ન્યૂઝીલૅન્ડમાં જ્વાળામુખી: 'ચારેય બાજુ રાખ જ રાખ હતી'

"બધું રાખમાં ઢંકાઇ ગયું હતું. એ દૃશ્ય ચર્નોબિલ (પરમાણુ દુર્ઘટનાની મિની સિરીઝ)નો એક સીન હોય તેવું લાગી રહ્યું હતું."

આ શબ્દો ન્યૂઝીલૅન્ડના વ્હાઇટ આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, ત્યારે ત્યાં ફસાયેલા પર્યટકોને બચાવીને લાવનાર પાઇલટ રસેલ ક્લાર્કના છે.

સોમવારે સવારે વ્હાઇટ આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટવાને પગલે છ લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આઠ અન્ય લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે અને આશરે 30 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

જ્યારે આ ટાપુ પર જ્વાળામુખી ફાટ્યો, ત્યારે ત્યાં અલગ-અલગ દેશોના આશરે 47 પર્યટક હાજર હતા.

કેટલાક લોકોને ખાનગી હૅલિકૉપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા હતા. ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાને જૅકિન્ડા અર્દર્ને ખાનગી રેસ્ક્યુ મિશન ચલાવનાર ચાર હેલિકૉપ્ટર પાઇલટનો આભાર વ્યક્ત કર્યો હતો.

જ્વાળામુખીમાંથી હજુ ધુમાડો અને રાખ બહાર ફેંકાઈ રહ્યાં છે, જેથી ત્યાં હવે કોઈ કામગીરી કરી શકાય તેવી પરિસ્થિતિ નથી.

પ્રશાસનનું કહેવું છે કે આવતા 24 કલાકમાં જ્વાળામુખીમાં ફરીથી સક્રિય થાય અથવા આનાથી ઓછી તીવ્રતાના વિસ્ફોટ થઈ શકે છે તેની 50 ટકા શક્યતા છે.

પર્યટકો માટે ટૂરને લઈને પ્રશ્નો

પ્રશ્ન ઊભા થયા છે કે ન્યૂઝીલૅન્ડના સૌથી સક્રિય જ્વાળામુખીને લઈને ઍલર્ટ વધારવામાં આવ્યો હતો તો ત્યાં પર્યટકોને ત્યાં કેમ જવા દેવાયા?

મંગળવારે સંસદમાં ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિન્ડા અર્દર્ને કહ્યું છે કે 'વ્હાઇટ આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટવાની ઘટના અંગે પ્રશ્નો ઊભા થયા છે અને તે વ્યાજબી છે.'

ત્રણ અઠવાડિયા પહેલાં, જ્વાળામુખીને લઈને ખતરાનું ઍલર્ટ પ્રથમ શ્રેણીથી વધારીને બીજી શ્રેણીનો કરી દેવામાં આવ્યું હતું.

ખતરાનો ઍલર્ટ વધારવામાં આવ્યું હતું, છતાં ત્યાં પર્યટકો માટે ચાલતી ટૂર બાબતે નિષ્ણાતો ચર્ચા કરી રહ્યા છે કે શું આ દુર્ઘટનાને નોતરવા જેવું હતું કે પછી આ ટાપુ હજુ પર્યટકો માટે સુરક્ષિત છે.

હાલ ત્રીજી શ્રેણીનો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે 'જ્વાળામુખીમાં મધ્યમ સ્તરની હલચલ'ની શક્યતા છે.

કોણ કોણ ટાપુ પર હાજર હતા

ઉલ્લેખનીય છે કે વ્હાઇટ આઇલેન્ડ ન્યૂઝીલૅન્ડના ઉત્તરમાં આવેલો છે અને દેશનો સૌથી વધારે સક્રિય જવાળામુખી છે.

સોમવારે જ્વાળામુખી ફાટતા અસરગ્રસ્ત થયેલા લોકોમાં ઑસ્ટ્રેલિયાના 24 લોકો, અમેરિકાના નવ, ન્યૂઝીલૅન્ડના પાંચ, જર્મનીના ચાર, ચીનના બે અને યુકેના બે પર્યટક હતા.

હાલ ટાપુ પરથી બચાવાયેલા 34 લોકોમાંથી મોટાભાગના લોકો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ડૉક્ટરોએ કહ્યું કે કેટલાક લોકો એટલી હદે દાઝી ગયા છે કે તેઓ કદાચ ન બચી શકે.

પોલીસનું કહેવું છે કે જે લોકોનાં મૃત્યુ થયું છે તેના મૃતદેહ કઈ પરિસ્થિતિમાં છે તે વિશે કંઈ કહી શકાય નહીં, બની શકે કે મૃતદેહો જ્વાળામુખીમાંથી નીકળેલી રાખમાં દબાયેલા હોય.

ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન અર્દેને કહ્યું છે કે આ ઘટનામાં હવે ટાપ પર કોઈ જીવિત રહયું હોવાના સંકેત નથી, હવે માત્ર મૃતદેહો લાવવા અંગે કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

શું થયું હતું ટાપુ પર?

વ્હાઇટ આઇલૅન્ડને 'વખારી' પણ કહેવાય છે અને અહીં ન્યૂઝીલૅન્ડમાં સૌથી સક્રિય જ્વાળામખી છે.

એક સક્રિય જ્વાળામુખી હોવા છતાં આ ખાનગી ટાપુ પર પર્યટકો માટે ટૂર ચલાવવામાં આવતી હતી.

સોમવારે સ્થાનિક સમયે બપોરે એક પછી એક બે વિસ્ફોટ થયા હતા, અને જ્વાળામુખીમાંથી ધુમાડો અને રાખ નીકળવા લાગ્યા હતા.

જ્વાળામુખી ફાટ્યો ત્યારે એક લાઇવ સ્ટ્રીમિંગમાં દેખાયું કે ક્રૅટરમાં કેટલાક લોકો હાજર હતા, પરંતુ ત્યાર બાદ તે લાઇવ સ્ટ્રીમિંગ બંધ થઈ ગયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો