ઉન્નાવ રેપ કેસ : 'ક્રાઇમ થાય જ નહીં એવી ગૅરંટી તો ભગવાન રામ પણ ન લઈ શકે'

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી રણવેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું, "સમાજમાં ગુનાઓ નહીં થાય એવો દાવો ભગવાન રામ પણ નહીં કરી શકે."

"પરંતુ એ નિશ્વિત છે કે જો ક્રાઇમ થયો હશે તો સજા થશે અને તે જેલમાં જશે."

ઉન્નાવમાં રેપ પીડિતાને આરોપીઓએ જીવતાં સળગાવ્યાંનો પ્રયત્ન કર્યો એ પછીપ્રશ્ન પૂછતાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રેપપીડિતાને આરોપીઓએ જીવતાં સળગાવવાની કોશિશ કરી હતી.

ગંભીર હાલતમાં તેમને લખનઉની સિવિલ હૉસ્પિટલમાંથી નવી દિલ્હી શિફ્ટ કરવામાં આવ્યાં છે જ્યાં તેઓ જીવનમરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યાં છે.

પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી હજુ ફરાર છે.

સુરતના હીરાની અમેરિકામાં 24 ટકા આયાત ઘટી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમેરિકામાં સુરતના હીરાની આયાત 24 ટકા ઘટી ગઈ છે.

અમેરિકાના કૉમર્સ વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે અમેરિકામાં થતી સુરતના હીરાની આયાત સપ્ટેમ્બરમાં 24 ટકા એટલે 1.48 અબજ ડૉલર જેટલી ઘટી છે.

આ વર્ષની શરૂઆતથી નવ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી સુરતના હીરાની અમેરિકામાં આયાતમાં 13 ટકા એટલે 15.37 અબજ ડૉલરનો ઘટાડો નોંધાયો છે.

સુરત હીરા ઍસોસિયેશનના પ્રમુખ બાબુ કથિરિયા કહે છે, "અમેરિકાનું બજાર ક્રિસમસની રજાઓમાં સારી રીતે પર્ફૉર્મ કરતું નથી. નાના હીરાના નિકાસકારોએ નિકાસમાં ઘટાડા થયાનું અનુભવ્યું છે."

"તે એવું પણ દર્શાવે છે કે અમેરિકામાં લેબગ્રાઉન હીરાની માગ વધી રહી હોવાથી ખરીદારોની પણ માગ બદલાઈ રહી છે."

ડુંગળી જ કેમ, લસણ, મીટ બધું ખાવાનું બંધ કરી દો: આઝમ ખાન

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને ડુંગળીની વધતી કિંમતો પર નાણામંત્રી નિર્ણલા સિતારમણના નિવેદન પર ટીપ્પણી કરતાં કહ્યું કે ડુંગળી જ કેમ લસણ, મીટ તમામ વસ્તુઓ ખાવાની બંધ કરી દો.

આઝમ ખાને કહ્યું, "ડુંગળી ખાવાની બંધ કરી દો આને ખાવાની શી મજબૂરી છે? આપણા જૈન ભાઈઓ ખાતા નથી. ડુંગળી ખાવાનું બંધ કરો, લસણ ખાવાનું બંધ કરો, માંસ ખાવાનું બંધ કરો, તમામ વસ્તુ બચી જશે."

મહત્ત્વની વાત એમ છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં ડુંગળી વિશે એક નિવેદન આપ્યું હતું જેની ઘણી ચર્ચા થઈ હતી.

નાણામંત્રીએ જણાવ્યું હતું, "હું આટલું લસણ, ડુંગળી ખાતી નથી. તમે ચિંતા મત કરો. હું એવા પરિવારમાંથી આવું છું, જ્યાં વધારે ડુંગળી-લસણ ખવાતા નથી."

નિર્મલા સિતારમણની ટિપ્પણીને લઈને ગુરુવારે રાહુલ ગાંધીએ પણ મોદી સરકારની ટીકા કરી.

રાહુલ ગાંધીએ કેરળમાં જાહેર સભામાં કહ્યું, "નાણામંત્રીનું કામ ભારતને એ કહેવાનું નથી કે એ શું ખાય છે અને ઘટનાની હકીકત એ છે કે તેમને કાંઈ ખ્યાલ જ નથી શું ચાલી રહ્યું છે, મૂળ રીતે તે અક્ષમ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો