સંસદ પર હુમલાની વરસી : 'એવું લાગ્યું હતું કે જાણે કોઈએ સંસદભવનને ફૂંકી માર્યું હોય'

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

13 ડિસેમ્બર, 2001ની સવારે 11 વાગ્યે દેશની રાજધાની દિલ્હીના આકાશમાં હૂંફાળો તડકો છવાયેલો હતો.

વિપક્ષની ધમાલ વચ્ચે દેશની સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. ડિસેમ્બરની તેરમી તારીખ સુસ્ત ચાલે આગળ વધી રહી હતી.

મહિલા અનામત ખરડાના મુદ્દે સંસદમાં ઘણા દિવસથી ધમાલ ચાલતી હતી.

સંસદભવન પરિસરમાં અંદરથી માંડીને બહાર સુધી, નેતાઓથી માંડીને પત્રકાર સુધીના બધા બેફિકર અંદાજમાં ગુફ્તગૂમાં વ્યસ્ત હતા.

સરકારી ગાડીઓની કતાર

સંસદમાં એ સમયે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને વિરોધ પક્ષનાં નેતા સોનિયા ગાંધી સહિતનાં અનેક સંસદસભ્ય હાજર હતાં.

અને પછી 11 વાગીને 2 મિનિટે લોકસભા સ્થગિત થઈ ગઈ. એ પછી વડા પ્રધાન વાજપેયી અને સોનિયા ગાંધી પોતપોતાની કારમાં બેસીને સંસદમાંથી રવાના થઈ ગયાં.

સંસદમાંથી સંસદસભ્યોને લઈ જવા માટે દરવાજાઓની બહાર સરકારી ગાડીઓની કતાર લાગવાનું શરૂ થઈ ગયું હતું.

ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતનો કાફલો સંસદના ગેટ નંબર 12થી નીકળવા માટે તૈયાર હતો.

ગાડીને ગેટ પર ઊભી રાખ્યા બાદ સલામતી રક્ષકો ઉપરાષ્ટ્રપતિ બહાર આવે તેની રાહ જોઈ રહ્યા હતા.

સંસદની બહાર નીકળી રહેલા નેતાઓ તથા પત્રકારો વચ્ચે તત્કાલીન રાજકારણ સંબંધી અનૌપચારિક વાતચીત ચાલુ હતી.

ઍમ્બૅસૅડરથી સંસદમાં ઘૂસ્યા ઉગ્રવાદીઓ

વરિષ્ઠ પત્રકાર સુમિત અવસ્થી એ સમયે ગેટ નંબર એકની બહાર તત્કાલીન કેન્દ્રીય મંત્રી મદનલાલ ખુરાના સાથે વાતચીત કરતા હતા.

સુમિત અવસ્થીએ બીબીસીને કહ્યું હતું:

"હું અને મારા કેટલાક સાથીઓ મદનલાલ ખુરાના પાસેથી ખરડો સંસદમાં રજૂ થશે કે નહીં તેની માહિતી મેળવવા ઇચ્છતા હતા."

"એ સમયે જ અમને એક અવાજ સંભળાયો...એ ગોળીનો અવાજ હતો."

સાડા અગિયાર વાગ્યા પહેલાં સુધી ઉપરાષ્ટ્રપતિના સુરક્ષાકર્મચારીઓ તેમની સફેદ ઍમ્બૅસૅડર કાર પાસે ઊભા રહીને તેમની રાહ જોઈ રહ્યા હતા.

બરાબર એ જ સમયે DL-3CJ-1527 નંબરની એક ઍમ્બૅસૅડર કાર ઝડપભેર ગેટ નંબર 12 તરફ આગળ વધતી જોવા મળી હતી. એ કારની ઝડપ સંસદભવન પરિસરમાં ચાલતી સરકારી મોટરકારો કરતાં થોડી વધારે હતી.

કારની ઝડપ જોઈને સંસદના વૉચ ઍન્ડ વૉર્ડ સ્ટાફના કર્મચારી જગદીશપ્રસાદ યાદવ ઉતાવળે નિશસ્ત્ર કારની તરફ દોડ્યા.

સંસદમાં ગોળીબારનો અવાજ

આ એ સમયની વાત છે જ્યારે લોકશાહીના મંદિર એટલે કે દેશની સંસદમાં હથિયારધારી સુરક્ષાકર્મચારીઓને તહેનાત કરવાનું ચલણ ન હતું.

સંસદની સલામતીનું કામ સંભાળતા કર્મચારીઓને પાર્લામેન્ટ વૉચ ઍન્ડ વૉર્ડ સ્ટાફ કહેવામાં આવતા હતા.

જગદીશ યાદવ પણ એ ટીમનો હિસ્સો હતા અને કંઈક અમંગળની આશંકાએ તેઓ કાર ભણી દોડવા લાગ્યા હતા.

તેમને ભાગતા જોઈને બીજા સુરક્ષાકર્મીઓ પણ કાર રોકવા માટે દોડ્યા હતા.એ દરમ્યાન તે સફેદ ઍમ્બૅસૅડર ઉપરાષ્ટ્રપતિની કાર સાથે ટકરાઈ હતી.

ઉપરાષ્ટ્રપતિની કાર સાથે ટક્કર બાદ ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઉગ્રવાદીઓના હાથમાં એકે-47 મશીનગન અને હૅન્ડ ગ્રૅનેડ જેવાં ઘાતક હથિયારો હતાં.

સંસદભવન પરિસરના અલગ-અલગ હિસ્સામાં હાજર લોકો ગોળીબારનો અવાજ સંભળાતાંની સાથે જાતજાતનું અનુમાન કરવા લાગ્યા હતા.

કેટલાકે વિચાર્યું હતું કે નજીકના ગુરુદ્વારામાં કોઈએ ગોળીબાર કર્યો છે કે આસપાસ કયાંક ફટાકડા ફોડવામાં આવ્યા છે.

ગોળીબારનો પહેલો અવાજ

ગોળીનો અવાજ સાંભળતાંની સાથે જ કૅમેરામૅનેથી માંડીને વૉચ ઍન્ડ વૉર્ડ વિભાગના કર્મચારીઓ અવાજની દિશામાં જવા લાગ્યા. તેઓ એ જાણવા ઇચ્છતા હતા કે આખરે મામલો શો છે?

સુમિત અવસ્થીએ કહ્યું હતું, "પહેલી ગોળીનો અવાજ સંભળાતાંની સાથે જ મેં ખુરાનાજીને પૂછ્યું હતું કે શું થયું, આ અવાજ ક્યાંથી આવ્યો? એમણે કહ્યું કે હા, આ તો બહુ અજબ છે."

"સંસદની આસપાસ આ પ્રકારનો અવાજ શા માટે આવી રહ્યો છો?"

"એ સમયે ત્યાં ઊભેલા વૉચ ઍન્ડ વૉર્ડના એક કર્મચારીએ જણાવ્યું હતું કે સર, પંખીઓને ભગાડવા માટે હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હોય એવું શક્ય છે."

તેમણે ઉમેર્યું હતું, "એ પછી તરત જ મેં જોયું કે રાજ્યસભાના દરવાજામાંથી એક છોકરો લશ્કરી ગણવેશ જેવું પૅન્ટ અને કાળું શર્ટ પહેરી, હાથમાં એક મોટી બંદૂક લઈને હવામાં ડાબે-જમણે ગોળીબાર કરતો ગેટ નંબર એકની તરફ દોડતો આવી રહ્યો હતો."

સંસદ ભવન તરફ...

સંસદ પર હુમલો કરવામાં આવ્યો એ સમયે ઘણા પત્રકારો પરિસરની બહાર પણ હતા અને તેઓ આઉટડોર વેનની મદદથી નેતાઓ સાથે લાઇવ ઇન્ટરવ્યૂ કરી રહ્યા હતા.

2001માં 'સ્ટાર ન્યૂઝ' ચેનલ માટે સંસદનું રિપોર્ટિંગ કરતા મનોરંજન ભારતીએ બીબીસીને કહ્યું હતું:

"સંસદ પર હુમલો થયો તેની થોડી મિનિટ પહેલાં હું આઉટડોર વેનમાંથી લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો."

"એ વખતે મારી સાથે શિવરાજસિંહ ચૌહાણ અને કૉંગ્રેસના એક નેતા હતા. એ બન્ને નેતાને મારી મારુતિ વેનમાં બેસાડીને અંદર ડ્રૉપ કરવા ગયો હતો. તેમને અંદર મૂકીને હું દરવાજાની બહાર નીકળ્યો, ત્યાં મને ગોળીબારનો પહેલો અવાજ સાંભળવા મળ્યો હતો."

"ગોળીબારનો અવાજ સાંભળતાંની સાથે જ હું બહારની તરફ ભાગીને સીધો લાઈવ રિપોર્ટિંગ કરવા લાગ્યો હતો."

"મારી પાછળ મુલાયમસિંહ યાદવના બ્લૅક-કૅટ કમાન્ડો હતા."

"મેં તેમને કહ્યું હતું કે બોસ, હું સંસદ તરફ પીઠ રાખીને રિપોર્ટિંગ કરી રહ્યો છું. એ તરફથી કોઈ આતંકવાદી આવે તો જોઈ લેજો."

"તેમણે કહ્યું કે ઠીક છે. જોરદાર ગોળીબાર થતો હતો. ધડાકાનો અવાજ આવતો હતો."

ઑટોમૅટિક ગનમાંથી ગોળીબાર

સંસદભવન પરિસરમાં ઉગ્રવાદીઓના હાથમાં રહેલી ઑટોમૅટિક એકે-47 ગનમાંથી નીકળેલી ગોળીઓનો તડતડાટ સંભળાતાંની સાથે જ ત્યાં હાજર નેતાઓ સહિતના બધા લોકો દિગ્મૂઢ થઈ ગયા હતા.

સંસદભવનની અંદરથી માંડીને બહાર સુધી એક પ્રકારની ધમાચકડીનો માહોલ હતો.ખરેખર શું થઈ રહ્યું છે એ કોઈ જાણતું ન હતું. બધા પોતપોતાની રીતે ઘટનાને સમજવાનો પ્રયાસ કરતા હતા.

એ સમયે સંસદભવનમાં દેશના ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજન સહિતના કેટલાક દિગ્ગજ નેતાઓ હાજર હતા, પણ શું થઈ રહ્યું છે તેની એમાંથી કોઈને ખબર ન હતી.

સુમિત અવસ્થીએ કહ્યું હતું, "મેં મદનલાલ ખુરાના સાહેબને કહ્યું કે જુઓ,આ સિક્યૉરિટી ગાર્ડને શું થઈ ગયું છે?"

"ગોળીબાર કરી રહ્યો છે. મને એવું લાગ્યું હતું કે એ કોઈનો બૉડીગાર્ડ છે."

"ખુરાનાસાહેબ પાછું વળીને જુએ એ પહેલાં વૉચ ઍન્ડ વૉર્ડના એક કર્મચારીએ તેમનો હાથ પકડીને અંદર ખેંચ્યા હતા. ખુરાનાસાહેબ તેમની કારના દરવાજા પર હાથ રાખીને મારી સાથે વાત કરતા હતા અને અચાનક તેમનો હાથ ખેંચવામાં આવતાં તેઓ જમીન પર પડી ગયા હતા. ખુરાનાસાહેબ પછી એ કર્મચારીએ મારો હાથ પકડીને મને નીચે ઝુકાવતાં કહ્યું કે નીચા નમી જાઓ, કોઈ ગોળીબાર કરી રહ્યું છે."

"વાંકા વળીને જ અંદર જજો, નહીંતર ગોળી વાગી જશે."

કઈ રીતે મર્યો પહેલો ઉગ્રવાદી?

સંસદભવન પરિસરમાં પહેલાં ગોળીબારના અવાજથી જ હવામાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. એ સમયે સંસદીય બાબતોનો મંત્રી પ્રમોદ મહાજન અને નઝમા હેપતુલ્લા સહિતનાં દિગ્ગજો સંસદમાં હાજર હતાં.

મનોરંજન ભારતીએ કહ્યું હતું, "એ ઘટના બની તે પહેલાં સુધી સંસદમાં હથિયારધારી સલામતીરક્ષકોને તહેનાત કરવાનું ચલણ ન હતું."

"સંસદમાં સીઆરપીએફની (સૅન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) એક બટાલિયન હાજર રહેતી હતી. એ ટુકડીએ ઘટનાસ્થળ સુધી પહોંચવા માટે લગભગ અર્ધો કિલોમિટર અંતર કાપવાનું હતું. તેથી ગોળીબાર થયો ત્યારે એ લોકો દોડી આવ્યા હતા."

ઉપરાષ્ટ્રપતિના સુરક્ષારક્ષકો અને ઉગ્રવાદીઓ વચ્ચેના સંઘર્ષ દરમ્યાન નિઃશસ્ત્ર સલામતીરક્ષક માતબર સિંહે પોતાનો જીવ દાવ પર લગાવીને ગેટ નંબર એક બંધ કરી દીધો હતો.

ગેટ નંબર એક પર ગોળીબાર

માતબર સિંહને ગેટ બંધ કરતા જોઈને ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

તેમ છતાં માતબર સિંહે તેમની વૉકી-ટૉકી મારફત ઍલર્ટ જાહેર કરી દીધી હતી. તેથી સંસદના બધા દરવાજાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા.

એ પછી સંસદમાં ફરી ઘૂસવા માટે ઉગ્રવાદીઓ એક નંબરના ગેટ તરફ વળ્યા હતા.

ગોળીબાર થયા પછી સલામતી રક્ષકોએ ગેટ નંબર એક પાસે ઉપસ્થિત લોકોને નજીકના ઓરડામાં છૂપાવી દીધા હતા અને તેઓ ઉગ્રવાદીઓનો સામનો કરવા લાગ્યા હતા.

સૌથી મોટી ચિંતા

ઓરડામાં હાજર લોકોમાં સુમિત અવસ્થીનો પણ સમાવેશ થતો હતો.

સુમિત અવસ્થીએ કહ્યું હતું, "મદનલાલ ખુરાનાની સાથે મને પણ ગેટ નંબર એકની અંદર પહોંચાડીને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી સંસદગૃહમાંથી ક્યાંક જતા જોવા મળ્યા હતા."

"તેમનો ગંભીર ચહેરો અને કપાળમાં ચિંતાની રેખા સ્પષ્ટ દેખાતી હતી."

"મેં તેમને પૂછ્યું હતું કે શું થઈ ગયું, પણ તેઓ મારા સવાલનો જવાબ આપ્યા વિના ચાલ્યા ગયા હતા."

"એ પછી સંસદસભ્યોને સેન્ટ્રલ હૉલમાં અને બીજા લોકોને અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા હતા."

"એ વખતે મને સૌથી મોટી ચિંતા એ હતી કે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સલામત હશે કે નહીં, કારણ કે હું ગૃહમંત્રી અડવાણીને સકુશળ જોઈ ચૂક્યો હતો."

"હુમલાના વળતા જવાબની કાર્યવાહી અડવાણીની દેખરેખ હેઠળ થતી હોવાની ખબર મને પછી પડી હતી."

નેતાઓ હેમખેમ હોવાના સમાચાર

એ સમય સુધીમાં ટેલિવિઝનના માધ્યમથી દેશભરમાં સમાચાર ફેલાઈ ચૂક્યા હતા કે સંસદ પર હુમલો થયો છે.

નેતાઓ સલામત હોવાના સમાચાર કોઈની પાસે ન હતા, કારણ કે જે પત્રકારો સંસદપરિસરમાં હાજર હતા તેમને, સંસદસભ્યો કે કેન્દ્રીય મંત્રીઓ સંબંધી કોઈ માહિતી આપવામાં આવતી ન હતી.

આ બધાની વચ્ચે ઉગ્રવાદીઓએ સંસદભવનના ગેટ નંબર એકમાંથી ગૃહમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પણ સલામતી રક્ષકોએ એ ઉગ્રવાદીને ત્યાં જ ઠાર કર્યો હતો.

એ પ્રક્રિયામાં ઉગ્રવાદીના શરીર સાથે બાંધવામાં આવેલા વિસ્ફોટકો સાથેના બેલ્ટમાં ધડાકો થઈ ગયો હતો.

પત્રકારો ગોળીબારમાં સપડાયા

સુમિત અવસ્થીએ કહ્યું હતું, "અમે લોકો એક ઓરડામાં હતા. તેમાં મારા સિવાય 30-40 લોકો હતા. જામર ચાલુ હોવાને કારણે કે કોઈ અન્ય કારણસર મોબાઇલ ફોન ચાલતા ન હતા."

"અમે દુનિયાથી સંપૂર્ણપણે કપાયેલા હતા. બે-અઢી કલાક પછી ધડાકાનો અવાજ આવ્યો હતો. અવાજ એટલો જોરદાર હતો કે સંસદનો એક હિસ્સો તોડી પાડવામા આવ્યો હોય એવું લાગ્યું હતું. પછી ખબર પડી હતી કે એક આત્મઘાતી હુમલાખોરે ગેટ નંબર એક પર ખુદને ફૂંકી માર્યો હતો."

સંસદભવનના પરિસરમાં ચાલતા આ સંઘર્ષને પોતાના કૅમેરામાં કેદ કરી ચૂકેલાં કૅમેરાપર્સન અનમિત્રા ચકલાદારે કહ્યું હતું:

"ગેટ નંબર એક પર એક ઉગ્રવાદી માર્યો ગયો પછી એક ઉગ્રવાદી અમારા જેવા પત્રકારો પર ગોળીબાર કરવા લાગ્યો હતો."

"તેમાંથી એક ગોળી ન્યૂઝ એજન્સી એએનઆઈના કૅમેરાપર્સન વિક્રમ બિષ્ટની ગરદનમાં લાગી હતી. બીજી ગોળી મારા કૅમેરામાં લાગી હતી. અમારી પાસે એક ગ્રૅનેડ પણ આવી પડ્યો હતો, પણ એ ફાટ્યો ન હતો."

"બપોરે ચાર લાગ્યે સલામતી દળોએ આવીને અમારી સામે તે ગ્રૅનેડને નિષ્ક્રિય બનાવ્યો હતો."

મોટી સંખ્યામાં સુરક્ષાદળો પહોંચ્યાં

એએનઆઈના ઘાયલ કૅમેરાપર્સનને ઍઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા તેના થોડા સમયમાં તેમનું મૃત્યુ થયું હતું.

એ પછી ઉગ્રવાદીઓ ગેટ નંબર 9 ભણી વળ્યા હતા. એ દરમ્યાન ત્રણ ઉગ્રવાદીને મારી નાખવામાં આવ્યા હતા. પાંચમા ઉગ્રવાદીએ ગેટ નંબર પાંચ તરફ દોડીને સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાદળોએ તેને પણ ઠાર માર્યો હતો.

સંસદના સલામતીરક્ષકો અને ઉગ્રવાદીઓ વચ્ચે સવારે લગભગ સાડા અગિયારે શરૂ થયેલો આ સંઘર્ષ બપોરે લગભગ ચાર વાગ્યા સુધી ચાલતો રહ્યો હતો.

એ પછી ચારથી પાંચ વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષાદળો સંસદ પરિસરમાં પહોંચ્યા હતા અને તેમણે સમગ્ર ક્ષેત્રમાં તપાસ શરૂ કરી હતી.

આ હુમલામાં દિલ્હી પોલીસના પાંચ સલામતી રક્ષકો, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં એક મહિલા સલામતીરક્ષક, રાજ્યસભા સચિવાલયના બે કર્મચારી અને એક માળીનું મોત થયું હતું.

અફઝલને ફાંસી

ભારતીય સંસદ પર હુમલાની ઘટનામાં ચાર ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીની પોટા અદાલતે 2002ની 16 ડિસેમ્બરે મોહમ્મદ અફઝલ, શૌક્ત હુસેન, અફસાન અને પ્રોફેસર સૈયદ અબ્દુલ રહમાન ગિલાની એમ ચાર લોકોને દોષી ઠરાવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે પ્રોફેસર સૈયદ અબ્દુલ રહમાન ગિલાની તથા નવજોત સંધુ ઉર્ફે અફસાં ગુરુને મુક્ત કર્યા હતા, પણ મોહમ્મદ અફઝલની ફાંસીની સજા યથાવત્ રાખી હતી અને શૌકત હુસેનની મોતની સજાને ઘટાડીને 10 વર્ષની કરી હતી.

2013ની નવમી ફેબ્રુઆરીએ સવારે આઠ વાગ્યે અફઝલ ગુરુને દિલ્હીના તિહાડ જેલમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો