હૉંગકૉંગ : "હું છેલ્લા શ્વાસ સુધી આઝાદી માટે સંઘર્ષ કરીશ" આંદોલનના છ મહિના

હૉંગકૉંગના રસ્તાઓ પર રવિવારે અત્યાર સુધીનું સૌથી મોટું સરકારવિરોધી પ્રદર્શન થયું. ગયા ઑગસ્ટ પછી પહેલી વખત પોલીસે લોકશાહી સમર્થક જૂથ સિવિલ હ્યુમન રાઇટ્સ ફ્રંટની રેલીને પરવાનગી આપી.

આયોજકોનું કહેવું છે કે આ રેલીમાં અંદાજે આઠ લાખ લોકોએ ભાગ લીધો હતો જ્યારે પોલીસના કહેવા પ્રમાણે પ્રદર્શનકારીઓની સંખ્યા એક લાખ 83 હજાર હતી.

રેલી પહેલાં પોલીસે છાપો મારીને 11 લોકોની ધરપકડ કરી અને એક હૅન્ડગન પણ જપ્ત કરી હોવાનો દાવો પોલીસે કર્યો છે.

એક વિવાદિત પ્રત્યર્પણ બિલને લઈને જૂન મહિનામાં આ પ્રદર્શન શરૂ થયું હતું અને હવે આ વિરોધ વ્યાપક સરકારવિરોધી પ્રદર્શનોમાં ફેરવાઈ ગયો છે.

પ્રદર્શન દરમિયાન વિક્ટોરિયા પાર્કમાં આવેલાં 40 વર્ષીય મહિલા જૂને કહ્યું, "હું છેલ્લા શ્વાસ સુધી આઝાદી માટે સંઘર્ષ કરીશ."

શનિવારે એક નિવેદન જાહેર કરીને સરકારે શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.

સરકારે નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે તેમને બોધ મળ્યો છે અને હવે સહાનુભૂતિ સાથે લોકોની વાત સાંભળશે અને ટીકા સ્વીકારશે.

પ્રદર્શનના છ મહિના

આ રેલી પછી સરકારે કહ્યું કે તેઓ હૉંગકૉંગની સમસ્યાઓનું વાતચીતના માઘ્યમથી નિવારણ કરવાની કોશિશ કરશે.

9 જૂને જ્યારે વિશાળ રેલી યોજાઈ હતી એ વાતને સોમવાર 9 ડિસેમ્બરે છ મહિના પૂર્ણ થઈ ગયા.

આ પ્રદર્શનોને કારણે રાજકીય સંકટ ઊભું થયું છે જેના ભરડામાં ચીનનો આ અર્ધસ્વાયત્ત પ્રદેશ છે.

રેલીના આયોજક સિવિલ હ્યુમન રાઇટ્સ ફ્રંટનું કહેવું છે કે સરકાર પાસે તેમની માગોને માનવાનો આખરી ઉપાય એ છે કે તેઓ પ્રદર્શનકારીઓ સાથે પોલીસે કરેલા વર્તન અંગે સ્વતંત્ર તપાસ કરાવે, જેમની ધરપકડ કરાઈ છે તેમને મુક્ત કરવામાં આવે અને નિષ્પક્ષ ચૂંટણી કરવામાં આવે.

છેલ્લા થોડા મહિનાઓમાં આ પ્રદર્શનો હિંસક થતાં ગયાં જેના કારણે આ પ્રદર્શનોને કેવી રીતે રોકી શકાય એવું સંકટ પણ ઊભું થયું.

જૂન મહિનાથી અત્યાર સુધીમાં છ હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે.

રવિવારે રેલી શાંતિપૂર્ણ રહી પણ કેટલીક જગ્યાઓએ હિંસા થયાની માહિતી પણ આવી.

રેલીના અંતમાં પ્રદર્શનકારીઓએ પોતાના મૉબાઇલ-ફોનમાં ટૉર્ચ શરૂ કરી દીધી અને સરકારવિરોધી નારા લગાવ્યા.

સમાચાર એજન્સી એએફપી પ્રમાણે પ્રદર્શનકારી વાંગે કહ્યું, "શાંતિપૂર્ણ રેલીઓ, ચૂંટણીઓમાં આપણે ગમે તેટલો અવાજ ઉઠાવીએ સરકાર સાંભળવાની નથી."

આ રીતે શરૂ થયું હતું પ્રદર્શન

હૉંગકૉંગમાં ચાલી રહેલાં પ્રદર્શનોમાં લાખો લોકો જોડાયાં છે. આ હૉંગકૉંગના તાજેતરના ઇતિહાસનો સૌથી મોટો વિરોધ છે.

આ વિરોધની શરૂઆત એક વિવાદિત પ્રત્યર્પણ બિલના વિરોધથી થઈ હતી.

જોકે વિવાદિત પ્રત્યર્પણ બિલને પાછું ખેંચી લેવામાં આવ્યું પણ ત્યારે આ વિરોધ સરકાર સામેના લોકજુવાળમાં ફેરવાઈ ચૂક્યો હતો.

બિલ પરત ખેંચી લેવાયા બાદ પણ સરકારીવિરોધી પ્રદર્શનો ચાલી રહ્યા છે.

કેટલાક પ્રદર્શનકારીઓએ હૉંગકૉંગને ચીનથી સ્વતંત્ર કરવાની પણ માગ કરી છે, જે ચીનની સરકાર માટે ખતરા સમાન છે.

હૉંગકૉંગમાં વિરોધનો શિરસ્તો

ડિસેમ્બર 2014માં પોલીસે લોકશાહીનું સમર્થન કરતાં પ્રદર્શનને વિખેરી નાખ્યું હતું. ત્યારે પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા, "અમે પાછા આવીશું."

હૉંગકૉંગમાં વિરોધપ્રદર્શનનો પણ ઇતિહાસ રહ્યો છે.

વર્ષ 1996માં જ્યારે સ્ટાર ફેરી કંપનીએ ભાડામાં વધારો કરવાનું નક્કી કર્યું ત્યારે પણ પ્રદર્શનો થવાં લાગ્યાં હતાં.

વિરોધપ્રદર્શનના કારણે હિંસા ફાટી નીકળી હતી, કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો અને હજારો સૈનિકોને રસ્તા પર તહેનાત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2003માં રમખાણ સંબંધિત કાયદાના વિરોધમાં પ્રદર્શનો થયાં હતાં.

કાયદા અંતર્ગત જોગવાઈ હતી કે ચીન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની હિંસા ભડકાવવા પર, ષડયંત્ર રચવા પર અથવા વિદ્રોહ કરવા પર આજીવન કેદની સજા થઈ શકશે.

આ કાયદાના વિરોધમાં આશરે 5 લાખ લોકો રસ્તા પર ઊતર્યા હતા અને તેની અસરના ભાગરૂપે કાયદાને રદ કરવો પડ્યો હતો.

2014માં હૉંગકૉંગમાં 79 દિવસ સુધી 'અમ્બ્રેલા મૂવમૅન્ટ' ચાલી હતી અને હજારો લોકો રસ્તા પર ઊતર્યા હતા. પરંતુ અંતે એ આંદોલન નિષ્ફળ ગયું હતું કેમ કે તેને નાગરિકોના મોટા વર્ગનું સમર્થન નહોતું.

હૉંગકૉંગનો વિશેષ દરજ્જો

એ યાદ રાખવું જરૂરી છે કે હૉંગકૉંગ અન્ય ચાઇનીઝ શહેરો કરતાં અલગ છે. તે સમજવા માટે તેના ઇતિહાસ પર એક નજર કરવાની જરૂર છે.

એક યુદ્ધ બાદ હૉંગકૉંગ ટાપુ બ્રિટનને સોંપવામાં આવ્યો હતો.

1841થી હૉંગકૉંગ બ્રિટનના તાબામાં હતું એટલે કે તે બ્રિટીશ કૉલોની હતી, જેને 1997માં ચીનને સોંપી દેવામાં આવ્યું.

1984માં ચીન અને બ્રિટન એક સંયુક્ત ઘોષણાપત્ર પર સહમત થયાં હતાં. જેના આધારે ભવિષ્યમાં હૉંગકૉંગને કેટલીક સ્વાયત્તતા અને સ્વતંત્રતા મળવાની હતી.

1997માં સત્તાના હસ્તાંતરણ બાદ હૉંગકૉંગ ચીનનું વિશેષ ક્ષેત્ર બની ગયું અને 'એક રાષ્ટ્ર, બે વ્યવસ્થા'ની નીતિ અસ્તિત્વમાં આવી.

તેનો મતલબ એ થયો કે ઘોષણાપત્રના અંત સુધી હૉંગકૉંગ સૈદ્ધાંતિક રૂપે મુક્ત બજાર અને સ્વતંત્ર ન્યાયપાલિકા જાળવી શકે છે.

તેના પરિણામ સ્વરૂપે હૉંગકૉંગમાં તેની પોતાની કાયદા વ્યવસ્થા છે, બૉર્ડર અને પોતાના હકો છે.

હૉંગકૉંગનાં ન્યાયવ્યવસ્થા, સંસદ અને અર્થતંત્ર ચીન કરતાં સ્વતંત્ર છે, જેના પર ચીનની નીતિઓ લાગુ પડતી નથી.

હૉંગકૉંગમાં અંગ્રેજોના સમયની કૉમન લૉ સિસ્ટમ છે અને તે એક ડઝન કરતાં વધારે દેશો સાથે પ્રત્યર્પણ સંધિ ધરાવે છે. તેમાં અમેરિકા, બ્રિટન અને સિંગાપોર સામેલ છે.

હૉંગકૉંગના લોકો પોતાને ચીની નથી ગણતા

હૉંગકૉંગના લોકો પોતાને ચીની કે ચાઇનિઝ ગણાવવાને બદલે પોતાને હૉંગકૉંગર્સ ગણાવે છે.

હૉંગકૉંગની યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે મોટાભાગના લોકો પોતાને હૉંગકૉંગર્સ ગણાવે છે.

માત્ર 11 ટકા લોકો જ એવા છે કે જેઓ પોતાને ચાઇનિઝ ગણાવે છે અને 71 ટકા લોકો એવા છે કે જેઓ પોતાને ચાઇનિઝ નાગિરક કહેવામાં ગર્વ અનુભવતા નથી. આ ભાવના યુવાનોમાં વધારે જોવા મળી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો