You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં દિવાળીની ભેટમાં ઈ-સ્કૂટર આપનાર કંપનીના માલિક કોણ?
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી ગુજરાતી
સુરતની ઍલાયન્સ કંપની દ્વારા દિવાળીની ભેટમાં તેમની કંપનીના 35 ઇજનેરોને ઈ-સ્કૂટર આપવામાં આવ્યાં છે, આ કંપની ઍમ્બ્રૉઇડરીનાં મશીનનું વેચાણ કરે છે.
હીરાઉદ્યોગ અને કાપડઉદ્યોગનું હબ મનાતા સુરતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં વિવિધ કંપનીઓએ તેમના કર્મચારીઓને ગાડી, ઘર જેવી ભેટ દિવાળીમાં આપી છે.
જોકે આ કંપની દ્વારા ઈ-સ્કૂટર એવા વખતે આપવામાં આવ્યાં છે, જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
કંપનીના માલિક સુભાષ દાવર કહે છે કે, "અમે ઍમ્બ્રૉઇડરી મશીન આયાત કરીએ છીએ અને તેનું વેચાણ કરીએ છીએ. મશીનના ઇન્સ્ટૉલેશન અને રિપેરિંગ માટે કંપની ઇજનેરો રાખે છે."
"અમારા 35 ઇજનેરો આખો દિવસ સ્થળ પર જઈને સર્વિસ આપે છે. તેમને રોજિંદા ઉપયોગ માટે અમે ઈ-સ્કૂટર ભેટમાં આપ્યાં છે."
પેટ્રોલ ભાવમાં વધારાને કારણે ઈ-સ્કૂટર અપાવ્યાં?
છેલ્લા ઘણા સમયથી પેટ્રોલિયમ પેદાશોના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, એ વખતે કંપની દ્વારા ઈ-સ્કૂટર આપવાનો નિર્ણય લેવાયો છે.
આ વિશે દાવર કહે છે, "અત્યાર સુધી તેઓ પરિવહન માટે પેટ્રોલથી ચાલતી બાઇકનો ઉપયોગ કરતા હતા."
"અમે તેમને ભેટમાં આપેલાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કંપની અને કર્મચારી બંનેનાં હિત જોયાં છે. વર્તમાનમાં ઈંધણની કિંમત બહુ વધી ગઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કંપનીને મહિને એક લાખ રૂપિયાનો પેટ્રોલનો ખર્ચ થતો હતો. ઈ-સ્કૂટરના આગમનથી કંપનીને ઈંઘણના ખર્ચમાં બચત થશે."
દાવરનું કહેવું છે કે પર્યાવરણ માટે પણ આ સારો વિકલ્પ છે.
તેઓ કહે છે કે, "આગામી સમયમાં બધાં ઇલેક્ટ્રિક વાહનો જ હોય, એવા ભારતનું સપનું અમે જોઈએ છીએ."
સ્કૂટરના બધા પૈસા કંપનીએ ચૂકવ્યા?
તાજેતરનાં વર્ષોમાં એક કંપનીએ દિવાળીમાં કર્મચારીઓને ભેટમાં વૈભવી કાર આપી હતી.
જોકે થોડા વખત બાદ પ્રકાશિત થયેલા અહેવાલોમાં કંપનીના કર્મચારીઓએ જ એવો આરોપ મૂક્યો હતો કે કારની પૂરી કિંમત કંપનીએ નહોતી ચૂકવી અને ઈએમઆઈ કર્મચારીઓએ ભરવાના હતા.
આ કિસ્સામાં પણ એ અંગે જાણવા પ્રયાસ કર્યો.
ઈ-સ્કૂટરનો તમામ ખર્ચ તમે ભોગવ્યો છે કે તેનો હિસ્સો કર્મચારીઓને પણ ચૂકવવાનો રહેશે? આ ઈ-સ્કૂટરની માલિકી કોની રહેશે?
આ પ્રશ્નોના ઉત્તરમાં સુભાષ દાવરે કહ્યું કે, "સંપૂર્ણ ચુકવણી કંપની કરી રહી છે અને કર્મચારીઓને ભેટ તરીકે આપવામાં આવ્યાં છીએ."
"એક લાખ રૂપિયાની પડતરકિંમતનાં સ્કૂટર છે. આમાં કંપનીનો ફાયદો એ છે કે કંપની દર મહિને ઈંધણ પાછળ એક લાખ રૂપિયા ચૂકવતી હતી."
"હવે એક મહિનાના ઈંધણ જેચલા ખર્ચમાંથી જ એક સ્કૂટરનો ખર્ચ નીકળી જશે. સાથે જ તેનો નિભાવખર્ચ પણ નથી."
દાવરનું કહેવું છે કે, "બીજો મોટો ફાયદો એ છે કે આ સ્કૂટરમાં જીપીએસ સિસ્ટમ છે. આનાથી કૉલ સેન્ટરમાં જાણકારી રહેશે કે કયા ઇજનેર કઈ ફેકટરીમાં સર્વિસ માટે ગયા છે."
ઈ-સ્કૂટર કોનાં નામે હશે?
દાવર જણાવે છે કે, "ડિલિવરી અમારી પાસે આવી ચૂકી છે, અમે સ્કૂટર જે-તે કર્મચારીઓને આપી પણ દીધાં છે. પાસિંગની પ્રક્રિયા એક-બે દિવસમાં પૂરી થઈ જશે."
કંપનીના ઇજનેર વિજય કહે છે, "મને કંપની દ્વારા ઈ-સ્કૂટર ભેટમાં આપવામાં આવ્યું છે."
"જૂની બાઇકમાં પેટ્રોલ ઉપરાંત મેન્ટનન્સનો ખર્ચ પણ હતો, હવે કંપનીએ ઈ-સ્કૂટર આપ્યું છે એટલે એ ખર્ચ બચી જશે."
સ્કૂટર તમારા નામ પર છે કે કંપનીના?
આ પ્રશ્નના જવાબમાં વિજયભાઈએ કહ્યું કે, "તે કોનાં નામે રહેશે તેની મને હજી જાણ નથી."
"અગાઉ 2007માં કંપનીએ બાઇક ભેટમાં આપી હતી, ત્યારે તે અમારાં નામે હતી. આ સ્કૂટર પણ અમારાં નામે રહેશે એવી ધારણા છે."
આવી ભેટ આપવાથી કંપનીને શું લાભ થાય?
કર્મચારીઓને ભેટ આપવાથી કંપનીને કોઈ ફાયદો થાય?
એ અંગે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં પ્રોફેસર અને મૅનેજમૅન્ટમાં પીએચડી થયેલાં પ્રો. સુનિતા નામ્બિયાર સાથે બીબીસીના રવિ પરમારે 2018માં વાત કરી હતી.
પ્રો. નામ્બિયારનું કહેવું હતું કે, "કર્મચારીઓને આવી ભેટ આપવાથી તેઓ કંપની પ્રત્યે વફાદાર રહે છે અને કંપની છોડીને જતા નથી."
"એક કર્મચારીને ભેટ મળે, તો તે જોઈને અન્ય કર્મચારીઓ પણ વધુ મહેનત કરે એવું બની શકે, જેથી કંપનીનું ઉત્પાદન અને નફો વધે છે."
ઍલાયન્સ કંપની
ઍલાયન્સ કંપનીના માલિક સુભાષ દાવરના જણાવ્યા પ્રમાણે આ કંપની 18 વર્ષથી ઍમ્બ્રૉઇડરીનાં મશીનનું વેચાણ કરે છે.
કંપનીનું ચીનની યુમી ઍમ્બ્રૉઇડરી મશીન નામની કંપની સાથે તેમનું જોડાણ છે.
આ કંપની ઍલાયન્સ બ્રાન્ડનૅમથી કૉમ્પ્યૂટરાઇઝ્ડ ઍમ્બ્રૉઇડરીનાં મશીનોનું વેચાણ કરે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો