હૈદરાબાદ ઍન્કાઉન્ટર : 'પોલીસ હવે મને પણ મારી નાખે' - આરોપીનાં પત્ની

હૈદરાબાદમાં વેટરીનરી ડૉક્ટર પર થયેલા ગૅંગરેપના 4 આરોપીઓ શુક્રવારે વહેલી સવારે પોલીસ ઍન્કાઉટરમાં માર્યા ગયા છે.

8 દિવસ અગાઉ બનેલી ગૅંગરેપ અને જીવતાં સળગાવી દેવાની ઘટનામાં તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા.

પોલીસનું કહેવું છે કે ક્રાઇમ સીન રીક્રીએટ કરાઈ રહ્યો હતો તે સમયે આરોપીઓએ પોલીસની ગન છીનવી લીધી અને હુમલો કર્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં 4 આરોપીઓ મૃત્યુ પામ્યાં હતાં.

પોલીસે કરેલા આ ઍન્કાઉન્ટરને અનેક લોકો વખાણી રહ્યાં છે અને અનેક લોકો વખોડી રહ્યાં છે.

જોકે, આ બધાની વચ્ચે જે આરોપીઓ માર્યા ગયા છે તેમના પરિવારજનો હતપ્રભ છે.

આ કેસમાં 4 આરોપીઓ હતા. નિયમ મુજબ અમે તેમનાં નામો અને અન્ય ઓળખ જાહેર નથી કરી રહ્યા.

ઉલ્લેખનીય છે કે આરોપીના પરિવારજનોએ પણ જો તેઓ ગુનેગાર હોય તો તેમને ફાંસી કરો એવી વાત અગાઉ બીબીસી સમક્ષ કરી હતી.

પીટીઆઈના અહેવાલ મુજબ ચાર પૈકી એક આરોપીનાં માતા કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી અને આઘાતમાં છે. તેઓ માંડ એટલું જ બોલ્યાં કે 'દીકરો જતો રહ્યો'.

અન્ય એક આરોપીનાં પત્ની પણ શોક અને આઘાતમાં છે. એમણે કહ્યું કે તેઓ હવે એકલાં પડી ગયાં છે, પોલીસ એમને પણ મારી નાખે.

એમણે કહ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે મારા પતિને કંઈ નહીં થાય અને એ પાછા ફરશે. હવે મને ખબર નથી કે હું શું કરું. મહેરબાની કરીને મને પણ ત્યાં જ લઈ જાવ જ્યાં મારા પતિને મારી નાખવામાં આવ્યા છે.

અન્ય એક આરોપીના પિતાએ કહ્યું કે મારા પુત્રે ગુનો કર્યો હતો અને એને સજા થવી જોઈતી હતી, પણ આવો અંત નહોતો હોવો જોઈતો.

એમણે એવું પણ કહ્યું કે અનેક લોકો રેપ અને હત્યા કરે છે, પરંતુ તેમની સાથે આવો વ્યવહાર નથી કરાતો.

ઉલ્લેખનીય છે કે ચારેય આરોપી ગરીબ પરિવારના હતા, ઓછું ભણેલા હતા અને ટ્રક ડ્રાઇવિંગ અને ક્લિનર વગેરે કામ કરતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો