You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાણાવટી-મહેતાપંચ રિપોર્ટ : 2002નાં હુલ્લડો માટે કોણ જવાબદાર?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વર્ષ 2002માં ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં ફાટી નીકળેલાં હુલ્લડોની તપાસ માટે નિમાયેલા જસ્ટિસ નાણાવટી-મહેતા પંચનો રિપોર્ટ બુધવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે.
પંચે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે હુલ્લડોમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના નેતાઓની સંડોવણી ન હતી.
પંચનું માનવું છે કે ગોધરાકાંડને કારણે હિંદુ સમુદાય ઉશ્કેરાઈ ગયો અને તેમણે મુસ્લિમો તથા તેમની સંપત્તિ ઉપર હુમલા કર્યા હતા.
ગોધરાકાંડએ પૂર્વાયોજિત કાવતરું હતું, પરંતુ તે પછી ફાટી નીકળેલાં હુલ્લડ સ્વયંભૂ હતાં.
ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલી હિંસામાં વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળના સ્થાનિક નેતાઓ સંડોવાયેલા હતા, પરંતુ રાજ્યસ્તરે કોઈ રાજકીય પક્ષ, ધાર્મિક સંગઠન કે અન્ય કોઈ સંગઠનની સંડોવણી ન હતી.
પંચ દ્વારા ગુજરાતની તત્કાલીન મોદી સરકાર સામે સવાલ ઉઠાવનારા ત્રણ આઈપીએસ ઓફિસર આર. બી. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ તથા રાહુલ શર્માની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
જોકે, શ્રીકુમાર અને શર્માના નિવેદનને આધારે હિંસા ફેલાવવા માટે મીડિયાના 'ઉશ્કેરણીજનક રિપોર્ટિંગ'ને જવાબદાર ઠેરવ્યું હતું.
આ સાથે જ શા માટે હિંસા ફાટી નીકળી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે તે માટે શું કરવું તે અંગે ભલામણો કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત સરકાર કે પોલીસના પક્ષે કોઈ મોટી કચાશ નહોતી રહી, પરંતુ પોલીસ સ્થિતિને પહોંચી વળવા તેની પાસે પૂરતાં શાસ્ત્રસરંજામ ન હતાં.
હિંદુ- મુસ્લિમ વૈમનસ્ય
પંચે તેના રિપોર્ટમાં નોંધ્યું છે, "પુરાવા અને અન્ય સંબંધિત બાજુઓને ધ્યાનમાં લીધા બાદ પંચ માને છે કે ગોધરાની ઘટના પછી થયેલી કોમી હિંસાનું કારણ હિંદુ તથા મુસ્લિમ કોમના કેટલાંક જૂથો વચ્ચેનો દીર્ઘકાલીન દ્વેષભાવ હતો."
"ભૂતકાળમાં થયેલી કોમી હિંસા સહિતનાં અનેક કારણોના પરિણામે આ પરિસ્થિતિ સર્જાઈ હતી."
"પોતાનું હિત સાધવા બન્ને કોમ વચ્ચે તિરાડ સર્જવામાં રસ ધરાવતાં કેટલાંક ધાર્મિક નેતાઓ, સંગઠનો અને અન્ય સમાજ-વિરોધી તત્વોએ આ દ્વેષભાવનો લાભ લેતા હોય છે."
"તેમજ વિરોધી કોમોના લોકોને સાંકળતી કેટલીક ઘટનાઓ તેમને કોમી હિંસા આચરવા ઉશ્કેરતી હોય છે."
ભલામણોના નેજા હેઠળ આ બાબતને સમજાવતા પંચે તેના રિપોર્ટમાં નોંધ્યું છે:
"ગરીબ અને અભણ લોકો ધાર્મિક નેતાઓ અથવા આવા હિતધારક લોકોનો આસાનીથી વિશ્વાસ કરી લેતા હોય છે."
"તેમજ પોતે જે કરી રહ્યા છે તેનું પરિણામ શું આવશે એ વિચાર્યા વિના કોમી હિંસાનો ભાગ બની જતા હોય છે."
"સાચો ધર્મ શું છે અને કોમી હિંસા સમાજના કલ્યાણ માટે કેટલી હાનિકારક છે એ વિશે લોકોને યોગ્ય રીતે શિક્ષિત કરીને જ સમાજની આ નબળાઈને દૂર કરી શકાય."
"તેથી પંચ સમાજની આ નબળાઈને દૂર કરવાના હેતુસર સરકાર યોગ્ય પગલાં લે તેવી ભલામણ કરે છે."
પોલીસની તાલીમ પર પ્રશ્નાર્થ
નાણાવટી-મહેતાપંચે તેના અહેવાલમાં સરકાર તથા પોલીસતંત્રની નિષ્ઠા ઉપર સવાલ નથી ઉઠાવ્યા, પરંતુ પોલીસને વધુ તાલીમ ઉપર ભાર મૂક્યો છે.
પંચ તેના રિપોર્ટમાં નોંધ્યું છે : "કાયદો અને વ્યવસ્થા સરકારની મૂળભૂત જવાબદારી છે."
"સમાજની શાંતિ અને સ્વસ્થતા ન ડહોળાય એ સુનિશ્ચિત કરવા સરકાર પાસે શિસ્તબદ્ધ પોલીસદળ હોય એ જરૂરી છે."
"કોમી હુલ્લડ દરમ્યાન બનેલી ઘટનાઓ સંબંધી પુરાવા વિશે વિચારતાં અમારા ધ્યાનમાં આવ્યું હતું કે પોલીસની ગેરહાજરી કે તેની પૂરતી સંખ્યાના અભાવને કારણે ટોળાઓએ હિંમતભેર હિંસા આચરી હતી."
"પંચ માને છે કે કાયદો અને વ્યવસ્થાની યોગ્ય રીતે જાળવણી કરવી હો,ય તો પોલીસ કર્મચારી પૂરતી સંખ્યામાં હોવા જોઈએ, જેથી દરેક જગ્યાએ તેમની હાજરી વર્તાય."
પંચે તેના રિપોર્ટમાં પોલીસબળની સંખ્યા અને તાલીમ ઉપર સવાલ ઉઠાવતા નોંધ્યું છે:
"અમારા સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવામાંથી અમને જાણવા મળ્યું હતું કે, રાજ્ય સરકાર પૂરતી સંખ્યામા પોલીસદળ જાળવી શક્યું નથી."
"તેથી એવી ભલામણ કરવામાં આવે છે કે સરકારે પૂરતા પોલીસદળની જરૂરિયાતની નિશ્ચિત સમયાંતરે સમીક્ષા કરવી જોઈએ."
"તેમજ ખાલી જગ્યાઓ પર તત્કાળ નિમણૂક થાય તેમજ પોલીસદળને યોગ્ય તાલીમ આપવામાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ."
"અમારા ધ્યાનમાં આવેલી બીજી બાબત હિંસક ટોળાનો સામનો કરવામાં પોલીસ દળની નિઃસહાયતા છે."
"જૂજ શસ્ત્રધારી પોલીસો આવાં ટોળાનો અસરકારક રીતે સામનો કરી શકે નહીં."
"હુલ્લડ દરમ્યાન ઘણાં ઠેકાણે બનેલી આવી ઘટનાઓ ચકાસણી હેઠળ છે."
"તેથી પોલીસદળની ગોઠવણી અને તેમને પૂરતા પ્રમાણમાં શસ્ત્રસજ્જ કરવા સહિતનું યોગ્ય મૅનેજમૅન્ટ જરૂરી છે."
પોલીસ પાસે શસ્ત્રસરંજાનો અભાવ
તપાસપંચે ગુજરાત પોલીસની તાલીમ ઉપરાંત તેની સજ્જતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે અને ભલામણ કરતા લખ્યું છે:
"અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણી વખત પોલીસદળ પાસે યોગ્ય અને પૂરતો દારુગોળો ન હતો."
"પરિણામે તેઓ હિંસક ટોળાંને અંકુશમાં લેવા માટે પૂરતા પ્રમાણમાં ક્ષમતાનો ઉપયોગ કરી શક્યા ન હતા."
"તેથી દરેક પોલીસ સ્ટેશનમાં પૂરતા અધિકારીઓ અને પોલીસકર્મીઓ હોય એ તેમજ એ લોકો કૉમ્યુનિકેશનનાં સાધનો, વાહનો અને શસ્ત્રો તથા દારુગોળા વડે સજ્જ હોય એ સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ."
"આધુનિક ટેકનૉલૉજી અપનાવવાથી તેમની કાર્યક્ષમતા તથા અસરકારકતામાં નિશ્ચિતપણ વધારો થઈ શકે."
"તેથી એ સંદર્ભમાં પગલાં લેવાની ભલામણ પણ અમે કરીએ છીએ."
હુલ્લડો માટે મીડિયા જવાબદાર!
પંચે ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલી હિંસક ઘટનાઓ માટે મીડિયાને જવાબદાર ઠેરવ્યું હતું. પંચે તેના રિપોર્ટમાં નોંધ્યું:
"પંચ સમક્ષ નિવેદન કે પુરાવા આપી ચૂકેલા પોલીસ અધિકારીઓએ જ નહીં, કેટલાક લોકોએ પણ જણાવ્યું હતું કે ગોધરાની ઘટના અને એ પછી બનેલી ઘટનાઓને મીડિયાએ વ્યાપક પ્રસિદ્ધિ આપી હોવાથી લોકો કોમી હિંસા આચરવા ઉશ્કેરાયા હતા."
પંચે તેના રિપોર્ટમાં ગુજરાત પોલીસના ત્રણ તત્કાલીન આઈપીએસ (ઇંડિયન પોલીસ સર્વિસ)ના અધિકારીઓ આર. બી. શ્રીકુમાર, રાહુલ શર્મા તથા સંજીવ ભટ્ટની વિશ્વસનિયતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
જોકે, હુલ્લડોમાં મીડિયાની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવતી વખતે શ્રીકુમાર તથા શર્મના નિવેદનોનો આધાર લીધો છે.
રાજ્યના ગુપ્તચર વિભાગના તત્કાલીન વડા શ્રીકુમારના સોગંદનામાને ટાંકતા પંચે નોંધ્યું છે કે:
"મીડિયાના ડંખીલા તથા આકરા જીવંત પ્રસારણને કારણે" અને કોમી હિંસા સંબંધી સમાચારોને "અત્યંત બેજવાબદાર રીતે" પ્રકાશિત કરવાના કારણે ઘણા ઠેકાણે કોમી હિંસા થઈ હતી. "
"ભાવનગર જિલ્લાના તત્કાલીન પોલીસ વડા રાહુલ શર્માએ પણ જણાવ્યું હતું કે એક સ્થાનિક દૈનિકમાં એક અહેવાલના પ્રકાશનને કારણે જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી."
"તેથી એવી ભલામણ કરવામાં આવે છે કે કોમી હિંસાના સમયગાળામાં ઘટના વિશેના અહેવાલોના પ્રકાશન સંબંધે મીડિયા પર વાજબી નિયંત્રણો લાદવાં જોઈએ."
"મીડિયાને એ સમજાવવું જોઈએ કે આવા મુશ્કેલ સમયમાં તેમણે જવાબદાર રીતે અહેવાલો પ્રકાશિત કરવા જોઈએ."
"તેમજ ઘટના વિશેના અતિશયોક્તિભર્યા અહેવાલો પ્રકાશિત કરીને વધારે હિંસા ભડકાવવામાં નિમિત્ત બનવું જોઈએ નહીં."
"મુશ્કેલ સમયમાં મીડિયા આત્મસંયમ રાખે એ સ્થાનિક સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવું જોઈએ."
"તેમજ મીડિયા તેની મર્યાદાનું ઉલ્લંઘન કરતું જણાય, તો તત્કાળ અસરકારક પગલાં લેવાં જોઈએ."
"આપણી પાસે તાલીમબદ્ધ પોલીસદળ ન હોય તો આપણે કોમી હુલ્લડ જેવી મુશ્કેલ પરિસ્થિતિ સાથે તેઓ અસરકારક રીતે કામ પાર પાડશે એવી અપેક્ષા રાખી શકીએ નહીં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો