સના મારિન : કોણ છે દુનિયાનાં સૌથી નાની વયનાં PM?

ફિનલૅન્ડની સરકારનાં પરિવહન મંત્રી સના મારિન 34 વર્ષની વયે દુનિયાનાં સૌથી નાની વયનાં વડાં પ્રધાન બનશે.

યુરોપિયન દેશ ફિનલૅન્ડમાં તેમને સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટીનાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં છે. સના ચાર પક્ષની ગઠબંધન સરકારનાં વડાં પ્રધાન બનશે, આ ચારેય પક્ષોનું નેતૃત્વ મહિલાઓના હાથમાં છે.

આ પહેલાં પાર્ટીનાં નેતા ઍન્ટી રિનાએ વડાં પ્રધાનના પદથી રાજીનામું આપ્યું હતું. સના મારિન આ અઠવાડિયે વડાં પ્રધાન તરીકે શપથ લેશે.

કોણ છે સના મારિન?

મીડિયા અહેવાલો મુજબ સના મારિનનો ઉછેર એક સમલૈંગિક પરિવારમાં થયો હતો. તેમના પરિવારમાં તેમનાં માતાનાં મહિલા પાર્ટનર હતાં.

મેનાસેટ વેબસાઇટ મુજબ વર્ષ 2015માં તેમણે કહ્યું હતું કે બાળપણમાં તેઓ બહુ પ્રકાશમાં નહોતાં આવતાં, કારણ કે તેઓ પોતાના પરિવાર વિશે ખુલીને વાત નહોતાં કરી શકતાં.

પરંતુ તેમણે કહ્યું કે તેમનાં માતાએ હંમેશાં તેમને ટેકો આપ્યો છે અને એ માનવા માટે પ્રેરિત કર્યાં કે તેઓ કંઈ પણ કરી શકે છે.

સના તેમના પરિવારમાંથી એવી પ્રથમ વ્યક્તિ હતી કે જે યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ માટે જઈ શક્યાં હોય.

સના રાજકારણમાં આવ્યાં અને સોશિયલ ડેમૉક્રેટ્સ પાર્ટીમાં તેઓ ઝડપથી આગળ વધ્યાં.

27 વર્ષની ઉંમરમાં તેઓ ટામ્પેરે નામના શહેરમાં સ્થાનિક પ્રશાસનમાં વડાં બન્યાં હતાં.

વર્ષ 2015માં તેઓ પહેલી વખત ફિનલૅન્ડમાં સંસદસભ્ય બન્યાં હતાં.

22 મહિનાની પુત્રીનાં માતા સનાની જૂન 2019માં પરિવહન અને સંચારમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

જ્યારે તેમને તેમની ઉંમર વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, "મેં મારી ઉંમર અથવા જેન્ડર વિશે ક્યારેય નથી વિચાર્યું."

જોકે, સનાની સરકારમાં 32 વર્ષનાં કૅટ્રી કુલમુનિ નાણામંત્રી બની શકે છે, તેઓ સેન્ટર પાર્ટીનાં નેતા છે.

મહિલાઓનો દબદબો

તેઓ ચાર રાજકીય પક્ષોના ગઠબંધનનું નેતૃત્વ કરશે અને આ ચારેય પક્ષોનું નેતૃત્વ મહિલા નેતાઓના હાથમાં છે જેમાંથી ત્રણની ઉંમર 35 વર્ષથી ઓછી છે.

ફિનલૅન્ડમાં ટપાલસેવા અંગેની હડતાળ પર સરકારની નીતિથી નારાજ ગઠબંધનની એક સદસ્ય પાર્ટીના અસંતોષને જોતાં ઍન્ટી રિનેએ રાજીનામું આપ્યું હતું.

જ્યારે સના મારિન વડાં પ્રધાન તરીકે શપથ લેશે ત્યારે તેઓ દુનિયાનાં સૌથી નાની વયનાં વડાં પ્રધાન બની જશે.

જોકે, ન્યૂઝીલૅન્ડના વડાં પ્રધાન જૅસિન્ડા અર્ડર્ન 39 વર્ષનાં છે, જ્યારે યુક્રેનના પ્રમુખ નેતા ઓલેસ્કી હૉન્ચારુક 35 વર્ષના છે.

સના સામે પડકાર

હાલમાં યુરોપિયન સંઘનું અધ્યક્ષપદ ફિનલૅન્ડ પાસે છે. 12મી ડિસેમ્બરે બ્રસેલ્સ ખાતે તેનું સંમેલન મળવાનું છે. આથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે કે એ પહેલાં સંસદ નવી સરકાર ઉપર મંજૂરીની મહોર મારી દેશે.

ગઠબંધનના પક્ષો ચોક્કસ ઍજન્ડા માટે સહમત થયા છે, આથી સના નીતિગત બાબતોમાં ધરમૂળથી ફેરફાર કરી શકે તેવી શક્યતા નહિવત્ છે.

મારિનના નેતૃત્વમાં ગઠબંધનને પાતળી સરસાઈ મળી હતી, ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે તેમનો કાર્યકાળ અગાઉ જેવો સરળ નહીં હોય.

સનાએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે 'નાગરિકોનો વિશ્વાસ બહાલ કરવા ઘણું બધું કરવાની જરૂર છે.'

ગત 100 વર્ષ દરમિયાન ફિનલૅન્ડમાં બે મહિલા વડાં પ્રધાન બન્યાં હતાં, પરંતુ તેમનો કાર્યકાળ ખૂબ જ ટૂંકો રહ્યો હતો.

ફિનલૅન્ડના રાજકારણમાં મહિલાઓ

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ફિનલૅન્ડની આગામી સરકારમાં સામેલ યુતિના ચાર રાજકીય પક્ષનું નેતૃત્વ મહિલાઓના હાથમાં છે, તે યોગાનુયોગ છે. પરંતુ ફિનલૅન્ડના રાજકારણમાં લૈંગિક અસમાનતા લાંબા સમયથી પ્રવર્તમાન છે.

સેન્ટર ફૉર ઇક્વાલિટી ઇન્ફર્મેશનનાં રિટા સિક્યુલાએ બીબીસીને જણાવ્યું કે થોડા દાયકા અગાઉ સંશોધકોએ નોંધ્યું હતું કે મોટાભાગની પાર્ટીઓમાં બીજા કે ત્રીજા સ્તરે યુવા મહિલાઓ નોંધપાત્ર સ્થાન ધરાવતી હતી.

ફિનલૅન્ડના રાજકારણમાં મહિલાઓનું સ્થાન હંમેશાં મહત્ત્વપૂર્ણ રહ્યું છે. તાજેતરની મોટાભાગની સરકારોમાં મહિલા પ્રધાનોની સરેરાશ ટકાવારી 40 ટકા કે તેથી વધુની રહી હતી.

2015ની પુરુષપ્રધાન જૂહા સપ્લાની સરકારમાં 36 ટકા મહિલા પ્રધાન હતાં.

પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડનાં યુવા વડાં પ્રધાન

આ પહેલાં પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટો 35 વર્ષની વયે વડાં પ્રધાન બન્યાં હતાં.

તેઓ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનાં પુત્રી હતાં અને તેમને વારસમાં રાજકારણ મળ્યું હતું.

તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં નેતા તરીકે 1988માં સામાન્ય ચૂંટણી જીતીને પાકિસ્તાનના વડાં પ્રધાન બન્યાં.

ત્યાર બાદ તેઓ 1993-96માં ફરી એક વખત વડાં પ્રધાન બન્યાં હતાં, જ્યારે 39 વર્ષનાં ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિન્ડા ચર્ચામાં આવ્યાં હતાં, તેઓ વડાં પ્રધાનપદે હતાં ત્યારે માતા બન્યાં હતાં.

ન્યૂઝીલૅન્ડમાં 2019માં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદો પર હુમલા વખતે સમાવેશી વલણ અપનાવવાને કારણે દુનિયામાં તેમના વખાણ થયાં હતાં. તેમણે આ હુમલા બાદ દેશના બંદૂકકાયદામાં તત્કાળ ફેરફાર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો