You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પતિ કે પત્નીની ઇચ્છા ન હોય તો પણ સાથે રહેવા કોર્ટ ફરજ પાડી શકે?
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
પતિ અને પત્ની વચ્ચે શારીરિક સંબંધ બંધાતો ન હોય કે તેઓ સાથે રહેતાં ન હોય તો આ મામલો અંદરો અંદર ઉકેલવાનો કે કોર્ટમાં? શું કોર્ટની દખલ તેમની ગોપનીયતાનું હનન છે? અને શું આ મુદ્દે વર્તમાન કાયદાકીય જોગવાઈ મહિલાઓ માટે ઘરેલુ હિંસા અને લગ્નમાં દુષ્કર્મનું જોખમ પેદા કરે છે?
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં આવા પ્રશ્નો કરતી એક અરજી દાખલ કરી છે. જેના પર કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી અભિપ્રાય માગ્યો છે.
'હિન્દુ મૅરેજ ઍક્ટ 1955'ની કલમ 9 અને 'સ્પેશિયલ મૅરેજ ઍક્ટ 1954'ની કલમ 22 મુજબ કોઈ પુરુષ કે મહિલા કોર્ટમાં જઈને પત્ની કે પતિને લગ્નસંબંધ જાળવી રાખવાની ફરજ પાડતો હુકમ મેળવી શકે છે.
વિદ્યાર્થીઓએ અરજીમાં માગ કરી છે, "લગ્નસંબંધ પુન:સ્થાપિત કરવાની કાયદાકીય જોગવાઈ ગેરબંધારણીય છે અને તેને દૂર કરવી જોઈએ."
બ્રિટિશ શાસનકાળથી ચાલી આવતા અંગત સંબંધો સાથે જોડાયેલા બે કાયદા - કલમ 377, જે હેઠળ પરસ્પરની સહમતીથી બે પુખ્ય વયની વ્યક્તિ વચ્ચે બંધાયેલા સજાતિય સંબંધને ગુનો ગણવામાં આવતો, અને કલમ 497, જે હેઠળ ઍડલ્ટ્રી એટલે કે વ્યાભિચારને ગુનો ગણવામાં આવતો - સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં ગેરબંધારણીય જાહેર કર્યા હતા.
શું કહે છે વર્તમાન કાયદા?
'હિન્દુ મૅરેજ ઍક્ટ 1955' અને 'સ્પેશિયલ મૅરેજ ઍક્ટ 1954' હેઠળ પતિ અથવા પત્ની એકબીજાં વિરુદ્ધ જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી, ફરીથી શારીરિક સંબંધ બાંધવાનો અને સાથે રહેવાનો હુકમ મેળવી શકે છે.
જોકે, એ માટે લગ્ન છતાં અલગ રહેવાનું કોઈ વાજબી કારણ ન હોવાનું ફરિયાદી પક્ષે સાબિત કરવું પડે છે.
સંબંધો પુનઃસ્થાપિત કરવાના કોર્ટના આદેશને ન માનવાના કિસ્સામાં સજા પણ નક્કી કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વર્ષમાં આદેશનું પાલન નહીં કરવાના કિસ્સામાં કોર્ટ જે-તે વ્યક્તિની સંપત્તિ ફરિયાદીના નામે કરી શકે છે, તેને 'સિવિલ જેલ'માં મોકલી શકે છે અથવા તો આ આધારે છૂટાછેડા મંજૂર કરી શકે છે.
ભારતીય કાયદામાં આ જોગવાઈ બ્રિટશ શાસનના કારણે અમલમાં છે. જ્યારે પત્નીને પતિની 'સંપત્તિ' ગણવામાં આવતી હતી ત્યારે બ્રિટને આ જોગવાઈ લાગુ કરી હતી.
વર્ષ 1970માં બ્રિટને 'મેટ્રીમૉનિયલ પ્રૉસિડિંગ ઍક્ટ 1970' દ્વારા વૈવાહિક સંબંધોની પુનઃસ્થાપના કરવાની આ જોગવાઈ દૂર કરી. પરંતુ ભારતમાં તે હજુ પણ લાગુ છે.
આ જોગવાઈઓનો કેવી રીતે ઉપયોગ થતો રહ્યો?
લગ્નને જાળવી રાખવાના કથિત ઉદ્દેશ સાથે રચાયેલી આ જોગવાઈની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેને અંગત જીવનમાં લાગુ કઈ રીતે કરવી?
પતિ-પત્ની એક સાથે રહી પણ શકે એમ ન હોય એ હદે લગ્નસંબંધ ખરાબ થઈ ચૂક્યો હોય, તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાઈ રહ્યો ન હોય ત્યારે એક વ્યક્તિ દ્વારા મેળવવામાં આવેલો કાયદાકીય હુકમ બીજી વ્યક્તિને કઈ રીતે ફરજ પાડી શકે?
હકીકતમાં આ કાયદાનો ઉપયોગ સંબંધને પુનઃસ્થાપિત કરવા માટે ઓછો અને અન્ય આશય માટે વધુ થતો રહ્યો છે.
જેમ કે જો પત્ની ભરણપોષણની માગ કરે તો પતિ સંબંધ નહીં હોવાનો હવાલો આપી શકે છે અને ભરણપોષણની જવાબદારીથી બચવા માટે સંબંધ પુનઃસ્થાપિત કરવાની માગ કરી શકે છે.
ભારતીય કાયદા હેઠળ કોર્ટ, પતિને પત્ની, બાળકો અને માતા-પિતાની સારસંભાળ રાખવા માટે માસિક ભરણપોષણ-ભથ્થું આપવાનો આદેશ આપી શકે છે.
જો પત્ની સારું કમાતી હોય તો કોર્ટ આવો જ આદેશ તેને પણ આપી શકે છે.
આ ઉપરાંત સંબંધ પુનઃસ્થાપિત કરવાની જોગવાઈનો ઉપયોગ છૂટાછેડા લેવા માટે પણ થતો રહ્યો છે.
જો પતિ કે પત્ની પાસે છૂટાછેડા લેવા માટે કોઈ યોગ્ય કારણ ન હોય તો તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાતો હોવાની વાત આગળ ધરીને છૂટાછેડાની માગ કરવામાં આવે છે.
આ જોગવાઈ મહિલાઓ માટે મદદગાર છે કે ખતરનાક?
કાયદામાં પતિ અને પત્નીને એક સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે બંનેમાંથી કોઈ પણ વૈવાહિક સંબંધ ફરીથી સ્થાપિત કરવાની માગ કરી શકે છે.
જોકે, લગ્નવ્યવસ્થામાં વ્યાપક અસામનતાના કારણે ઘણા કિસ્સા દર્શાવે છે કે આ જોગવાઈનો ઉપયોગ પતિ તરફથી પત્ની પર હક જમાવવા કે તેનો હક છીનવી લેવા વધારે કરાય છે.
નારીવાદી કર્મશીલોના મતે પરિવારોમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા પર સેવવામાં આવતું મૌન અને લગ્નમાં બળાત્કારને કાયદાકીય માન્યતા ન હોવાના લીધે, આવી જોગવાઈઓ મહિલાઓને એવા લગ્નસંબંધ જાળવી રાખવા મજબૂર કરી શકે છે, જેમાં તેને કૌટુંબિક તથા યૌન હિંસાનો સામનો કરવો પડે.
વર્ષ 2015માં મહિલા અને બાળવિકાસ મંત્રાલય તરફથી બનાવાયેલી 'હાઈ લેવલ કમિટી ઑન ધ સ્ટેટસ ઑફ વીમૅન'ના રિપોર્ટમાં પણ આ જોગવાઈના ખોટા ઉપયોગની વાત કહેવામાં આવી છે.
સમિતિએ પોતાની ભલામણમાં કહ્યું હતું, "જ્યારે પણ મહિલા ભરણપોષણ-ભથ્થાનો દાવો કરે કે હિંસાની ફરિયાદ કરે ત્યારે પતિની તરફથી લગ્નસંબંધોને પુનઃસ્થાપિત કરવાનો કેસ દાખલ કરી દેવામાં આવે છે."
"આ સિવાય આ જોગવાઈ માનવઅધિકાર વિરુદ્ધ છે અને કોઈને બીજા સાથે રહેવા માટે દબાણ કરવું ખોટું છે."
કેમ તેને દૂર કરવાની માગ કરવામાં આવી રહી છે?
વર્ષ 2018માં 'ફેમિલી લૉમાં સુધારા' પર પ્રકાશિત કનસલ્ટેશન પેપરમાં કાયદાપંચે લગ્નસંબંધ પુનઃસ્થાપિત કરવાની આ જોગવાઈને દૂર કરવાની ભલામણ કરી હતી.
'હાઈ લેવલ કમિટિ ઑન ધ સ્ટેટસ ઑફ વિમૅન'ના રિપોર્ટને સમર્થન આપતાં પંચે કહ્યું હતું :
"સ્વતંત્ર ભારતમાં આવી જોગવાઈઓની કોઈ જરૂર નથી. કાયદામાં પહેલાંથી જ શારીરિક સંબંધ ન બંધાતાં છૂટાછેડા લેવાની જોગવાઈ છે. પુરુષ અને મહિલા બંને હવે આર્થિક રીતે સક્ષમ થવાં લાગ્યાં છે. મુશ્કેલીથી મળેલી આઝાદી પર આવાં નિયંત્રણ લાદવાં યોગ્ય નથી."
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વિદ્યાર્થીઓએ આ બંને રિપોર્ટનો સંદર્ભ આપ્યો છે.
સંબંધિત જોગવાઈ દૂર કરવાની માગ કરતાં તેમણે કહ્યું છે કે તેનો દુષ્પ્રભાવ એ છે કે, "તે સમાનતાવાળો કાયદો જણાય છે પણ મહિલાઓને તેમની ઇચ્છા વિરુદ્ધ સાસરિયામાં રહેવા મજબૂર કરે છે. તેને પતિની સંપત્તિના રૂપમાં જુએ છે. પતિ અને પત્નીની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે અને વ્યક્તિગત સુખાકારી કરતાં લગ્નના માળખાને ઉપર રાખે છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો