ટોકિયો ઑલિમ્પિક રમતોત્સવમાં રશિયા ભાગ નહીં લઈ શકે

વર્લ્ડ ઍન્ટિ-ડૉપિંગ એજન્સીએ રશિયા પર વૈશ્વિકસ્તરની પ્રતિયોગિતાઓમાં ભાગ લેવા પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.

આનો અર્થ છે કે ટોકિયો 2020 ઑલિમ્પિક અને વર્ષ 2022માં કતર ખાતે યોજાનાર ફૂટબૉલ વર્લ્ડ કપમાં રશિયાનો ઝંડો કે પછી રાષ્ટ્રગીત વગાડવાની પરવાનગી નહીં આપવામાં આવે.

પરંતુ એવા ખેલાડીઓ જે ડૉપિંગ કૌભાંડમાં સામેલ ન હોવાનું સાબિત કરી શકશે, તેઓ નિષ્પક્ષ ઝંડા હેઠળ પ્રતિયોગિતામાં ભાગ લઈ શકશે.

સ્વિટ્ઝરલૅન્ડમાં સ્થિત વાડાની કાર્યકારી કમિટીએ એકમતે આ નિર્ણય લીધો છે.

રશિયાની ઍન્ટિ ડૉપિંગ એજન્સી પર જાન્યુઆરી 2019માં તપાસકર્તાઓને આપેલા લૅબોરેટરી ડેટા સાથે ચેડાં કરવાનો આરોપ છે.

અગાઉ રશિયા પર બૅન લગાવ્યો હતો

આ પહેલાં પણ રશિયા પર સરકાર પ્રાયોજિત ડૉપિંગનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ રશિયા પર વિશ્વસ્તરની મુખ્ય પ્રતિયોગિતાઓમાં ભાગ લેવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

2018 સપ્ટેમ્બર માસમાં આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો, પરંતુ શરત પ્રમાણે જાન્યુઆરી 2019 માં રશિયાને ખેલાડીઓના લૅબોરેટરી ડેટા 'વાડા'ને સોંપવાના હતા.

હાલમાં વાડાએ રશિયા પર ટોકિયો ઑલિમ્પિક્સ સહિતની બીજી વિશ્વ સ્તરની પ્રતિયોગિતામાં ભાગ લેવા પર જે પ્રતિબંધ મૂક્યો છે, તેની વિરુદ્ધમાં અરજી કરવા માટે રશિયાને 21 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

2018 વિન્ટર ઑલિમ્પિક ગેમ્સમાં નિષ્પક્ષ ઝંડા હેઠળ 168 રશિયન ખેલાડીઓ રમ્યા હતા.

2015થી રશિયા પર ઍથ્લેટિક્સ રમતોમાં ભાગ લેવા પર બૅન ચાલુ જ છે.

જોકે, 2020માં યૂરો ગેમ્સમાં રશિયા ભાગ લઈ શકશે, આ પ્રતિયોગિતા રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો