ઉન્નાવ રેપ કેસ : અંતિમસંસ્કાર માટે કેમ તૈયાર થયો પીડિતાનો પરિવાર?

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, ઉત્તર પ્રદેશના ઉન્નાવથી, બીબીસી હિંદી માટે

ઉન્નાવમાં રેપ પીડિતાના પરિવારજનો, જ્યાં સુધી તેમની માગણીઓ નહીં માનવામાં આવે અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ જાતે તેમની મુલાકાત લેવા માટે નહીં આવે ત્યાં સુધી તેઓ પીડિતાની અંત્યેષ્ટિ નહીં કરવાની વાત પર મક્કમ હતા.

જોકે, વહીવટી તંત્રના અધિકારીઓ સાથે થયેલી વાતચીત અને તેમની કેટલીક માગણીઓ સંતોષાયા બાદ પરિવારજનો પીડિતાના મૃતદેહના અંતિમસંસ્કાર માટે રાજી થઈ ગયા.

પીડિતાના પરિવારજનોએ તેમના મૃતદેહને નજીકના એક ગામમાં પોતાની પરંપરા અનુસાર દફનાવી દીધું છે.

મુખ્ય મંત્રીને મુલાકાત લેવા માટે બોલાવવાની પરિવારજનોની માગણી બાદ કૅબિનેટમંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને ઉન્નાવ જિલ્લાનાં પ્રભારી કમલા વરુણે રવિવારે ફરીથી પીડિતાના ગામની મુલાકાત લીધી હતી.

આ પહેલાં સ્થળ પર હાજર લખનઉ સર્કલના કમિશનર મુકેશ મેશ્રામ અને આઈજી એસ. કે. ભગત સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસઅધિકારીઓની હાજરીમાં પરિવારજનોની કેટલીક માગણીઓ સ્વીકારી.

ત્યાર બાદ અને કેટલીક માગણીઓ પરત્વે આશ્વાસન અપાયા બાદ પરિવારજનો પીડિતાના મૃતદેહના અંતિમસંસ્કાર માટે સહમત થઈ ગયા.

નોંધનીય છે કે રાજ્ય સરકાર તરફથી પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય અગાઉ જ કરી દેવાઈ છે.

શનિવારે સાંજે પીડિતાનું મૃતદેહ તેમના ઘરે પહોંચે એ પહેલાં જ રાજ્ય સરકારના કૅબિનેટમંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને મંત્રી કમલા વરુણે વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં જ પીડિતાના પિતાને નાણાકીય સહાયનો ચેક સોંપ્યો હતો.

શું છે પરિવારની માગ?

આ સિવાય સરકારે પરિવારજનોને પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ બે ઘર આપવાની અને સુરક્ષા પૂરી પાડવાની પણ જાહેરાત કરી હતી. સાથે જ પીડિતાનાં બહેનની નોકરી માટેની અરજી પર પણ વિચાર કરવાનો આશ્વાસન આપ્યું હતું.

પીડિતાના પરિવારજનોની માગણી હતી કે સરકાર તરફથી અપાયેલી સહાયની રકમમાં વધારો કરીને 50 લાખ રૂ. કરવામાં આવે, પીડિતાનાં બહેનને નોકરી અપાય, પરિવારજનો માટે સુરક્ષા અને આવાસની જોગવાઈ કરવામાં આવે.

નોંધનીય છે કે આ કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરાવવાની જાહેરાત યોગી સરકાર પહેલાંથી જ કરી ચૂકી છે.

ઉન્નાવના જિલ્લાધિકારી દેવેન્દ્ર પાંડેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પીડિતાના પિતાનું નામ પ્રધાન મંત્રી આવાસ માટે પહેલાંથી જ મોકલી દેવાયું છે, પરંતુ હજુ સુધી તેમને ઘર નથી મળ્યું.

પાંડેએ જણાવ્યું કે, "યોજનાના નિયમાનુસાર, પરિવારરૂપી એકમને આવાસ અપાય છે.""પીડિતાના ભાઈ જેઓ પરિણીત છે, તેમને પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ એક આવાસ આપવામાં આવશે."

"પિતાનું નામ પહેલાંથી પ્રધાન મંત્રી આવાસ યોજના માટે મોકલી દેવાયું હતું, પરંતુ હજુ સુધી તેમને આવાસ નથી મળ્યો. તેમને પણ આવાસ અપાવી દેવાશે."

વહીવટી તંત્ર ખડેપગ

ગામમાં કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી. વહીવટી તંત્રના મોટા અધિકારીઓ સિવાય ગામના લોકો અને રાજકીય પક્ષોના તમામ લોકો પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

શનિવારે રાત્રે લગભગ નવ વાગ્યે જ્યારે પીડિતાનો મૃતદેહ દિલ્હીથી સડક માર્ગે તેમના ગામડે પહોંચ્યું.

ત્યારે વહીવટી તંત્રની તૈયારીઓની જોઈને એવી લાગી રહ્યું હતું કે કદાચ પીડિતાની અંત્યેષ્ટિ રાત્રે જ કરી દેવાશે, પરંતુ પરિવારજનોએ સ્પષ્ટપણે આવું કરવાની ના પાડી દીધી હતી.

છોકરીના પિતાનું કહેવું હતું કે તેમનાં એક દીકરી બહાર રહે છે અને જ્યાં સુધી તેઓ આવી ન જાય, ત્યાં સુધી અંતિમસંસ્કાર નહીં થાય. પરંતુ રવિવારે સવારે પીડિતાના પરિવારજનો પોતાની અન્ય માગણીઓ સાથે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને બોલાવવાની માગણી પણ કરવા લાગ્યા.

નોંધનીય છે કે ઉન્નાવ સામૂહિક દુષ્કર્મનાં પીડિતાને કેટલાક લોકોએ ગુરુવારે સવારે આગ ચાંપી દીધી હતી.

જે બાદ ગંભીરપણે દાઝી ગયેલાં પીડિતાનું મોત નીપજ્યું હતું.

પોલીસે આ મામલામાં ગામના જ પાંચ લોકોની ધરપકડ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો