નિર્ભયા : શું બળાત્કારપીડિતાને મોડેથી ન્યાય મળે છે? - રિયાલિટી ચેક

    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજા મામલે દેશની ન્યાયપ્રણાલી ફરી ચર્ચામાં આવી છે.

વર્ષ 2017માં બહાર પાડવામાં આવેલા સરકારી આંકડા પ્રમાણે, ભારતમાં દુષ્કર્મના દરરોજ સરેરાશ 90 કેસ નોંધાય છે.

જોકે, બહુ થોડા ટકા કેસોમાં જ દુષ્કર્મના આરોપીઓને સજા થાય છે. બીજી બાજુ દુષ્કર્મની ઘટનાઓ વર્ષ-પ્રતિવર્ષ વધી રહી છે.

અમે આંકડાઓ તપાસીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં દુષ્કર્મની ઘટનાઓ વધારે ઘટી રહી છે કે ઓછી.

ન્યાયપ્રણાલી

ડિસેમ્બર 2012માં દિલ્હીમાં એક યુવતી સાથે દુષ્કર્મ થયું અને નૃશંસતાપૂર્વક તેની હત્યા કરી દેવાઈ. ત્યારબાદ મહિલાઓ સાથે થતી સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ તરફ લોકોનું ધ્યાન જવા લાગ્યું.

સરકારી આંકડાઓ ઉપર નજર કરીએ તો, પોલીસના ચોપડે રેપની ઘટનાઓ નોંધાવા લાગી હતી.

વર્ષ 2012માં પોલીસના ચોપડે 25 હજારથી ઓછી ઘટનાઓ નોંધાઈ હતી.

વર્ષ 2017ના આંકડા મુજબ, તેના આગળના વર્ષમાં રેપની 32,559 ઘટનાઓ પોલીસના રેકર્ડ્સમાં નોંધાઈ હતી.

એક તરફ રેપની ઘટનાઓની નોંધણી ઉત્તરોત્તર વધી રહી છે અને બીજી બાજુ કોર્ટમાં આ મામલાઓ ઉપર ચુકાદા આપવાનું ભારણ પણ વધી રહ્યું છે.

વર્ષ 2017ના અંતભાગ સુધીમાં લગભગ 1,27,800થી વધુ કેસ દેશની અલગ-અલગ અદાલતોમાં પડતર છે. એ વર્ષ દરમિયાન માત્ર 18,300 કેસમાં જ અદાલતોએ ચુકાદો આપ્યો હતો.

વર્ષ 2012માં અદાલતોએ 20,660 કેસનો નિકાલ કર્યો હતો તથા એ વર્ષે 1,13,000 કેસ પડતર હતા.

કેટલો જલદી મળે છે ન્યાય?

વર્ષ 2002થી 2011 દરમિયાન અદાલતોમાં રેપના કેસમાં ન્યાય મળવાનો દર સરેરાશ 26 ટકા રહ્યો હતો.

વર્ષ 2012 બાદ અદાલતોમાં ચુકાદાનો દર થોડો સુધર્યો હતો, પરંતુ વર્ષ 2016માં ઘટીને ફરી એક વખત 25 ટકા ઉપર આવી ગયો હતો.

વર્ષ 2017 દરમિયાન આ દર 32 ટકાથી થોડો વધારે હતો.

જેમ-જેમ અદાલતોમાં ચુકાદો આવવામાં સમય લાગે છે, તેમ-તેમ પીડિતા તથા સાક્ષીઓને ધમકાવીને કે લાલચ આપીને તેમનાં નિવેદનો બદલાવી દેવાની એવી શક્યતાઓ વધી જાય છે.

જ્યારે ઉચ્ચપદ ઉપર બેઠેલી કે તેની નજીની વ્યક્તિ ઉપર આરોપ લાગે, ત્યારે આમ થવાની શક્યતા વધી જાય છે.

દાખલા તરીકે વર્ષ 2018માં સ્વઘોષિત ધર્મગુરુ આસારામ તેમના જ આશ્રમમાં રહેતી એક યુવતી સાથે દુષ્કર્મના દોષિત ઠર્યા હતા. એ પહેલાં આ કેસના ઓછામાં ઓછા નવ સાક્ષી ઉપર હુમલા થયા હતા.

ગત વર્ષે સરકારે જાહેરાત કરી હતી કે દુષ્કર્મના પડતર કેસોનો નિકાલ કરવા માટે દેશભરમાં વધુ એક હજાર ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવામાં આવશે.

અન્ય દેશોની સ્થિતિ

આપણને એવું લાગે કે ભારતમાં દુષ્કર્મના કેસોમાં ચુકાદો આવવામાં સમય લાગે છે, પરંતુ અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતમાં સ્થિતિ સારી છે.

એક રિસર્ચ અનુસાર વર્ષ 2017 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રેપસંબંધિત માત્ર આઠ કેસોમાં અદાલતોએ ચુકાદો સંભળાવ્યો હતો.

બીજી બાજુ એક મહિલા અધિકાર સંગઠનના અભ્યાસ મુજબ વર્ષ 2018 દરમિયાન બાંગ્લાદેશમાં આ દર ખૂબ જ ઓછો હતો.

જે દેશોમાં રેપના કેસોમાં ચુકાદો આવવાનો દર ઊંચો છે, ત્યાં એ વાતની ચિંતા વ્યક્ત થાય છે કે રેપસંબંધિત બહુ થોડા કેસ જ અદાલતો સુધી પહોંચે છે, કારણ કે આવા મામલા રિપોર્ટ થવાનો દર નીચો હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો