જનરલ બિપિન રાવતનું રશિયામાં બનેલું હેલિકૉપ્ટર ક્રૅશ કઈ રીતે થયું?

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું તામિલનાડુમાં ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટરની દુર્ઘટનામાં નિધન થયું છે, પરંતુ અહીં સવાલ એ છે કે સૌથી સુરક્ષિત મનાતું ભારતીય વાયુસેનાનું આ હેલિકૉપ્ટર ક્રૅશ કેવી રીતે થયું?

અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'ના રિપોર્ટ અનુસાર, જનરલ રાવત માટે તામિલનાડુ પોલીસે ઝેડ પ્લસ સિક્યૉરિટીની વ્યવસ્થા કરી રાખી હતી.

જનરલ રાવત બુધવારે સુલુર ઍરબૅઝથી તેમનાં પત્ની સહિત સેનાના 14 લોકો સાથે ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટર Mi-17V5માં બેસીને વૅલિંગટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ માટે રવાના થયાં હતાં.

હેલિકૉપ્ટર ક્રેશ કેવી રીતે થયું?

'ધ હિન્દુ'ના રિપોર્ટ અનુસાર, કોઇમ્બતુર સિટી પોલીસે જનરલ રાવતની સુરક્ષામાં ઝેડ પ્લસ સિક્યૉરિટીની વ્યવસ્થા કરી રાખી હતી. જનરલ રાવત આ કૉલેજના કૅડેટને સંબોધિત કરવાના હતા.

અખબારને એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, "અમને જનરલ રાવતના કાફલાના સડકમાર્ગની સુરક્ષાવ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી હતી."

જ્યાં જનરલ રાવતનું હેલિકૉપ્ટર ક્રૅશ થયું. ત્યાંથી 10 કિલોમિટર દૂર વૅલિંગટનમાં હેલિપેડ હતું. અહીં જ હેલિકૉપ્ટર ઊતરવાનું હતું.

હેલિકૉપ્ટર ક્રૅશ થયું ત્યાં હવામાન કેવું હતું?

હેલિપેડ પર તામિલનાડુ પોલીસ તહેનાત હતી. હેલિકૉપ્ટરને નીચે પડતું જોનારા પ્રત્યક્ષદર્શી અને દુર્ઘટનાસ્થળ પર પહોંચનારા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "હવામાન સાફ હતું અને વાદળ પણ નહોતાં."

દુર્ઘટનાને નજરે જોનારા એક સાક્ષીએ અખબારને કહ્યું, "મેં જોયું કે હેલિકૉપ્ટર ખૂબ જ ઓછી ઊંચાઈએ ઊડી રહ્યું હતું. અચાનકથી એ વળ્યું અને એક ઝાડ સાથે અથડાયું. એ બાદ મોટો ધમાકો થયો. હેલિકૉપ્ટર જ્યારે ક્રૅશ થયું ત્યારે હવામાન સાફ હતું."

ઓછી ઊંચાઈએ કેમ ઊડી રહ્યું હતું હેલિકૉપ્ટર?

'ધ હિંદુ'એ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, એવામાં સવાલ એ ઊઠે છે કે હેલિકૉપ્ટર આટલી ઓછી ઊંચાઈએ કેમ ઊડતું હતું? શું પાઇલટને ઍરટ્રાફિક કંટ્રોલ અથવા આર્મી કંટ્રોલ તરફથી હવામાનને લઈને કોઈ ઍલર્ટ અપાઈ હતી?

તામિલનાડુ પોલીસના અધિકારીઓએ અખબારને કહ્યું કે, "હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે."

પ્લૅનેટ-ઍક્સ ઍરોસ્પેસ સર્વિસિઝ લિમિટેડના નિદેશક અને સીઈઓએ 'ધ હિન્દુ'ને જણાવ્યું,"Mi-17V ખૂબ જ વિશ્વસનીય હેલિકૉપ્ટર છે. ઉત્તરાખંડ જેવાં રાજ્યોમાં ઊંચાઈ પર રાહત બચાવકાર્ય માટે હંમેશાં તેનો ઉપયોગ કરવામાં આવે છે."

એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થવાના અન્ય કિસ્સા

વર્ષ 2013માં કેદારનાથમાં સર્જાયેલી હોનારત બાદ રેસ્ક્યૂ ઑપરેશન દરમિયાન એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું. જેમાં 20 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, આ દુર્ઘટનાના મૃતકોમાં એનડીઆરએફના નવ અને આઈટીબીપીના છ જવાનો પણ સામેલ હતા.

ઑક્ટોબર 2017માં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઍરફૉર્સનું એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું. જેમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, સવારે 6 વાગ્યાના સુમારે ઍર મેન્ટનન્સ મિશન દરમિયાન ચીન બૉર્ડર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.

મૃતકોમાં ઍરફૉર્સના પાંચ અને આર્મીના બે જવાનોનો સમાવેશ થતો હતો. ફેબ્રુઆરી 2019માં શ્રીનગર ખાતે એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર ધડાકાભેર ક્રૅશ થયું હતું.

ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, આ દુર્ઘટનામાં ભારતીય વાયુ સેનાના છ જવાનો અને સામાન્ય નાગરિકનાં મોત નીપજ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો