કલોલમાં ટાંકીમાં સફાઈ વખતે મોતને ભેટેલા કામદારના ભાઈની વ્યથા, 'મારી ફીના પૈસા ભેગા કરવામાં મારા ભાઈઓનો જીવ ગયો'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

"હું બી.એસસી.માં ભણું છું. મારી ફી ભરવા અમારા પાસે પૈસા નહોતા. એટલે મારા બંને ભાઈઓ કેમિકલની ટાંકી સાફ કરી 6,000 રૂપિયા મોકલવાના હતા પણ મારી ફીના પૈસા ભેગા કરવા જતાં એમણે જીવ ગુમાવ્યો."

શનિવારે કલોલની ફેકટરીમાં જીવ ગુમાવનાર રાજનસિંહ અને અનીસસિંહના નાના ભાઈ હસુસિંહના આ શબ્દો છે.

કલોલમાં ખાનગી કંપનીની ટૅન્કમાં સફાઈ કરવા ઊતરેલા પાંચ કામદારોનાં મૃત્યુ થયાં હતા. મૃતકોમાં હસુસિંહના બંને ભાઈઓ રાજનસિંહ અને અનીસસિંહ પણ સામેલ છે. રાજનસિંહ અને અનીસસિંહ કલોલમાં કૅટરર્સને ત્યાં કામ કરતા હતા.

હસુસિંહની કૉલેજમાં ભરવા માટે ફીના પૈસા નહીં હોવાને કારણ એ લોકો દિવાળીમાં વધુ મજૂરી કરી પૈસા ભેગા કરવા આ વર્ષે વતન આગ્રા ગયા ન હતા.

આગ્રાથી પોતાના ભાઈના મોતના સમાચાર સાંભળી કલોલ દોડી આવેલા હસુસિંહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું :

"અમે ત્રણ જ ભાઈઓ છીએ. એમાં હું સૌથી નાનો છું. મારાં માતાપિતા મજૂરી કરે છે. પૈસાના અભાવે મારા બે ભાઈઓ રાજનસિંહ અને અનીસસિહ ભણી શક્યા ન હતા. એટલે આખાય પરિવારની એવી ઇચ્છા હતી કે હું ભણીગણીને મોટો માણસ બનું. એટલે મારા બંને ભાઈઓ મજૂરી કરીને મને ભણાવતા હતા."

"અમારો આશરો છિનવાઈ ગયો"

આંખમાં પોતાના નાના ભાઈને ભણાવવાનાં સપનાં લઈને ગુજરાત આવેલા શ્રમિક ભાઈઓના સંઘર્ષ વિશે વાત કરતાં હસુસિંહ જણાવે છે :

"મારા બંને ભાઈઓ કૅટરર્સને ત્યાં કામ કરીને કમાતા હતા. કોરોના દરમિયાન કોઈ કમાણી થઈ નહોતી. ઘરે પણ ઓછા પૈસા મોકલતા હતા. અમે જેમતેમ કરીને ઘર ચલાવતા હતા."

"એક મહીના પહેલાં હું પોતે પણ અહીં મારા ભાઈઓને મદદ કરવા માટે મજૂરી માટે આવ્યો હતો પણ એમણે મને પરત મોકલી દીધો હતો. બંનેનો આગ્રહ હતો કે હું ભણીગણીને મોટો માણસ બનું."

"એમણે મને કહ્યું પણ હતું કે તેઓ એક મહિનામાં મારી કૉલેજની ફીના પૈસા મોકલશે અને એ ફીના પૈસા મોકલવા માટે એ લોકો પૈસા ભેગા કરવા દિવાળીમાં પણ આગ્રા આવ્યા નહોતા."

થોડાક પૈસાની જરૂરિયાત માટે માનવી કેવા કેવા ખતરાનો સામનો કરવા મજબૂર બની જાય છે તેનો દાખલો આ ઘટનાથી મળે છે.

હસુસિંહ પોતાના ભાઈઓ કેમિકલની ટાંકી સાફ કરવા માટે કેમ રાજી થયા અને શા માટે આ જોખમ લેવા માટે તૈયાર થયા તે અંગે જણાવતાં કહે છે :

"મારા ભણવાના પૈસા ભેગા કરવા માટે એ લોકો કેમિકલવાળી ટાંકીમાં ઊતર્યા અને એમનો જીવ ગયો. મારાં ઘરડાં મા-બાપ અને મારો સહારો છૂટી ગયો. હવે હું ભણું કે ના ભણું એનાથી મને કોઈ ફરક પડતો નથી."

અનીસસિંહ અને રાજનસિંહ અન્ય કામદારોની સાથે ખાત્રજ GIDCમાં સાથે રહેતા હતા.

એ દરમિયાન એમનો પરિચય ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાથી આવેલા સુનિલ ગુપ્તા સાથે થયો હતો.

સુનિલ ગુપ્તા 'તુત્સન ફાર્માસ્યુટિકલ્સ કંપની'માં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા.

આ જ ફેકટરીમાં સુનિલ ગુપ્તાને નોકરી અપાવનાર એના જ ગામના રામજી પાંડે પણ સિક્યૉરીટી ગાર્ડ તરીકે કામ કરે છે.

રામજી પાંડેએ બીબીસી સાથેની વાતચીતમાં સમગ્ર ઘટના અંગે વિગતવાર જણાવતાં કહ્યું કે, "તુત્સન ફાર્માસ્યુટિકલ કંપનીમાં દર ત્રણ મહીને કેમિકલવાળી ટાંકી સાફ કરાય છે અને બે મજૂરોને એના માટે 6,000 રૂપિયા ચૂકવવામાં આવે છે."

"સુનિલ ગુપ્તાએ મને કહ્યું હતું કે ટાંકી સાફ કરવા માટે માણસો મળતા નથી તો હું મારા ઓળખીતાને લઈને આવું છું. સુનિલ ગુપ્તા એની રૂમમાં રહેતા અનીસસિંહ અને રાજનસિંહને કેમિકલયુક્ત પાણીની ટાંકી સાફ કરવા લઈ આવ્યા."

પૈસા માટે જીવના જોખમે કેમિકલની ટાંકીમાં ઊતરેલા ભાઈઓનાં અકાળ મૃત્યુ અંગે વધુ વિગતે વાત કરતાં રામજી જણાવે છે :

"બંને જણા અંદર ઊતર્યા અને ગૂંગળાઈ ગયા. સુનિલ ગુપ્તાએ એમને બચાવવા માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. હું ત્યાં પહોંચું એ પહેલાં સુનિલ ગુપ્તા પણ અંદર ઊતર્યા. એમણે એક જણને ઊંચકીને ટાંકીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ એ ઢળી પડ્યા. એટલે મેં મારાં પત્નીને બૂમ પાડી બીજાને બોલાવવા માટે કહ્યું."

"બધા આવ્યા, માલિક નહીં"

તમામ મૃતકોની અંતિમ ક્ષણો પોતાની આંખે જોનારા રામજી પાંડે આગળની વાત સંભળાવતાં ગળગળા થઈ જાય છે અને કહે છે :

"અમારે આ બધાની સાથે અંગત સંબંધો હતા એટલે મારાં પત્ની પણ નીચે ઊતરીને બચાવવા જતાં હતાં પરંતુ મેં એમને ના પાડી અને બીજા લોકોને બોલાવ્યા."

ટાંકીમાં ઊતરેલ ત્રણેય કામદારોને બચાવવાના સંઘર્ષમાં કેવી રીતે અન્ય બે કામદારોના જીવ ગયા તે અંગે રામજી વાત કરતાં કહે છે કે,

"મારો અવાજ સાંભળીને અમારા બાંદા ગામના વિનયકુમાર અને દેવેન્દ્રસિંહ ત્રણેય ને બચાવવા નીચે ઊતર્યા પરંતુ તેઓ પણ ગૂંગળાઈને મરી ગયા. મેં તરત પોલીસ અને મારા માલિકને ફોન કર્યો. પોલીસ અને ફાયર બ્રિગેડ આવી. પણ અમારા માલિકો ન આવ્યા. મારી નજર સામે પાંચ જણનાં મોત થયાં. અમે રોજ સાથે ખાતાં-પીતાં હતા. એ લોકોના મૃતદેહ જોઈ ગઈકાલથી હજુ સુધી હું કંઈ જ ખાઈ શક્યો નથી."

હસુસિંહની જેમ આગ્રાના શમશાબાદના રહેવાસી અભિષેકસિંહે પણ આ ઘટનામાં પોતાના મોટા ભાઈ દેવેન્દ્રસિંહને ગુમાવ્યા છે. તેઓ પણ પોતાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી ગુજરાત આવી પહોંચ્યા હતા.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હું પોતે આગ્રામાં એક ફિટર તરીકે કામ કરૂ છું. મારા પિતાનું અવસાન નાની ઉમરે થઈ ગયું હતું."

"અમારા ત્રણેય ભાઈઓનું ધ્યાન મોટાભાઈ દેવેન્દ્રસિંહ રાખતા હતા. એ અમારા કુટુંબ માટે મજૂરી કરતા હતા. જેના કારણે એ ઘણા વખતથી અમારા ગામ પણ આવ્યા ન હતા. કોરોનામાં કામ નહીં મળવાને કારણે અમારું કુટુંબ આર્થિક મુશ્કેલીમાં હતું જ એટલે મારા ભાઈ મજૂરી કરવા માટે દિવાળી મનાવવા આગ્રા પણ આવ્યા નહોતા."

તેઓ આ ઘટના અંગે આગળ વાત કરતાં કહે છે કે, "ગઈકાલે સમાચાર મળતાં જ હું સીધો અમદાવાદ દોડી આવ્યો. મારા ભાઈના આવસાનની મારી માને ખબર નથી. કેમિકલવાળી ટાંકી સાફ કરવાવાળા રાજનસિંહ અને અનીસસિંહ મારા પિતરાઈ ભાઈ જ થાય છે. એમને બચાવવા જતાં મારા ભાઈએ જીવ ગુમાવ્યો છે."

"જવાબદારો સામે કાર્યવાહી કરાશે"

આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા ગાંધીનગર ડીવાય. એસ. પી. એમ. કે. રાણાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું :

"અમને ફોન આવતાં જ ફાયર બ્રિગેડની ટીમ સાથે અમે ત્યાં પહોંચી ગયા હતાં. ફાયર બ્રિગેડે રૅસ્ક્યૂ કર્યું ત્યાર બાદ અમે આખી ઘટનાનું પંચનામું કર્યું."

"પાંચેયના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ થઈ ગયું છે. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવતાં જ અમે સંબંધિત વ્યક્તિઓ સામે જીવલેણ ગુનાઇત બેદરકારીનો ગુનો નોંધીશું. ગુનો દાખલ કરીને તમામ કસૂરવારોની ધરપકડ કરવામાં આવશે."

તેઓ સંબંધિત ઘટનામાં કસૂરવારો સામે કડક પગલાં લેવાનું જણાવતાં કહે છે કે, "આ ઘટનામાં ગુનાઇત બેદરકારી દાખવવામાં આવેલ છે. જે અંગે અમે FSLની પણ મદદ લીધી છે, પાંચ વ્યક્તિનાં મોતાના ગુનામાં કોઈ પણ કસૂરવારોને નિર્દોષ નહીં છોડાય. આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે."

ગાંધીનગરના ચીફ ફાયર ઑફિસર મહેશ મોઢે આ ઘટના અંગે વાત કરતાં કહ્યું કે, "અમે ગઈ કાલે સાવચેતીપૂર્વક કેમિકલની ટાંકીમાંથી પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢીને પોલીસને સોંપ્યા છે. અને આ અંગે કલોલ સિવિલ હૉસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવી રહ્યું છે."

આ પાંચેય કામદારોના મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કરનાર ડૉ. પરેશ દેસાઈએ કહ્યું કે, "અમે પોસ્ટમૉર્ટમ કર્યું એના પરથી હાલના તબક્કે તમામનાં મોત શ્વાસ રૂંધાવાથી થયાંનું દેખાય છે. અમારી બે ડૉક્ટરની પૅનલ આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ બે દિવસમાં પોલીસને આપશે."

બીબીસી ગુજરાતીએ આ અંગે ફેકટરીના માલિક શિવાંશુ રસ્તોગીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો