CAB : વિપક્ષના વિરોધ વચ્ચે મોડી રાત્રે નાગરિકતા સંશોધન બિલ 311-80થી પાસ

વિવાદિત નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં મોડી રાત્રે પાસ થયું.

સોમવારે મોડી રાત સુધી ચાલેલી ચર્ચા બાદ મતદાન થયું, જેમાં બિલની તરફેણમાં 311 મતો પડ્યા અને વિરુદ્ધમાં 80 મત પડ્યા.

બિલ પાસ થયું એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદ વ્યક્ત કર્યો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વખાણ કરતાં કહ્યું ભારતની સદીઓ જૂની પરંપરા અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસના અનુરૂપ છે.

જે પક્ષો અને સાંસદોએ આ બિલને પાસ કરવામાં સમર્થન આપ્યું હતું તેમનો પણ નરેન્દ્ર મોદીએ આભાર માન્યો હતો.

એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું, "અડધી રાત્રે જ્યારે આખી દુનિયા ઊંઘતી હતી ત્યારે એક ઝાટકે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયના ભારતના આદર્શ સાથે દગો કરવામાં આવ્યો."

ચર્ચા દરમિયાન બિલનો વિરોધ કરતી વેળાએ AIMIMના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ બિલની નકલ ફાડી નાખી હતી.

આ મુદ્દે હોબાળો થતાં કાર્યકારી સ્પીકર રમાદેવીએ આ ઘટનાને સંસદની કાર્યવાહીમાંથી દૂર કરવાના આદેશ આપ્યા હતા.

મુસ્લિમ વિરુદ્ધ હિંદુની ચર્ચા

ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમોને બાકાત રાખવાથી ખાસ ફેર નથી પડતો, પરંતુ શા માટે મુસલમાનો પ્રત્યે આટલી નફરત રાખવામાં આવી રહી છે?

ઓવૈસીએ કહ્યું હતું કે 'ગૃહમંત્રી (શાહ) ચીનથી ડરે છે એટલે તિબેટના બૌદ્ધોને નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં નથી આવી.'

'શ્રીલંકાના 10 લાખ તામિલ, નેપાળના મધેસી હિંદુ નથી?'

ઓવૈસીના કહેવા પ્રમાણે, બંગાળી હિંદુઓના મત મેળવવા આ બધું કરવામાં આવી રહ્યું છે.

બિલ અંગેની ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું, "આ બિલ કોઈને અન્યાયકર્તા નથી અને તેનાથી કોઈએ ડરવાની જરૂર નથી."

"પૂર્વોત્તરના નાગરિકોએ કોઈ ઉશ્કેરણીમાં આવવાની જરૂર નથી. જો આ બિલ અન્યાયકર્તા હોવાનું સાબિત થશે, તો અમે આ બિલ પાછું ખેંચી લઈશું."

આ પહેલાં અમિત શાહે આ બિલના સમર્થનમાં કહ્યું કે કૉંગ્રેસને કારણે આ બિલની જરૂર પડી છે, કેમ કે કૉંગ્રેસે ધર્મના આધારે દેશનું વિભાજન કર્યું.

અમિત શાહે આ બિલને રજૂ કરવાની અનુમતિ માગી ત્યારે હોબાળો થયો હતો.

અધીર રંજન ચૌધરી સહિત કેટલાય વિપક્ષી નેતાઓએ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી.

જોકે, અમિત શાહે બિલના સમર્થનમાં પોતાના તર્ક રાખ્યા હતા. બાદમાં મતદાન થયું અને 293 સભ્યોએ બિલ રજૂ કરવાના પક્ષમાં મતદાન કર્યું હતું. જ્યારે 82 સભ્યોએ બિલના વિરુદ્ધમાં મત આપ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

  • આ બિલ અલ્પસંખ્યકોની વિરુદ્ધમાં નથી
  • હું વિપક્ષના દરેક સવાલના જવાબ માટે તૈયાર છું
  • તમને બોલવાનો મોકો મળશે. વૉકઆઉટ ન કરતા
  • આ બિલના કન્ટેન્ટ પર કોઈ ચર્ચા ન થઈ શકે
  • ત્રણ પડોશી રાષ્ટ્રો ઇસ્લામિક રાષ્ટ્ર છે
  • પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું બંધારણ પણ જોવું જોઈએ
  • કોઈ મુસ્લિમ અધિકારથી વંચિત નથી
  • કૉંગ્રેસે ધર્મના આધારે દેશનું વિભાજન કર્યું છે
  • કૉંગ્રેસને કારણે આજે આ બિલની જરૂર પડી છે

બિલને લઈને વિપક્ષનો વિરોધ

અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું ત્યારે કૉંગ્રેસે જોરદાર હંગામો કર્યો હતો.

કૉંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું કે રાષ્ટ્રવાદી આંદોલન દેશના ભૌગોલિક, વિચારધારા કે ધર્મને આધારે ભાગલા ન કરી શકે. આ બિલ ભારતના બંધારણની વિરુદ્ધ છે. આપણી પાસે એને ચર્ચવાનું સામર્થ્ય નથી. એ રજૂ જ ન થવું જોઈએ.

કૉંગ્રેસ નેતા અધીર રંજને કહ્યું કે સરકાર મુસ્લિમોને નિશાન બનાવી રહી છે.

તો સૌગત રાયે કહ્યું કે હું આ સંશોધન બિલનો વિરોધ કરું છું.

સમાજવાદી પાર્ટીના નેતા અને આઝમગઢના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે એમનો પક્ષ ગમે તે ભોગે આ બિલનો વિરોધ કરશે.

ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમૉક્રેટિક પાર્ટીના નેતા બદરુદ્દીન અજમલે સંસદની બહાર આ બિલનો વિરોધ કર્યો હતો.

તો પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં પણ આ બિલને લઈને વિરોધ જોવા મળ્યો હતો. અગરતલામાં મહિલાઓએ આ બિલનો વિરોધ કર્યો હતો.

શું છે બિલની જોગવાઈઓ?

સિટીઝનશિપ (ઍમેન્ડમૅન્ટ) બિલ-2019ની જોગવાઈઓ મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં વસેલા શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે.

હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી તથા ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતનું નાગરિકત્વ મળશે, પરંતુ મુસ્લિમોને નહીં મળે. આ માટે 31મી ડિસેમ્બર 2014ને અંતિમ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે.

ગૃહમંત્રી અમિત શાહે રિપબ્લિક ટીવી નેટવર્કના કાર્યક્રમમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ઘોષિત ઇસ્લામિક રાષ્ટ્ર છે એટલે ત્યાં મુસ્લિમોની ઉપર અત્યાચાર થવાની સંભાવના નથી, પરંતુ અન્ય ધર્મના લોકો ઉપર અત્યાચાર થાય છે.

શાહનું કહેવું છે કે અગાઉ પણ સાતેક વખત અન્ય રાષ્ટ્રમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું છે.

બિલમાં કાયદેસરના દસ્તાવેજ વગર નાગરિકત્વ માટે અરજી કરનારનો ભારતમાં રહેવા માટેનાં વર્ષોનો ગાળો ઘટાડવામાં આવશે.

વિપક્ષનું કહેવું છે કે ખરડાની જોગવાઈઓ ભારતીય બંધારણના અનુચ્છેદ 14ની જોગવાઈઓ મુજબ 'સમાનતાના અધિકાર'નો ભંગ કરે છે, કારણ કે ભારતનું નાગરિકત્વ આપવા માટે ધર્મને આધાર બનાવવામાં આવ્યો છે અને તે ભેદભાવ છે.

પૂર્વોત્તરમાં પ્રત્યાઘાત

પૂર્વોત્તર રાજ્યોમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર નવા બિલ સામે આક્રોશ પ્રવર્તે છે. તેમને આશંકા છે કે નવા બિલની જોગવાઈઓને કારણે તેમની પ્રાદેશિક ઓળખ અને અસ્મિતા જોખમમાં મુકાશે.

નૉર્થ-ઇસ્ટ સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશન દ્વારા 10મી ડિસેમ્બરે 10 કલાકના બંધનું એલાન આપવામાં આવ્યું છે.

કેટલાક અહેવાલ મુજબ બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવતા આસામ, મેઘાલય, મિઝોરમ કે ત્રિપુરાના વિસ્તારોને બિલના પરિઘમાંથી બહાર રાખવામાં આવશે.

આ સિવાય બેંગાલ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રૅગ્યુલેશન, 1873 હેઠળના વિસ્તારોમાં 'ઇનર લાઇન' વ્યવસ્થા લાગુ રહેશે. અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ તથા મિઝોરમમાં ઇનર લાઇન પરમિટ લાગુ છે.

ભાજપે વર્ષ 2014 તથા 2019ના લોકસભાની ચૂંટણીઢંઢેરામાં સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ લાવવાનું વચન આપ્યું હતું.

આ સિવાય બંધારણના અનુચ્છેદ 370ની નાબૂદી તથા બંધારણીય પ્રક્રિયા મુજબ રામમંદિર વિવાદનો ઉકેલ લાવવાનું વચન આપ્યું હતું.

નેશનલ રજિસ્ટરથી અલગ

સામાન્ય રીતે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન સાથે જોડીને જોવામાં આવે છે. વાસ્તવમાં બંને અલગ છે.

સુપ્રીમ કોર્ટના આદેશ તથા આસામ સંધિના આધારે નાગરિકોની યાદી કરવાની કવાયત આસામમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં 19 લાખ નાગરિકો તેમનું નાગરિકત્વ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

અમિત શાહ અગાઉ કહી ચૂક્યા છે કે વર્ષ 2024 પહેલાં દેશભરમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનની કવાયત હાથ ધરવામાં આવશે તથા દરેક નાગરિકે તેમનું નાગરિકત્વ સાબિત કરવું પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો