દિલ્હી અગ્નિકાંડ : બે આરોપીની 14 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મંડીમાં સોમવારે સવારે ફરીથી આગ લાગી હતી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આગ એ જ ઇમારતમાં લાગી છે જ્યાં રવિવારે લાગેલી આગમાં 43 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઘટનાસ્થળે ચાર ફાયરએંજિન આગને કાબૂમાં લેવા પહોંચ્યાં હતાં.

દિલ્હીના રાણી ઝાંસી રોડ નજીક આવેલા અનાજ મંડી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે આગ લાગી હતી, જેમાં 43 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

શાળાની બૅગ બનાવતી આ ફેક્ટરીમાં રવિવારે સવારે આગ લાગી, ત્યારે ઇમારતમાં લગભગ 100 જેટલા લોકો ઊંઘી રહ્યા હતા.

ફેકટરીના માલિકની ધરપકડ

નવી દિલ્હીની તીસ હજારી કોર્ટે દિલ્હી પોલીસને ફેકટરીના માલિક રેહાન તથા મૅનેજર ફુરકનની 14 દિવસની કસ્ટડી આપી છે. રવિવારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ આરોપ મૂક્યો હતો કે જે ફ્લોર ઉપર આગ લાગી, તેના માલિક આમ આદમી પાર્ટીના કાર્યકર હોવાનું કહેવાય છે.

દિલ્હીમાં ફાયર-બ્રિગેડ વિભાગના પ્રમુખ અતુલ ગર્ગે બીબીસીને જણાવ્યું કે 'અમારી ટીમે કુલ 63 લોકોને ઘટનાસ્થળેથી બહાર કાઢ્યા હતા, પણ તેમાંથી 43 લોકોનાં મૃત્યુ થઈ ગયાં.'

દાઝેલા લોકોને નજીક આવેલી લોકનાયક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલનાં ડૉક્ટર રીતુ સક્સેનાએ બીબીસીને જણાવ્યું કે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

સરકારની વળતરની જાહેરાત

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ઘટનાસ્થળ પહોંચ્યા અને તેમણે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત કરી. આ ઉપરાંત તેમણે ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સારવાર અને એક-એક લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર આપવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન રાહતકોષમાંથી મૃતકના પરિવારોને બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

સાંકડી ગલીઓનું સંકટ

ફાયર-બ્રિગેડ વિભાગના વડા અતુલ ગર્ગે જણાવ્યું કે ગીચ વસતિ ધરાવતો વિસ્તાર હોવાને લીધે બચાવકાર્યમાં મુશ્કેલીઓ આવી હતી. ગર્ગે જણાવ્યું, "ગલીઓ સાંકડી હોવાના લીધે ફાયર-બ્રિગેડ કે ઍમ્બુલન્સ અંદર જઈ નથી શકતી એટલે બચાવકર્મીઓ ઈજાગ્રસ્તોને ખભે ઊંચકીને બહાર લાવી રહ્યા છે."

ગર્ગે જણાવ્યું હતું કે જે ઇમારતમાં આગ લાગી, એમાં મોટા પ્રમાણમાં કાગળ સંગ્રહાયેલો હતો, જેને લીધે ધુમાડો થયો, જે લોકોને બચાવવાની કામગીરીમાં અવરોધરુપ સાબિત થયો.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોના વહેલા સ્વસ્થ થવાની કામના કરી છે.

બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે મૂળ બિહારના મૃતકોને રૂ. બે-બે લાખની સહાયની જાહેરાત કરી હતી.

રાજકીય આરોપ-પ્રત્યારોપ

કેન્દ્રીય મંત્રી અને ચાંદની ચોક બેઠક પરથી ભાજપના સાસંદ ડૉક્ટર હર્ષવર્ધને જણાવ્યું છે કે તેમના સંસદીય ક્ષેત્રમાં ઘટેલી આ ઘટનાથી તેઓ ભારે દુ:ખી છે. તેઓ સ્થાનિક તંત્રના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં દિલ્હી પરત ફરી રહ્યા છે.

જ્યારે ઘટના ઘટી ત્યારે ડૉક્ટર હર્ષવર્ધન ઝાંસીમાં હતા.

ભાજપના પ્રદેશઅધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે તેમનો પક્ષ મૃતક પરિવારોને 5-5- લાખ રૂપિયા આપશે અને ઇજાગ્રસ્તોને 25 હજાર રૂપિયાની મદદ કરશે.

બલ્લીમારાન વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઇમરાન હુસૈન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવશે.

તેમણે કહ્યું, "આ જૂની દિલ્હી છે, જ્યાં બહુ જ સાંકડી ગલીઓ છે અને મકાન એકબીજા સાથે જોડાયેલાં હોય છે."

જૂની દિલ્હીમાં મકાનમાં ચાલતી ગેરકાયદે ફેકટરીઓ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું આની જવાબદારી એમસીડી (મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હી)ની છે અને જે પણ ફેકટરી ગેરકાયદેસર રીતે ચાલતી હશે એની તપાસ કરવામાં આવશે.

બીબીસી સંવાદદાતા આદર્શ રાઠૌર સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર શંકર ઐય્યરે કહ્યું:"આ દુ:ખદ ઘટના માટે તમામ રાજકીય પક્ષ જવાબદાર છે. "ગેરકાયદેસર ઇમારતોને કાયદેસર કરવા માટે દિલ્હી સરકાર, મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા કેન્દ્ર સરકાર વચ્ચે રીતસર સ્પર્ધા ચાલે છે."

"ખાસ કરીને ચૂંટણીને આડે ત્રણ-ચાર મહિના જ રહ્યા છે. જેના કારણે આ પ્રકારની ઘટનાઓ થાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો