પેટ્રોલ-ડીઝલ પર વધારે ટૅક્સ કોણ વસૂલે છે - કેન્દ્ર અથવા રાજ્ય સરકાર? : ફૅક્ટ ચેક

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો કેટલાક રાજ્યોમાં 100 રૂપિયા પ્રતિલિટરે પહોંચી ગયા છે. દર મહિને ભાવ એક નવી સપાટીને સ્પર્શી રહ્યો છે.

પેટ્રોલની વધતી કિંમતો મામલે કૉંગ્રેસ અને ભાજપ એકબીજા પર પ્રત્યારોપ કરે છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ-ડીઝલ પર એક મૅસેજ ઘણો વાઇરલ થયો છે.

આ મૅસેજમાં પેટ્રોલના ભાવનું બ્રેકઅપ દર્શાવીને એ દાવો કરવામાં આવી રહ્યો છે કે પેટ્રોલના વધતા ભાવ પાછળ મોદી સરકાર નહીં પરંતુ રાજ્ય સરકારોનો હાથ છે.

મૅસેજના આધારે કહેવાય છે કે રાજ્ય સરકારો પેટ્રોલના ભાવ પર વધુ ટૅક્સ વસૂલે છે, જે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવતા ટૅક્સ કરતા પણ વધુ છે. આથી પેટ્રોલના ભાવ સામાન્ય વ્યક્તિ માટે આટલા વધી થઈ ગયા છે.

દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે ‘દરેક પેટ્રોલ પંપ પર એક બોર્ડ લગાવવામાં આવે જેમાં પેટ્રોલના ટૅક્સ સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવે. જેમ કે મૂળ કિંમત – 35-.50, કેન્દ્ર સરકારનો ટૅક્સ – 19 રૂપિયા, રાજ્ય સરકારનો ટૅક્સ – 41.55 રૂપિયા, વિતરક-6.5 રૂપિયા, કુલ -103 રૂપિયા પ્રતિ લિટર."

"ત્યારે જનતા સમજશે કે પેટ્રોલના વધતા ભાવ માટે કોણ જવાબદાર છે.”

આ મૅસેજમાં એ બતાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે પેટ્રોલના ભાવમાં સૌથી મોટો હિસ્સો રાજ્ય સરકાર દ્વારા ટૅક્સના રૂપમાં વસૂલવામાં આવે છે.

ફૅક્ટ ચૅક

ઑપેક (તેલ નિકાસ કરતા દેશોનું સંગઠન) અનુસાર ભારત વિશ્વનો ત્રીજો સૌથી વધુ પેટ્રોલ આયાત કરતો દેશ છે, જ્યાં 30 લાખ બૅરલ ક્રૂડ પ્રતિદિવસ આયાત કરવામાં આવે છે, આર્થિક કારણસર આ માગ ગત છ વર્ષમાં સૌથી ઓછી છે.

પેટ્રોલને જીએસટીના અમલીકરણથી બહાર રખાયું છે. એટલે તેના પર જીએસટી નથી લાગતો. આથી તેના પર લાગતો ટૅક્સ દરેક રાજ્યોમાં અલગ-અલગ છે. સાથે જ દરેક દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો વધતી-ઘટતી રહે છે. આથી દરરોજ તેના ભાવ બદલતા રહે છે.

સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ઇંધણની કિંમતો ચાર સ્તરે નક્કી થાય છે.

- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ, રિફાઇનરી સુધી પહોંચવામાં લાગેલો કર (સમુદ્ર મારફતે આવનારા સામાન પર લાગતો કર)

- ડીલરનો નફો અને પેટ્રોલ પંપ સુધી પહોંચવાની સફર

- જ્યારે પેટ્રોલ પંપ પર પહોંચે છે તો અહીં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી ઍક્સાઇઝ ડ્યૂટી જોડવામાં આવે છે.

- સાથે જ રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતો વેલ્યૂ ઍડેડ ટૅક્સ એટલે કે વેટ પણ તેમાં સામેલ હોય છે.

કેન્દ્ર સરકાર કેટલો ટૅક્સ વસૂલે છે?

હવે સવાલ એ છે કે કેન્દ્ર સરકાર ઍક્સાઇઝ ડ્યૂટીના નામ પર કેટલા પૈસા વસૂલે છે?

વર્તમાન સમયમાં પેટ્રોલ પર 32.90 રૂપિયા પ્રતિલિટર ઍક્સાઇઝ ડ્યૂટી લાગે છે. વર્ષ 2014થી લઈને 2021 સુધી પેટ્રોલ અને ડીઝલની ઍક્સાઇઝ ડ્યૂટીને કેન્દ્ર સરકારે 300 ટકા વધારી છે. આ તથ્ય આ જ વર્ષે કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું.

વર્ષ 2014માં પેટ્રોલ પર 9.48 રૂપિયા પ્રતિલિટર ઍક્સાઇઝ ડ્યૂટી લાગતી હતી, આજે વધીને 32.90 રૂપિયા થઈ ગઈ છે.

ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનની વેબસાઇટ પર દિલ્હીમાં પેટ્રોલના ભાવની વિગતો આપવામાં આવી છે. તેનાથી સરળતાથી સમજી શકાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી કોણ જનતા પાસેથી કેટલો ટૅક્સ વસૂલે છે.

16 જુલાઈ, 2021થી લાગુ આ આંકડા દર્શાવે છે કે પેટ્રોલની મૂળ કિંમત 41 રૂપિયા પ્રતિલિટર છે.

તેમાં ફ્રેઇટ ચાર્જ (કાર્ગો જહાજો લાવવા માટે લાગતો કર) 0.38 રૂપિયા પ્રતિલિટર લાગે છે. તેમાં 32.90 રૂપિયા ઍક્સાઇઝ ડ્યૂટી જે કેન્દ્ર સરકારના ખાતામાં જાય, તે લાગે છે. તથા 3.85 રૂપિયા ડીલરનો નફો ગયો છે. હવે આના પર દિલ્હી સરકાર તરફથી નક્કી કરાયેલો 23.43 રૂપિયાનો વેટ લાગે છે અને આ રીતે દિલ્હીમાં પેટ્રોલની કુલ કિંમત 101.54 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ.

દિલ્હી સરકાર પેટ્રોલ પર 30 ટકા વેટ લે છે, જે ઍક્સાઇઝ ડ્યૂટી, ડીલર ચાર્જ, ફ્રેઇટ ચાર્જ બધું જ પેટ્રોલ પર જોડાય ત્યારે લાગે છે.

પરંતુ કેન્દ્ર સરકાર તરફથી લાગતી ઍક્સાઇઝ ડ્યૂટી, પેટ્રોલની મૂળ કિંમત, ડીલરનો નફો અને ફ્રેઇટ ચાર્જને જોડીને લાગુ કરાય છે. સરકાર આ માટે કોઈ ટકાવારી નથી નક્કી કરતી. પરંતુ એક રકમ નક્કી કરે છે. 16 જુલાઈના આંકડા અનુસાર તે 32.90 રૂપિયા છે.

રાજ્ય સરકાર કેટલો ટૅક્સ લે છે?

26 જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં જણાવ્યું કે સૌથી વધુ વેટ મધ્ય પ્રદેશ સરકાર પેટ્રોલ પર લે છે. જે 31.55 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે ડીઝલ પર સૌથી વધુ વેટ રાજસ્થાન સરકાર લે છે જે 21.82 રૂપિયા પ્રતિલિટર છે. એટલે કે રાજ્ય સરકાર સૌથી વધુ વેટ પેટ્રોલ પર લગાવી રહી છે, એ પણ કેન્દ્ર સરકારની ઍક્સાઇઝ ડ્યૂટી કરતા ઓછો છે.

સૌથી ઓછો વેટ લગાવનાર આંદામાન નિકોબાર દ્વીપસમૂહ છે, જ્યાં પેટ્રોલ પર 4.82 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલ પર 4.74 પ્રતિલિટર વેટ લાગે છે.

રાજ્ય સરકારો વેટ સાથે સાથે કેટલીક વાર અન્ય ટૅક્સ પણ જોડે છે જેને ગ્રીન ટૅક્સ, ટાઉન રેટ ટૅક્સ જેવા નામો આપવામાં આવે છે.

ગુજરાતની વાત કરીએ તો હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલ પર 21 ટકા જેટલો ટેક્સ લે છે. આ ટેક્સમાં 17 ટકા વેટ અને 4 ટકા સેસનો સમાવેશ થાય છે.

પેટ્રોલ અને ડીઝલ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને માટે કમાણીનો મોટો સ્રોત હોય છે.

ફૅક્ટ ચૅક : વર્તમાન સમયમાં કરવામાં આવતો દાવો અમારા ફૅક્ટ ચૅકમાં ખોટો ઠર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી વસૂલાતી ક્સાઇઝ ડ્યૂટી કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા વસૂલાતા વેટ કરતા વધારે છે. એ વાત સરકારે ખુદ સંસદમાં આપેલા જવાબમાં સ્વીકારી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો