CABને મંજૂરી મળ્યા બાદ આસામમાં ભૂખહડતાળ શરૂ

નાગરિકતા સંશોધન કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે તો બીજી તરફ આસામના ગુવાહાટીમાં સેંકડો લોકોએ ભૂખહડતાલ પર બેસી ગયા છે.

ધુમ્મસ હોવા છતાં શહેરના ચાંદમારી મેદાનમાં સવારે છ વાગ્યાથી જ લોકોનું આવવાનું શરૂ થઈ ગયું છે. સવારે સાત વાગ્યાથી જ લોકો અહીં ભૂખહડતાલ પર બેસી ગયા હતા.

ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન(આસુ)એ આ ભૂખહડતાલનું આહ્વાન કર્યું હતું પરંતુ આમાં કેટલાંક અન્ય સંગઠનોના લોકો પણ જોડાયા છે.

ભૂખહડતાલનું નેતૃત્વ કરી રહેલા આસુના પ્રમુખ સમુજ્જલ ભટ્ટાચાર્યે કહ્યું, "રાષ્ટ્રપતિ બંધારણના રક્ષક હોય છે. અમને આશા હતી કે તેઓ બંધારણની જોગવાઈઓનો ખ્યાલ રાખશે અને આ બિલને મંજૂરી નહીં આપે પરંતુ તેમણે રાત્રે જ કૅબ (બિલ)ને મંજૂરી આપી દીધી."

ભટ્ટાચાર્યે કહ્યું, "અમે કૅબને નથી માનતા અને ક્યારેય નહીં માનીએ. ભલે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હોય. કોઈ પણ સરકાર પોતાનો કાયદો અમારા પર જબરદસ્તી નહીં લાદી શકે."

"આસામના લોકો આની વિરુદ્ધ છે અને અમારો નારો છે - 'કૅબ આમી ના માનૂ, ના માનૂ, ના માનૂ', અમે લોકતાંત્રિક રીતે તેનો વિરોધ કરતા રહીશું."

ભાજપ ધારાસભ્યના ઘરને આગ ચાંપી

આસામનાં દિબ્રુગઢ અને ગોલાહાટ જિલ્લામાં કેટલીક જગ્યાએ આરએસએસ અને ભાજપનાં કાર્યાલયો પર હુમલો કરવામાં આવ્યો હતો.

દિબ્રુગઢ જિલ્લામાં ચાબુઆના ભાજપ ધારાસભ્યના ઘરે પ્રદર્શનકારીઓએ બુધવારે આગ ચાંપી હતી.

લોકોએ રાજ્ય સરકારના મંત્રી રંજીત દત્તાના સોનિતપુર સ્થિત ઘરે અને સૂટાનાં ભાજપ ધારાસભ્ય પદ્મા હઝારિકા અને બિહુપૂરિયાના ધારાસભ્ય દેબાનંદ હઝારિકાના ઘરમાં પણ તોડફોડ કરી હતી.

અખિલ ગોગોઈની ધકપકડ

આસામના પ્રખ્યાત કાર્યકર અને કૃષક મુક્તિ સંગ્રામ સમિતિના નેતા અખિલ ગોગોઈની પણ પોલીસે બુધવારે જોરહાટમાં ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પ્રવક્તાએ આ બાબતે જણાવ્યું કે અખિલ ગોગોઈની ધરપકડ નિરોધક કાર્યવાહી હેઠળ કરવામાં આવી છે.

અખિલ ગોગોઈએ ધરપકડ પહેલાં ડીસી કલેક્ટરની બહાર થયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

ભારતના કેટલાક ભાગોમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. આસામમાં પોલીસ અને પ્રદર્શનમાં સામેલ લોકો વચ્ચેની ઝપાઝપીમાં બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે.

આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલે બીબીસી સંવાદદાતાને જણાવ્યું હતું કે સરકારે પ્રદર્શનમાં સામેલ લોકો સાથે વાતચીતનો સંદેશ મોકલાવ્યો છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.

બીબીસીને અપાયેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં સોનોવાલે કહ્યું, "વડા પ્રધાન અને ગૃહમંત્રીએ કહ્યું છે કે અમારી સરકાર આસામના લોકોની ઓળખની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે."

"આપણી વચ્ચે કોઈ ભ્રમ ન હોવો જોઈએ. પરંતુ થોડો સમય આપવો જરૂરી છે જેથી શાંતિપૂર્ણ સમાધાન કાઢી શકાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો