ઉન્નાવમાં બળાત્કાર પીડિતાને ગંભીર સ્થિતિમાં દિલ્હી લવાયાં, 4 લોકોની ધરપકડ કરાઈ

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રેપપીડિત એક છોકરીને આરોપીઓએ જીવતાં સળગાવવાની કોશિશ કરી છે. તેઓ 90 ટકા દાઝી ગયાં છે અને ગંભીર હાલતમાં તેમને લખનઉની સિવિલ હૉસ્પિટલમાંથી નવી દિલ્હી શિફ્ટ કરવામાં આવ્યાં છે જ્યાં તેઓ જીવનમરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યાં છે.

તેમને નવી દિલ્હીમાં સફદરગંજ હૉસ્પિટલમાં લઈ જવાયાં છે.

પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે.

ઉન્નાવ પોલીસ અધીક્ષક વિક્રાંત વીરે મીડિયાને જણાવ્યું કે છોકરીએ આ વર્ષે માર્ચમાં બે લોકો સામે રેપનો કેસ દાખલ કરાવ્યો હતો.

તેમણે કહ્યું, "અમને સવારે સમાચાર મળ્યા હતા કે બિહાર થાના ક્ષેત્રમાં આ ઘટના ઘટી છે. પીડિત છોકરીએ હૉસ્પિટલમાં આરોપીઓનાં નામ જણાવ્યાં. ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે, બાકી બે લોકોની શોધ માટે ટીમ બનાવાઈ છે. ઝડપથી અન્ય આરોપીને પણ પકડી લેવાશે."

જોકે થોડા સમય બાદ પોલીસ મહાનિરીક્ષક એસ.કે. ભગતે મીડિયાને જણાવ્યું કે ચાર આરોપીની તેમના ઘરેથી ધરપકડ કરાઈ છે, જ્યારે ચોથા આરોપીને બાદમાં અટકમાં લેવાયો હતો. આઈજીએ જણાવ્યા પ્રમાણે બધાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાઈ રહી છે.

છોકરી 90 ટકાથી વધુ દાઝી ગઈ

આઈજી એસ.કે. ભગતે કહ્યું, "પીડિત છોકરીએ જીવતાં સળગાવી દેવાની ઘટનામાં જે લોકોને આરોપી બનાવ્યા છે તેમાં એ છોકરો પણ સામેલ છે જેની સામે પીડિતાએ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો."

"એ છોકરો જેલ પણ ગયો હતો અને થોડા દિવસ અગાઉ જ જામીન પર છૂટીને પરત ફર્યો હતો. પીડિત પરિવારે કોઈ તરફથી કોઈ ધમકી મળ્યાની માહિતી આપી નથી. અન્ય બાબતોની તપાસ ચાલી રહી છે."

સ્થાનિક પત્રકાર વિશાલ સિંહે બીબીસીને જણાવ્યું કે પીડિત છોકરી સાથે માર્ચ મહિનામાં જ ગૅંગરેપની ઘટના ઘટી હતી અને એ મામલે કેસના સંદર્ભમાં તે રાયબરેલી જઈ રહી હતી. સ્ટેશન જતાં સમયે પાંચ લોકોએ રસ્તામાં તેને પકડી લીધી અને પેટ્રોલ છાંટીને જીવતાં સળગાવવાની કોશિશ કરી.

લખનઉ સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, "છોકરી નેવું ટકાથી વધુ દાઝી ગઈ છે અને તેની હાલત ગંભીર છે."

મુખ્ય મંત્રીના નિર્દેશ

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે પીડિત છોકરીનો શક્ય હોય એટલો ઇલાજ કરાવવામાં આવે અને તેનો બધો ખર્ચ સરકાર વહન કરશે.

મુખ્ય મંત્રીએ જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આરોપીઓને કોર્ટમાં સખત સજા અપાવવા માટે કાર્યવાહી કરે.

મુખ્ય મંત્રીએ લખનઉના મંડળાયુક્ત અને પોલીસ મહાનિરીક્ષકને તત્કાળ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરવા અને સાંજ સુધીમાં રિપોર્ટ આપવાનો નિર્દેશ કર્યો છે.

દરમિયાન પીડિત પરિવારનું કહેવું છે કે આરોપીઓ જેલમાંથી છૂટ્યા બાદ તેઓને સતત ધમકી આપતા હતા અને અગાઉ પણ ઘણી વાર હુમલાનો પ્રયાસ કર્યો હતો. છોકરીના પિતાએ મીડિયાને જણાવ્યું કે ઓછામાં ઓછા એક ડઝન વાર લોકોએ કેસ પાછો ખેંચવા ધમકી આપી હતી અને ઘર પર હુમલો કરવાની કોશિશ કરી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે આગ લગાડ્યા બાદ છોકરીની બૂમો સાંભળીને લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ઘટના સવારે પાંચ વાગ્યાની ગણાવાઈ રહી છે, આથી અંધારાનો લાભ લઈને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં પોલીસ સામે છોકરીએ આરોપીઓનાં નામ જણાવ્યાં ત્યારે તપાસમાં પોલીસટીમ લાગી ગઈ.

ઘટનાસ્થળે એકઠા થયેલા રાહદારીઓએ પોલીસને ઘટનાની માહિતી આપી હતી.

સ્થળ પર પહોંચેલી પોલીસ છોકરીને લઈને સૌથી પહેલા સુમેરપુરના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચી, પરંતુ ગંભીર હાલત જોતાં તેમને ઉન્નાવ જિલ્લા હૉસ્પિટલમાં ખસેડાયાં.

બાદમાં ત્યાંના ડૉક્ટરોએ તેમને લખનઉ રિફર કર્યાં.

તો આ તરફ કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ રાજ્ય સરકાર પર વધુ એક વાર નિશાન સાધ્યું.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે "કાલ દેશના ગૃહમંત્રી (અમિત શાહ) અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીએ (યોગી આદિત્યનાથ) સ્પષ્ટ રીત જુઠ્ઠું બોલ્યા કે યુપીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી છે. અહીં દરરોજ આવી ઘટનાઓને જોઈને મનમાં રોષ પેદા થાય છે. ભાજપ નેતાઓએ હવે નકલી પ્રચારમાંથી બહાર આવવું જોઈએ."

ઉન્નાવમાં અગાઉ પણ રેપપીડિત એક છોકરીને કથિત રીતે ટ્રક નીચે કચડી મારવાની કોશિશ થઈ હતી.

એ કેસમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત કેટલાક અન્ય લોકો જેલમાં છે. પીડિત છોકરી મહિનાઓ સુધી હૉસ્પિટલમાં રહ્યાં બાદ હમણાં થોડા દિવસ પહેલાં જ ઘરે આવ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો