપણું જોયું છે.

પૂર્વોત્તર ભારતમાં પણ સત્તાપક્ષના સાથીઓએ સંમિશ્ર સંકેત આપ્યા છે.

આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ)એ સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો છે તો આસામ ગણરાજ્ય પરિષદે પણ વિભક્ત અવાજોમાં પ્રગટ થવું પસંદ કર્યું છે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનથી આવેલાઓ પૈકી મુસ્લિમ સિવાય સૌને સ્વીકારવાની જે વાત છે એની પૂંઠે દેખીતી દલીલ 'જેમણે વેઠવું પડ્યું છે તે' એ પ્રકારની છે.

અહીં તમે પાકિસ્તાનના અહમદિયા અને શિયા જેવા ભોગ બનેલાઓને કેવી રીતે નકારી શકો?

આઝાદ કાશ્મીર કહેતાં પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર અને અકસાઈ ચીનમાંથી આવનારને તમે કેવી રીતે જોશો?

અને મ્યાનમારના રોહિંગ્યાનું શું?

હિંદુત્વનું રાજકારણ?

જરા જુદી રીતે આ વિધેયકને તપાસીએ તો તાજેતરમાં જ આપણે જોયું છે તેમ NRCએ આસામમાં જેમને બાકાત રાખ્યા હતા તે 19 લાખ લોકો પૈકી 5.4 લાખ બંગાળી હિંદુઓ પણ હતા.

આ 5.4 લાખ લોકો (કેમકે તેઓ હિંદુ છે) પ્રસ્તુત વિધેયક અન્વયે બારોબાર નાગરિકત્વ પ્રાપ્ત કરશે, જ્યારે બાકીના પૈકી (મહદંશે મુસ્લિમ) સૌ નાગરિકત્વથી વંચિત રહેશે.

ઘડિયાં લગ્નની પેઠે, બલકે અભદ્ર અધીરાઈથી આ કારવાઈ હાથ ધરાઈ છે ત્યારે એક સાંસદે ટાંકેલી એ પંક્તિઓ અક્ષરસઃ પ્રાસંગિક લાગે છે કે

"ઇતિહાસકી આંખોને વો ફલક ભી દેખે હૈં, લમ્હોંને ગલતી કી ઔર સદીયોંને સજા પાઈ હૈ."

શાયરે જેને સદીઓની સદીઓ લગી લંબાઈ શકતી સજા કહી છે તે શું છે એ ગંભીર વિચાર માગી લેતી બાબત છે.

હિંદુત્વ રાજનીતિ તરીકે જે ત્રણચાર મુદ્દા એનડીએ-1 દરમિયાન કોરાણે રખાયા હતા એ બધા અંકે કરવાની એનડીએ-2માં કોશિશ થઈ રહી છે.

આ કોશિશ બિલ્લીપગે નહીં પણ હરણપગે થઈ રહી છે.

સિટિઝનશિપ (ઍમેન્ડમૅન્ટ) બિલ એ જ દિશામાં અતિવેગે હાથ ધરાયેલી પ્રક્રિયા છે.

મુસ્લિમો માટે મોહનદાસ મોમેન્ટ

સંદેશો સાફ છે કે સત્તાપક્ષ એક એવા રાષ્ટ્રવાદ તરફ અઢળક ઢળેલો છે જેમાં રાષ્ટ્રવાદ અને બહુમતીવાદ (નેશનલિઝમ એન્ડ મેજોરિટેરિયનિઝમ) એકાકાર છે.

મુસ્લિમો અહીં રહી તો શકે, કામધંધો કરી શકે, ભણતર હાંસલ કરે પણ રાજકીય ક્ષેત્રે બરોબરીની હિસ્સેદારીથી પૂરા કદના નાગરિક તરીકે નથી તે એમણે સમજી લેવું જોઈએ.

જેઓ બંધારણીય ધોરણે સૌની નાગરિકતા અને સિવિક (નાગરિક) અગર કોન્સ્ટિટ્યૂશનલ (બંધારણીય) રાષ્ટ્રવાદમાં વિશ્વાસ ધરાવે છે તે સૌને માટે - અને આ કિસ્સામાં સવિશેષ મુસ્લિમો માટે - એક રીતે આ મોહનદાસ મોમેન્ટ છે.

દક્ષિણ આફ્રિકામાં નીચી મુંડીએ રહી મબલક કમાવું કે રંગભેદ સામેની લડાઈ લડી ન્યાય મેળવવો, એ પડકાર પચીસ વરસના મોહનદાસ સામે હતો.

મધરાતે આઝાદીની કથિત જોસ્સા સામે મધરાતે નવવિભાજનનો પડકાર આ છે, એ રીતે પણ તમે આખી વાતને જોઈ શકો.

આસામ સ્ટુડન્ટ્સ યુનિયને (આસુએ) આખી વાતને એક કાળના મુઘલ આક્રમણ સાથે સરખાવી છે તે સૂચક છે.

પૂર્વોત્તર ભારતના ઠીક ઠીક હિસ્સામાં નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશને બંધની હાકલ કરી છે.

સંસદમાં આ વિધેયક પસાર થાય અને ધારો કે એકાદ વાર પુનર્વિચાર જેવો રસમી મલાજો પણ નકો નકો પળાય, પણ દેશ સામે સત્તાવાર ભૂમિકા અસંદિગ્ધ શબ્દોમાં મુકાઈ ગઈ છે તે મુકાઈ ગઈ છે અને તે એ કે બહુમતીવાદ એ બ્રહ્મસત્ય છે.

બને કે કલમ 14 અને 15માં કાયદા સન્મુખ સમાનતા અને કોઈ ભેદભાવ નહીં એવી જે બંધારણીય ભૂમિકા સ્પષ્ટ કરાઈ છે એ ધોરણે સર્વોચ્ચ અદાલતમાં CAB સામે પડકાર થાય, અને કાયદો અવૈદ્ય જાહેર થઈ ખડી પડે.

પણ આ બધી 'જો' અને 'તો'ની વાત થઈ.

કૉંગ્રેસ જવાબદાર કે હિંદુત્વવાદી વિચારધારા

ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે 1947માં કૉંગ્રેસે ભાગલા સ્વીકાર્યા ન હોત તો આજની નોબત આવી જ ન હોત.

એક વૈકલ્પિક વિમર્શ ઉપજાવવાની પશ્ચાદવર્તી લાયમાં તેઓ ભૂલી જાય છે કે હિંદુ મહાસભા અને સંઘ ત્યારે હિંદુરાષ્ટ્રની વાત કરતા હતા, જેમ ઝીણા અને મુસ્લિમ લીગ મુસ્લિમ રાષ્ટ્ર (પાકિસ્તાન)ની વાત કરતા હતા.

તેમના પરસ્પરસ્પર્ધી કોમવાદની કસોટીએ ગાંધી અને કૉંગ્રેસની બિનકોમી ભૂમિકા કાં તો હિંદુતરફી એટલે કે મુસ્લિમવિરોધી હતી અથવા મુસ્લિમતરફી એટલે કે હિંદુવિરોધી હતી.

સાવરકરના હિંદુત્વ સિદ્ધાંતમાં દ્વિરાષ્ટ્રવાદ અનિવાર્યપણે રહેલો હતો અને પાકિસ્તાન ઠરાવ જો 1940માં આવ્યો હતો તો ભારતમાં કમસેકમ બે જુદાં રાષ્ટ્રો (હિંદુ અને મુસ્લિમ) છે એવું હિંદુ મહાસભાનું અધ્યક્ષીય ભાષણ સાવરકરે અમદાવાદ અધિવેશનમાં 1937માં કર્યું હતું.

કૉંગ્રેસે ભાગલાનો સ્વીકાર દ્વિરાષ્ટ્રવાદની અનુમોદનારૂપે નહોતો કર્યો, એક અનિવાર્ય પગલા તરીકે ચીરાતા હૈયે કર્યો હતો.

ધર્મકોમ આધારિત દ્વિરાષ્ટ્રવાદમાં ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિમૂર્તિ સહિત દેશનો ઘણો પ્રબુદ્ધ વર્ગ નહોતો માનતો.

સિટીઝનશિપ (ઍમેન્ડમૅન્ટ) બિલ પાછળની માનસિકતા અને મનોવ્યૂહમાં વિભાજનનો વરવો વારસો વરતાય છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો