You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગટરની સફાઈ કરતાં મૃત્યુ પામેલા કામદારો સરકારી ગણતરીમાં સામેલ નહીં? - ફૅક્ટ ચેક
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
કેન્દ્ર સરકારનું કહેવું છે કે ગત પાંચ વર્ષમાં મૅન્યુઅલ સ્કૅવેંજિંગ (હાથથી ગટરની સફાઈ) દરમિયાન કોઈ પણ સફાઈકર્મીનું મૃત્યુ થયું નથી.
28 જુલાઈએ રાજ્યસભામાં સામાજિક ન્યાયમંત્રી રામદાસ આઠવલેએ મલ્લિકાર્જુન ખડગે અને એલ. હનુમંતૈયા તરફથી પુછાયેલા એક સવાલના જવાબમાં જણાવ્યું કે "ગત પાંચ વર્ષમાં મૅન્યુઅલ સ્કૅવેંજિંગથી કોઈનું મૃત્યુ થયું હોવાનો મામલો સામે આવ્યો નથી."
પરંતુ નવાઈની વાત એ છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં બજેટસત્ર દરમિયાન લોકસભામાં એક લેખિત જવાબમાં સામાજિક ન્યાયમંત્રી રામદાસ આઠવલેએ જ જણાવ્યું હતું કે ગત પાંચ વર્ષમાં સેપ્ટિક ટૅન્ક અને ગટર સાફ કરતી વખતે 340 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ડેટા 31 ડિસેમ્બર, 2020 સુધીનો હતો.
વર્ષ 2020માં સરકારની જ સંસ્થા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે વર્ષ 2010થી લઈને માર્ચ 2020 સુધી એટલે કે દસ વર્ષમાં 631 લોકોનાં મૃત્યુ સેપ્ટિક ટૅન્ક અને ગટરસફાઈ દરમિયાન થયાં હતાં.
પરંતુ હવે સરકારે કહ્યું કે ગત પાંચ વર્ષમાં એક પણ મૃત્યુ મૅન્યુઅલ સ્કૅવેંજિંગને કારણે થયું નથી.
એ સમજવું પડશે કે વર્ષ 2013માં મૅન્યુઅલ સ્કેવેજિંગ (હાથથી ગટરની સફાઈ) નિયોજન નિષેધ અને પુનર્વાસ અધિનિયમ લવાયો હતો અને અહીં સરકારે 'મૅન્યુઅલ સ્કૅવેંજર'ની પરિભાષા નક્કી કરી છે.
આ પરિભાષા અનુસાર, "કોઈ વ્યક્તિ પાસેથી સ્થાનિક પ્રશાસન હાથથી મેલું ઉપડાવે, સફાઈ કરાવે, એવી ખુલ્લી ગટર કે ખાડા (જેમાં માણસનું મળ-મૂત્ર ભેગું થતું હોય)ને હાથથી સાફ કરાવડાવે તો એ વ્યક્તિ 'મૅન્યુઅલ સ્કૅવેંજર કહેવાશે."
આ અધિનિયમના ત્રીજા અધ્યાયાના સાતમા પ્રકરણમાં કહેવાયું છે કે આ લાગુ થયા બાદ કોઈ સ્થાનિક અધિકારી કે કોઈ અન્ય વ્યક્તિ કોઈને પણ સેપ્ટિક ટૅન્ક કે ગટરમાં 'જોખમભરી સફાઈ' કરવાનું કામ ન સોંપી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધિનિયમમાં સેપ્ટિક ટૅન્ક અને ગટરના સંદર્ભમાં 'જોખમભરી સફાઈ'ને પણ પરિભાષિત કરવામાં આવી છે.
તેનો મતલબ કે દરેક સ્થાનિક પ્રશાસને હાથથી મેલું ઉપાડવાની વ્યવસ્થાને ખતમ કરવા માટે ગટર અને સેપ્ટિક ટૅન્કની સફાઈ માટે આધુનિક તકનીકને અપનાવવી પડશે. કોઈ પણ અધિકારી કે તંત્ર સેપ્ટિક ટૅન્ક અને ગટર સાફ કરવા માટે સુરક્ષાસાધન આપ્યાં વિના સફાઈકર્મી પાસેથી સફાઈ ન કરાવી શકે. આ સંપૂર્ણ પ્રતિબંધિત છે.
જોકે સત્ય એ છે કે ગટર અને સેપ્ટિક ટૅન્કની સફાઈ દરમિયાન મોટા ભાગના સફાઈકામદારને ગટરમાં ઊતરવું જ પડે છે.
'માત્ર આ વર્ષે અત્યાર સુધીમાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે'
સફાઈ કર્મચારી આંદોલનના રાષ્ટ્રીય સંયોજક બેઝવાડા વિલ્સને બીબીસી સાથે સરકારના આ નિવેદન પર વાત કરતા કહ્યું, "આ પાંચ વર્ષમાં સફાઈ દરમિયાન 472 સફાઈકર્મીનાં મૃત્યુ થયાં છે."
"અગાઉ સરકારે 340 લોકોનાં મૃત્યુની વાત માની હતી, પણ તેમાં પણ 122 લોકોની ગણતરી નહોતી કરાઈ. આ વર્ષે 2021માં અત્યાર સુધીમાં 26 લોકોનાં મૃત્યુ ગટરની સફાઈ સમયે થયાં છે. તો હવે કુલ 498 લોકોનાં મૃત્યુ થયાં છે, જેને સરકાર સંપૂર્ણ ફગાવી રહી છે."
વિલ્સન કહે છે, "સરકાર તો પહેલાં એમ પણ કહેતી હતી કે દેશમાં હાથથી મેલું ઉપાડવાનું ચલણ ખતમ થઈ ગયું છે, પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારી પાસે પ્રમાણ છે કે આ કામ બેરોકટોક ચાલે છે, ત્યારે સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ પર વર્ષ 2013માં કાયદા લાવી હતી."
"હવે જ્યારે કોર્ટે દખલ દેવાનું બંધ કરી દીધું છે તો ફરી એ જ વાત કહી રહ્યા છે કે દેશમાં મૅન્યુઅલ સ્કૅવેંજિંગ નથી, તેનાથી કોઈ મરતું નથી. વિચારો કે લોકો મરી રહ્યા છે અને કેવી રીતે એક મંત્રી સંસદમાં કહે છે કે કોઈ મૃત્યુ જ થયું નથી."
પરિભાષાની વ્યાખ્યા પર સવાલ
સરકાર તકનીકી પરિભાષાના હવાલાથી આ દાવો કરી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે કેન્દ્ર સરકારે સંસદમાં 340 લોકોનાં સફાઈ દરમિયાન મૃત્યુના આંકડા રજૂ કર્યા ત્યારે ત્યાં 'મૅન્યુઅલ સ્કૅવેંજિંગ' શબ્દનો ઉપયોગ ન કરીને 'ગટર અને સેપ્ટિક ટૅન્કની સફાઈ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.
એટલે કે 2013ના અધિનિયમથી વિપરીત સરકાર ગટર સાફ કરનારા લોકોને મેન્યુઅલ સ્કૅવેંન્જર માનતી નથી.
આ સવાલ પર વિલ્સન કહે છે, "આ લોકો પરિભાષાની વાત કરી રહ્યા છે કે મૅન્યુઅલ સ્કૅવેંજિંગનો મતલબ હાથથી મેલું ઉપાડવું છે અને એ થતું નથી, પરંતુ જે લોકો ગટરમાં ઊતરી રહ્યા છે, શું એ લોકો મળને અડ્યા વિના કામ કરી રહ્યા છે? એ તો પોતે મળમાં ડૂબી રહ્યા છે."
"કાયદો એ જ કહે છે કે માનવમળ-મૂત્ર, ગટર, સેપ્ટિક ટૅન્કને કોઈ પણ રીતે હાથથી સાફ કરવામાં આવે એ પ્રતિબંધિત છે. તો પરિભાષાના આધારે પણ આ ખોટું છે. એ લોકોએ સમજવું પડશે કે તેઓ આ લોકોના જીવ સાથે આવું ન કરી શકે."
બેઝવાડા વિલ્સન કહે છે, "સરકાર તો એ પણ કહી રહી છે કે ઓક્સિજનની કમીને કારણે દેશમાં લોકો મર્યા નથી, તો શું આપણે જે જોઈ રહ્યા છીએ કે જોયું છે એ બધાની પુષ્ટિ પણ સરકારનાં નિવેદનોથી થશે?"
"એ સૌથી સરળ રીત છે કે કહી દો કે કોઈ ડેટા નથી અને સવાલો અને પરેશાનીઓથી બચી જાવ, કેમ કે જો તમે ડેટા આપ્યા તો તમને સવાલ પૂછવામાં આવશે અને ડેટા સાચો નહીં હોય તો લોકો સવાલ ઉઠાવશે."
"આથી એમ કહી દો કે આવું કંઈ થયું નથી અને ડેટા જ નથી. જવાબદારીથી બચવાનો આનાથી સરળ ઉપાય બીજો શું હોઈ શકે?"
મૃત્યુ, જેને સરકાર માનતી નથી
- જાન્યુઆરી 2019માં બીબીસીએ કિશનલાલનાં પત્ની ઇંદુ દેવી સાથે મુલાકાત કરી હતી. તેઓ પોતાનાં ત્રણ બાળકો સાથે તિમારપુરની ઝૂંપડીમાં બેઠાં હતાં. આ પરિવારમાં એકમાત્ર કમાનારા કિશનલાલનું ગટરની સફાઈ વખતે મૃત્યુ થયું હતું. પરિવારજનોનું કહેવું હતું કે સફાઈ સમયે તેમને વાંસનો ડંડો પણ આપવામાં આવ્યો નહોતો.
- એક સરકારી રિપોર્ટ દર્શાવે છે કે 23 નવેમ્બર, 2019માં અશોક નામના એક સફાઈકર્મીનું ઝેરીલા ગૅસને કારણે ગૂંગળામણને લીધે મૃત્યુ થયું હતું. અશોક દિલ્હીના શકુરપુરમાં એક ગટરમાં સફાઈનું કામ કરતા હતા.
- 26 જૂન, 2019માં હરિયાણાના રોહતકમાં ગટરસફાઈ સમયે ચાર સફાઈકામદારનાં મૃત્યુ થયાં હતાં.
- 28 ઑગસ્ટ, 2019માં ઉત્તર પ્રદેશના મથુરામાં ચાર સફાઈકામદારનાં મૃત્યુ ગટરની સફાઈ સમયે થયાં હતાં.
- ફેબ્રુઆરી 2020માં 24 વર્ષીય રવિનું મોત 15 ફૂટ ઊંડી ગટરની સફાઈ સમયે થયું હતું. દિલ્હીના શાહદરા વિસ્તારમાં રવિ અને 35 વર્ષીય સંજયને ગટરસફાઈનું કામ મળ્યું હતું, પરંતુ રવિનું ઝેરીલા ગૅસને કારણે મૃત્યુ થયું. સંજયને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેમનો જીવ બચી ગયો હતો.
- માર્ચ 2021માં દિલ્હીના ગાઝીપુરમાં એમ્પરર બૅન્ક્વેટ હૉલની ગટરસફાઈ કામ 1500 રૂપિયામાં લોકેશ અને પ્રેમચંદને અપાયું હતું, પરંતુ આ બંનેનાં મૃત્યુ ગટરમાં ગૂંગળાવાથી થયાં હતાં.
- 28 મે, 2021માં એક 21 વર્ષીય સફાઈકામદારનું મૃત્યુ થયું હતું, કેમ કે તેમને કોઈ સુરક્ષાસાધન વિના કૉન્ટ્રાક્ટરે ગટરમાં ઉતારી દીધો હતો.
આ કેટલાંક એવાં નામ છે, જેમનાં મૃત્યુ ગટરની અંદર સફાઈ કરવાને કારણે થયાં છે. આ રીતે મૃત્યુ પામનારનું લિસ્ટ લાંબું છે, પરંતુ સરકારી દસ્તાવેજોમાં આ લોકોને કોઈ સ્થાન મળ્યું નથી.
તેમનાં નામ તો શું સરકાર તેમની સંખ્યાનો હિસાબ પણ રાખતી નથી. કેન્દ્ર સરકાર માને છે કે આમાંથી કોઈનું મૃત્યુ હાથથી મેલું ઉપાડતા કે ગટરસફાઈ સમયે થયું નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો