#NZvAFG : ન્યૂઝીલૅન્ડની અફઘાનિસ્તાન સામે જીત, વર્લ્ડકપમાં ભારતનું હવે શું થશે?

ન્યૂઝીલૅન્ડનો અફઘાનિસ્તાન સામેની મૅચમાં આઠ વિકેટથી વિજય થઈ ગયો છે. કરોડો ભારતવાસીઓ પ્રાર્થના કરી રહ્યા હતા કે T20 વર્લ્ડકપની ગ્રૂપ-2ની મૅચમાં અફઘાનિસ્તાન ગમે તે રીતે ન્યૂઝીલૅન્ડને હરાવી દે, જોકે એવું ન થયું.

ભારતીય ટીમની વર્લ્ડકપ ટી20માં તમામ આશાઓ ન્યૂઝીલૅન્ડની આ હાર પર ટકેલી હતી.

જો અફઘાનિસ્તાનની ટીમ આ મૅચ જીત્યું હોત તો 8મી નવેમ્બરની નામિબિયા સામેની મૅચનું ભારત માટે મહત્ત્વ રહ્યું હોત.

જોકે આ જીત બાદ ન્યૂઝીલૅન્ડે સેમિફાઇનલમા પોતાની જગ્યા બનાવી લીધી છે અને ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.

આ મૅચમાં ટૉસ જીત્યા બાદ બેટિંગ કરવા ઊતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 124 રન કર્યા હતા.

જ્યારે ન્યૂઝીલૅન્ડની ટીમે 19મી ઓવરના પ્રથમ બૉલ પર જ 125 રનનું લક્ષ્ય બે વિકેટના નુકસાન સાથે સાધી લીધું હતું.

ન્યૂઝીલૅન્ડ સામે અફઘાનિસ્તાનના બૅટ્સમૅન પરાસ્ત

આ વર્લ્ડકપમાં ન્યૂઝીલૅન્ડની બેટિંગ અફઘાનિસ્તાન કરતાં ઘણી સારી રહી છે.

જે આજની મૅચમાં જોવા મળ્યું, ન્યૂઝીલૅન્ડની બૉલિંગની સામે અફઘાનિસ્તાનના નજીબુલ્લાહને બાદ કરતાં તમામ બૅટ્સમૅન વધારે રન કરી શક્યા ન હતા.

નજીબુલ્લાહે 48 બૉલમાં 73 રન ફટકાર્યા હતા, એમના સિવાય અફઘાનિસ્તાનના એક પણ બૅટ્સમૅન 15થી વધારે રન કરી શક્યા ન હતા.

આ મૅચમાં અફઘાનિસ્તાનના સાત બૅટ્સમૅનના રન સિંગલ ડિજિટમાં જ રહ્યા હતા.

ન્યૂઝીલૅન્ડના ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ લીધી હતી અને તેઓ પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યા, જ્યારે સાઉથીએ બે વિકેટ લીધી હતી.

ન્યૂઝીલૅન્ડનો પલટવાર

ન્યૂઝીલૅન્ડની સામે આસાન લક્ષ્ય હતો, વિલિયમસનના 40 રન અને કોન્વેના 35 રને જીત અપાવી પણ દીધી.

ગુપ્ટિલ અને મિશેલે અનુક્રમે 28 અને 17 રન કર્યા હતા.

સ્પિનર એ અફઘાનિસ્તાનનું જમા પાસું મનાય છે પણ આજે અફઘાનિસ્તાનના સ્પિનર પણ ન્યૂઝીલૅન્ડને આ નાના લક્ષ્ય સામે રોકી શકવામાં અસમર્થ હતા.

અફઘાનિસ્તાનના બૉલર રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાન એક-એક વિકેટ લેવામાં સફળ થયા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો