You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય પાસપોર્ટ પર કમળનું નિશાન, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ - TOP NEWS
નવા ભારતીય પાસપોર્ટ પર જોવા મળી રહેલા કમળના ફૂલના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાસપોર્ટ પર કમળના નિશાનના પગલે વિપક્ષ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે અને લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, વિદેશ મંત્રાલયે કમળના નિશાન પર સ્પષ્ટતા આપી છે કે આ બોગસ પાસપોર્ટની ઓળખ કરવા માટે 'સિક્યૉરિટી ફીચર' તરીકે તેને ઉમેરવામાં આવ્યું છે.
મહત્ત્વપૂર્ણ છે કે કમળએ કેન્દ્રમાં શાસકપક્ષ ભાજપનું ચૂંટણીચિહ્ન છે.
આ મુદ્દા પર વિદેશ મંત્રાલયનું કહેવું છે કે 'કમળ આપણું 'રાષ્ટ્રીય ફૂલ' છે. ભવિષ્યમાં પણ પાસપોર્ટ પર અલગ-અલગ રાષ્ટ્રીય પ્રતીક છાપવામાં આવશે.'
વિપક્ષે બુધવારે લોકસભામાં નવા પાસપોર્ટ પર કમળના નિશાન મામલે સવાલ ઉઠાવ્યા હતા જેનો જવાબ એક દિવસ બાદ ગુરુવારે વિદેશ મંત્રાલયે આપ્યો હતો.
કૉંગ્રેસ સભ્ય એમ. કે. રાઘવને કેરળના કોઝિકોડમાં નવા પાસપોર્ટનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે ભાજપના ચૂંટણીચિહ્ન સાથે સરકારી પ્રતિષ્ઠાનોનું ભગવાકરણ થઈ રહ્યું છે.
'સંસ્કૃત બોલવાથી ડાયાબિટીઝ પર રહે છે કન્ટ્રોલ'
ભાજપના સાંસદ ગણેશ સિંહે દાવો કર્યો છે કે સંસ્કૃત ભાષાને નિયમિત બોલવાથી આપણી 'નર્વસ સિસ્ટમ' ઠીક રહે છે.
ધ ક્વિન્ટે PTIના રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે લોકસભામાં સંસ્કૃત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય બિલ 2019 પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ ગણેશ સિંહે આ દાવો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું કહેવું છે કે અમેરિકાની એક શૈક્ષણિક સંસ્થાની શોધ પ્રમાણે, સંસ્કૃત ભાષા બોલવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થઈ શકે છે.
તેમણે તો નાસાના અનુસંધાનનો હવાલો આપતા એ પણ કહ્યું કે જો કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ સંસ્કૃતમાં થાય, તો તેમાં કોઈ ભૂલ થશે નહીં.
આ સાથે જ તેમણે ઉમેર્યું છે કે કેટલીક ઇસ્લામી ભાષાઓની સાથે-સાથે દુનિયાની 9% કરતાં વધારે ભાષા સંસ્કૃત પર આધારિત છે.
સિંહે કહ્યું છે કે દેશની ત્રણ સંસ્કૃત વિશ્વવિદ્યાલયને પરિવર્તિત કરીને સંસ્કૃત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે.
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે પણ કહ્યું કે સંસ્કૃત જ્ઞાનના ભંડાર તરીકે ઓળખાય છે, જેમાં વિજ્ઞાનથી માંડીને અર્થશાસ્ત્ર સુધી તમામ વિષય સામેલ છે.
સરકાર ઇચ્છે છે કે આગામી પેઢી આ પુસ્તકોનું અધ્યયન કરે.
રિટેઇલ ફુગાવો 3 વર્ષની ટોચે
ખાદ્ય વસ્તુઓના ઊંચા ભાવના કારણે નવેમ્બરમાં રિટેઇલ ફુગાવો વધીને 5.54% પર પહોંચી ગયો છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ આંકડો ત્રણ વર્ષની સર્વોચ્ચ ઊંચી સપાટી દર્શાવે છે.
ઑક્ટોબર 2019માં રિટેઇલ ફુગાવો 4.62% પર હતો, જ્યારે નવેમ્બર 2018માં તે માત્ર 2.33 ટકા જ હતો.
આ વૃદ્ધિનું કારણ ખાદ્ય પદાર્થોની ચીજોના ભાવમાં થતો સતત વધારો છે.
આંકડા પ્રમાણે ખાવા-પીવાની ચીજોમાં મોંઘવારી દર નવેમ્બરમાં 10.1% રહ્યો છે, જે ઑક્ટોબરમાં 7.89 ટકા હતો.
નવેમ્બર 2019માં શાકભાજીના ભાવમાં સૌથી વધારે 35.99%ની વૃદ્ધિ થઈ છે.
ઑક્ટોબરમાં આ આંકડો 26.10% હતો.
નિર્ભયા કેસ મામલે 17 ડિસેમ્બરે સુનાવણી
દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા નિર્ભયા ગૅંગરેપ મામલે ચાર આરોપીને મોતની સજાનો આદેશ અપાયો છે.
ત્યારે ચાર આરોપીમાંથી એક અક્ષય કુમાર સિંહે પુનઃવિચારની અરજી દાખલ કરેલી છે, જેના પર સુપ્રીમ કોર્ટ 17 ડિસેમ્બરે સુનાવણી કરશે.
ત્રણ જજોની બૅન્ચ આ પુનઃવિચાર અરજી પર સુનાવણી કરશે.
પોતાની અરજીમાં અક્ષય કુમારે વર્ષ 2017માં અપાયેલા મૃત્યુદંડના નિર્ણય પર કોર્ટ સમક્ષ પુનઃવિચારની માગ કરી છે.
આ પહેલાં ગત વર્ષે આ મામલે ત્રણ અન્ય આરોપીઓ મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માની પુનઃવિચારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
કોર્ટે કહ્યું હતું કે આ દોષિતોની મૃત્યુદંડની સજા પર પુનઃવિચાર કરવાનો કોઈ આધાર નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો