જીડીપીનો વિકાસદર ઘટ્યો, ખાદ્યસામગ્રી સહિતની ચીજોમાં ફુગાવો વધવાનો અંદાજ

    • લેેખક, જય નારાયણ વ્યાસ
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

રિઝર્વ બૅન્ક દ્વારા રેપો રેટ ઘટાડવામાં ન આવતાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એ એક ગંભીર બાબત છે.

આ વાત ફુગાવાને સ્પર્શે છે, જે રીતે રિઝર્વ બૅન્કે જીડીપીના વિકાસદરનો અંદાજ ઘટાડ્યો તેની સાથોસાથ જ ચાલુ વર્ષના બીજા છ માસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ અગાઉના 3.5 થી 3.7 ટકાની રૅન્જમાંથી વધારીને 5.1 થી 4.7 ટકા કરી દીધો છે.

જીડીપી વૃદ્ધિદરનો અંદાજ 6.1 ટકાથી ઘટાડીને પાંચ ટકા થયો અને આરબીઆઈએ ચાલુ વર્ષે છઠ્ઠી વાર રેપો રેટ ન ઘટાડ્યો, તેની આસપાસ જ ઘૂમરાતી રહી છે.

આ ચર્ચામાં ફુગાવા જેવો મહત્ત્વનો મુદ્દો જેટલો વિસ્તારથી ચર્ચાવો જોઈએ તેટલો ચર્ચાયો નહીં.

રિઝર્વ બૅન્કની પૉલિસી બેઠક દરમિયાન પાંચ ડિસેમ્બરે જે વાત સપાટી પર આવી તે મુજબ આગામી સમયમાં અનેક કારણોસર ફુગાવો વધવાનાં પૂરાં એંધાણ છે.

કન્ઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેકસ વધારનાર મુખ્ય પરિબળ ખાદ્ય ચીજોના ફુગાવાનો દર છે.

ખાદ્ય ચીજોના ફુગાવાનો દર ઓક્ટોબર મહિનામાં 6.9 ટકા રહ્યો હતો જે છેલ્લા 39 મહિનામાં વધુમાં વધુ છે.

માત્ર ગુજરાતમાં જ નહીં પણ અનેક રાજ્યોમાં ચાલુ વર્ષે ચોમાસાએ વિલનનો રોલ કર્યો છે.

શરૂઆતમાં તો વરસાદ ખેંચાયો અથવા કેટલીક જગ્યાએ વહેલો શરૂ થયો અને ત્યારબાદ કાયદેસરનું ચોમાસું લગભગ સપ્ટેમ્બરના અંતમાં પૂર્ણ થાય તેના બદલે અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર આવવાને કારણે માત્ર અનાજને જ નુકસાન થયું છે એવું નથી પણ શાકભાજીના ઉત્પાદન પર અસર થઈ છે જેથી શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો થયો છે.

ડુંગળી હજુ રોવડાવશે?

આ દેશમાં ડુંગળીના ભાવ ઉપર ક્યારેક ચૂંટણીઓમાં હારજીત પણ થાય તેવું બન્યું છે ત્યારે અત્યારના સંયોગોમાં ડુંગળીના ભાવ એક વખત તો 150 રૂપિયાની સપાટીને આંબી જશે.

વરસાદમાં ડુંગળીનો પાક લેવાય છે તેને 'ઘવારિયું' કહેવાય છે.

આમાં ચાલુ વરસે કમોસમી વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં ડુંગળીના ઉત્પાદનના 70 થી 80 ટકા માલને નુકસાન થયું છે.

આને પરિણામે ઑકટોબર-નવેમ્બર સુધીમાં જે માલ બજારમાં આવવો જોઈએ અને પરિણામે સ્ટૉક પણ થવો જોઈએ એવું થયું નથી.

વળી જે જૂનો સ્ટોક હતો તે પણ ચોમાસા દરમ્યાન ડુંગળી પલળવાને કારણે બગડી ગયો હોવાના સમાચાર માધ્યમોમાં ચગ્યા હતા.

આમ થવાને કારણે જુલાઈ મહિનામાં છૂટક ડુંગળીના એક કિલોના ભાવ જે 20 થી 30 રૂપિયા વચ્ચે હતા, તેમાં પાંચ ગણો વધારો થઈને ડિસેમ્બરમાં છૂટક ડુંગળીના ભાવ રૂ. 100 થી 200ની આજુબાજુ છે.

બરાબર લગ્નસરા ટાણે આ ભાવવધારો નડી રહ્યો છે.

ચોમાસા બાદ પણ ચાલુ રહેલ વરસાદ તેમ જ વાદળિયા હવામાનને કારણે ડુંગળી ઉપરાંત અન્ય લીલા શાકભાજીની આવક પર પણ અસર પડી છે.

ખાદ્ય પદાર્થો મોંઘા

આ ઉપરાંત ઘાસચારો પણ મોંઘો બનવાને કારણે દૂધના ભાવ વધ્યા છે.

કઠોળનું ઉત્પાદન ઘટયું છે સાથે વાવેતર પણ ઘટ્યું છે.

અનાજના ભાવ પણ વધ્યા છે જેને કારણે રિટેલ ફુગાવાનો દર વધ્યો છે.

આ વરસે સિંગતેલમાં તેજીનો માહોલ છે.

ગુજરાતમાં મગફળીનો પાક ગયા વર્ષની સરખામણીએ બમણો થઈને અંદાજિત 30 લાખ ટન થવાની ધારણા છે.

આમ છતાંય ભાવ ઘટવાના બદલે વધ્યા છે.

2020 નો પ્રથમ છ માસિક ગાળો કપરો રહેશે?

આમ ચારેબાજુથી ખાદ્ય પદાર્થોમાં ભાવવધારાનું વાતાવરણ છે ત્યારે રિઝર્વ બૅન્કે ચાલુ વર્ષના પ્રથમ છ માસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ વધારીને 5.1-4.7 ટકા કર્યો છે.

આ બધાં પરિબળોને ધ્યાનમાં લઈએ તો હજુ 2020 ના પ્રથમ છ માસિક ગાળામાં, પણ ઝાઝી રાહત મળે એવું લાગતું નથી.

જો ફુગાવો ઘટે નહીં અને શિયાળુ પાકમાં પણ ભલીવાર ન આવે, તો રિઝર્વ બૅન્ક 2020 ના વર્ષમાં ફરી એકવાર રેપો રેટ ઘટાડશે એ બાબત અત્યારે કંઈપણ કહેવું વહેલું ગણાશે.

મંદી અને ફુગાવો વર્ષ 2020ની શરૂઆતમાં કેવું રૂપ લેશે અને અનાજ, દૂધ, કઠોળ તેમજ શાકભાજી સસ્તાં થશે કે કેમ એના ઉપર બધો દારોમદાર છે.

આમ મંદીની સાથે ધીમી ગતિએ વધી રહેલો ફુગાવો દેશના મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગ માટે ચિંતાનું કારણ બની રહેશે. આની સાથોસાથ ગૃહિણીઓને પણ દઝાડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો