You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાકેશ અસ્થાના : દિલ્હીના પોલીસકમિશનર બનેલા ગુજરાતના એ અધિકારી, જે 'મોદીના વહાલા' કહેવાયા હતા
ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાની મંગળવારે દિલ્હીના પોલીસકમિશનર તરીકે નિયુક્તિ કરાઈ છે અને તેનો વિરોધ થઈ રહ્યો છે.
દિલ્હી વિધાનસભાએ દિલ્હીના પોલીસકમિશનર તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂકના વિરોધમાં ઠરાવ પસાર કર્યો છે અને ગૃહ મંત્રાલય સમક્ષ આ નિમણૂક રદ કરવાની માગ પણ કરી છે.
આ ઠરાવનો દિલ્હી વિધાનસભાના વિરોધ પક્ષ ભાજપના નેતા રામવિરસિંહે વિરોધ પણ કર્યો હતો અને રાકેશ અસ્થાનાની નિમણૂકને યોગ્ય ઠેરવી હતી.
મોદી સરકાર દ્વારા રાકેશ અસ્થાનાની છેલ્લાં ત્રણ વર્ષમાં પાંચ અલગ-અલગ મહત્ત્વના પદો પર નિમણૂક કરાઈ છે.
1961માં જન્મેલા રાકેશ અસ્થાના 31મી જુલાઈએ સેવાનિવૃત્ત થઈ રહ્યા હતા, એ દરમિયાન સરકારે એક વર્ષનો મુદતવધારો કરી આપ્યો છે.
ત્રણ વર્ષમાં પાંચ મહત્ત્વપૂર્ણ પદો પર નિયુક્તિની બાબતને અસામાન્ય ગણવામાં આવે છે. આ વર્ષો દરમિયાન રાકેશ અસ્થાના અનેક વિવાદોમાં પણ ઘેરાયેલા રહ્યા છે.
કોણ છે રાકેશ અસ્થાના?
રાકેશ અસ્થાના 1984ની બેચના ગુજરાત કૅડરના IPS ઑફિસર છે, તેઓ 1992થી 2002 વચ્ચે સીબીઆઈમાં સેવા આપી રહ્યા હતા.
તેમણે અનેક મહત્ત્વના કેસ સંભાળ્યા છે, જેમાં લાલુ પ્રસાદ યાદવના કથિત ઘાસચારા કૌભાંડથી માંડીને 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવાના કેસનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2002માં જ્યારે ગોધરા સ્ટેશને સાબરમતી એક્સ્પ્રેસના એસ-6 કોચમાં આગ લાગી હતી, ત્યારે સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં રાકેશ અસ્થાનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, એ વખતે અસ્થાના વડોદરામાં રૅન્જ આઈજી હતા.
બહુચર્ચિત એવા આસારામ અને નારાયણ સાંઈના કેસની તપાસ પણ તેમણે કરી છે.
ડિસેમ્બર 2016થી 2017 સુધી તેમણે સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.
ગુજરાતમાં પોતાના કાર્યકાળ દરમિયાન રાકેશ અસ્થાના સુરત અને વડોદરાના પોલીસકમિશનર તરીકે અને અમદાવાદ શહેરના જૉઇન્ટ પોલીસકમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
'મોદીના વહાલા' રાકેશ અસ્થાના
2018માં સીબીઆઈએ તેમના જ તત્કાલીન સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે લાંચના મામલે ફરિયાદ નોંધી હતી.
એ વખતે જ રાકેશ અસ્થાનાએ સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા સામે અનેક મામલામાં કરોડો રૂપિયાની લાંચ લેવા સંબંધિત ફરિયાદ કૅબિનેટ સેક્રેટરીને મોકલી હતી.
આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી હતી અને એ વખતે રાહુલ ગાંધીએ અસ્થાનાને નરેન્દ્ર મોદીના 'બ્લૂ આઇડ બૉય' (વહાલા) ગણાવ્યા હતા.
રાહુલ ગાંધીએ એ વખતે ટ્વીટ કર્યું હતું, "વડા પ્રધાન મોદીના વહાલા અને ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી કે જેમણે ગોધરા કેસની તપાસ કરી હતી, તે રાકેશ અસ્થાના લાંચ લેતા પકડાયા છે."
રાકેશ અસ્થાનાની સીબીઆઈમાં નિયુક્તિ અને વિવાદ
2014માં જ્યારે ભાજપે કેન્દ્રની સરકારની બાગડોર સંભાળી ત્યારથી જ રાકેશ અસ્થાનાની સીબીઆઈમાં નિમણૂક મુદ્દે શક્યતાઓ સેવાઈ રહી હતી.
આખરે રાકેશ અસ્થાનાની સીબીઆઈમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ થઈ અને એ સાથે જ વિવાદ શરૂ થઈ ગયો હતો.
આ નિયુક્તિને કૉમન કૉઝ નામના એનજીઓએ પડકારી હતી, સંસ્થા વતી દલીલ કરતાં વકીલ પ્રશાંત ભૂષણે આરોપ મૂક્યો હતો કે 'ઇન્કમટૅક્સ વિભાગે સ્ટર્લિંગ બાયૉટેકને ત્યાં પાડેલા દરોડા વખતે મળેલી ડાયરીમાં રાકેશ અસ્થાનાનું નામ હતું. આ કેસમાં સીબીઆઈએ તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી હતી.'
સરકારે આ નિયુક્તિને કોર્ટમાં વાજબી ઠેરવતાં રાકેશ અસ્થાનાની 'હાઈપ્રોફાઇલ કૅરિયર'નો ઉલ્લેખ કર્યો હતો.
સરકારે કહ્યું હતું કે તેમણે કોલસા, કિંગફિશર ઍરલાઇન્સ, અગસ્ટા વેસ્ટલૅન્ડ કૌભાંડ સહિત 40થી વધુ હાઈપ્રોફાઇલ કેસનું સુપરવિઝન કર્યું છે.
લાલુ પ્રસાદ યાદવની ધરપકડ
બિહારના પૂર્વ મુખ્ય મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં જેલના સળિયા પાછળ ધકેલવામાં અસ્થાનાની મહત્ત્વની ભૂમિકા રહી છે.
સીબીઆઈમાં કાર્યકાળ દરમિયાન આ કૌભાંડની તપાસ અસ્થાનાએ સંભાળી હતી અને તેની ચાર્જશીટ પણ તૈયાર કરી હતી.
જેમાં એક આરોપી તરીકે લાલુ પ્રસાદ યાદવનું નામ પણ હતું.
એ સમયે જ્યારે લાલુ પ્રસાદ યાદવ માત્ર બિહાર જ નહીં, દેશના સૌથી શક્તિશાળી નેતાઓમાં સ્થાન ધરાવતા હતા, ત્યારે રાકેશ અસ્થાનાએ જ તેમની ધરપકડ કરી હતી.
તેઓ 2001 સુધી ચારા કૌભાંડની તપાસનો ભાગ હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો