UK Election : ભારતીય મૂળનાં એ ઉમેદવારો જેમણે સંસદમાં વાપસી કરી

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં આ વખતે રેકૉર્ડ સંખ્યામાં ભારતીય મૂળના કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટી સંસદસભ્યો ચૂંટાઈને આવ્યાં છે.

2019ની ચૂંટણીમાં ભારતીય મૂળનાં 15 ઉમેદવારો સંસદમાં ચૂંટાયાં છે.

આમાંથી અમુક નવા ચહેરાઓ છે તો કેટલાક એવાં સંસદસભ્યો છે જેમણે ચૂંટણીમાં પોતાની સીટ બચાવી હતી. ગુજરાતી મૂળનાં પ્રીતિ પટેલ પણ તેમાંથી એક છે.

વડા પ્રધાન બૉરિસ જૉન્સનને સામાન્ય ચૂંટણીમાં મોટી બહુમતી મળી છે જેનાથી યુરોપીય સંઘમાંથી બ્રિટનની વિદાયનો રસ્તો ખૂલી શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ બ્રિટનમાં હાલના ભારતીય મૂળનાં બધાં સંસદસભ્યોએ પોતાની સીટ બચાવી લીધી છે.

પ્રીતિ પટેલ કોણ છે?

પ્રીતિ પટેલ ઍસેક્સમાં આવેલા મતવિસ્તાર વિટેમમાંથી જીત્યાં છે. ગુજરાતી મૂળનાં ભારતીય પ્રીતિ પટેલ બ્રિટનનાં ગૃહમંત્રી પણ રહી ચૂક્યાં છે.

જોકે બે વર્ષ અગાઉ એક વિવાદને કારણે પ્રીતિ પટેલે પૂર્વ વડાં પ્રધાન થેરેસા મેની સરકારમાંથી રાજીનામું આપ્યું હતું.

47 વર્ષનાં પ્રીતિ પટેલનાં માતાપિતા મૂળરૂપે ગુજરાતી છે, પરંતુ તેમનો જન્મ લંડનમાં જ થયો છે.

એમનાં માતાપિતા પાછળથી યુગાન્ડા જતાં રહ્યાં હતાં અને 1960ના દાયકામાં ભાગીને બ્રિટન આવી ગયાં હતાં.

ખૂબ નાની વયે પ્રીતિ પટેલ કન્ઝર્વેટિવ પાર્ટીમાં સામેલ થયાં હતાં. 20 વર્ષની ઉંમરે તેઓ પાર્ટીમાં જોડાયાં ત્યારે જૉન મેજર બ્રિટનના વડા પ્રધાન હતા.

2017માં પ્રીતિ પટેલના ઇઝરાયલ પ્રવાસથી વિવાદ થયો હતો અને તેમને ઇન્ટરનેશનલ ડૅવલપમૅન્ટ સેક્રેટરીપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

ઑગસ્ટ 2017માં તેઓ પરિવાર સાથે રજાઓ ગાળવા ઇઝરાયલ ગયાં હતાં.

આ સમયે તેમણે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ અને અન્ય ઇઝરાયલી અધિકારીઓની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતની જાણકારી એમણે ઇઝરાયલના દૂતાવાસ કે બ્રિટન સરકારને કરી નહોતી.

કન્ઝર્વેટિવ પાર્ટીમાં એમને એક ચમકતા તારા તરીકે જોવામાં આવે છે.

આ અગાઉ પણ તેમની અનેક મહત્ત્વની ભૂમિકાઓ રહી છે. જૂન 2016માં તેમને ઇન્ટરનેશનલ ડૅવલપમૅન્ટમંત્રી બનાવાયાં હતાં.

શૈલેશ વારા

એ સિવાય ગુજરાતી મૂળના કન્ઝર્વેટિવ પાર્ટીના શૈલેશ વારા પણ નૉર્થ વેસ્ટ કૅમ્બ્રિજશાયરથી મોટા માર્જિનથી ચૂંટણી જીત્યા છે.

તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને પાંચ વખત સંસદસભ્ય રહી ચૂક્યા છે. તેઓ બ્રિટન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

તેઓ આ જ વર્ષે બ્રિટનની સંસદના હાઉસ ઑફ કૉમન્સના સ્પીકર પદની ચૂંટણીમાં ઊતર્યા હતા.

જોકે હાઉસ ઑફ કૉમન્સના સ્પીકર પદે લેબર પાર્ટીના લિન્ડસે હોયલ ચૂંટાયા હતા.

શૈલેશ વારા કન્ઝર્વેટિવ પાર્ટીમાં અલગઅલગ પદે રહી ચૂક્યા છે, તેઓ કન્ઝર્વેટિવ પાર્લિયામેન્ટ્રી ફ્રૅન્ડ્સ ઑફ ઇન્ડિયા ગ્રૂપના ચૅરમૅન રહી ચૂક્યા છે.

આલોક વર્મા

બ્રિટનના આંતરરાષ્ટ્રીય મામલાના પૂર્વ વિકાસમંત્રી આલોક શર્મા પણ ફરી ચૂંટણી જીત્યા છે.

51 વર્ષીય આલોક શર્માનો જન્મ આગ્રામાં થયો હતો. તેઓ 5 વર્ષના હતા ત્યારે તેમનાં માતાપિતા બ્રિટનના રીડિંગમાં આવીને વસ્યાં હતાં.

વ્યવસાયે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને રાજકારણમાં આવ્યા અગાઉ 16 વર્ષ સુધી બૅન્કિંગ ક્ષેત્રમાં કામ કરી ચૂક્યા છે.

જાન્યુઆરી 2018માં તેમને રોજગાર બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા.

નારાયણ મૂર્તિના જમાઈ અને બીજા ભારતીય મૂળના ઉમેદવારો

ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનક પણ બ્રિટનની સંસદની ચૂંટણીમાં સફળ થયા છે.

આ પહેલાં જૂન મહિનામાં તેમને બૉરિસ જૉન્સનના કૅબિનેટમાં ટ્રેઝરીના મુખ્ય સચિવ તરીકે નીમવામાં આવ્યા હતા.

49 વર્ષીય ઋષિ સુનક ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ભણ્યા છે.

એમના પિતા એક ડૉક્ટર હતા અને માતા દવાની દુકાન ચલાવતાં હતાં. ઋષિ સુનક રિચમંડ બેઠક પરથી સંસદસભ્ય છે.

ગોવાના મૂળ નિવાસી સુએલા બ્રેવરમૅન પણ વિજય રહ્યા છે.

ભારતીય મૂળના કન્ઝર્વેટિવ પાર્ટીના ગગન મોહિન્દર અને ક્લેયર કૂટિન્હો અને લેબર પાર્ટીના નવેન્દ્રુ મિશ્રા પહેલી વખત સંસદ સુધી પહોંચ્યા છે.

એટલે કે 12 જેટલા ભારતીય મૂળના સંસદસભ્યો પોતાની સીટ બચાવવામાં સફળ થયા છે.

મૂળ ગોઆના ક્લેયલ કૂટિન્હોએ કહ્યું, હવે બ્રેક્ઝિટ પૂરું કરવાનો સમય આવી ગયો છે અને હવે આપણી સ્કૂલો, હૉસ્પિટલો અને સુરક્ષા માટે પોલીસમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. તેઓ સરે ઇસ્ટ સીટ પરથી જીત્યા છે.

મોહિન્દર હર્ટફોર્ડશાયર સાઉથ વેસ્ટ સીટ જીત્યા.

વિપક્ષની લેબર પાર્ટી માટે ચૂંટણીનું પરિણામ નિરાશાજનક રહ્યું છે પણ લેબર પાર્ટીના હાલના ભારતીય મૂળના સંસદસભ્યો સફળ થયા છે.

જોકે લેબર પાર્ટીમાંથી નવેન્દ્રુ મિશ્રા પ્રથમ વખત સંસદસભ્ય બનશે.

ત્યારે ગત ચૂંટણીમાં બ્રિટનમાં પ્રથમ વખત શીખ મહિલા સંસદસભ્ય બનેલાં પ્રીતિ કૌર ગિલની પણ આ વખતે જીત થઈ છે.

તો છેલ્લી ચૂંટણીમાં બ્રિટનમાં પ્રથમ શીખ સંસદસભ્ય બનેલા તનમનજિતસિંહ ઢેસી આ વખતે પણ જીત્યા છે. તેમણે વિપક્ષના ભારતીય મૂળના ઉમેદવારને હરાવ્યા હતા.

આ સિવાય બ્રિટનમાં વરિષ્ઠ નેતા વીરેન્દ્ર મિશ્રા, લીસા નંદી, સીમા મલ્હોત્રા અને વૅલેરી વાઝ પણ સંસદમાં પહોંચ્યાં છે.

અતિવાદી બ્રેક્ઝિટ પાર્ટીએ પણ કેટલાક ભારતીય મૂળના ઉમેદવારોને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીને ટક્કર આપવામાં સફળ નહોતા થઈ શક્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો