કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર સલામત, ભાજપે છ બેઠક જીતી - TOP NEWS

પેટાચૂંટણીના પરિણામની સાથે કર્ણાટકમાં ભાજપની સરકાર ઉપર તોળાઈ રહેલું સંકટ દૂર થઈ ગયું છે. ભાજપને છ બેઠક ઉપર વિજય મળી ગયો છે અને છ બેઠક ઉપર આગળ છે.

સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં કૉંગ્રેસ વિધાનદળના નેતા તથા વિધાનસભામાંથી વિપક્ષના નેતા તરીકે પણ રાજીનામું ધરી દીધું છે.

સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ જનતાના ચુકાદાનું સન્માન કરે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં એક જાહેરસભાને સંબોધતી વખતે કહ્યું હતું કે "જનતાએ જેડીએસ-કૉંગ્રેસને જાકારો આપી રાજ્યનો વિકાસ સુનિશ્ચિત કર્યો છે."

225 ધારાસભ્યની વિધાનસભામાં યેદિયુરપ્પા સરકારને ટકી રહેવામાં છ બેઠક ઉપર જીતની જરૂર હતી. કૉંગ્રેસ બે તથા જનતાદળ સેક્યુલરે એક બેઠક જીતી છે.

પાંચમી તારીખે 15 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી, જ્યારે અન્ય બે બેઠક ઉપર હવે પછી ચૂંટણી યોજાશે.

આ પહેલાં કૉંગ્રેસ-જેડીએસના 17 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં, જેના કારણે યુતિ સરકારનું પતન થયું હતું અને યેદિયુરપ્પા સરકારની સ્થાપનાનો માર્ગ મોકળો બન્યો હતો.

રાજન : અર્થતંત્રની સ્થિતિ ચિંતાજનક

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એક વાર ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

એનડીટીવીમાં છપાયેલા અહેવાલ અનુસાર રાજને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા આ સમયે 'સુસ્તી'ના ચુંગાલમાં ફસાયેલી છે અને તેમાં અસ્વસ્થતાના સંકેત મળી રહ્યા છે.

તેમણે કહ્યું કે આ સમયે અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા તમામ નિર્ણયો વડા પ્રધાન કાર્યાલયથી લેવાઈ રહ્યા છે અને મંત્રીઓ પાસે કોઈ અધિકાર નથી.

'ઇન્ડિયા ટુડે'માં છપાયેલા લેખમાં રાજને નબળી પડી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે સૂચનો આપ્યાં છે.

તેઓએ અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે મૂડીક્ષેત્ર, જમીન અને શ્રમબજારમાં સુધારો લાવવાની અપીલ કરી છે.

તેમજ રોકાણ અને વૃદ્ધિના વધારા પર પણ ભારે મૂક્યો છે.

નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ કરાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત આજે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરશે.

આ માટે ભાજપે તમામ સભ્યોને હાજર રહેવા જણાવ્યું છે. સોમવારથી બુધવાર સુધીનો વ્હિપ જારી કરવામાં આવ્યો છે.

નાગરિકતા સંશોધન બિલને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે.

આ બિલમાં પડોશી દેશોમાંથી શરણ માટે ભારત આવેલા હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

જોકે આ બિલને લઈને વિપક્ષ કડક વલણ અપનાવી રહ્યું છે અને તેને બંધારણની ભાવનાની વિપરીત ગણાવી રહ્યો છે.

આથી સદનમાં ઉગ્ર ચર્ચા થવાનાં એંધાણ છે.

ગુજરાત વિધાનસભામાં શિયાળું સત્રનો પ્રારંભ

ગુજરાત વિધાનસભામાં આજથી શિયાળું સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બિનસચિવાલય પરીક્ષાનો વિવાદ ચાલી રહ્યો છે. એવામાં વિધાનસભામાં આ મામલે ધાંધલધમાલ થવાની શક્યતા છે.

કૉંગ્રેસે અગાઉ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતો, શિક્ષણ સહિતના મુદ્દે સરકારને ઘેરવાનું નક્કી થયું હતું.

બિનસચિવાલય મુદ્દે આજે કૉંગ્રેસ દ્વારા વિધાનસભા કૂચનું આયોજન કરવામાં આવ્યું છે.

તો બીજી તરફ વિપક્ષ સહિતના વિરોધની શક્યતાને પગલે પાટનગરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામે હાર

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી ટી-20 મૅચમાં ભારતની હાર થઈ છે. વેસ્ટ ઇન્ડીઝ આઠ વિકેટે આ મૅચ જીતી ગયું છે.

આ સાથે જ ત્રણ મૅચની સિરીઝમાં બંનેએ 1-1 મૅચ જીતી છે.

ભારતે સાત વિકેટ ગુમાવીને જીત માટે વેસ્ટ ઇન્ડીઝને 171 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેને વેસ્ટ ઇન્ડીઝની ટીમે બે વિકેટ ગુમાવીને 18.3 ઓવરમાં પૂરો કરી લીધો હતો.

વેસ્ટ ઇન્ડીઝના ઓપનર બૅટ્સમૅનોએ પહેલી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી.

ઓપનર બૅટ્સમૅન સિમોન્સે 54 બૉલમાં અણનમ 67 રન બનાવ્યા હતા. જેમને મૅન ઑફ મૅચ જાહેર કરાયા હતા.

ભારત તરફથી શિવમ દુબેએ સૌથી વધુ 54 રન બનાવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો