આસામ-મિઝોરમ વિવાદ : બ્રિટિશરોએ લીધેલો એ નિર્ણય, જેના કારણે બે ભારતીય રાજ્યોની સરહદ હજી સળગે છે

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

આસામ અને મિઝોરમના સરહદવિવાદે ફરી એક વખત હિંસક રૂપ લીધું છે.

સરહદવિવાદની આ હિંસક ઘટના કેટલી ગંભીર છે, એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે એક તરફ આસામે મિઝોરમના છ સત્તાધિકારીઓ અને એક માત્ર સાંસદને નોટિસ પાઠવી છે અને બીજી તરફ મિઝોરમે આસામના મુખ્ય મંત્રી હેમંત બિસ્વા સરમા સહિત છ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

સોમવારે આસામ-મિઝોરમના પોલીસકર્મીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું અને એમાં આસામના છ પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા અને અનેક ઘાયલ થયા.

ભારતનાં જ બે રાજ્યો વચ્ચેની સરહદે હિંસા થઈ, એના 48 કલાક પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શિલોંગ ખાતે પૂર્વોત્તરનાં સાત રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી.

શનિવારે અમિત શાહે નિવેદન આપ્યું હતું કે "કેન્દ્રની એનડીએ સરકાર પૂર્વોત્તરનાં રાજ્યો વચ્ચેના સીમાવિવાદને ઉકેલવા કટિબદ્ધ છે."

જોકે બે દિવસમાં જ મિઝોરમ અને આસામની સરહદે સ્થિતિ વણસી અને હજી ઊકળતા ચરુ જેવી છે.

મિઝોરમનો આક્ષેપ છે કે આસામે સરહદ પર મોટી સંખ્યામાં પોલીસકર્મચારીઓને ગોઠવી દીધા છે અને કેન્દ્ર સરકારને આ મામલે દરમિયાનગીરી કરવા અરજ કરી છે.

બીજી તરફ આસામનું કહેવું છે કે તેમને કાફલો હઠાવી લીધો છે પણ મિઝોરમે હઠાવ્યો નથી.

આસામ પોલીસે તેમના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી એક ઑર્ડર ટ્વીટ કર્યો છે અને સાથે લખ્યું છે, "આસામ-મિઝોરમ સરહદ પર મિઝોરમ તરફથી આવતાં તમામ વાહનોની પોલીસકર્મીઓ દ્વારા ઝડતી લેવામાં આવશે."

બે દેશો વચ્ચે હોય એવી 'નો મૅન્સ લૅન્ડ'

સાદી ભાષામાં સમજીએ તો 'નો મૅન્સ લૅન્ડ' એટલે એવો ભૂમિભાગ જેની પર કોઈનો અંકુશ ન હોય.

સામાન્ય રીતે બે દેશોની સરહદો વચ્ચે અથવા યુદ્ધમાં બે સેનાની છાવણીઓ વચ્ચે આ પ્રકારે 'નો મૅન્સ લૅન્ડ' નક્કી કરવામાં આવે છે. જે જમીન બંનેમાંથી એક પણ પક્ષના તાબે ન હોય.

ભારતની પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન અને નેપાળ સાથેની સરહદો પર આ પ્રકારનો ભૂમિભાગ આવેલો છે પણ આવી જ 'નો મૅન્સ લૅન્ડ' ભારતનાં જ બે રાજ્યો મિઝોરમ અને આસામ વચ્ચે પણ છે.

આ 'નો મૅન્સ લૅન્ડ' પર ઘણી વખત જાણે અજાણે સ્થાનિકો બાંધકામ કરે છે અને અનેક વખત તેના કારણે બંને રાજ્યો વચ્ચે વિવાદ સર્જાયા છે.

આસામ અને મિઝોરમ એ પૂર્વોત્તર ભારતનાં 'સેવન સિસ્ટર સ્ટેટ' પૈકીનાં બે છે. આસામના ત્રણ જિલ્લા કચર, હૈલાકાંડી અને કરિમગંજ મિઝોરમના ત્રણ જિલ્લા કોલાસિબ, મમિત અને ઐઝવાલ સાથે અંદાજે 164 કિલોમીટરની સરહદ ધરાવે છે.

ડુંગરાળ પ્રદેશ મિઝોરમને કૂટનીતિની દૃષ્ટિએ પણ મહત્ત્વનું રાજ્ય માનવામાં આવે છે, તે ભારતના બે પાડોશી દેશ મ્યાંમાર અને બાંગ્લાદેશ સાથે 722 કિલોમિટરની સરહદ ધરાવે છે.

આ સાથે જ ભારતનાં ત્રિપુરા, આસામ અને મણિપુર તેનાં પાડોશી રાજ્યો છે.

આસામનો કચર જિલ્લો પણ ભૌગોલિક દૃષ્ટિએ સંવેદનશીલ મનાય છે, આ જિલ્લો પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાડોશી રાજ્યો મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સાથે જોડાયેલો છે. જે સ્થળે બંને રાજ્યો વચ્ચે હાલમાં ઘર્ષણભરી સ્થિતિ સર્જાઈ છે તે આ જિલ્લામાં જ આવે છે.

મિઝોરમનો તેનાં બે પાડોશી રાજ્યો આસામ અને ત્રિપુરા સાથેનો સરહદવિવાદ લાંબા અરસાથી ચાલ્યો આવે છે, જેને સમજવા માટે તારીખિયામાં પાછળ જવું પડશે.

ભારતની આઝાદી વખતે

ડૉ. જે. વી. હ્લુના અને રિનિ તોછવાંગે વિધાનસભાની ચર્ચાઓને સંપાદિત કરીને તૈયાર કરેલા પુસ્તક 'ધ મિઝો અપરાઇઝિંગ'માં લખ્યું છે:

"ભારતની આઝાદી વખતે એક મહત્ત્વનો પ્રશ્ન એ હતો કે 'મિઝો હિલ્સ'ની ભવિષ્યની સ્થિતિ શું હશે? તે ભારત, મ્યાંમાર અથવા પાકિસ્તાન સાથે હાથ મિલાવશે; બ્રિટિશ તાબા હેઠળની 'ક્રાઉન કૉલોની' બનશે; કે પછી એક સ્વતંત્રણ રાજ્ય બનશે?"

પુસ્તકમાં આગળ લખ્યું છે કે જો ત્યાંના લોકોએ એ વખતે માગ કરી હોત તો કદાચ ત્યાં સિલહટ જિલ્લાની માફક લોકમત લેવાયો હોત.

ઉલ્લેખનીય છે કે સિલહટ જિલ્લો આજે બાંગ્લાદેશમાં આવેલો છે.

જોકે મિઝો યુનિયન (જેને લેખક ત્યાંનો પ્રથમ રાજકીય પક્ષ ગણાવે છે) ભારત સાથે હાથ મિલાવવા માટે તૈયાર થયું હતું. જેમના પ્રભાવમાં તમામ સ્થાનિક નેતાઓ ભારત સંઘમાં સામેલ થવા તૈયાર થઈ ગયા પણ સાથે એક શરત મૂકી.

શરત એવી હતી કે 'દસ વર્ષ પછી જો મિઝો લોકો ઇચ્છે તો તેમને ભારત સંધમાંથી અલગ થવાનો અધિકાર રહેશે.'

મિઝો સરદારો પર બ્રિટિશ સત્તાનો કસાતો પંજો

અહીં બ્રિટિશરોના આગમન પહેલાં અહીંનાં ગામોમાં મિઝો સરદારો રાજ કરતા હતા.

પદ્માલયા મહાપાત્રા અને એલ. ઝોતે તેમના લેખ 'પોલિટિકલ ડેવલપમૅન્ટ ઇન મિઝોરમ'માં લખે છે કે પરંપરાગત મિઝો રાજનીતિમાં કબીલા અને સરદારી મહત્ત્વનાં પાસાં છે.

ત્યાનાં ગામો પર રાજ કરતાં મિઝો સરદારો માટે તેઓ 'મિઝો ચીફ' એવો અંગ્રેજી શબ્દ વાપરે છે.

ઐઝવાલમાં સ્થિત યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. લાલથાકિમા નોંધે છે કે "મિઝો ભાષામાં આ સરદારો માટે 'લાલ' શબ્દ વપરાતો હતો, જેનો અર્થ સ્વામી થાય છે."

બ્રિટિશરનું અહીં આગમન થયું, એ વખતે આ પ્રદેશ 'લુશાઈ લૅન્ડ', 'લુશાઈ હિલ્સ'ના નામે ઓળખાતો હતો. કેટલાક લેખકો તેના માટે 'મિઝો હિલ્સ' પણ શબ્દ વાપરે છે.

મિઝોરમની રાજનીતિ અને ઇતિહાસ પર લખાયેલાં પુસ્તકોમાં લુશાઈ હિલ્સમાં બ્રિટિશરોના આગમનનો પહેલો ઉલ્લેખ 1871ના વર્ષની આસપાસનો મળે છે, એ બાદ બ્રિટિશરોની અહીં અવરજવર શરૂ થઈ ગઈ હતી.

પદ્માલયા મહાપત્રા અને એલ. ઝોતે લખે છે, એ પ્રમાણે મિઝો સરદારોએ બ્રિટિશ તાબા હેઠળના કેટલાક વિસ્તારોમાં લશ્કરી છાપા માર્યા અને પરિણામે વર્ષ 1891માં લુશાઈ હિલ્સનો વિસ્તાર બ્રિટિશરના અંકુશ હેઠળ આવી ગયો હતો.

કેટલાંક વર્ષો સુધી અંગ્રેજોએ આંતરિક બાબતોમાં દખલ ન કરવાની નીતિ અપનાવી પણ 1898માં આ વિસ્તારને લુશાઈ હિલ્સ જિલ્લો બનાવી દેવામાં આવ્યો.

1898-99માં તેમણે મિઝો સરદારો વચ્ચે જમીનની સમજૂતી કરાવી અને તેમનાં અધિકારક્ષેત્ર નક્કી કરવામાં આવ્યાં, આ પગલું બ્રિટિશ સત્તાએ લુશાઈ હિલ્સમાં કરેલો પ્રથમ મહત્ત્વનો હસ્તક્ષેપ ગણાય છે.

બ્રિટિશોએ ખેંચેલી રેખા

લુશાઈ હિલ્સ સાથે જોડાયેલા કચરમાં બ્રિટિશો અનેક દાયકાઓ પહેલાં આવી ગયા હતા, વર્ષ 1832થી આ વિસ્તાર બ્રિટિશોના અંકુશ હેઠળ હોવાના ઉલ્લેખ મળે છે.

આ ઘટનાક્રમની સાથે આસામની ઓળખસમા ચાના બગીચાનો સંદર્ભે રહેલો છે. 1831માં કચરમાં ચાના છોડ મળી આવ્યા, જે બાદ અહીં ચાની બાગાયત શરૂ થઈ ગઈ. ધીમે-ધીમે ચાના બગીચા વિસ્તરવા લાગ્યા.

જે. ઝાહ્લુના તેમના લેખ 'ઇનર લાઇન રૅગ્યુલેશન ઍન્ડ મિઝોરમ'માં લખે છે કે "મોટા પાયે વિસ્તરી રહેલા ચાના બગીચા અને લુશાઈ હિલ્સમાં મોટી સંખ્યામાં કપાઈ રહેલાં વૃક્ષોના કારણે મિઝો લોકો રોષે ભરાયા હતા."

"શિકાર અને માછીમારી પર નભનારી મિઝો પ્રજાએ એવું માન્યું કે શિકાર કરવાના તેમના વિસ્તાર પર અતિક્રમણ થઈ રહ્યું છે. સાથે જ તેમને લાગ્યું કે પરંપરાગત રીતે જે તેમની જમીન છે, તેની પરનો તેમનો અધિકાર ખતમ થઈ રહ્યો છે."

મિઝો પ્રજાના ચાના બગીચા અને તેની આસપાસનાં ગામો પરના હુમલા વધી ગયા અને તેનું એક મહત્ત્વનું કારણ મિઝો લોકોનો અસંતોષ હતો.

બ્રિટિશો આ હુમલાને રોકવા ઇચ્છતા હતા અને તે માટે 1873માં 'બૅંગાલ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રૅગ્યુલેશન્સ' નામે કેટલાક નિયમો બ્રિટિશ શાસકોએ લાદી દીધા, જેને 'ધ ઇનર લાઇન રૅગ્યુલેશન' તરીકે પણ ઓળખવામાં આવે છે.

બ્રિટિશ સત્તા દ્વારા ખેંચાયેલી આ રેખાને ઓળંગવાની મનાઈ હતી, અને એ માટે દંડ પણ થતો હતો.

ઝાહ્લુના લખે છે કે "આ એક કાલ્પનિક રેખા હતી, જે મેદાનપ્રદેશના જિલ્લાઓને ડુંગરાળ વિસ્તારથી અલગ પાડતી હતી."

તેઓ લખે છે કે 1875માં 20મી ઑગસ્ટે આ રેખાને કચર જિલ્લા સુધી લંબાવી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ એ જિલ્લો છે, જ્યાં હાલમાં બંને રાજ્યોની સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે.

બ્રિટિશ કાળના બે જાહેરનામાંનો વિવાદ

મિઝોરમ આસામ રાજ્યમાં જ હતું, વર્ષ 1972માં તેને અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો અને 15 વર્ષ પછી એટલે કે 1987માં મિઝોરમને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

આ બે રાજ્યોને અલગ કરતી સરહદ બ્રિટિશ કાળમાં ખેંચાઈ હતી, જોકે આ સરહદ અંગેનાં બે જાહેરનામાં આ વિવાદના મૂળમાં છે.

પહેલું જાહેરનામું - વર્ષ 1875માં બ્રિટિશ શાસને પહેલી વખત એક રેખા નિયત કરી જે કચર અને લુશાઈ હિલ્સને અલગ પાડતી હતી. કચર જિલ્લો આજે આસામમાં આવેલો છે, જ્યારે લુશાઈ હિલ્સમાં આજે મિઝોરમ રાજ્ય બની ગયું છે.

બીજું જાહેરનામું - 1933માં બ્રિટિશ સરકારે બીજું જાહેરનામું બહાર પાડ્યું, જેમાં તેમણે લુશાઈ હિલ્સ અને મણિપુર વચ્ચેની સરહદ નિયત કરી હતી. આ સરહદ લુશાઈ હિલ્સ, આસામનો કચર જિલ્લો અને મણિપુર જ્યાં ભેગા થાય છે, ત્યાંથી શરૂ થાય છે.

સરહદ સંદર્ભે આસામ 1933ના જાહેરનામાને માને છે, જ્યારે મિઝોરમ 1875ના જાહેરનામાને અનુસરે છે.

મિઝોરમના મંત્રીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં કહ્યું હતું કે "મિઝોરમ માને છે કે સરહદ 1875ના જાહેરનામાને આધારે નિયત થવી જોઈએ."

મિઝો નેતાઓની દલીલ રહી છે કે 1933ના જાહેરનામાથી તેઓ સહમત નથી કેમ કે મિઝો પ્રજાનો એ અંગે મત નહોતો લેવાયો.

MZP સંગઠનના અધ્યક્ષે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મિઝોરમ 1875ની સરહદને અનુસરે છે, જ્યારે આસામ 1933ની સરહદને અનુસરે છે. જેના કારણે વિવાદ સર્જાય છે.

આસામ અને મિઝોરમ એ બંને રાજ્યોની સરહદ અંદાજે 164 કિલોમીટર લાંબી છે પણ મિઝોરમને આસામથી અલગ કરાયું એ બાદ આ સરહદને યોગ્ય રીતે દર્શાવાઈ નથી.

સરકારી સૂત્રોનું કહેવું છે કે સરહદને સ્પષ્ટ રીતે દર્શાવવા માટેની કામગીરી 1995થી ચાલી રહી છે, જે હજી સુધી પૂરી થઈ નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો