દાનિશ સિદ્દીકીની તાલિબાને ઘાતકી રીતે હત્યા કરી - રિપોર્ટ

ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીની ઓળખ કરીને એમની ઘાતકી રીતે હત્યા તાલિબાને જ કરી હતી એમ અમેરિકન સમાચાર પત્રિકા વૉશિંગ્ટન એક્ઝામિનરે એક અહેવાલમાં દાવો કર્યો છે.

વૉશિંગ્ટન એક્ઝામિનરેના અહેવાલ અનુસાર પત્રકારત્વમાં સર્વોચ્ચ એવા પુલિત્ઝર પારિતોષિકથી સન્માનિત દાનિશ સિદ્દીકીનું મૃત્યુ તાલિબાન અને અફઘાન સેના વચ્ચેના ઘર્ષણમાં નથી થયું પરંતુ તાલિબાન દ્વારા તેમની ઇરાદાપૂર્વક ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી.

સમાચાર સંસ્થા રૉયટર્સ માટે કામ કરનાર 39 વર્ષીય દાનિશ સિદ્દીકીનું રિપોર્ટિંગ દરમિયાન અફઘાનિસ્તાનના કંદહારના સ્પિન બોલ્ડક વિસ્તારમાં મૃત્યુ થયું હતું.

શરૂઆતના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે દાનિશનું મૃત્યુ અફઘાન સેના અને તાલિબાન વચ્ચેના સંઘર્ષમાં થયું.

તાલિબાને પણ એક નિવેદનમાં દાનિશના મૃત્યુ પાછળ પોતાની ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો.

તાલિબાને દાનિશ સિદ્દીકીના મૃત્યુ પર અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, અમને દુખ છે કે ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીનું મૃત્યુ થયું. અમને અફસોસ છે કે પત્રકાર વૉર ઝોનમાં અમને જાણ કર્યા વગર હતા.

તાલિબાનના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, કોના ગોળીબારમાં અને કેવી રીતે દાનિશ સિદ્દીકીનું મૃત્યુ થયું તે અંગે અમને જાણ નથી.

એમણે એમ પણ કહ્યું કે જે પણ પત્રકાર વૉર ઝોનમાં પ્રવેશ કરે છે એમણે અમને જાણ કરવી જોઈએ અમે એમનું ધ્યાન રાખીશું.

'દાનિશ સિદ્દીકી ત્યાં હતા એટલે જ મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો'

વૉશિંગ્ટન ઍક્ઝામિનરનો અહેવાલ તાલિબાને કરેલા એ દાવાથી સાવ વિપરીત છે.

અહેવાલ અનુસાર દાનિશ સિદ્દીકી અફઘાન સેનાની સાથે સ્પિન બોલ્ડક વિસ્તારમાં તાલિબાન-અફઘાન સંઘર્ષ કવર કરી રહ્યા હતા. સ્પિન બોલ્ડક વિસ્તાર પર તાલિબાનનો કબજો છે.

અહેવાલ મુજબ, "જ્યારે અફઘાન સેના અને દાનિશ એક કસ્ટમ પોસ્ટથી થોડે દૂર હતા ત્યારે એમની પર તાલિબાનનો હુમલો થયો અને અફઘાન સેનાની ટુકડીઓએ બે ભાગમાં વહેંચાઈ જવું પડ્યું. આ દરમિયાન અફઘાન સેનાના કમાન્ડર અને અન્ય અમુક સૈનિકો દાનિશથી અલગ થઈ ગયા."

વૉશિંગ્ટન ઍક્ઝામિનર અનુસાર આ દરમિયાન ગોળીબારમાં દાનિશ સિદ્દીકી ઘાયલ થઈ ગયા અને એમને પ્રાથમિક સારવાર માટે એક સ્થાનિક મસ્જિદમાં લઈ જવામાં આવ્યા. જેવી દાનિશને મસ્જિદમાં લઈ જવામાં આવ્યા હોવાની માહિતી મળી કે તાલિબાને મસ્જિદ પર હુમલો કરી દીધો.

અહેવાલમાં સ્થાનિક તપાસનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે તાલિબાને મસ્જિદ પર ફક્ત દાનિશ સિદ્દીકી ત્યાં હતા એટલે જ હુમલો કર્યો હતો.

અહેવાલ અનુસાર, "તાલિબાને જ્યારે સિદ્દીકીને પકડ્યા ત્યારે જે જીવિત હતા. તાલિબાન લડવૈયાઓએ તેમની ઓળખની પુષ્ટિ કરી અને પછી તેમની પર ગોળીઓ વરસાવી."

'પહેલાં માથાંમાં મારવામાં આવ્યું પછી ગોળી વરસાવી'

અહેવાલના લેખક અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ સાથી માઇકલ રૂબિન અનુસાર "સિદ્દીકીના મૃત્યુ બાદ એમની જે તસવીરો સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ થઈ તેમાં એમનો ચહેરો સ્પષ્ટ ઓખળાય છે. મેં ભારત સરકારના એક સૂત્રથી મળેલી સિદ્દીકીની અન્ય તસવીરો અને વીડિયોની સમીક્ષા કરી."

રૂબિન લખે છે કે "વીડિયોમાં મેં જોયું કે તાલિબાન લડવૈયાઓએ પહેલાં સિદ્દીકીના માથે ખૂબ માર્યું અને પછી એમના પર ગોળીઓ વરસાવી."

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાને જે રીતે દાનિશ સિદ્દીકીને નિશાન બનાવીને એમના પર ગોળીઓ વરસાવી છે એનાથી સાબિત થાય છે તાલિબાન યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમોની સહેજ પણ પરવા કરતું નથી.

દાનિશ સિદ્દીકી આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રૉયટર્સના ચીફ ફોટો પત્રકાર હતા અને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા હિંસક સંઘર્ષને કવર કરી રહ્યા હતા.

તેઓ પોતાના ટ્વિટર અકાઉન્ટથી સતત ત્યાંની સ્થિતિની વિગતો આપી રહ્યા હતા. સિદ્દીકીએ અગાઉ પોતે એક હુમલામાં કેવી રીતે જરાક માટે બચી ગયા એમ પણ જણાવ્યું હતું.

દાનિશ સિદ્દીકી અને તેમની ટીમને રોહિંગ્યા શરણાર્થી સંકટના કવરેજ માટે ફિચર ફોટોગ્રાફીની શ્રેણીમાં 2018માં પુલિત્ઝર સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.

એમણે અફઘાનિસ્તાન ઉપરાંત ઇરાક યુદ્ધ, કોરોના મહામારી, નેપાળ ભૂકંપ, હૉંગકૉંગ વિરોધપ્રદર્શનો પણ કવર કર્યાં હતા જેની તસવીરોએ ખૂબ ધ્યાન ખેંચ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો