You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટન ચૂંટણી : કાશ્મીરનો મુદ્દો કેવી રીતે બદલી શકે છે રાજકીય સમીકરણો
- લેેખક, ઝુબૈર અહેમદ
- પદ, બીબીસી સંવાદદાતા, બ્રૅડફર્ડ (બ્રિટન)થી
ઉત્તર બ્રિટનના બ્રૅડફર્ડ શહેરમાં કાશ્મીરનો ઉલ્લેખ ન થાય તો વાતચીત અથવા તો ચર્ચા અધૂરી રહી જાય છે. અહીં મંદિર-મસ્જિદ હોય, કોઈનું ઘર હોય કે ચૂંટણી અભિયાન હવે કાશ્મીરની અવગણના કરવી અઘરી છે.
ભારતથી 6500 કિલોમિટર દૂર બ્રિટનમાં કાશ્મીર એક ચૂંટણીનો મુદ્દો બન્યો છે. ભારત સરકારે 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવી દીધી અને જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ ઊભા કરી દીધા.
અહીં રહેતા મૂળ ભારતીય અને પાકિસ્તાની લોકો વચ્ચે તે એક મોટો મુદ્દો બની ગયો છે. તેના કારણે નફરતની દીવાલ ઊભી થઈ ગઈ છે.
ભારતના આ નિર્ણયથી ભારતીય સમુદાય ખુશ છે તો પાકિસ્તાની સમુદાયમાં આ અંગે નારાજગી છે.
બ્રિટનની પાર્ટીઓએ કાશ્મીર મુદ્દે પોતાનો પક્ષ સામે રાખ્યો છે પરંતુ દરેક પાર્ટીઓ સમજી-વિચારીને આગળ વધી રહી છે.
આ મુદ્દાની અસર 48 બેઠકોના પરિણામ પર પડી શકે છે જ્યાં દક્ષિણ એશિયાના લોકોના મત મહત્ત્વના માનવામાં આવે છે.
ધર્મના આધારે વિભાજન?
બ્રિટનમાં સામાન્ય ચૂંટણી 12 ડિસેમ્બરના રોજ છે. બ્રૅડફર્ડની વસતીમાં 43% દક્ષિણ એશિયાઈ મૂળના લોકો છે.
પાકિસ્તાનના મીરપુરથી આવેલા લોકોની વસતી પણ ઘણી વધારે છે. અહીં બે ઉમેદવાર પણ આ જ સમુદાય સાથે સંબંધ ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીંના મતદારો કહે છે કે તેમના મત પાર્ટીઓની કાશ્મીરનીતિને જોઈને આપશે.
આખરે કાશ્મીર બ્રિટનમાં યોજાનારી ચૂંટણીમાં મુદ્દો કેમ બની ગયું છે? આ વિશે અમે કેટલાક લોકો સાથે વાત કરી.
એક ભારતીય કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર રશપાલ સિંહ આ સવાલના જવાબમાં કહે છે, "બ્રૅડફર્ડમાં કાશ્મીર ચૂંટણીનો એક મુદ્દો છે કેમ કે અહીં દક્ષિણ એશિયાઈ લોકોની વસતી વધારે છે અને આ મુદ્દો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે પ્રભાવિત કરે છે."
આ શહેરમાં મતદારો માટે યુવાનોમાં બેરોજગારી, ગરીબી અને મહિલાઓ વિરુદ્ધ ભેદભાવ મહત્ત્વના મુદ્દા છે. પરંતુ દક્ષિણ એશિયાના લોકો માટે કાશ્મીરનો મુદ્દો પણ ખૂબ મહત્ત્વનો છે.
અમે બ્રૅડફર્ડ સ્થિત પાકિસ્તાનના એક વેપારી પરિવારને મળ્યા. આ પરિવારની પહેલી પેઢી પાકિસ્તાની કાશ્મીરના મીરપુર જિલ્લાથી વર્ષો પહેલાં અહીં આવીને વસી ગઈ હતી. પરંતુ આજે પણ કાશ્મીર તેમના માટે એક ભાવુક મુદ્દો છે.
મસૂદ સાદિક, તેમનાં સોશિયલ વર્કર પત્ની રુખસાના સાદિક અને કૉલેજમાં ભણતી તેમની દીકરી હાના સાદિક કાશ્મીર મુદ્દે ભારતથી નારાજ છે.
મસૂદ સાદિક કહે છે, "અત્યારે અહીં બે MP કાશ્મીરી છે. અહીં વસતીનો એક મોટો ભાગ કાશ્મીરી છે. ચૂંટણીમાં ઉમેદવારોએ પોતાના મતદારોની વાતોને સમજવી પડે છે. તેઓ ઇચ્છે છે કે ગમે તે ઉમેદવારને મત આપે, તે કાશ્મીરનો મુદ્દો સંસદમાં ઉઠાવે."
આ મુદ્દાએ ભારતીય અને પાકિસ્તાની લોકો વચ્ચે નફરતની દીવાલ ઊભી કરી દીધી છે.
રુખસાના સાદિક કહે છે, "અમે માત્ર એકબીજાને સહન કરીએ છીએ. અમે ક્યારેય દીવાલ તોડવા પ્રયાસ કર્યા નથી. અમે એકબીજાથી અલગ રહીએ છીએ, દીવાલ પાર કરવાનો પ્રયાસ કરતા નથી."
દીકરી હાના સાદિક 16 વર્ષનાં છે. અત્યારે મત આપવાની તેમની ઉંમર નથી પરંતુ આ મુદ્દા પર તેઓ પણ પોતાનો મત ધરાવે છે.
તેઓ કહે છે, "હિંદુ અને મુસ્લિમો વચ્ચે વિવાદ થતા રહ્યા છે. મતભેદનું કારણ માત્ર ધર્મ નથી, પરંતુ ધર્મની ભૂમિકા ચોક્કસ હોય છે."
ભારતીયોનું વલણ
બ્રૅડફર્ડમાં હિંદુ સમુદાય માટે પણ કાશ્મીરનો મુદ્દો મહત્ત્વનો છે. બ્રૅડફર્ડમાં એક મોટા મંદિરમાં દિવસ દરમિયાન 12 વાગ્યે આરતી શરૂ થાય છે જેમાં મોટાભાગનાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સામેલ હોય છે.
આરતી પહેલા માળે થાય છે અને ઑફિસ-રસોડું વગેરે ગ્રાઉન્ડ ફ્લૉર પર છે. રાકેશ શર્મા આ મંદિરની સમિતિના એક મુખ્ય સભ્ય છે.
વર્ષ 1974માં તેઓ દિલ્હીથી અહીં આવીને વસી ગયા હતા. તેઓ માને છે કે તેમના શહેરમાં કાશ્મીર ચૂંટણીનો એક મુદ્દો છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "અહીંના મોટાભાગના સાંસદ પાકિસ્તાની છે અને લેબર પાર્ટીના છે. તેમનું કહેવું છે કે ભારતે કલમ 370 હઠાવી છે, તે ગેરકાયદેસર છે."
"ભારતીયોનો વિચાર છે કે લેબર પાર્ટીનો ઝુકાવ મુસ્લિમો તરફ વધારે છે અને ભારતીયો તરફ નથી."
લેબર પાર્ટીએ કાશ્મીરમાં કથિત રૂપે માનવાધિકારને કાયમી કરવા માટે એક પ્રસ્તાવ પાસ કર્યો હતો. પાર્ટીની આ કાશ્મીર પૉલિસીએ ભારતીય હિંદુઓને તેનાથી દૂર કર્યા છે.
મુકેશ ચાવલા પંજાબથી 52 વર્ષ પહેલા અહીં આવ્યા હતા. પરંતુ ભારત સાથે તેમનો સંબંધ અને લગાવ હજુ પણ અકબંધ છે.
તેઓ કહે છે, "વિપક્ષ નેતા અને લેબર પાર્ટીના સાંસદ જેરેમી કૉર્બિને કલમ 370 હઠાવવાનો વિરોધ કર્યો હતો જેના કારણે ભારતીય સમુદાયે સત્તાધારી કન્ઝર્વેટીવ પાર્ટીને સમર્થન આપવાનું શરૂ કર્યું."
"બીજી તરફ કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા બોરિસ જૉનસને સંસદમાં કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે તો તેમાં આપણે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. એટલે અમે તેમના સમર્થક બની ગયા."
કાશ્મીર મુદ્દા પર સવાલ
ભારતીયો એવો પણ તર્ક આપે છે કે કાશ્મીર બ્રિટનની ચૂંટણી કે ત્યાંના રાજકારણનો મુદ્દો ન હોવો જોઈએ.
પૂર્વા ખંડેલવાલ થોડાં વર્ષો પહેલાં ભારતથી બ્રૅડફર્ડ આવ્યાં હતાં. તેમના મતે કાશ્મીરનો મુદ્દો બ્રિટનની ચૂંટણીમાં ન ઊઠવો જોઈએ.
તેઓ કહે છે, "મારા મતે આ મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે. બ્રિટનની સરકાર કે અહીંના લોકોએ કાશ્મીર મામલે હસ્તક્ષેપ ન કરવો જોઈએ."
દક્ષિણ એશિયાઈ લોકો પાર્ટીની કાશ્મીર નીતિના આધારે મત ચોક્કસ આપવાના છે પરંતુ તેઓ એ પણ અનુભવે છે કે આ મુદ્દો ચૂંટણી બાદ કદાચ લોકો ભૂલી જાય.
જેમ કે મસૂદ સાદિક કહે છે, "પાર્ટીઓ કંઈ વધારે કરી શકતી નથી. ભારતની અર્થવ્યવસ્થા અને ત્યાંના મોટા બજારને ધ્યાનમાં રાખતા કાશ્મીર મામલે ભારત પર દબાણ કરવું અઘરું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો