You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ દેશ, જેની સેના જ ત્યાંની પ્રજાનું ભવિષ્ય દાવ પર લગાવી રહી છે
સુદાનના લશ્કરી વડા જનરલ અબ્દેલ ફતાહ અલ-બુરહાને સોમવારે તખતાપલટો કરીને સત્તા આંચકી લીધી છે, જે બાદ સુદાનમાં 'ભારેલા અગ્નિ' જેની સ્થિતિ છે.
જોકે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ નેશન્સ સાથે વાટાઘાટો બાદ પદભ્રષ્ટ કરેલી સરકારને ફરી સત્તા સોંપવા તેઓ સંમત થયા છે.
સત્તાપલટો થયો એ બાદ સુદાનમાં સ્થિતિ તણાવભરી જ રહી છે, સુદાનમાં ઠેર-ઠેર લોકશાહીની તરફેણમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે.
સુદાનની રાજધાનીમાં રવિવારે પ્રદર્શન કરી રહેલા શિક્ષકો પર ડઝનબંધ ટિયરગેસ સેલનો મારો ચલાવાયો હતો.
ગૃહયુદ્ધને રોકવા સુદાનની સેનાએ સત્તા હસ્તગત કરી?
સત્તાપલટાને વાજબી ઠેરવતા સુદાનના બળવાખોર નેતા જનરલ અબ્દેલ ફતાહ અલ-બુરહાને કહ્યું હતું કે 'ગૃહયુદ્ધ' રોકવા માટે સૈન્યે સોમવારે સત્તા કબજે કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે પદભ્રષ્ટ કરાયેલા વડા પ્રધાનને 'સલામતી માટે' જનરલના ઘરે રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે.
લશ્કરી બળવાના વિરોધમાં રાજધાની ખાર્તુમમાં ચાર દિવસથી રસ્તાઓ, પુલ અને દુકાનો બંધ રાખીને વિરોધપ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યાં છે. ફોન અને ઇન્ટરનેટની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.
વિરોધપ્રદર્શનમાં દસથી વધારે લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જનરલ બુરહાને મંગળવારે એક ન્યૂઝ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "દેશ ગૃહયુદ્ધ તરફ ધકેલાઈ શકે તેવું જોખમ અમને ગયા અઠવાડિયે જણાયું હતું."
જનરલે કહ્યું હતું કે તેમણે પ્રજાતંત્રને વિખેરીને રાજકીય નેતાઓની ધરપકડ કરી છે અને કટોકટી લાદી છે, કારણ કે રાજકીય સંગઠનો નાગરિકોને સુરક્ષાદળો સામે ઊશ્કેરતાં હતાં.
ખાર્તુમ ખાતેના બીબીસીના સંવાદદાતા મોહમ્મદ ઉસ્માન કહે છે કે જનરલ બુરહાને મંત્રીઓની લાંબી યાદી તૈયાર કરી છે, તેમજ બે દિવસમાં ટોચના ન્યાયાધીશોની નિમણૂકોની જાહેરાત કરવાનું વચન આપ્યું છે, જે બળવો આયોજનપૂર્વક હોવાનું સૂચવે છે.
લશ્કરી બળવાની દુનિયાભરમાં નિંદા થઈ છે. US, UK, યુરોપિયન યુનિયન, UN અને સુદાન જેનું સભ્ય છે તે આફ્રિકન યુનિયન, આ બધાએ હેમડોકની કૅબિનેટના સભ્યો સહિત ધરપકડ કરાયેલા તમામ રાજકીય નેતાઓની તત્કાલ મુક્તિની માગ કરી છે.
UNના વડા એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે આફ્રિકા અને એશિયાને અસર કરતી સુદાનની 'બળવાખોરી મહામારીસમાન' છે અને તેમણે વિશ્વની 'મહાશક્તિઓ'ને એકસંપ થઈ યુએન સુરક્ષા પરિષદ થકી 'ભારે પ્રતિબંધ'નાં પગલાં લેવાં વિનંતી કરી હતી.
આ દરમિયાન, અમેરિકાએ સુદાનને આપવામાં આવતી 700 મિલિયન ડૉલરની સહાય અટકાવી દીધી અને યુરોપિયન યુનિયને સહાય અટકાવવાની ધમકી આપી છે. બંનેએ પૂર્વશરતો વિના પ્રજાતંત્રને બહાલ કરવાની માગ કરી છે.
પ્રદર્શનકારીઓની ધરપકડ
સોમવારથી સૈન્ય ઘરે-ઘરે જઈને સ્થાનિક પ્રદર્શનકારીઓની ધરપકડ કરી રહ્યું હોવાના અહેવાલ છે.
અમારા સંવાદદાતા કહે છે કે વિરોધપ્રદર્શનમાં રાજધાનીમાં સિટી સેન્ટરની નજીકનાં આવાસોમાંથી હજારો લોકો જોડાયા છે.
શહેરનું ઍરપૉર્ટ બંધ છે અને શનિવાર સુધી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
દેશની સેન્ટ્રલ બૅન્કનો સ્ટાફ હડતાળ પર હોવાના અહેવાલ છે અને સુદાનમાં ડૉકટરો ઇમર્જન્સી સિવાયની સ્થિતિમાં મિલિટરી હૉસ્પિટલોમાં કામ કરવાનો ઇનકાર કરી રહ્યા છે.
સત્તાનશીન ઓમર અલ-બશીરને 2019માં પદભ્રષ્ટ કરાયા ત્યારથી નેતાઓ અને સૈન્ય વડાઓ વચ્ચે મતભેદ પ્રવર્તે છે.
નેતાઓ અને સૈન્ય વડાઓ વચ્ચે સત્તા-વહેંચણીનો કરાર સુદાનને લોકશાહી તરફ લઈ જવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા એક મહિનામાં અનેક બળવાના પ્રયાસો સાથે તે તકલાદી પુરવાર થયો છે.
પાવર-શૅરિંગ કાઉન્સિલના વડા જનરલ બુરહાને જણાવ્યું હતું કે સુદાનમાં જુલાઈ 2023માં યોજાનારી ચૂંટણીઓ પછી પ્રજાતંત્રની સ્થાપનાનું વચન અપાયું હતું.
સૈન્ય સુદાનના ભવિષ્ય સાથે જુગાર કેમ રમી રહ્યું છે?
સુદાનના બળવાખોર નેતા જનરલ અબ્દેલ ફતાહ અલ-બુરહાને અંધારિયા કૂવામાં છલાંગ લગાવી છે.
તેમણે સુદાનની નવજાત લોકશાહીનું ગળું દાબવાનો પ્રયાસ કર્યો છે, દેવામાં રાહત અને આંતરરાષ્ટ્રીય સહાયને જોખમમાં મૂક્યાં છે અને સાથે જ બળવાખોરો સાથે જળવાયેલી શાંતિને જોખમમાં મૂકી છે.
સત્તા હડપી લેનાર જનરલ અબ્દેલ સુદાનની સોવરેન કાઉન્સિલના વડા હતા અને દેશની નાગરિક-લશ્કરી ગઠબંધન સરકારમાં સૈન્યનો ચહેરો હતા.
તેમણે દેશના પ્રજાતંત્ર દ્વારા નિયુક્ત મંત્રીમંડળને વિખેરી નાખ્યું અને જેમની સાથે આગામી વર્ષે ચૂંટણીઓ યોજાય, ત્યાં સુધી સત્તાની ભાગીદારી માટે સંમત થયા હતા તે વડા પ્રધાન અબ્દલ્લા હમડોક અને અન્ય અગ્રણી નાગરિકોની ધરપકડ કરી.
જનરલની નિરંકુશ મહત્ત્વાકાંક્ષાઓ કંઈ છાની ન હતી.
છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ હેમડોકના નેતૃત્વને પાડવા અધીરા બન્યા હતા અને એવો સંકેત આપતા હતા કે રાષ્ટ્રને બચાવવા માટે એક મજબૂત શાસકની જરૂર છે.
રાજધાની ખાર્તુમમાં તાજેતરના આર્મી-સમર્થિત પ્રદર્શનમાં હેમડોક પર પૂર્વમાં મુખ્ય બંદર પર નાકાબંધી દ્વારા અછતની સ્થિતિ સર્જીને લોકોનાં જીવનને દોજખ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સુદાનના ડેમોક્રૅટ્સ આર્મીના કાવતરાથી વાકેફ હતા અને આ બળવો 2013ના ઇજિપ્તમાં અબ્દુલ ફતાહ અલ-સીસીના લશ્કરી બળવાની નકલ જેવો લાગતો હતો.
સુદાન પ્રૉફેશનલ્સ ઍસોસિયેશન અને પાડોશી સમિતિઓના ટોળાએ અહિંસક વિરોધનું આયોજન કર્યું હતું, જેણે 2019માં રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીરનાં 30 વર્ષના શાસનનો અંત આણ્યો હતો.
પ્રદર્શનકારીઓ આર્મીના હાથે 2019માં ઓમર અલ-બશીરના સત્તાપલટાનું પુનરાવર્તન નહીં થવા દેવા માટે મક્કમ હતા.
રાજદ્વારીઓ પણ ચિંતિત હતા. યુ.એસ.ના વિશેષ દૂત જેફરી ફેલ્ડમેને આર્મી જનરલ્સ અને નેતાઓ વચ્ચે સમજૂતી માટે દબાણ ઊભું કરવા ખાર્તુમની મુલાકાત લીધી હતી.
હવે સંમતિ સધાઈ જશે એવી ધરપત સાથે તેઓ ગયા રવિવારે સત્તાપલટાના એક દિવસ પહેલાં નિકળી ગયા હતા.
થોડા જ કલાકોમાં આ બળવો થતાં અમેરિકનો હતાશ થવાની સાથે રોષે ભરાયા હતા.
બળવાખોરીનું જોખમ
જનરલ બુરહાન દાવો કરી રહ્યા છે કે બે વર્ષમાં બેવર્ષમાં ચૂંટણીઓ યોજાશે, મોટાભાગના સુદાનીઓને આ દાવો પચતો નથી.
દાર્ફુરમાં અબ્દેલ વાહિદ અલ-નૂરના નેતૃત્વમાં સુદાન મુક્તિ ચળવળ ચાલી રહી છે અને દક્ષિણ કોર્ડોફાનના નુબા પર્વતોમાં અબ્દેલ અઝીઝ અલ-હિલુના નેતૃત્વમાં સુદાન પીપલ્સ લિબરેશન મૂવમેન્ટ-નૉર્થ કામ કરી રહી છે.
બંને ચળવળકારો સરકાર સાથે શાંતિ મંત્રણા કરતા હતા પણ હવે નવા સંઘર્ષનું જોખમ તોળાઈ રહ્યું છે. સત્તા પર ગેરકાનૂની કબજો કરીને જનરલ બુરહાને એક મોટો જુગાર ખેલ્યો છે.
આ સ્થિતિમાં સુદાનના સૌથી મહત્ત્વના મુદ્દાઓ - અર્થતંત્ર, લોકશાહી અને શાંતિ - માટે કોઈ જવાબો મળતા નથી અને અશાંતિ અને રક્તપાતનું જોખમ સર્જે છે. આ સ્થિતિમાં જનરલ બુરહાનનાં વચનો પર કોણ વિશ્વાસ કરશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો