You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની આત્મદર્શન પદયાત્રાના નિશાને કોણ છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
"ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ, આ બન્ને પક્ષોના અનેક નેતાઓ બંધબારણે એવું માની રહ્યા છે કે અલ્પેશ ઠાકોર હવે (રાજનીતિ)માં મરી ચૂક્યો છે, તેની પ્રતિષ્ઠા હવે રહી નથી, તેવા તમામ લોકોને જવાબ આપવા માટે હું એક પછી એક એમ 14 પદયાત્રા કરવાનો છું, અને જેમ બનાસકાંઠામાં લોકો ભેગા થયા તેવી જ રીતે આ તમામ યાત્રાઓમાં લોકો મારી સાથે મોટી સંખ્યામાં જોડાશે."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા અલ્પેશ ઠાકોરે આ ઉપરના શબ્દો કહ્યા હતા.
કોઈ પણ નેતાનું નામ લીધા વગર હાલમાં ભાજપના નેતા એવા ઠાકોરે કહ્યું કે કૉંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોના અનેક નેતાઓ એવો અપ્રચાર કરી રહ્યા છે કે મારી પાસે હવે લોકોનો સપોર્ટ નથી રહ્યો, પરંતુ તેઓ ખોટા છે.
2019ની રાધનપુરની વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર સામે હાર્યાં બાદ તેમણે કહ્યું હતું કે 'હું ફરી પાછો આવીશ.'
જોકે ત્યારબાદ ઘણા સમય સુધી તેઓ ચર્ચામાં રહ્યા નહોતા. જોકે છેલ્લે 2021ના જુલાઈ મહિના બાદ તેઓ ફરીથી સક્રિય થયા છે.
ડિસેમ્બર-2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે, ત્યારે આ સમગ્ર ઘટનાક્રમને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
જન્મદિવસે શક્તિપ્રદર્શન
રવિવારે પોતાનો જન્મદિવસ ઊજવવા માટે ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના દિયોદરથી ટોટાણા ગામ સુધી આશરે 34 કિલોમીટરની પદયાત્રા કરી હતી.
તેમના સમર્થકોનો દાવો છે કે આ પદયાત્રામાં આશરે 40 હજાર લોકોએ ભાગ લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક તરફ અલ્પેશ ઠાકોરે વારંવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે આ એક સામાજિક પ્રસંગ છે, પરંતુ પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે, તેમના વગર અહીં કંઈ જ નહીં થઈ શકે.
બીબીસી સાથેની વાતચીતમાં ઠાકોરે કહ્યું, "જો તમારે આને રાજકીય પ્રદર્શન માનવું હોય તો છૂટ છે, પરંતુ આ પદયાત્રા અમારી સંસ્થા 'ક્ષત્રિય ઠાકોર સેના' અને 'OBC એકતા મંચ' દ્વારા કરવામાં આવી છે."
જોકે તેમણે પછી એમ પણ કહ્યું કે આવનારા સમયમાં 14 પદયાત્રા, ચાર બાઇક રેલીઓ અને કાર રેલીઓ યોજવાનું તેમનું આયોજન છે.
ડિસેમ્બર- 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ઑક્ટોબર મહિનામાં એક મોટી સભામાં રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાઈને રાધનપુર બેઠક પરથી વિધાનસભામાં ધારાસભ્ય ચૂંટાયા બાદ તેમણે 2019માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
2019માં રાધનપુરની પેટાચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા અને કૉંગેસના ઉમેદવારની સામે હારી ગયા હતા.
અમુક રાજકીય વિશ્લેષકોએ તે સમયે કહ્યું હતું કે હવે કદાચ ઠાકોરની રાજકીય કારકિર્દી પૂરી થઈ જશે. ત્યારબાદ તેઓ ભાજપમાં પણ સક્રિય રીતે કામ કરી નથી રહ્યા.
અલ્પેશ ઠાકોરનું રાજકીય મહત્ત્વ કેટલું?
જો રાજકીય વિશ્લેષકોનું માનીએ તો હજી સુધી આ પ્રશ્નનો જવાબ સીધી રીતે 'હા' કે 'ના'માં મળતો નથી.
એક તરફ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના લોકોને તેમના જ સમાજનો એક મજબૂત નેતા જોઈએ છે તો બીજી તરફ ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે, તેઓ કદાચ હાલમાં થોડું કામ કરી શકે, પરંતુ લાંબા સમય સુધી તેઓ રાજનીતિમાં નહીં ચાલી શકે.
આ વિશે વાત કરતા જેએનયુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને ગુજરાતના રાજકારણનો ઝીણવટથી અભ્યાસ કરનાર રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતીને કહ્યું, "અલ્પેશ ઠાકોરનું ગુજરાતના રાજકારણમાં અમુક સમય માટે મહત્ત્વ રહ્યું છે, અને હજી થોડા સમય માટે રહેશે. મુખ્યત્વે ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાયને કારણે તેઓ ગુજરાતની રાજનીતિમાં વારેઘડીએ જોવા મળશે, કારણ કે તેઓ લોકોને ભેગા કરી શકે છે, તેમના કહેવાથી લોકો સભાઓમાં જાય છે."
"પરંતુ તેઓ ગુજરાતની રાજનીતિમાં એક લાંબાગાળા સુધી ચાલી શકે તેવા માસ લીડર તરીકે ઊભરીને આવે તેવી શક્યતા મને ઓછી દેખાઈ રહી છે. તેઓ બેથી પાંચ વિધાનસભા પર ફરક પાડી શકે, તેનાથી વધારે તેઓ કંઈ કરી શકે, તેવું મને મુશ્કેલ લાગી રહ્યું છે."
જોકે આ વિષે રાજકીય વિશ્લેષક મનીષી જાનીનું કહેવું છે, "અલ્પેશ ઠાકોર આઇડેન્ટિટી પોલિટિક્સના ખૂબ જ સારા નેતા છે. હાલમાં ગુજરાતની રાજનીતિમાં પટેલો પછી જો કોઈ વર્ગને રીઝવવાની જરૂર હોય તો તે ઓબીસી સમાજ છે અને ઠાકોર સમાજ તેમાંથી સૌથી મહત્ત્વનો અને મોટી વોટબૅન્કવાળો વર્ગ છે."
"તેવામાં અલ્પેશ ઠાકોર પોતાની આઇડેન્ટિટી પોલિટિક્સ સાથે રાજનીતિમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. પરંતુ જો તેમની પાસે લોકોના મુદ્દા ન હોય અને જો લોકોની વાત તેઓ ન કરી શકે તો કદાચ તેમની નેતાગીરી સારી રીતે ન ખીલે."
અલ્પેશ ઠાકોર પોતાને સમાજસેવક વધુ કહેવડાવાનું પસંદ કરે છે.
તેમની સમાજસેવકની ઇમેજ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "આજના સમયમાં ભારત દેશનાં દરેક રાજ્યોમાં જ્ઞાતિના પીઠબળ વગર રાજનીતિમાં ટકવું મુશ્કેલ છે."
"ઠાકોર સમાજ પાસે જમીનો હોવા ઉપરાંત તેઓ તેમની જેવા જ પટેલ કે ચૌધરી સમાજના લોકો કરતાં હજી પછાત છે અને તે માટે તેનો યુવાવર્ગ હજી સુધી પોતાનો નેતા શોધી રહ્યો છે. આવામાં અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ આ જગ્યાને ભરી શકે છે.'
અલ્પેશ ઠાકોર અને ભાજપ
અલ્પેશ ઠાકોરને બીબીસીએ જ્યારે પૂછ્યું કે તેઓ ભાજપમાં હોવા છતાં ઘણા સમય સુધી પાર્ટીથી નારાજ હતા અને તેના કોઈ મોટા કાર્યક્રમમાં તેઓ દેખાતા નથી, તો તેનો અર્થ શું કાઢવો?
આ સંદર્ભે ઠાકોરે કહ્યું કે હાલમાં તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે સારા સંબંધ છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "અલ્પેશભાઈ ભાજપના નેતા છે અને તેમણે કરેલી પદયાત્રા કે કાર્યોનો પાર્ટીને સીધો ફાયદો થશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો