નિશા દહિયા : કુસ્તીબાજની હત્યાના સમાચારની હકીકત શું? TOP NEWS

સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે કુસ્તીબાજ નિશા દહિયા અને તેમના ભાઈને હરિયાણાના સોનિપતમાં ગોળીઓ મારવામાં આવી છે, જેમાં તેમનાં મૃત્યુ થયાં છે.

આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા ખેલવિશ્વ સાથે સંકળાયેલા લોકો અને પત્રકારોએ તેમને અંજલિ આપતાં ટ્વીટ્સ પણ કર્યાં હતાં.

જેની થોડી વારમાં નિશા દહિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પરથી વીડિયો ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આ સમાચાર ખોટા છે અને તેઓ સ્વસ્થ છે.

તેમનો વીડિયો સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યો છે.

તેમણે વીડિયોમાં કહ્યું છે કે, "હું સિનિયર નેશનલ્સ રમવા માટે ગોંડા આવી છું. હું સ્વસ્થ છું. આ ખોટા સમાચાર છે."

રાજસ્થાન: બસ તથા ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ લાગી, 11 લોકોનાં મૃત્યુ

રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે ઉપર બુધવારે એક બસ તથા ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં ઓછામાં 11 લોકોનાં મૃત્યુ થયાં છે.

બાડમેરના એસપી દીપક ભાર્ગવને ટાંતા ન્યૂઝ એજન્સી એએનઆઈ જણાવે છે કે પાંચપાદરા પાસે આ માર્ગ અકસ્માત થયો હતો. લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે જિલ્લાના કલેકટરને તત્કાળ રાહત અને બચાવકાર્ય હાથ ધરવા સૂચના આપી છે તથા તેમને ઘાયલોને તબીબી સારવાર મળે તે માટેની ખાતરી કરવા કહ્યું છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ દુર્ઘટનાગ્રસ્ત થયેલી બસમાં 25 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ કાચ તોડીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

દુર્ઘટના બાદ લાગેલી આગ હાઈવે પર દૂરથી જોઈ શકાતી હતી. મહત્ત્વપૂર્ણ એવા રાજમાર્ગ ઉપર અકસ્માત થતા હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

મલાલા યુસૂફઝઈએ નિકાહ પઢ્યા, કોણ છે તેમના પતિ?

24 વર્ષીય સામાજિક કાર્યકર મલાલા યુસૂફજઈએ યુકેના બર્મિંગહામ ખાતે નિકાહ પઢ્યા છે અને તેમના પતિનું નામ અસર મલિક છે.

તેમણે ઇસ્લામિક વિધિ પ્રમાણે, લગ્નના કરાર ઉપર સહીસિક્કા કર્યાં હતાં અને અલગથી તેની દિવાની નોંધણી કરાવશે કે નહીં, તે સ્પષ્ટ કર્યું નથી.

મલાલા 15 વર્ષનાં હતાં અને પાકિસ્તાનમાં રહેતાં હતાં ત્યારે છોકરીઓના અભ્યાસ માટે અવાજ ઉઠાવતાં હતાં. તેમના પર તથા અન્ય બે સાથીઓ પર તાલિબાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

17 વર્ષની ઉંમરે તેઓ સૌથી નાની ઉંમરનાં નોબલ પારિતોષિક વિજેતા બન્યાં હતાં, તેમને શાંતિ માટે પુરસ્કાર મળ્યો હતો.

અસર મલિક ક્રિકેટ સાથે જોડાયેલા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નેશનલ હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં તેઓ જનરલ મૅનેજર છે.

અસરે લાહોરની પ્રતિષ્ઠિત ઍન્ચિસન કૉલેજમાંથી ડિગ્રી મેળવી છે અને લાહોર યુનિવર્સિટીમાંથી મૅનેજમૅન્ટનો અભ્યાસ કર્યો છે.

પીસીબીમાં જોડાયા એ પહેલાં તેઓ પાકિસ્તાન સુપર લીડ 'મુલતાન સુલતાન્સ' સાથે પણ જોડાયેલા હતા.

અરૂણાચલનું ગામડું 1959થી ચીનના કબજા હેઠળ?

અરૂણાચલ પ્રદેશના સુબાનસિરિ જિલ્લામાં ચીન દ્વારા એક ગામડું વિકસાવવાના અહેવાલોને ભારતીય સુરક્ષા ઍસ્ટાબ્લિશમેન્ટે ફગાવી દીધા છે અને આ વિસ્તાર વર્ષ 1959થી જ ચીનના કબજા હેઠળ છે તથા આ મુદ્દે ખાસ કશું થઈ શકે તેમ નથી એવું જણાવ્યું છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ ઉચ્ચ સૂત્રોને ટાંકતાં દાવો કર્યો છે કે 1959માં આ પોસ્ટ આસામ રાઇફલ્સ પાસે હતી અને ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીએ લૉંગજુ(Longju) ઑપરેશન દરમિયાન તેને ખૂંચવી લીધી હતી.

ચીન દ્વારા ભારત સાથેની લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધીની લગભગ 3,500 કિલોમીટરની સરહદ ઉપર આવાં 600થી વધુ ગામ વિકસાવવામાં આવી રહ્યાં છે, જેનો ઉપયોગ નાગરિકોનાં રહેણાંક તથા સૈનિકનિવાસસ્થાન તરીકે પણ થઈ શકે છે.

મોટાં ભાગનાં ગામ ચીનની તરફે વિકસાવવામાં આવી રહ્યાં છે, છતાં અમુક ગામ એવા વિસ્તારોમાં વિકસાવવામાં આવી રહ્યા છે, જેને ભારત વિવાદાસ્પદ માને છે.

ગત અઠવાડિયે અમેરિકાના સુરક્ષાવિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે સ્વાયત તિબેટ પ્રદેશ તથા અરૂણાચલ પ્રદેશના સરહદની પર 100 મકાનવાળું ગામડું વિકસાવ્યું છે, જેના કારણે દેશમાં વિવાદ વકર્યો હતો.

ગુજરાતના દરિયાકિનારામાં ખારાશ વધી

દેશનો સૌથી લાંબો દરિયા ગુજરાતને મળેલો છે, જેના કારણે કિનારાના વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે.

જોકે તેના કારણે લોકોની આજીવિકાના માધ્યમમાં, લૈંગિક અસમાનતામાં વૃદ્ધિ અને શહેરીકરણ વધ્યાં છે, જેના કારણે જમીનની ખારાશમાં વધારો થયો છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ પ્રમાણે વડોદરાસ્થિત ગુજરાત ઇકૉલૉજિકલ સોસાયટીએ એક પુસ્તક બહાર પાડ્યું છે, જેમાં ગત 23 વર્ષ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોની જમીનમાં વધી રહેલી ખારાશનો અભ્યાસ કર્યો છે.

સંસ્થા નોંધે છે કે 1991થી 2011 દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં વસતિ 38 ટકા વધી હતી, જ્યારે ગુજરાતની સરેરાશ 23 ટકા જેટલી હતી.

દરિયાકિનારાના વિસ્તારોમાં કૃષિવિષયક પ્રવૃત્તિઓ વધી છે જેથી સિંચાઈ તથા વપરાશ માટે ભૂગર્ભ જળનો વપરાશ વધ્યો છે.

જીઈએસના ડાયરેક્ટર ડૉ. જયેન્દ્ર લખમાપુરકરના કહેવા પ્રમાણે, જમીનમાં ખારાશ વધવાને કારણે કિડની તથા ફ્લૉરોસિસ જેવા રોગોની શક્યતા વધી જાય છે.

1960માં ખાર ડેવલપમૅન્ટ બોર્ડના અભ્યાસમાં માલૂમ પડ્યું હતુ કે રાજ્યની 12 હજાર 164 વર્ગ કિલોમીટર જમીન ખારી થઈ ગઈ છે, જ્યારે વર્ષ 2019ના ઈસરો (ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)ના અભ્યાસ મુજબ આ વિસ્તાર વધીને 18 હજાર વર્ગ કિલોમીટર સુધી પહોંચી ગયો છે.

'NGOના ફંડ પર ગૃહમંત્રાલયની નજર કેમ?'

દેશમાં વિદેશી ભંડોળ મેળવતી સ્વૈચ્છિક સંસ્થાઓના આવકના સ્રોતો પર નજર રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

'ધ હિંદુ'ના અહેવાલ મુજબ, આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે વિદેશથી મળતા દાનની રકમ ઉપર શા માટે નાણામંત્રાલય દ્વારા નહીં, પરંતુ ગૃહમંત્રાલય દ્વારા નજર રાખવામાં આવી રહી છે ?

સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ઇન્ટેલિજન્સ બ્યૂરોને માહિતી મળી છે કે દાનરૂપે વિદેશથી આવતી રકમનો ઉપયોગ દેશની એકતા અને અખંડિતતાને જોખમતી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે.

આ કાયદાની જોગવાઈઓનું પાલન નહીં કરનારી 19 હજાર સંસ્થાઓની માન્યતા રદ કરી દેવામાં આવી હોવાનું મહેતાએ જણાવ્યું હતું.

જ્યારે અરજદારોનું કહેવું હતું કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને 'વ્યવસાયિક' ન ગણી શકાય.

કોવૅક્સિનને 96 દેશની માન્યતા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ દાવો કર્યો છે કે ભારત દ્વારા વિકસાવવામાં આવેલી કોવૅક્સિન તથા ભારતમાં જ નિર્મિત કોવિડશિલ્ડને દુનિયાભરના 96 દેશોએ માન્યતા આપી છે.

એનડીટીવીના રિપોર્ટ મુજબ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપાતકાલીન વપરાશ યાદીમાં આઠ વૅક્સિનોનો સમાવેશ કર્યો છે, જેમાં આ બંને પણ સામેલ છે. .

આ દેશોમાં અમેરિકા, કૅનેડા, યુકે, રશિયા, જર્મની અને સ્વિટ્ઝરલૅન્ડ જેવા દેશોએ પણ માન્યતા આપી છે. દેશમાં 109 કરોડ વૅક્સિન ડોઝ આપવામાં આવ્યા હોવાનો કેન્દ્ર સરકારનો દાવો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો