You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં મૅન્યુઅલ સ્કૅવેન્જિંગ મામલે સરકાર કેટલી જાગૃત?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
તાજેતરમાં ડભોઈ ખાતે સેપ્ટિક ટૅન્કમાં સફાઈ કરવા ઊતરેલા સાત લોકોનાં મૃત્યુએ 'મૉડલ સ્ટેટ' ગુજરાતમાં મૅન્યુઅલ સ્કૅવેન્જિંગના મુદાને ફરી એક વખત ચર્ચામાં લાવી દીધો છે.
રાજ્ય સરકારના સોશિયલ જસ્ટિસ ઍન્ડ ઍમ્પાવરમૅન્ટ વિભાગે ગુજરાત હાઈકોર્ટમાં ઍફિડેવિટ રજૂ કરીને કહ્યું કે છે ખાળકૂવા સાફ કરવા માટે સરકાર કોઈને ગટરમાં ઉતારતી નથી.
પરંતુ મૅન-હોલમાં ઊતરવાના કારણે થતાં મોતના આંકડા કંઈક અલગ જ કહાણી રજૂ કરે છે.
ગટરમાં ગૂંગળાઈને મજૂરોનાં મૃત્યુની બાબતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા સ્થાને છે.
ગટરમાં ઊતરનારનો આંકડો કેટલો?
કેટલાક દલિત કર્મશીલ માને છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આંકડા માત્ર કાગળ ઉપર જ હોય છે.
ઍક્ટિવિસ્ટ પુરષોત્તમ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઈ) મારફતે માહિતી માંગી છે, પણ કોઈ માહિતી મળતી નથી."
"ડભોઈમાં સાત લોકોનાં મૃત્યુ બાદ મેં ગુજરાત હાઈકોર્ટમાં ઍડિશનલ પીઆઈએલ કરી છે, જેમાં સરકારે તા. 25મી જૂને જવાબ આપવાનો છે."
વાઘેલા ઉમેરે છે, "હાઈકોર્ટમાં સરકાર જે આંકડા આપે છે એના કરતાં વધુ શ્રમિકો ખાળકૂવાની સફાઈ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ટૅન્ડર પાસ થયા બાદ કૉન્ટ્રેક્ટર દ્વારા શ્રમિકોનું શોષણ થાય છે, કોઈ નિયમ પાળવામાં આવતા નથી અને કોઈ પણ સુવિધા આપ્યા વગર તેમને ગટરમાં ઉતારવામાં આવે છે."
"જ્યારે આવા કામદારનું મૃત્યુ થાય ત્યારે સરકાર દોષનો ટોપલો કંટ્રાક્ટર ઉપર ઢોળી દઈ પોતાની ચામડી બચાવે છે."
સરકાર સામે સવાલ
ગુજરાત સરકારે મૅન્યુઅલ સ્કૅવેન્જિંન્ગને દૂર કરવા માટે ગુજરાતની મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત અને નગર પંચાયતને ચાર વિભાગમાં વહેંચ્યા છે.
શહેર અને અર્ધ-શહેરી વિસ્તારોને ગટર સાફ કરવા માટેનાં મશીનો ખરીદવાં માટે ચાર કૅટેગરીમાં વહેંચ્યાં છે.
જેમાં 'એ' ક્લાસમાં 18, 'બી'માં 33, 'સી'માં 45 અને 'ડી' ક્લાસમાં 63ને મૂકવામાં આવ્યા છે.
સેપ્ટિક ટૅન્ક સાફ કરાવવાના ભાવ પણ સરકારે ખૂબ રાખ્યા છે, એટલે લોકો પૈસા બચાવવા માટે ખાનગીમાં ગરીબ દલિતો પાસે ગેરકાયદે ખાળકૂવા સાફ કરાવે છે, એટલે મૃત્યુ થાય છે.
આ અંગે રાજ્યસભામાં કૉંગ્રેસના પૂર્વ સંસદસભ્ય રાજુ પરમારે 2015માં સવાલ પૂછ્યો હતો, તેમનું કહેવું છે કે હજુ સુધી તેમને જવાબ નથી મળ્યો.
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રધાન ઇશ્વર પરમારે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે સરકારે મૅન-હોલમાં માણસોને ઉતારવાનું બંધ કરાવ્યું છે.
તેમણે કહ્યું, "સરકારે 139 જગ્યા પર ગટર સાફ કરવાનાં સાધનો ખરીદી લીધાં છે. 20 નગરપાલિકામાં સાધનો ખરીદવાની પ્રક્રિયા ચાલુ છે અને સરકારે આ ખરીદી માટે રૂ. 25 કરોડ ફાળવ્યા છે અને જુલાઈ મહિનામાં ગુજરાતમાં રજૂ થનારા બજેટમાં પણ વધુ જોગવાઈ કરવામાં આવશે."
પરમારે સમગ્ર કેસ અદાલતમાં વિચારાધીન હોવાથી વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે આ અંગે રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટ દાખલ કરવામાં આવશે.
પરમારે ઉમેર્યું કે જો કોઈ કામદાર કૉન્ટ્રૅક્ટર સામે સલામતીના પૂરતા સાધનો વગર ગટર સાફ કરવાની ફરિયાદ કરશે તો કડક પગલાં ભરવામાં આવશે. આ અંગે ભૂતકાળમાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ પરમારે ઉમેર્યું હતું.
દલિત, ખર્ચ અને કલ્યાણ
ગુજરાત સરકારે દલિતોના ઉત્થાન માટે 2018-19ના બજેટમાં કુલ 7,204 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેમાંથી સરકારે 58 લાખ વિદ્યાર્થીઓની સહાય માટે રૂ. 374 કરોડ ફાળવ્યા છે,
474 કરોડ રૂપિયા સફાઈકામદારોની પેન્શન યોજના માટે ફાળવ્યાનો પણ ઉલ્લેખ છે.
આ મુદ્દે બીબીસીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ કે. એચ. પંડ્યાનો સંપર્ક સાધ્યો હતો.
પંડ્યા કહે છે, "મૅન-હોલમાં ઉતારતા શ્રમિકોનાં બાળકોના ઉત્થાન માટે સરકાર શહેરી વિકાસ નિગમ મારફતે કામ કરે છે. ભણતર માટે રૂ. 10 લાખ સુધીની સહાય કરે છે અને વિદેશ ભણવા જનારાને રૂ. 20 લાખ સુધીની સહાય કરવામાં આવે છે. "
જોકે, ખાળકૂવા અને મૅન-હોલ સાફ કરતા લોકો માટે કેટલા રૂપિયા ફાળવ્યા છે, તેનો સરકારી વિભાગમાં કોઈ ઉલ્લેખ કરવા માં આવ્યો નથી.
અમદાવાદનું ઉદાહરણ
અમદાવાદનાં મેયર બિજલબહેન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમદાવાદમાં કોઈ કામદારને ગટરમાં ઉતારવામાં આવતા નથી અને આ કામ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે થાય એ માટે કૉન્ટ્રેક્ટરને રાખ્યા છે. જેઓ સફાઈકામ માટેનું ધ્યાન રાખે છે અને તેમના પાસે પૂરતાં સાધનો પણ છે."
જોકે, આ કૉન્ટ્રેક્ટરને કેટલા રૂપિયા ફાળવવામાં આવે છે એ અંગે તેમણે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
અમદાવાદમાં ગટરની સફાઈનું કામ કરતા દિલ્હીના કૉન્ટ્રેક્ટર સૌરભ તલવારે બીબીસી ગુજરાતી સાથેની વાચીતમાં કહ્યું, "અમારી પાસે અમદાવાદનો કૉન્ટ્રેકટ છે પણ અમે કોઈને ગટરના મૅન-હોલમાં ઉતારતા નથી અને ખાસ મશીનની મદદથી સાફ કરીએ છીએ."
"જો જરૂર પડ્યે કોઈ સફાઈકર્મચારીને ગટરમાં ઉતારવા પડે, તો અમે સૌથી પહેલાં અંદર જે ઝેરી ગૅસ હોય છે તેને વૅક્યૂમ મશીનની મદદથી બહાર કાઢી લઈએ છીએ."
"છતાં જો ઝેરી ગૅસ રહી ગયો હોય તો બ્લૉઅરની મદદથી બહાર કાઢી લઈએ છીએ. ત્યારબાદ જો જરૂર જણાય તો કામદારને ઑક્સિજન માસ્ક અને સેફટી રૉપ બાંધીને ગટરમાં સફાઈ માટે ઉતારીએ છીએ."
"અમે ટૅન્ડર ભરતી વખતે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે 54 પ્રકારનાં સાધન રાખીએ છીએ, ત્યારે અમારું ટૅન્ડર પાસ થાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો