રશિયાના સહયોગથી ભારતમાં બનનારી એકે-203 રાઇફલો ખાસ કેમ?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની મુલાકાત પહેલાં ભારતીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે રશિયાના સંરક્ષણમંત્રી સર્ગેઈ શોઇગૂ સાથે મુલાકાતમાં સોમવારે બંને દેશો વચ્ચેના એક સંરક્ષણકરાર પર હસ્તાક્ષર કર્યા.

આમાંથી એક મહત્ત્વપૂર્ણ કરાર એકે-203 રાઇફલોને લઈને છે. રશિયાના સહયોગથી આ રાઇફલોનું નિર્માણ ભારતમાં થશે.

કરાર મુજબ વર્ષ 2021થી લઈને 2031 સુધી છ લાખ એકે-203 રાઇફલો ખરીદવામાં આવશે.

એ સિવાય કલાશનિકૉવ શ્રેણીનાં નાનાં હથિયારોના નિર્માણમાં સહયોગને લઈને પણ બંને દેશો વચ્ચે થયેલા કરારમાં સંશોધન સંબંધિત પ્રોટોકૉલને લઈને પણ એક કરાર થયો છે.

કરાર પછી ભારત અને રશિયાના સંબંધો વિશે રાજનાથસિંહે કહ્યું કે સંરક્ષણસહયોગ દ્વિપક્ષી સંબંધોનો સૌથી મજબૂત સ્તંભ છે. તેમણે રશિયાને તેના મજબૂત સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું, "રક્ષાસહયોગ અમારી ભાગીદારીનો સૌથી મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. સૈન્ય તકનીક સહયોગ પર ભારત-રશિયા આંતરસરકારપંચ છેલ્લા બે દાયકાથી એક બહેતર તંત્ર બનેલું છે. મને આશા છે કે ભારત-રશિયા સહયોગ આખા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવશે."

રાજનાથસિંહે રશિયાના સંરક્ષણમંત્રી સાથે દિલ્હીમાં મુલાકાતમાં સૈન્ય તકનીક સહયોગ પર ભારત-રશિયા આંતરસરકાર પંચ (આઈઆરઆઈજીસી-એમટીસી) પર વાતચીત કરી જે દ્વિપક્ષી સંબંધોમાં અલગ મામલો છે.

બંને દેશોના સંરક્ષણમંત્રી વચ્ચે હાલની પરિયોજનાઓ અને સૈન્ય તકનીક સહયોગને લઈને દર વર્ષે મુલાકાત થાય છે.

યુપીના અમેઠીમાં બનશે એક-203

રશિયાની રાઇફલ એકે-203ની ખરીદીને લઈને ભારત અને રશિયા વચ્ચે 2019માં સહમતી થઈ હતી.

રક્ષા જરનલ જેન્સ ડિફેંસ વીકલીના એક રિપોર્ટ અનુસાર બંને દેશો વચ્ચે રૉયલ્ટીને લઈને વાત અટકેલી હતી જેનું હવે સમાધાન થઈ ગયું છે.

એકે-203 રાઇફલ્સનું નિર્માણ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા વિસ્તારમાં ઇંડો રશિયન પ્રાઇવેટ લિમિટેડ (આઈઆરપીએલ)ની ફેકટરીમાં થશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા વર્ષે કોરવા ઑર્ડિનન્સ ફેકટરીનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભારત સરકાર આ રાઇફલના કરારને દેશની અંદર જ રક્ષાસામગ્રીના નિર્માણની દિશામાં એક ઉત્સાહવર્ધક નિર્ણય ગણાવે છે.

જેન્સ ડિફેન્સ વીકલીએ અધિકારીઓને ટાંકતાં લખ્યું છે કંપનીએ ઉત્પાદન શરૂ થવાના 18 મહિનાની અંદર રાઇફલોના બધા સ્પૅરપાર્ટ સ્થાનિક રીતે હાંસલ કરવા પડશે.

આઈઆરપીએ દ્વારા પહેલાં સરકારી સંસ્થા ઑર્ડિનન્સ ફેકટરી બોર્ડ (ઓએફબી) સંચાલિત કરે છે પરંતુ તેને સપ્ટેમ્બરમાં ભંગ કરવામાં આવશે.

હવે તેને ઓએફબીથી કાઢવામાં આવેલી બે નવી સરકારી કંપનીઓ - એડવાન્સ વેપન્સ ઍન્ડ ઇક્વિપમેન્ટ ઇંડિયા લિમિટેડ અને મ્યૂનિશન્સ ઇન્ડિયા લિમિટેડ ચલાવી રહી છે.

આઆરપીએલમાં ભારતીય કંપનીઓની ભાગીદારી 50.5 ટકા હશે.

નિર્માતા કંપની કલાશનિકોવના શૅર 42 ટકા હશે જ્યારે રશિયા રક્ષા નિકાસ એજન્સી રોસોબોરોન ઍક્સપોર્ટનો શેષ 7.5 ટકા ભાગ પર અધિકાર હશે.

ઇનસાસ રાઇફલોની જગ્યા લેશે

આ નવી રાઇફલ્સ સશસ્ત્ર સેનાના જવાનો વાપરી શકે તે માટે બનાવવામાં આવશે.

એકે-203ને એકે-47 રાઇફલ્સનું સૌથી એડવાન્સ અને નવું વર્ઝન ગણાવાય છે.

7.62 એમએમ વાળી એકે-203 રાઇફલની પ્રભાવી રેન્જ 300 મીટર છે. આ હળવી, મજબૂત અને અત્યાધુનિક રાઇફલો છે.

એકે-203 ઇનસાસ (ઇન્ડિયન સ્મૉલ આર્મ્સ સિસ્ટમ) રાઇફલ્સની જગ્યા લેશે જેમને સેનાનાં હથિયારોમાં લગભગ ત્રણ દાયકા પહેલાં સામેલ કરાઈ હતી.

રશિયાની સરકારી સમાચાર એજન્સી સ્પુતનિક મુજબ 1996થી વપરાતી ઇનસાસ રાઇફલોમાં કેટલીક સમસ્યાઓ આવી રહી હતી જેમકે હિમાલયની ઊંચાઈ પર જામ થઈ જવું અથવા તેની મૅગેઝિન ક્રૅક થઈ જવી.

જેન્સ ડિફેન્સ વીકલીએ એક અધિકારીને ટાંકતાં કહ્યું છે કે એકે-203 રાઇફલ 2022ના શરૂઆતના મહિનાઓમાં બનવાની શરૂ થઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો