ટ્યુનિશિયા : હિંસક પ્રદર્શન બાદ વડા પ્રધાન બરખાસ્ત- સંસદ ભંગ, વિપક્ષે કહ્યું, 'તખતપલટો'

ઉત્તર આફ્રિકાના દેશ ટ્યુનિશિયામાં ગંભીર રાજકીય સંકટ સર્જાયું છે. મામલો એટલો ગંભીર છે કે વિપક્ષે આને 'તખતપલટો' ગણાવ્યો છે.

ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિએ દેશના વડા પ્રધાનને બરખાસ્ત કરી દીધા છે અને સંસદ ભંગ કરી નાખી છે.

ટ્યુનિશિયાના લોકો કોરોનાની મહામારીને પહોંચી વળવામાં સરકારની નિષ્ફળતાથી ક્રોધે ભરાયેલા છે અને સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શનો કરી રહ્યા હતા. પ્રદર્શનો હિંસક બન્યાં બાદ આ રાજકીય સંકટ સર્જાયું છે.

રવિવારે દેશના લગભગ તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતર્યા અને પોલીસ સાથે હિંસક ઘર્ષણ સર્જાયું.

આ સમગ્ર ઘટના બાદ રાષ્ટ્રપતિ કૈસ સૈયદે વડા પ્રધાન હિચમ મેકિચીને બરખાસ્ત કરી સંસદ ભંગ કરી દીધી.

દેશને બચાવવા નિર્ણય લીધો : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિનું કહેવું છે કે તેમણે દેશમાં શાંતિ સ્થાપવા માટે આવું કર્યું છે અને તેઓ નવા વડા પ્રધાનની મદદથી સ્થિતિને સંભાળશે.

કૈસ સૈયદે એક આપાતકાલીન સુરક્ષાબેઠક બોલાવી અને એ બાદ ટીવી પર લોકોને સંબોધ્યા હતા.

ટ્યુનિશિયામાં સામાજિક શાંતિ સ્થાપવા અને દેશને બચાવી લેવા આ નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું કે ટ્યુનિશિયાનું બંધારણ 'સંભવિત જોખમને' ધ્યાને લેતાં સંસદ ભંગ કરવાની પરવાનગી આપે છે.

જોકે, વિપક્ષે આ ઘટનાને 'તખતપલટો' ગણાવી છે.

પ્રદર્શનકારીઓની ઉજવણીમાં રાષ્ટ્રપતિએ ભાગ લીધો

રવિવારની રાતે જ્યારે વડા પ્રધાનને બરખાસ્ત કરવાના સમાચાર આવ્યા ત્યારે પ્રદર્શનકારીઓ ઉજવણી કરવા લાગ્યા. એ ઉજવણીમાં દેશના રાષ્ટ્રપતિ પણ સામેલ થયા.

આ પહેલાં હજારો પ્રદર્શનકારીઓએ રાજધાની સહિત કેટલાંય શહેરોમાં શાસક પક્ષ વિરુદ્ધ પ્રદર્શનો યોજ્યાં હતાં.

લોકો સંસદ ભંગ કરવાની માગ કરી રહ્યા હતા અને 'ગેટઆઉટ'ની બૂમો પાડી રહ્યા હતા.

સ્થિતિની ગંભીરતા જોતાં સરકારી સુરક્ષાદળોએ સૅન્ટ્રલ ‌ઍવન્યુની આસપાસની ગલીઓ બંધ કરી દીધી હતી. આ વિસ્તાર વર્ષ 2011માં આરબ સ્પ્રિંગનું કેન્દ્ર બન્યો હતો.

આરબ સ્પ્રિંગથી લોકશાહી આવી પણ...

દસ વર્ષ પહેલાં વર્ષ 2011માં ટ્યુનિશિયામાં થયેલી ક્રાંતિએ દેશમાં લોકતંત્રનો પાયો નાખ્યો હતો અને આ પ્રદેશમાં આરબ સ્પ્રિંગના નામે પ્રખ્યાત થયેલા આંદોલનને જન્મ આપ્યો હતો.

લોકોને આશા હતી કે પ્રજાસત્તાક સરકારના ગઠનથી તેમને નોકરીઓ મળશે અને રોજગારીની તકો સર્જાશે. જોકે, એમને નિરાશા જ સાંપડી.

આરબ સ્પ્રિંગના એક દાયકા બાદ ટ્યુનિશિયા આજે ગંભીર આર્થિક સંકટ અને કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.

તાજેતરનાં સપ્તાહોમાં સંક્રમણના મામલાને પગલે દેશના અર્થતંત્ર પર ભારણ વધ્યું છે.

સ્થિતિને ગંભીરતા પારખી લેતાં વડા પ્રધાન હિચમ મેકિચીએ ગત સપ્તાહે સ્વાસ્થ્યમંત્રીને બરખાસ્ત કરી દીધા હતા. એમ છતાં લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો