પદ્મશ્રી હરેકાલા હજાબ્બા : ફળો વેચીને શિક્ષણની અહાલેક જગવનારા નિરક્ષર

સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં અલગઅલગ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન આપનારાઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા.

વર્ષ 2020 માટે 119 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી, જેમાં સાત લોકોને પદ્મવિભૂષણ, 10ને પદ્મભૂષણ તથા 102ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પદ્મ પુરસ્કારો આપવાનો કાર્યક્રમ મંગળવારે પણ ચાલશે. આ દિવસે વર્ષ 2021 માટે 141 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે.

પદ્મ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે તા. 25મી જાન્યુઆરીના કરવામાં આવે છે તથા સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં એનાયત કરી દેવામાં આવે છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે વર્ષ 2020 તથા 2021માં તે નિર્ધારિત સમયે આપી શકાયા ન હતા. આથી બંને વર્ષના સન્માન એકસાથે અપાઈ રહ્યા છે.

સોમવારે વર્ષ 2020 માટે જે લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા, તેમાંથી અનેકની પૃષ્ઠભૂમિ એકદમ સામાન્ય છે. પરંતુ તેમની હામ તથા અસાધારણ સિદ્ધિ તેમને અલગ કરે છે. જેમાંથી એક છે કર્ણાટકના હરેકાલા હજાબ્બા.

સોમવારે તેમને પદ્મશ્રી મળ્યો, તે પછી સોશિયલ મીડિયા પર તેમના ઉચ્ચ વિચાર, સઘન મહેનત તથા અનેક સંઘર્ષની ચર્ચા કરી રહ્યા છે.

ખુદ નિરક્ષર અને ગરીબ હોવા છતાં શિક્ષણનું મહત્ત્વ સમજતા હરેકાલાએ પોતાની બચતમાંથી બેંગલુરુ પાસેના પોતાના ગામ ખાતે વર્ષ 2000માં સ્કૂલ ખોલી હતી.

નવેમ્બર-2012માં બીબીસી સંવાદદાતા વિકાસ પાંડેએ "ફળ વેચીને જગાવી રહ્યા છે શિક્ષણનો અલખ" શીર્ષક હેઠળ રિપોર્ટ તૈયાર કર્યો હતો. બીબીસી ડૉટ કોમ પર છપાયેલા એ અહેવાલના આધારે અમે તેમનું વ્યક્તિચરિત્ર રજૂ કરી રહ્યા છીએ.

શિક્ષણનાં ફળ

દક્ષિણ ભારતના ગરીબ અને નિરક્ષર ફળવિક્રેતા હરેકાલા હજાબ્બાએ મર્યાદિત સાધનો સાથે જે કરી દેખાડ્યું તે રાજ્ય સરકારો તથા શિક્ષણસંસ્થાઓ પણ ઘણી વખત સાથે મળીને ન કરી શકે.

ગામમાં નાનકડી એવી ફળોની દુકાન ધરાવતા હરેકાલાએ પોતાના ખર્ચે ગામમાં બાળકો માટે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ બંધાવી છે.

બેંગલુરુથી 350 કિલોમીટર દૂર ન્યૂપાડપૂ ગામ ખાતે રસ્તા ખરાબ છે તથા ઠેર-ઠેર કીચડ છે, પરંતુ સ્કૂલ જવા માગતી 130 બાળકોની ટોળી માટે તે કોઈ સમસ્યા નથી.

વર્ષ 2000 પહેલાં સુધી ગામમાં સ્કૂલ ન હતી, પરંતુ દરરોજ રૂપિયા 150 કમાનારા હરેકાલા હજાબ્બાએ પોતાની મૂડી દ્વારા ગામમાં પહેલી સ્કૂલ બંધાવી. જે હવે દક્ષિણ કન્નડ જિલ્લા પંચાયત હાઈસ્કૂલના નામથી ઓળખાય છે.

સ્કૂલ ખોલવાની પ્રેરણા

સ્કૂલ ખોલવાની પ્રેરણા ક્યાંથી મળી, તેના વિશે 55 વર્ષીય (હવે 64 વર્ષના) હજાબ્બાએ જણાવ્યું, "એક વખત એક વિદેશીએ મને એક ફળનું નામ અંગ્રેજીમાં પૂછ્યું, ત્યારે મને અહેસાસ થયો કે હું નિરક્ષર છું. મને ખબર ન હતી કે તેનો શું મતલબ થાય?"

તેઓ કહે છે, "ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગામમાં એક પ્રાથમિક સ્કૂલ હોવી જોઈએ, જેથી કરીને મારા ગામનાં બાળકોએ એવું બધું ન વેઠવું પડે, જે મેં ભોગવ્યું."

સ્થાનિકો હરેકાલાના આ પ્રયાસની ભારોભાર પ્રશંસા કરે છે, પરંતુ હજાબ્બા માટે પ્રશંસા કરતાં જરૂરી છે કે તેમણે જે મિશન શરૂ કર્યું છે, તે ચાલુ રહે.

વર્ષ 2000માં જ્યારે તેમણે સ્કૂલની શરૂઆત કરી ત્યારે તેમને કોઈનો સહકાર નહોતો મળ્યો. આમ છતાં મસ્જિદની બાજુમાં આવેલી મદરેસામાં તેમણે સ્કૂલ શરૂ કરાવી અને 28 બાળકો સાથે ભણતર-ગણતરનું કામ શરૂ કરાવ્યું.

સરકારની ભૂમિકા

સમયની સાથે સ્કૂલની ઇમારત તૈયાર થઈ. જેમ-જેમ સ્કૂલની સંખ્યા વધી, તેમ-તેમ વધુ મોટી જગ્યાની જરૂર અનુભવાઈ. ત્યારે તેમણે લૉન માટે અરજી કરી તથા પોતાની બચતમૂડીમાંથી ઇમારતનું નિર્માણકાર્ય શરૂ કરાવ્યું.

હજાબ્બાની આ લગન જોઈને અનેક લોકો તેમને મદદ કરવા માટે આગળ આવ્યા, પરંતુ તેમનું કામ આટલેથી ન અટક્યું.

જ્યારે એક સ્થાનિક અખબારે હજાબ્બાના પ્રયાસોની નોંધ લઈને અહેવાલ છાપ્યો, ત્યારે સરકારે તેમની મદદ માટે રૂ. એક લાખ આપ્યા. એ પછી પણ સહાયની સરવાણી વહેતી રહી.

હજાબ્બાને અત્યાર સુધી અનેક લોકો અને સંસ્થાઓએ અનેક રીતે મદદ કરી છે અને તેમને અનેક પુરસ્કાર આપ્યા છે. સ્થાનિકો તેમને નાયક માને છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો