Hyderabad Police : એ વીસી સજ્જનાર જેમની કામગીરી પર સવાલો ઊઠી રહ્યા છે

હૈદરાબાદ રેપ કેસના 4 આરોપીના ઍન્કાઉન્ટરની ઘટના બાદ સિંકદરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનાર ફરીથી સમાચારોની હેડલાઇનમાં આવ્યા છે.

હૈદરાબાદ રેપ અને મર્ડર કેસ બાદ દેશભરના લોકોએ આંદોલન કર્યું હતું.

બુધવારે મહેબૂબનગર જિલ્લાની શાદનગર કોર્ટે આરોપીઓની કસ્ટડી પોલીસને સોંપી હતી.

પોલીસનું કહેવું છે કે તેઓ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા હતા.

ઘટનાસ્થળે જ્યારે પોલીસ ઘટનાને રીકન્સ્ટ્રક્શન કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ઍન્કાઉન્ટર થતાં ચારેય આરોપીઓનાં મૃત્યુ થયાં હતા.

સોશિયલ મીડિયા પર આ ઍન્કાઉન્ટરને પગલે ભારે ચર્ચા ચાલી રહી છે. માનવ અધિકાર કાર્યકરો આ ઍન્કાઉન્ટરની નિંદા કરી રહ્યા છે.

11 વર્ષ અગાઉ જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગણા અલગ નહોતાં પડ્યાં ત્યારે આ જ પ્રકારે વારંગલમાં ઍન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ત્યારે સજ્જનાર વારંગલના એસપી હતા.

વીસી સજ્જનારે વારંગલ અને હૈદરાબાદમાં થયેલાં ઍન્કાઉન્ટરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

વારંગલમાં શું થયું હતું?

12 ડિસેમ્બર, 2008ના રોજ કિટ્સ કૉલેજમાં બી.ટેક.નો અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ પર ઍસિડ ઍટેક થતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયાં હતાં.

તેમાંથી એક વિદ્યાર્થિની પર તેમના એક સહાધ્યાયીએ પ્રપોઝલ રદ કરતાં કથિત રીતે હુમલો કર્યો હતો.

આ ભયાનક હુમલામાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બીજી વિદ્યાર્થિની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યાં હતાં.

આ ઘટનાના કારણે આરોપીઓને સજા કરવામાં આવે તેવી માગ સાથે રાજ્યમાં ભારે વિરોધ-પ્રદર્શન થયાં હતાં.

વારંગલના એસપી તરીકે ત્યારે વીસી સજ્જનાર કામ કરી રહ્યા હતા.

પોલીસે યુવતીઓ પર ઍસિડ ઍટેકમાં સામેલ ત્રણ પુરુષોની ઓળખ કરી હતી.

આ બનાવના ત્રણ દિવસ પછી પોલીસ સાખામુની શ્રીનિવાસ ,બજ્જુરી સંજય અને પોથારાજુ હરિકૃષ્ના નામના આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી જ્યાં કેસની તપાસ દરમિયાન રીકન્સ્ટ્રક્શન કરવાનું હતું.

પોલીસે કહ્યું હતું કે આરોપીઓ તેમનાં હથિયાર લઈને ઍટેક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસે તેમના પર ગોળી ચલાવવી પડી હતી.

સ્થાનિક લોકોએ સજ્જનાર અને તેમની ટીમની કામગીરીને આવકારી હતી.

જોકે, માનવ અધિકાર સંગઠનોએ ઍન્કાઉન્ટરને 'પોલીસે કાયદો હાથમાં લીધો છે' એમ કહીને વખોડી કાઢ્યું હતું.

હૈદરાબાદ વેટરીનરી ડૉક્ટર કેસમાં થયેલું ઍન્કાઉન્ટર 2008ના વારંગલ ઍસિડ ઍટેક કેસના આરોપીઓનાં ઍન્કાઉન્ટર સાથે મેળ ખાય છે.

બંને ઘટનાઓમાં આરોપીઓનું ઍન્કાઉન્ટર ત્યારે જ થયું જ્યારે તપાસ હેઠળ તેમને ઘટનાના રીકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ જવાયા હતા.

વીસી સજ્જનાર વારંગલ ઍન્કાઉન્ટરમાં સીધી રીતે જોડાયેલા કહેવાય છે જ્યારે હૈદરાબાદ ઍન્કાઉન્ટર તેમના સુપરવિઝનમાં થયું હતું.

બીબીસી સાથે વાત કરતા વીસી સજ્જનારે કહ્યું કે "સીન રીકન્સ્ટ્રક્શન બાદ આરોપીઓએ હથિયાર છીનવીને પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો."

"આ પ્રક્રિયામાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. અમને ગ્રાઉન્ડ રિપોર્ટ મળે ત્યારે બાદ હું વધારે વિગતો આપી શકું. આ ઘટનામાં બે પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે."

સજ્જનાર કોણ છે?

વિશ્વનાથન ચેન્નપ્પા સજ્જનાર કર્ણાટક કૅડરના 1996ના આઈપીએસ અધિકારી છે.

તેઓ આંધ્ર પ્રદેશ પોલીસ વિભાગમાં અનેક પદો પર ફરજ બજાવી ચૂક્યા છે.

તેઓ તેલંગણામાં આવેલા વારંગલ અને મેડક જિલ્લામાં પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

વારંગલમાં ઍસિડ ઍટેકની ઘટના બની ત્યારે તેઓ ત્યાં પોલીસ અધીક્ષક હતા.

વારંગલમાં એક પોલીસ કૉન્સ્ટેબલના કથિત મર્ડરમાં સામેલ એક અફીણ કારોબારીના ઍન્કાઉન્ટરમાં પણ તેઓ સામેલ હતા.

સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા

દિશા રેપ અને મર્ડર કેસમાં ઍન્કાઉન્ટર થયા બાદ સોશિયલ મીડિયા પર સજ્જનારનાં વખાણ થઈ રહ્યાં છે.

અમુક લોકોએ ઍન્કાઉન્ટરનો વિરોધ પણ કર્યો છે. અમુક લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે જો તાત્કાલિક ન્યાયના નામ પર ઍન્કાઉન્ટર કરવામાં આવશે તો માનવાધિકાર અને બંધારણની શું જરૂર છે.

કેટલાક લોકોએ વૉટ્સઍપ પર સ્ટેટસમાં રિવૉલ્વર સાથે તેમની એક તસવીર લગાડી છે. કેટલાક લોકોએ વારંગલ ઍન્કાઉન્ટરની યાદ તાજા કરી છે.

કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે દિશા બળાત્કાર અને હત્યાકેસ પછી તરત જ વારંગલ જેવું ઍન્કાઉન્ટર થવું જોઈએ, એ પ્રકારની પોસ્ટ કરી હતી.

એક પત્રકાર ડી સૂઝાએ ટ્વીટ કર્યું છે, આ ગેરકાયદેસર છે. પોલીસે કાયદાનો ભંગ કર્યો છે. આ ખતરનાક છે

લોકો પાલીસની કાર્યવાહીને બિરદાવી રહ્યા છે, ત્યારે કાયદા અને માનવાધિકારનાં પ્રોફેસર કલ્પના કન્નાબિરને ફેસબુક પર એક પોસ્ટ લખી છે.

જેમાં તેમણે કહ્યું કે તે ચારેયની, ઠંજા કલેજે હત્યા કરવામાં આવી છે. આ શું ન્યાય છે? શું તમારે કોર્ટ બંધ કરી દેવી છે અને નિરાંતે બેસીને આ ઉત્પાત જોતા રહેવું છે?

આદિત્યનાથ એક રાજ્યમાં સત્તા પર છે, નિત્યાનંદ એ રાજ ઊભું કરે છે અને ઉન્નાવના પીડિતોને સળગાવી દેવાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો