ગુજરાત ચૂંટણી 2022 : કૉંગ્રેસના જગદીશ ઠાકોર સામે ભાજપના સી.આર. પાટીલ, કોને થશે લાભ?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ હવે ગ્રામપંચાયતની ચૂંટણી યોજવાની છે.

ગુજરાતના રાજકારણમાં નવી આવેલી પાર્ટીઓએ બે મુખ્ય પાર્ટીઓની વોટ બૅંકમાં ભલે નાનું અમથું ગાબડું પા્ડ્યું હોય પણ ભાજપ અને કૉંગ્રેસ બંને પાર્ટીઓ હવે મતદારોને રીઝવવા માટે પોતાનાં પાસાં ફેંકવાનું શરૂ કરી દીધું છે.

પોતાની પરંપરાગત ઓબીસી વોટ બૅંક પાછી મેળવવા માટે કૉંગ્રેસે જૂના નેતાઓના સ્થાને ઓબીસી અને આદિવાસી નેતાઓ પર રમેલો દાવ આશાનું કિરણ દેખાડે છે તો ભાજપે ઍન્ટી-ઇન્કમ્બન્સી ખાળવા માટે આખેઆખું મંત્રીમંડળ બદલ્યા પછી કૉંગ્રેસના અન્ય નેતાઓને પાછલે બારણેથી પ્રવેશ આપી કૉંગ્રેસના વ્યૂહનો તોડ કાઢવાનો પ્રયત્ન ચાલુ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બીજી તરફ તાજેતરમાં થયેલી ચૂંટણીમાં પોતાની નાની અમથી વોટ બૅંક ઊભી કરનાર નવી પાર્ટીઓ આ બંને પાર્ટીઓના પ્રયત્નો જોઈ ઉત્સાહમાં આવી ગઈ છે.

ગુજરાતમાં 90ના દાયકા પછી પટેલ મતદાતાઓ નિર્ણાયક બન્યા છે.

જ્યારે એ પહેલાં સૌથી વધુ મત ધરાવતા ઓબીસીના મતદાતાઓ નિર્ણાયક હતા. પણ નવી પાર્ટીઓના આગમન પછી રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે.

આ અંગે ગુજરાતના રાજકારણ પર નજીકથી નજર રાખનારા કેટલાક નિષ્ણાતો સાથે અમે વાત કરી હતી.

ગુજરાતના રાજકારણમાં ફફડાટ?

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે લાંબા સમય પછી ગુજરાતના રાજકારણમાં દરેક માટે થોડો ફફડાટ ઊભો થયો છે.

ગુજરાતમાં બદલાઈ રહેલી રાજકીય પરિસ્થિતિની વાત કરતાં ઘનશ્યામ શાહે કહ્યું કે, "80ના દાયકામાં કૉંગ્રેસે અપનાવેલી ખામ થિયરી એમના માટે ઘણી અસરકારક રહી હતી. કૉંગ્રેસે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમનું કૉમ્બિનેશન કર્યું હતું. એ સમયે ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો."

"1980ની પહેલી ચૂંટણીમાં તો ભાજપનો વોટ શૅર સાવ નજીવો હતો. પણ એ પછી ભાજપે પોતાની ભગિની સંસ્થાઓ બનાવી વ્યાપ વધારવાનું નક્કી કર્યું. પછી એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય કિસાન સંઘ, દુર્ગાવાહિની હોય, બજરંગ દળ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે વનબંધુ હોય."

"આ બધા દ્વારા એમણે પોતાનો વ્યાપ વધારતા ગયા પણ ક્યારેય એકેય કાર્યકરને ચૂંટણી જીતવાનું લક્ષ્ય ના આપ્યું, જેના કારણે એમની 1970ના અંતથી શરૂ થયેલી આ કવાયત રંગ લાવી અને દરેક ક્ષેત્રમાં એમનાં સંગઠનો મજબૂત થયાં."

પરંતુ સામેની બાજુ કૉંગ્રેસે ગુજરાતના રાજકારણમાં પોતાની પકડ કઈ રીતે ગુમાવી તે અંગે વાત કરતાં ઘનશ્યાન શાહ કહે છે કે, "આનો અર્થ એ નથી કે કૉંગ્રેસ જોડે આવી ભગિની સંસ્થાઓ નહોતી. કૉંગ્રેસ પાસે પણ એનએસયુઆઈ, સેવાદળ, મહિલા મોરચા, ડૉક્ટર સેલ, વકીલ સેલ આ બધું જ હતું. અને આ બધી જ ,સંસ્થાઓ મજબૂતીથી કામ કરતી હતી."

"પણ નીવેડલી વોટ બૅંકને તેઓ વળગી રહ્યા તેના કારણે આ સંસ્થાઓ નબળી પડતી ગઈ, એમનો મજબૂત આધાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત હતો. પરંતુ 1996માં ભાજપમાં શંકરસિહના કારણે થયેલાં ફાડિયાં અને નેતાઓની જૂથબંધી એમને નડી ગઈ."

જગદીશ ઠાકોર કૉંગ્રેસ માટે આશાનું કિરણ?

લાંબા શાસનકાળ છતાં ભાજપ ગુજરાતમાં સત્તામાં હોવા અંગે ઘનશ્યામ શાહ કહે છે કે, "સતત સત્તામાં રહેવાના કારણે ભાજપની સામે પણ ઍન્ટી-ઇન્કમબન્સી છે. પરંતુ તેનો લાભ મેળવી શકે તેવા નેતાઓના અભાવે કૉંગ્રેસને હારનો સામનો કરવો પડી રહ્યો છે. પણ જગદીશ ઠાકોરની કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેની વરણી થઈ એ બાબત કૉંગ્રેસ માટે નવા આશાના કિરણ સમાન છે."

તેઓ કહે છે, "ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોરનું મહત્ત્વ વધારે છે. ઓબીસીના સારા નેતા તરીકે તેઓ બહાર આવ્યા છે. નારાજ પટેલોને અંકે કરવા માટે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે ચાલુ રાખ્યા છે તો દલિતોમાં જિજ્ઞેશ મેવાણીની મદદ લઈ રહ્યા છે. અને મધ્ય ગુજરાતમાં ફરી પગદંડો જમાવવા માટે આદિવાસીઓને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. આ કૉમ્બિનેશન જોવા જઈએ તો 2017ની જેમ કૉંગ્રેસ 2022માં ભાજપને મજબૂત ટક્કર આપી શકે એમ છે."

આ રણનીતિ છતાં કૉંગ્રેસે ધ્યાન રાખવાની બાબતો અંગે સૂચન આપતાં પીઢ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ જણાવે છે કે, "પરંતુ કૉંગ્રેસે મહત્ત્વની બાબત પર ધ્યાન આપવું પડશે કે એમના ઉમેદવાર ચૂંટાયા પછી પક્ષ છોડીને ભાજપમાં ન જોડાય, કારણ કે મતદારોને સતત એવું લાગ્યા કરે છે કે કૉંગ્રેસમાંથી ચૂંટાઈને લોકો ભાજપ તરફ વળે છે જેના કારણે તેમને કૉંગ્રેસમાંથી ધીમેધીમે વિશ્વાસ ઊઠી રહ્યો છે."

"આથી નવી આવેલી ત્રણ પાર્ટીઓ આપ, એઆઈએમઆઈએમ (ઓવૈસીની પાર્ટી), છોટુ વસાવાની બીટીપી ભાજપથી નારાજ વોટ પોતાના અંકે કરી રહી છે. જેનું પરિણામ આપણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં જોયું છે. જેના પરિણામે કૉંગ્રેસ માટે આ મોટો પડકાર છે."

"આ સિવાય એમણે નજીકના દિવસોમાં શહેરી મતદાતાઓને આકર્ષવા માટે ખાસ યોજના બનાવવી પડશે અને ભાજપની જેમ ઇલેક્શનના માઇક્રો-મૅનેજમૅન્ટમાં કામ કરે તો આ નવા કૉમ્બિનેશનમાં એમને ફાયદો થશે."

'કૉંગ્રેસમાં ખાટલે મોટી ખોડ'

બીજી તરફ જાણીતા સેફોલૉજિસ્ટ ડૉ. વિનોદ અગ્રવાલ ઘનશ્યામ શાહની આ વાત સાથે સહમત થતા નથી.

ડૉ. વિનોદ અગ્રવાલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કૉંગ્રેસમાં ખાટલે મોટી ખોડ એ છે કે એમની પાસે નેતાગીરીનો અભાવ છે. ભાજપ પોતે જાણે છે કે આ વખતે ઍન્ટિ-ઇન્કમબન્સી છે. એટલે જ આખેઆખું મંત્રીમંડળ બદલવાનો જુગાર રમ્યા છે અને નવું મંત્રીમંડળ ગઈ સરકાર કરતાં વધુ પ્રોઍક્ટિવ છે એવું બતાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે."

"અચાનક સરકારી ખાતામાં દરોડો પાડવો, નાના નાના નિર્ણયો પર વધુ જોર આપવું. કાર્યકર્તાઓ માટે સચિવાલયના દરવાજા ખુલ્લા મૂકી દેવા વગેરે. જેના કારણે પાંચ વર્ષથી સચિવાલયમાં જે વ્યક્તિ મંત્રીઓને મળી શકતી ન હતી તે એક જ મિનિટમાં આસાનીથી મળી શકે છે. એની નારાજગી મોટા ભાગે દૂર થઈ છે."

"અલબત્ત જો આપ, ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ અને બીટીપીએ જે ગાબડાં પાડ્યાં છે તે સ્પષ્ટ બતાવે છે કે ભાજપથી લોકો પ્રમાણમાં નારાજ છે. 2017ની ચૂંટણીમાં લોકોએ મોટા પાયે નોટામાં વોટ નાખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી."

"પણ કૉંગ્રેસના નેતાઓ જે રીતે ભાજપમાં ગયા છે તેનાથી ભાજપથી નારાજ વોટ જે કૉંગ્રેસને મળવાની સંભાવના હતી તે આ ત્રણ પાર્ટીને મળવાની સંભાવના હવે વધી ગઈ છે. ત્યારે આ સંજોગોમાં કૉંગ્રેસ અને ભાજપે પેતાની પરંપરાગત વોટ બૅંક જાળવવી પડશે."

"એટલે જ કૉંગ્રેસ જ્યારે જગદીશ ઠાઠોરને લઈને ઓબીસી કાર્ડ સાથે ઊતરી છે ત્યારે ભાજપ કૉંગ્રેસના દિગ્ગજ ઓબીસી નેતા સાગર રાયકાને પોતાની તરફ ખેંચી લાવ્યો છે. જેથી ઓબીસીના વોટ સરકી ના જાય. પણ કૉંગ્રેસે ચૂંટણી પહેલાં માઇક્રો-મૅનેજમૅન્ટ કરવું જરૂરી છે."

'કૉંગ્રેસના આંતરિક વિખવાદના કારણે હાર'

તાલીમ રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને જાણીતા સેફોલૉજિસ્ટ ડૉ. એમ. આઈ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે છેલ્લી અમુક ચૂંટણીનાં પરિણામો જોતાં લાગે છે કે કૉંગ્રેસનો જનાધાર ઘટી રહ્યો છે.

"2017માં જે રીતે કૉંગ્રેસે પડકાર ઊભો કર્યો હતો એ પછી 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસના આંતરિક વિખવાદના કારણે લોકસભાની એક પણ બેઠક એમને મળી નહોતી, કારણ કે એમની પાસે સ્વીકૃત નેતા નથી. અને ચૂંટણીનું માઇક્રો -મૅનેજમૅન્ટ નથી. આનો અર્થ એવો નથી કે ભાજપ માટે સીધા ચઢાણ છે."

"ભાજપે કૉંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને મેળવેલી આદિવાસી દલિત અને ઓબીસીની વોટ બૅંક મોંઘવારી, કોરોના અને લૉકડાઉનના કારણે ઊભા થયેલા પ્રશ્નોથી નારાજ છે એમાં કોઈ બેમત નથી."

"બીજી તરફ મુસ્લિમ મતદાતાઓ નાછૂટકે કૉંગ્રેસ જોડે રહ્યા હતા. પણ એમને સતત એમની સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે."

તેઓ વધુમાં કહે છે, "મધ્ય ગુજરાતના નારાજ આદિવાસીઓ બીટીપી તરફ વળે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને નુકસાન જાય એમ છે. પણ અહીં બીટીપીના નેતા છોટુ વસાવા ઑર્ગેનાઇઝ પૉલિટિક્સ રમી શકતા નથી એટલે એ કેટલી બેઠકો પર ભાજપને નુકસાન પહોંચાડી શકે એ એક સવાલ છે."

"તો કૉંગ્રેસથી નારાજ થયેલો મુસ્લિમ મતદાતા ઓવૈસીની પાર્ટી તરફ ઢળી રહ્યો છે, જે કૉંગ્રેસને મોટું નુકસાન કરી શકે એમ છે. શહેરી વિસ્તારો અને ભણેલા આદિવાસી અને ઓબીસીનો અમુક હિસ્સો કેજરીવાલની પાર્ટી આપ તરફ વળી રહ્યો છે, જે ભાજપ માટે ચિંતાજનક છે."

"આ સંજોગોમાં ભાજપ રેસમાં થોડુંક આગળ દેખાય છે, કારણ કે એમની પાસે ઇલેક્શનનું માઇક્રો-મૅનેજમૅન્ટ છે. જ્યારે કૉંગ્રેસે માત્ર 11 મહિનામાં માઇક્રો-મૅનેજમૅન્ટ માટેનું માળખું બનાવવાનું છે જે અઘરું છે, કારણ ભાજપને આ સિસ્ટમ તૈયાર કરતાં દોઢ દાયકો લાગ્યો અને 20 વર્ષથી એ એને મજબૂત કરી રહ્યો છે ત્યારે ભાજપને મોટી ચિંતા નવી આવેલી આ ત્રણ પાર્ટીઓ એમનો કેટલો વોટ શૅર લઈ જશે એ છે."

ડૉ. એમ. આઈ. ખાન અનુસાર, કૉંગ્રેસ માટે ચિંતાનો વિષય એ છે કે એ લોકો જ્ઞાતિવાદી નેતાઓને પ્રમોટ કરીને એમની પરંપરાગત વોટ બૅંક ફરી જીવિત કરવાના પ્રયાસમાં છે. પણ એમાં તેઓ કેટલા સફળ થઈ શકે છે તે કહેવું હાલના તબક્કે મુશ્કેલ છે.

તેઓ કહે છે, "પરંતુ કૉંગ્રેસ જે રીતે પોતાનું સોશિયલ ઇજનેરીનુ માળખું ગોઠવી રહી છે તે જોતાં ભાજપ માટે 2022ની ચૂંટણી ઢાળ પર દોડવા જેટલી આસાન નહીં હોય, કારણ કે 2012માં ભાજપ સામે પડેલા ભાજપના જ નેતા કેશુભાઈ પટેલ ભલે બહાર આવ્યા હતા પણ એમને મળેલા મત ભાજપમાંથી કૉંગ્રેસમાં જતા અટક્યા હતા. આથી કૉંગ્રેસને એક કે બે ટકાનો વોટ સ્વિંગ મળવો જોઈએ તે મળ્યો ન હતો."

ડૉ. એમ. આઈ. ખાન ગુજરાતના રાજકીય પ્રવાહો વિશે વધુ ચર્ચા કરતાં કહે છે કે, "કૉંગ્રેસમાં લાંબો સમય રહ્યા પછી ઉત્તર ગુજરાતની અંદર ઓબીસીમાં કૉંગ્રેસનું ગણિત બગાડી શકનાર શંકરસિંહે પોતાનો પક્ષ કર્યો પણ એ કૉંગ્રેસની વોટ બૅંકમાં ગાબડું પાડી શક્યા ન હતા. પણ માત્ર ભાજપમાંથી કૉંગ્રેસ તરફ જતા મતો અટકાવી શક્યા હતા, જેના કારણે ભાજપ ડચકા ખાતાં જીતી ગયો હતો."

"પણ આ વખતે કેજરીવાલની આપ, ઓવૈસીની એઆઈએમઆઈએમ અને વસાવાની બીટીપી ભલે ઑર્ગેનાઇઝ પાર્ટી નથી કે એમનું માળખું નથી, તેઓ વધુ ધારાસભ્યો નહીં બનાવી શકે પણ એ ભાજપ અને કૉંગ્રેસના વોટ તોડી શકે એટલી સક્ષમ તો છે જ."

કૉંગ્રેસનું કૉમ્બિનેશન ભાજપને ભારે પડશે?

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રફુલ્લ ત્રિવેદી કૉંગ્રેસને નવા નેતાઓને નવી જવાબદારી આપવાથી કોઈ લાભ નહીં થાય એ વાત સાથે સહમત થતા નથી.

એમનું માનવું છે કે, "કૉંગ્રેસે જગદીશ ઠાકોર અને વિધાનસભાના નેતા તરીકે રાઠવાની પસંદગી કરીને વ્યૂહાત્મક પગલું લીધું છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાંથી એમની સરકી જતી વોટ બૅંક જળવાઈ રહેશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નારાજ આદિવાસીઓને અંકે કરવામાં સુખરામ રાઠવા માહેર છે, કારણ કે એ લાંબા સમયથી આદિવાસીની જમીન અને એમના હકો માટે તેઓ લડી રહ્યા છે."

"તો બીજી બાજુ ગઈ વખતે પટેલોને કૉંગ્રેસ તરફ વાળવામાં સફળ રહેલા હાર્દિક પટેલ એમની સાથે છે અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીનો સાથ પણ કૉંગ્રેસને મળ્યો છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રની અંદર કૉંગ્રેસ મજબૂત કોળી નેતાને આગળ કરી ગિયર-અપ કરે તો કૉંગ્રેસ માટે આ વખતની સોશિયલ ઇજનેરી ભાજપને મુશ્કેલીમાં મૂકે એવી છે."

પ્રુફુલ્લ ત્રિવેદી ગુજરાતના રાજકારણ અંગે પોતાના અનુભવના આધારે ભવિષ્યની પરિસ્થિતિ અંગે અંદાજ કાઢતાં કહે છે કે "ઓવૈસી અને આપના કારણે કૉંગ્રેસની કોઈ મોટી વોટ બૅંક તૂટશે નહીં, કારણ કે છેલ્લાં 25 વર્ષથી શહેરી વિસ્તારોમાં કૉંગ્રેસ જીતતી નથી. આ બંને પાર્ટીઓ શહેરી વિસ્તારોમાં જ મજબૂત છે. આ સંજોગોમાં આ બંને પાર્ટી જેટલા વધુ વોટ લઈ જાય એનાથી કૉંગ્રેસના શહેરી વિસ્તારની વોટ બૅંકમાં ખાડો પડશે. પરંતુ ગ્રામીણ વિસ્તારની વોટ બૅંકમાં ખાડો નહીં પડે."

'કૉંગ્રેસની જીત માટેની બ્લુ-પ્રિન્ટ'

આવનારી ચૂંટણી અંગે ઘડાઈ રહેલી સોશિયલ ઇજનેરીની વ્યવસ્થા વિશે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે 2012થી માંડીને અત્યાર સુધી થયેલી ચૂંટણીમાં અમારી ભૂલો ક્યાં થઈ છે એનો ગહન અભ્યાસ કર્યો છે.

"દર વખતે અમે ઉમેદવારોને છેલ્લી ઘડીએ ટિકિટ આપીએ છીએ પણ આ વખતે અમે કૉંગ્રેસ જે સીટ પરથી હારી છે ત્યાં વહેલા ઉમેદવારો જાહેર કરીશું જેથી એ વિસ્તારમાં એ લોકો કામ કરી શકે."

તેઓ કૉંગ્રેસની આગામી ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે કહે છે કે, "અમે જોયું છે કે કૉંગ્રેસને વરેલી વોટ બૅંકમાં ગાબડું નથી પડ્યું. ફ્લોટિંગ વોટ ગયા છે. નોટામાં વધુ વોટ પડ્યા છે. નોટા તરફ ગયેલા વોટ કેવી રીતે અંકે કરાય એની અમે બ્લુ-પ્રિન્ટ બનાવી છે. જેનો અમે ઇલેક્શનમાં ઉપયોગ કરીશું જેથી નારાજ મતદાતાઓ અમારી સાથે આવે. અને મહિલાઓને વધુ પ્રાધાન્ય આપીશું."

જગદીશ ઠાકોર પોતાની બ્લુ-પ્રિન્ટ સિક્રેટ હોવાનું કહી આ અંગે વધુ વિગતો આપવાનો ઇનકાર કરતાં કહે છે કે, "આવનારા 15 દિવસમાં અમે સોશિયલ ઇજનેરીને ધ્યાનમાં રાખીને પક્ષના હોદ્દેદારોની નિમણૂક કરશું. નવી આવેલી પાર્ટીઓના કારણે કયા વોટ એમના તરફ વળ્યા છે એનો અમે અભ્યાસ કર્યો છે. બીજી તરફ જતા વોટ કેવી રીતે અંકે કરવો એની રણનીતિ પણ બનાવી દીધી છે."

"એટલું જ નહીં મોંઘવારી, બેરોજગારી અને કોરોનામાં લોકોને પડેલી હાલાકી સરકારની નિષ્ફળતા આ બધા જ મુદ્દાઓ લોકોને સીધો કેવી રીતે સ્પર્શે એના માટે પ્રચારની એક નવી પદ્ધતિ અપનાવીશું. જેથી યુવા અને મહિલા મતદાતાઓને અમે અમારી તરફ ખેંચી લાવીએ."

'ભાજપ ચૂંટણી માટે તૈયાર'

આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો સંપર્ક સાધતાં એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કોઈ પાર્ટી કઈ રણનીતિ નક્કી કરે તેના પર હું કોઈ ટિપ્પણી કરવા માગતો નથી. અમારા કાર્યકર્તાઓ સતત મહેનત કરે છે. પ્રજાલક્ષી કામો થઈ રહ્યાં છે, જેને અમે લોકો સુધી પહોંચાડીએ છીએ. ઍન્ટિ-ઇન્કમ્બન્સીની વાતો ખોટી છે."

કૉંગ્રેસમાંથી વધુ નેતાઓને તોડીને ભાજપમાં લવાશે કે કેમ એવા સવાલનો જવાબ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં પાટીલે કહ્યું કે અમે અમારી રણનીતિ દોઢ વર્ષ આગાઉથી નક્કી કરી છે અને એ પ્રમાણે ચાલી રહ્યા છીએ.

"જો ઍન્ટિ-ઇન્કમ્બન્સી હોય તો આટલી મોટી મહામારી પછી સરકારે કરેલાં સારાં કામના કારણે લોકોએ ભાજપમાં વિશ્વાસ મૂકીને અમને મ્યુનિસિપલ કૉર્પોરેશન જિલ્લા અને તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં આટલી મોટી બહુમતિથી જિતાડ્યા ન હોત."

"ભાજપ પાસે માઇક્રો-મૅનેજમૅન્ટ અને એની રણનીતિની અલગ પદ્ધતિ છે. જેના કારણે ભાજપને સતત જીત મળી રહી છે અને 2022માં પણ ભાજપનો વિજય થશે. એના માટેની રણનીતિ ઘડાઈ ગઈ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો