You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉન્નાવ રેપ કેસ : દોસ્તી, લગ્ન, બળાત્કાર અને સળગાવીને મારી નાખવાની કહાણી - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, ઉન્નાવથી, બીબીસી ગુજરાતી માટે
ઉન્નાવ ગૅંગરેપ પીડિત યુવતીનું શુક્રવાર મોડી રાતે દિલ્હીના સફદરજંગ હૉસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું.
આગથી ગંભીર રીતે દાઝી ગયેલી આ યુવતીને બચાવવાના પ્રયાસમાં ઉન્નાવથી લખનૌ અને બાદમાં દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં. જોકે, બે દિવસની અંદર જ તેમણે દેહ છોડી દીધો. યુવતીના ઘરે પહેલાંથી જ શોક છવાયેલો હતો, મૃત્યુ બાદ હવે આખું ગામ શોકમગ્ન છે. બીજી બાજુ, ગામમાં જ રહેતા આરોપીઓના પરિવારજનો તેમને નિર્દોષ ગણાવી રહ્યા છે. ગામમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવાઈ છે.
દરમિયાન શુક્રવારે આ મામલે નામજોગ પાંચેય આરોપીઓને સીજેએમ (ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જ્યાંથી તેમને 14 દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
પીડિતાએ સારવાર દરમિયાન ઉન્નાવમાં જ મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું.જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
પીડિતાના ઘરની સ્થિતિ
ઉન્નાવ શહેરમાં લગભગ 50 કિલોમિટર દૂર બિહાર પોલીસચોકીના કાર્યક્ષેત્રમાં હિંદુપુર ગામ આવે છે. ગામની અંદર પ્રવેશ કરતાં થોડા જ અંતરે પીડિતાનું માટી, સૂકાં ઘાસ અને નળિયાંનું બનેલું ઘર આવેલું છે.
યુવતીના વયોવૃદ્ધ પિતા ઘરની બહાર ચૂપચાપ ઊભા છે. એમને એ વાતનો ભારે અફસોસ છે કે પુત્રીને હંમેશાં તેઓ જ રેલવેસ્ટેશન સુધી મુકવા જતા હતા, પણ ગુરુવારે કેમ તેણે પુત્રીને એકલી જવા દીધી?
જોકે, ઘરની અંદર હાજર યુવતીનાં ભાભી જણાવે છે કે કોર્ટના કામથી કે કોઈ અન્ય કામથી પીડિતા એકલાં આવજા કરતાં હતાં. પીડિતા પાંચ બહેનો બે ભાઈઓમાં સૌથી નાનાં હતાં.
પહેલાં પ્રેમલગ્ન અને બાદમાં ગૅંગરેપનો રિપોર્ટ
યુવતીને પડોશમા જ રહેતા એક યુવક સાથે ઓળખાણ હતી અને બન્નેએ પ્રેમલગ્ન કરી લીધાં હતાં. જોકે, બાદમાં તેમના સંબંધમાં કડવાશ ઊભી થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુવતીએ આ વર્ષે જ માર્ચમાં યુવક અને તેમના એક મિત્ર વિરુદ્ધ ગૅંગરેપની ફરિયાદ દાખલ કરાવી હતી.જે બાદ મુખ્ય આરોપીએ જેલ જવું પડ્યું હતું અને થોડા દિવસ પહેલાં જ જામીન પર તેમનો છૂટકારો થયો હતો.
યુવતીનાં ભાભી જણાવે છે, બન્નેએ ક્યારે લગ્ન કર્યાં હતાં એની જાણકારી એમને નથી. તેઓ કહે છે:
"અમને તો લગ્નની ત્યારે જાણ થઈ જ્યારે યુવક અને તેના કુટુંબીજનોએ અહીં આવીને ઝઘડો કર્યો.""અમારી સાથે મારપીટ કરી. ત્યારે યુવતીએ જણાવ્યું કે તેણે કોર્ટમાં આરોપી સાથે લગ્ન કર્યું હતું, પણ હવે તે આ મામલે ઇન્કાર કરી રહ્યો છે."
આરોપીઓના ઘરનો માહોલ
યુવતીના ઘરથી લગભગ અડધો કિલોમિટર દૂર જ મુખ્ય આરોપી અને આ મામલે પકડાયેલા અન્ય આરોપીઓનાં ઘર આવેલાં છે.
એક મંદિરની બહાર એક મહિલા રડી રહી હતી. આમાંથી મોટાભાગની મહિલાઓનો સંબંધ પકડાયેલા આરોપીઓ સાથે છે.એમનો આરોપ છે કે તમામને આ મામલે ષડ્યંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યા છે. મુખ્ય આરોપીનાં માતાનું કહેવું છે તેમના પુત્રે ન તો લગ્ન કર્યું છે કે ન તો તેઓ આ ઘટનામાં સામેલ છે. મુખ્ય આરોપીનાં માતા પીડિત પરિવાર અને પોલીસના એ દાવાને પણ નકારે છે કે તેમના પુત્ર યુવતી સાથે રાયબરેલીમાં એક મહિના સુધી સાથે રહી ચૂક્યા છે.
આ મામલે હિંદુપુર ગામનાં પ્રભાવશાળી નેતાના પતિ અને તેમના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમનું કહેવું છે, "સવારસવારમાં પોલીસ આવી અને મારા પતિ અને પુત્રને લઈ ગઈ. બીજા છોકરાઓને પણ લઈ ગઈ છે.""હું પૂછું છું કે આટલો મોટો ગુનો આચરીને શું કોઈ ઘરમાં આવીને ઊંઘી શકે?"
"અમારા બાળકોને વગર કંઈ વિચાર્યે ગુનેગાર બનાવી દેવાયા છે."
આ વર્ષે માર્ચ મહિનામાં પીડિત યુવતીએ ગૅંગરેપની જે ફરિયાદ દાખલ કરાવી હતી, તેમાં મુખ્ય આરોપી ઉપરાંત આ મહિલાના પુત્રને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.
પરંતુ માત્ર મુખ્ય આરોપીની જ ધરપકડ કરાઈ હતી. આરોપીઓના પરિવારજનોની માગ છે કે સમગ્ર મામલે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તપાસ કરાવવામાં આવે, જેથી સત્ય સામે આવી શકે.
પીડિત અને આરોપી પરિવાર વચ્ચે સારા સંબંધો
યુવતીને આગથી સળગાવી દેવાની ઘટના ગુરુવારે સવારે લગભગ ચાર વાગ્યે ઘટી. સવારે પાંચ વાગ્યે સ્ટેશન પર આવતી રાયબરેલી જનારી ટ્રેન પકડવા માટે પીડિતા ઘરેથી નીકળ્યાં હતાં.
પીડિતાના ઘરથી સ્ટેશનનું અંતર લગભગ બે કિલોમિટર જેટલું છે અને રસ્તા પર દિવસમાં પણ ખાસ અવરજવર નથી હોતી. ગામમાં રહેતા રામકિશોર જણાવે છે કે 'યુવતીને જ્યારે સળગાવી દેવાઈ ત્યારે બહુ દૂર સુધી ભાગવા છતાં તેમને કોઈ મદદ મળી શકી નહીં.'
ગામલોકોનું માનવામાં આવે તો બન્ને પરિવાર વચ્ચે બે વર્ષ પહેલાં સુધી બહુ સારા સંબંધો હતા. પીડિતાના પરિવારના સંબંધો ગામનાં મંત્રી સાથે પણ બહુ સારા હતા. પીડિતાના પિતા પણ એ વાતનો સ્વીકાર કરે છે કે સહ-આરોપીના માતા અને તેમનો પરિવાર તેમની બહુ મદદ કરતો હતો અને અને એ રીતે એમને સરકારી યોજનાનો લાભ પણ સરળતાથી મળી જતો હતો.
જોકે, જ્યારે યુવતી અને યુવક વચ્ચેનો સંબંધ બગડ્યો, ત્યારે બન્ને પરિવાર ઉપરાંત સહ-આરોપીના પરિવાર સાથે પણ 'દુશ્મની' થઈ ગઈ.
પીડિતાના પિતાના જણાવ્યા અનુસાર "અમને કેટલીય વખત ધમકાવવામાં આવ્યા.""મારા ઘરે આવીને એ લોકોએ મારી સાથે મારપીટ કરી. ગામ છોડી દેવા દબાણ પણ કર્યું.""મેં કેટલીય વખત પોલીસમાં ફરિયાદ કરી પણ કોઈએ કંઈ સાંભળ્યું જ નહીં."
કેટલાય સવાલો બાકી
ગામના લોકો આ ઘટનાને લઈને જાતભાતના સવાલો કરી રહ્યા છે. ધરપકડ કરાયેલા કોઈ પણ આરોપી વિરુદ્ધ કોઈ પણ કેસ પોલીસમાં દાખલ થયો નથી. યુવતી પર થયેલા ગૅંગરેપના મામલે પહેલાં આરોપીઓ વિરુદ્ધ કોઈ કેસ દાખલ નહોતો થયો. બિહાર પોલીસચોકી આ વાતની પુષ્ટિ કરે છે. એટલું જ નહીં, ઘટના બાદ જ્યારે આરોપીઓના ઘરે પોલીસે દરોડા પાડ્યા તો તમામ આરોપીઓ ઘરે જ મળ્યા.
ગામના એક વડીલ સીતારામ કહે છે, "આ છોકરાઓને એના બાળપણથી અમે ઓળખીએ છીએ.""ગામમાં એમણે ક્યારેય એવું કશું પણ નથી કર્યું કે કોઈ ફરિયાદ કરે."
"સમજાઈ નથી રહ્યું કે આટલો જઘન્ય ગુનો એમણે કઈ રીતે આચર્યો." "અમારા ગામમાં આ પ્રકારની કોઈ ઘટના પણ હજુ સુધી નહોતી ઘટી." "કોઈને જીવતું સળગાવી શકે એવો કોઈ ગુનેગાર અમારા ગામમાં રહેતો હોય એવું પણ મને નથી લાગતું."
ઉન્નાવમાં આ ઘટનાને પ્રાંરભથી જોઈ રહેલા કેટલાય પોલીસ અધિકારીઓ પણ સીતારામની આશંકાને સાચી ઠેરવે છે. જોકે, આ મામલે તેઓ અધિકૃત રીતે કંઈ પણ કહી રહ્યા નથી. ગામમાં કેટલાક લોકોને એ વાત સામે પણ વાંધો છે કે અન્ય લોકો ઉપરાંત મીડિયા પર પીડિતપક્ષ પ્રત્યે વધારે સમભાવ રાખે છે.
બીજી તરફ પોલીસનું કહેવું છે કે ઘટનાનાં દરેક પાસાંની તપાસ કરાઈ રહી છે. આઈજી (કાયદો અને વ્યવસ્થા) પ્રવણીકુમારનું કહેવું છે: "પીડિતાના નિવેદનના આધારે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હતી.""તમામ પુરાવા એકઠા કરી લેવાયા છે. અમારો પ્રયાસ એવો છે કે બને તેમ વહેલા એ જાણી લેવામાં આવે કે દોષિતો કોણ છે.""દોષિતોને આકરામાં આકરી સજા અપાવવો પણ અમરો ઉદ્દેશ છે."
આ દરમિયાન પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
જોકે, ગામની તમામ વ્યક્તિ એવા માટે દુઃખી છે કે બન્ને જ પક્ષ તેમના પોતાના છે. દુનિયા છોડી ગયેલી યુવતી પણ અને સળિયા પાછળ ઊભેલા આરોપીઓ પણ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો