You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોલૅન્ડ અને બેલારુસ વચ્ચેની કટોકટી પાછળ પુતિન જવાબદાર?
પોલૅન્ડના વડા પ્રધાને પોલૅન્ડ અને બેલારુસની બૉર્ડર પરની પ્રવાસીઓને લગતી કટોકટી માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને જવાબદાર ઠેરવ્યા છે.
મેટિયૂઝ મોરાવિકીએ કહ્યું કે બેલારુસના સરમુખત્યાર, જેઓ પુતિન સાથે નિકટનો સંબંધ ધરાવે છે, તેઓ આ કટોકટી માટે જવાબદાર છે, પરંતુ "તેના ખરા માસ્ટરમાઇન્ડ મૉસ્કો ખાતે છે."
નોંધનીય છે કે સરહદ પર અંદાજે બે હજાર જેટલા પ્રવાસીઓ હાડ થીજવતી ટાઢમાં ફસાયેલા છે.
બેલારુસના નેતા ઍલેક્ઝાન્ડર લુકાસેન્કો યુરોપિયન યુનિયનના પ્રતિબંધનો બદલો લેવા માટે લોકોને સરહદે મોકલી રહ્યા હોવાની વાતથી ઇનકાર કરે છે.
વીડિયો ફૂટેજમાં પોલૅન્ડ અને બેલારુસની સરહદે કાંટાળી તારની બેલારુસ તરફના ભાગમાં લોકોનાં ટોળાં દેખાઈ રહ્યાં છે.
કેટલાક લોકો બૉલ્ટ કટર અને ઝાડનાં થડ વડે બળજબરીપૂર્વક પેલે પાર જવાનો પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે પોલિશ ગાર્ડ દ્વારા પ્રવાસીઓનાં ટોળાંને રોકવા માટે ટીયર ગૅસ સેલ છોડાતા હોય તેવું દેખાઈ રહ્યું છે.
મોટા ભાગના પ્રવાસીઓ યુવાન પુરષો છે. પરંતુ આ ટોળાંમાં અમુક બાળકો અને સ્ત્રીઓ પણ છે. જેઓ મોટા ભાગે મધ્ય-પૂર્વ અને એશિયાથી આવ્યાં છે.
સરહદ પર ફસાયેલા આ લોકો સરહદમાં કૅમ્પિંગ કરી રહ્યા છે. તેમની એક તરફ પોલિશ ગાર્ડ છે તો બીજી તરફ બેલારુશિયન ગાર્ડ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પ્રવાસીઓનો ઢાલ તરીકે ઉપયોગ"
બૉર્ડર પર સુરક્ષા દળો સાથે મુલાકાત કર્યા બાદ મંગળવારે એક આપાતકાલીન સંસદીય સત્રમાં મોરાવિકીએ કહ્યું : "લુકાસેન્કો દ્વારા કરાઈ રહેલા આ હુમલાના માસ્ટરમાઇન્ડ મૉસ્કોમાં છે. આ માસ્ટરમાઇન્ડ રશિયાના રાષ્ટ્રપિત વ્લાદિરિમર પુતિન છે."
તેમણે રશિયા અને બેલારુસના નેતાઓ પર યુરોપિયન યુનિયનની સ્થિરતા સાથે ચેડાં કરવાનો આરોપ મૂક્યો છે.
આવું આ દેશો બેલારુસની સરહદેથી પ્રવાસીઓને યુરોપિયન યુનિયનમાં ઘુસાડવાના પ્રયાસ કરીને કરી રહ્યા હોવાનો આરોપ મુકાયો છે. નોંધનીય છે કે આ બંને દેશ યુનિયનનો ભાગ નથી.
મોરાવિકીએ આ પરિસ્થિતિને "એક નવા પ્રકારનું યુદ્ધ ગણાવ્યું જેમાં લોકોનો ઢાળ તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે." અને કહ્યું કે પોલૅન્ડ એક "સ્ટેજ પ્લે" જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે પાછલાં 30 વર્ષમાં પોલૅન્ડની સરહદની સુરક્ષા પર થયેલ સૌથી "ઘાતક હુમલો" છે.
ઉગ્ર કાર્યવાહીની ચીમકી
પોલૅન્ડે બૉર્ડર પર વધુ સુરક્ષાદળો ખડકી દીધાં છે અને જો બેલારુસ તરફથી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવે તો હથિયારબંધ કાર્યવાહીની ચેતવણી આપી છે.
પોલૅન્ડ, લિથુએનિયા અને લાતિવિયામાં કેટલાય સમયથી બેલારુસમાંથી લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશવાના બનાવોમાં જંગી વધારો નોંધાયો છે. મંગળવારે, લિથુએનિયાએ બેલારુસ પરની પોતાની સરહદ પર કટોકટી જાહેર કરી દીધી.
આ તમામ પૈકી સૌથી વધુ પ્રવાસી પોલૅન્ડ ખાતે આવી રહ્યા છે, મોટા ભાગના લોકો તેની મુખ્ય બૉર્ડર કુંઝનિકા ખાતેથી પ્રવેશવાના પ્રયત્ન થઈ રહ્યા હોવાનું માલૂમ પડી રહ્યું છે. પત્રકારો અને સહાય સંસ્થાઓને આ વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવાઈ છે.
અનેક પરિવારો સરહદ પર ફસાયા
આંતરરાષ્ટ્રીય શરણ આપવા અંગેના નિયમોની વિપરીત પોલૅન્ડ પર પ્રવાસીઓને બેલારુસ તરફ પાછા ધકેલવાના આરોપ લગાવાઈ રહ્યો છે.
ઇરાકથી આવેલી સ્વાન કુર્દ નામની એક વ્યક્તિએ વીડિયો કૉલ મારફતે બીબીસીને જણાવ્યું કે. "બેલારુસ હોય કે પોલૅન્ડ કોઈ અમને અંદર પ્રવેશવા નથી દઈ રહ્યું."
નવેમ્બર માસની શરૂઆતથી બગદાદથી નીકળી બેલારુસના પાટનગર મિંસ્ક સુધી અને પછી સરહદ સુધી પહોંચવાની પોતાની સફર અંગે તેઓ વાત કરે છે.
તેમણે કહ્યું, "નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પોલૅન્ડ અમને અંદર નથી પ્રવેશવા દઈ રહ્યું. દરરોજ રાત્રે તેઓ હેલિકૉપ્ટર ઉડાવે છે. તેઓ અમને સૂવા નથી દેતા. અમે ખૂબ ભૂખ્યા છીએ. અહીં ખોરાક અને પાણી બિલકુલ નથી. અહીં સરહદ પર નાનાં બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો અને પરિવારો છે."
યુરોપિયન યુનિયન, નૅટો અને અમેરિકા બધાં બેલારુસને પ્રવાસીઓની આ કટોકટી માટે જવાબદાર ગણાવે છે. યુરોપિયન કમિશને લુકાશેન્કો પર પ્રવાસીઓને યુરોપિયન યુનિયનમાં સરળ પ્રવેશના ખોટા વાયદા સાથે આકર્ષવાનો આરોપ મૂક્યો છે.
કમિશને તેમના આ વલણને "અમાનવી અને ગુંડા તત્ત્વ જેવું વલણ ગણાવ્યું છે."
બ્રસેલ્સ પ્રમાણે યુરોપિયન યુનિયનના પ્રતિબંધ સામે આ તેમનો પ્રતિકાર છે. નોંધનીય છે કે તેમની વિવાદિત રિ-ઇલેક્શનની પ્રક્રિયા અને પ્રદર્શનો પર કડક હાથે કામ લેવાનાં પગલાં બાદ યુરોપિયન યુનિયને આ પ્રતિબંધો લાદ્યાં હતાં.
ઍક્ટિવિસ્ટોનું માનવું છે કે પ્રવાસીઓનો બેલારુસ અને યુરોપિયન યુનિયનના તેમના પાડોશી દેશો વચ્ચે પ્યાદાંની માફક ઉપયોગ થઈ રહ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો