You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકે : ચૂંટણી નજીક આવતાની સાથે જ પ્રચારમાં ગરમાવો આવ્યો
ચૂંટણી આડે હવે છેલ્લા કેટલાક દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બધા જ મુખ્ય રાજકીય પક્ષો મતદારોને વાયદા કરવાના પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જોન્સને જાહેરપત્ર લખીને કહ્યું છે કે ગુરુવારની ચૂંટણી 'ઐતિહાસિક' બની રહેવાની છે અને બ્રેક્ઝિટથી 'આગળ વધવાનો' વિકલ્પ મળવાનો છે.
લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને કહ્યું કે 'આશા માટે મતદાન કરવાની આ તક' છે અને 'આપણા દેશમાં પરિવર્તન માટેની દાયકાઓની સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી યોજના' પોતાની પાસે છે.
યુકેમાં ગુરુવારે મતદાન યોજાવાનું છે.
મતદાન પહેલાં છેલ્લા તબક્કાના પ્રચાર માટે ઉમેદવારો દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે.
દેશના જુદા જુદા પક્ષોએ રવિવારે પોતાના ચૂંટણીઢંઢેરાના જે વચનો પર પ્રચારમાં ભાર મૂક્યો હતો, તેમાંથી મુખ્ય જોઈએ તો:
કન્ઝર્વેટિવ પક્ષે ઓસ્ટ્રેલિયામાં છે તેવી પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન પદ્ધતિ લાગુ કરવાનું વચન આપ્યું છે, જેથી બિનકુશળ લોકોનું ઇમિગ્રેશન રોકી શકાય.
લેબર પાર્ટીની યોજના છે કે 'સામાજિક સંભાળની સમસ્યાને નિવારવા' ઇંગ્લેન્ડના વૃદ્ધોને મફતમાં વ્યક્તિગત સારવાર આપવી અને તે માટે 2023-24 સુધીમાં 10 અબજ પાઉન્ડનું વધારાનું ફંડ ફાળવવું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લિબરલ ડેમોક્રેટ્સની યોજના છે કે "જુદા જુદા વિસ્તારો વચ્ચે સંતુલન" કરવું અને તે માટે લંડનની બહારના પ્રદેશોમાં 50 અબજ પાઉન્ડનું રોકાણ માળખાકીય સુવિધાઓ માટે કરવું.
બીજી બાજુ, એસએનપીનાં નેતા નિકોલા સ્ટ્રેજોને ચેતવણી ઉચ્ચારી હતી કે આ ચૂંટણીમાં "સ્કોટલેન્ડનું સમગ્ર ભવિષ્ય" દાવ પર મુકાયું છે.
નિકોલાએ મતદારોને અપીલ કરી કે 'બ્રેક્ઝિટથી બચવા, એનએચએસને સુરક્ષિત કરવા અને સ્કોટલેન્ડનું ભવિષ્ય સ્કોટલેન્ડના હાથમાં જ રહે' તે માટે તેમના પક્ષને મત આપે.
લિબરલ ડેમોક્રેટ નેતા જો સ્વીન્સને સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે ગુરુવારની ચૂંટણીમાં પોતાના પક્ષના વધારે સાંસદોને જિતાડીને તેઓ પોતાના પક્ષને આગળ વધારવા માગે છે.
તેમણે વધુમાં કહ્યું કે, "અમે બ્રેક્ઝિટ અટકાવવાની કોશિશ કરીશું, અને તે માટે અમારાં મૂલ્યો અને અમારા હેતુમાં વિશ્વાસ રાખતા હોય તેમની સાથે મળીને કામ કરીશું."
રવિવારે મતદારોને સંબોધીને મેઇલ અખબારમાં પ્રગટ થયેલા પોતાના પત્રમાં જોન્સને કહ્યું છે કે આ ચૂંટણી 'આગામી દાયકાઓનું આપણું ભવિષ્ય' ઘડશે. તેમણે મતદારોને વિનંતી કરી કે "બ્રેક્ઝિટને પાર પાડે તે માટે કામ કરતી કન્ઝર્વેટિવ પક્ષની સરકારને બહુમતી આપશો, જેથી અનિશ્ચિતતા ખતમ થાય અને બ્રિટન આગળ વધે."
'વાયદાના વેપાર'
પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેની કેટલીક વિગતો કન્ઝર્વેટિવ પાર્ટીએ જાહેર કરી છે.
સન્ડે એક્સપ્રેસમાં ગૃહ મંત્રી પ્રીતિ પટેલે આ વિશે લખ્યું છે કે તેની શરૂઆત જાન્યુઆરી 2021થી થશે અને તેનો હેતુ "કુલ ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડીને, આપણા દેશ અને અર્થતંત્રને જેની જરૂર છે, તેવી ઉત્તમ ટેલેન્ટને આકર્ષવાનો છે".
ઉદ્યોગસાહસિક અને એનએચએસ માટે કામ કરનારા લોકોને ઝડપથી પ્રવેશ મળશે, જ્યારે કામદાર વર્ગની અછત ઘટાડવા માટે સેક્ટર પ્રમાણે યોજના હેઠળ ઓછા કે બિનકુશળ કામદારોને પ્રવેશ મળશે.
હાઉસ ઑફ કોમન્સમાં બહુમતી નહિ મળે તો પોતે રાજીનામું આપી દેશે એવી વાતનો જોન્સને સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું: "અમારી પાસે હવે પાંચ દિવસ બાકી છે, તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા માગું છું, કેમ કે લોકોની અપેક્ષા પણ એ જ છે."
વૃદ્ધો માટે મફતમાં સારવાર દાખલ કરીને સામાજિક સંભાળની સમસ્યા દૂર કરવા માટેની પોતાની યોજના પર લેબર પાર્ટી ભાર મૂકી રહી છે.
પક્ષનું કહેવું છે કે વધારાના ભંડોળના કારણે મોટી ઉંમરના કામદારો અને પેન્શનરો સારવાર માટેનો ખર્ચ મેળવી શકશે અને તેમાં અમુક મર્યાદા રાખવાની દરખાસ્ત છે.
કિંગ્ઝ ફંડના જણાવ્યા અનુસાર મફત સારવાર આપવા માટે અત્યાર સુધીમાં નિર્ધારિત બજેટ કરતાં 2020-21 સુધીમાં વધારાના 6 અબજ પાઉન્ડની જરૂર પડશે. તે સાથે સામાજિક સંભાળનું કુલ બજેટ અંદાજે 26 અબજ પાઉન્ડનું થઈ જશે.
આ મુદ્દા પર પોતે કરેલા અભ્યાસ વિશે પણ લેબર પાર્ટી તરફથી વાત થઈ રહી છે. આ અભ્યાસ અનુસાર એપ્રિલ 2017થી અત્યાર સુધીમાં 9290 લોકોએ સ્થાનિક સત્તાધીશોને મળીને વિનંતી કરી હતી કે તેમની બચત ધોવાઈ રહી છે, ત્યારે સારવાર માટે આર્થિક મદદ મળવી જોઈએ.
લિબરલ ડેમોક્રેટ્સ કહે છે કે તેમની યોજના એવી છે, જેનાથી "આપણા દેશમાં પ્રદેશો પ્રમાણે રોકાણમાં ઐતિહાસિક અસંતુલન ઊભું થયું છે તે દૂર કરવામાં આવશે".
તેમની યોજના છે કે રેલવે ઇલેક્ટ્રિફિકેશન વધારવું, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઇન્ટ વધારવા અને બ્રોડબેન્ડ વધારે સુલભ બનાવવું.
લિબરલ ડેમોક્રેટના ઉપનેતા એડ ડેવીએ કહ્યું: "લેબર કે ટોરીઝ જે ભંડોળ ફાળવવાની વાતો કરી રહ્યા છે, તે બ્રેક્ઝિટ પાછળનો ખર્ચ જોતાં શક્ય નથી. તેઓ એવા ચેક પર વાયદા લખી રહ્યા છે, જે ચેક બાઉન્સ થવાનો છે.
"લિબરલ ડેમોક્રેટ્સને મળનારો દરેક મત બ્રેક્ઝિટને અટકાવવા માટેનો મત હશે. જેથી આપણે અબજો પાઉન્ડ યુકેમાં રોકી શકીએ અને જે અસંતુલન ઊભું થયું છે તેને દૂર કરી શકીએ."
'અસલી પરિવર્તન'
શેડો ચાન્સેલર જ્હોન મેકડોનાલ્ડે બીબીસી વનના એન્ડ્રૂ માર શૉમાં જણાવ્યું હતું કે લેબર પાર્ટી જો આ ચૂંટણીમાં બહુમતી મેળવશે તો "આપણા દેશમાં પરિવર્તન આણશે".
તેમણે ઉમેર્યું હતું કે, "આપણા અર્થતંત્રથી દરેકને ફાયદો થાય તેવું હું કરવા માગું છું... તેનો અર્થ એ કે મૂડીવાદને નવું સ્વરૂપ આપવું."
જોન્સન કહે છે કે તેઓ લોકોની જે અગ્રતા છે, તેના પર કામ કરવા માગે છે, જેમાં એનએચએસ પાછળ તાત્કાલિક રોકાણ અને જીવનધોરણના વધી રહેલા ખર્ચને કાબૂમાં લેવાનો સમાવેશ થાય છે.
છેલ્લા તબક્કાના પ્રચાર દરમિયાન વાત કરતાં કોરબિને કહ્યું કે જોન્સન "બ્રેક્ઝિટ પાર પાડી શકશે કે બીજું કશું કરી શકશે તેવો ભરોસો રાખી શકાય તેમ નથી".
તેમણે કહ્યું કે લેબર પાર્ટી એનએચએસના તંત્રને "બચાવી લેશે" અને "બ્રેક્ઝિટના મામલાને પાર પાડશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો